સુગંધ માત્રથી શ્વાસો ભરી નથી રહેવું
દુ:ખોને અવગણી સ્હેજે સુખી નથી રહેવું
અનિચ્છનીય બનાવોય છે બગીચામાં
પતંગિયા કે ગુલાબો ગણી નથી રહેવું
મને ન ત્યાગ સમંદર મને પરત લઈજા
ત્યજીને પ્રાણ કિનારે પડી નથી રહેવું
નકામો હક કે અધિકાર ના જતાવે ક્યાંક!
કોઈના મનમાં હવે કાયમી નથી રહેવું
ઉપાય છે જ છે એકલતા દૂર કરવાનો
પરંતુ ભીતરે કોઈ વતી નથી રહેવું
થયું કઠિન છે મંડપ ઉતારવાનું કામ
હવે પ્રસંગમાં છેલ્લે સુધી નથી રહેવું
તમારા ધ્યેયને ઢાંકે છે હાજરી મારી
તમારા માર્ગમાં ધુમ્મસ બની નથી રહેવું
– ભાવિન ગોપાણી