Category Archives: કવિઓ

તું ફક્ત ના હાર જો કે જીત જો – મુકેશ જોષી

તું ફક્ત ના હાર જો કે જીત જો
યુદ્ધ કરવાનીયે એની રીત જો

દુશ્મનો હથિયાર હેઠાં ફેંકશે
મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો

હું ગઝલના ગામમાં રહેવા ગયો
યાદ આવ્યું તોય પાછું ગીત જો

ભાગ અંદર આ પ્રસિદ્ધિની ક્ષણે
કોક બાંધે છે અહમની ભીંત જો

કામ સહુ પૂરાં કરીને નીકળ્યા
યાદ આવ્યું રહી ગઈ લ્યાપ્રીત જો

– મુકેશ જોષી

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ

અમે મુસાફરો – મકરંદ દવે

અમે મુસાફરો, મુસાફરો મહાન ખલ્કના !

વૃદ્ધ ભૂતકાળ બાળ શો હતો રહ્યો રમી
સૃષ્ટિ આ કુમારી વિશ્વમાં નવી ઉષા સમી
ઊઘડી હતી ત્યહીં
મુગ્ધતા અહીં ;

ત્યારે દેશ દેશ મુલ્ક મલકમાં ભમી ભમી
અમે પ્રથમ ધરા મહીં ભરેલ ગીત હર્ષનાં
અમે મુસાફરો ! મુસાફરો અનંત વર્ષના.

અમે મુસાફરો ! કમાલ કારવાં જુઓ ચલે !
ગીચ જંગલે નવીન કેડી જાય પાડતા
કાળમીંઢ પર્વતોની ભીંતને ઉખાડતા
શુષ્ક રણે બાગ સૌ બહારના ઉગાડતા,

સમુદ્રને મહા પટે
અનેક નદીને તટે
વહી રહ્યા, વધી રહ્યા, કદમ કદમ પળે પળે;
અમે મુસાફરો, મુસાફરો સદા ગતિભર્યા
અમે વિશાળ સર્વ માટે માર્ગ મોકળા ધર્યા.

પ્રકૃતિના ચાહકો
સંસ્કૃતિના વાહકો
સૌન્દર્ય, પ્રેમ, પુણ્યના પ્રથમ અમે ઉપાસકો ;
અમે મુસાફરો, અમારી કૂચ મુક્તિ કારણે
ટે’લ નાખતા જઈ યુગોથી સર્વ બારણે,

સાથ આવો ! અંધકાર છોડી કોટડી તણા
સાથ આવો ! બેડીબંધ તોડીને રિબામણા
સાથ આવો ! નોતરી રહી નવી વિચારણા ;

અમે મુસાફરો, મુસાફરો પ્રદીપ મુક્તિના
પંથ કોડિયાં જલાવતા પ્રસુપ્ત શક્તિનાં
પ્રકાશ તણા ગાયકો
અમે મહાન સ્વપ્ન સાથ સત્યના વિધાયકો.
 – મકરંદ દવે

બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ

શબ્દ રચના: મીરા બાઈ
સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

બંસીવાલા આજે મોરા દેસ
તોરી સાંવરી સુરત હદ વેસ

આવન આવન કહે ગયે
કર ગયે કોલ અનેક
ગિણતાં ગિણતાં ઘીસ ગયી જિભા
હારી આંગળિયારી રેખ

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી
ઢૂંઢયો સારો દેસ
તોરે કારણ જોગણ હોઉન્ગી
કરુંગી ભગવો વેસ

મોર મુગુટ શિર છત્ર બિરાજે
ઘૂંઘરિયાળાં કેસ
મીરા કે પ્રભુ ગિરિધર નાગર
આવો ને એણી વેસ
– મીરાંબાઈ

તમારી યાદની -અમૃતલાલ દવે

શબ્દ રચના: અમૃતલાલ દવે
સ્વર રચના : જયદેવ ભોજક
કંઠ: માધ્વી મહેતા

.

તમારી યાદ ની હું ક્યાં જઉં ફરિયાદ કરવાને
નથી ઉપયોગી આ એકે અદાલત ન્યાય કરવાને

બની ને પ્રેમ માં પાગલ, કરી પરવા ન દૌલત ની
કરું અવ ખર્ચ પણ શેનો, મુકદ્દમો પાર કરવા ને

ભલે એ કોઈ ના દે દાદ કિન્તુ ચાંદની ઝરતી
હશે ને જોડ સારસ ની હશે નીકળી વિહારવાને

ટહુકો માનિની મદહર હશે કો કોકિલા કરતી
થશે ત્યારે અનુકૂળ એ અદાલત ન્યાય કરવા ને
-અમૃતલાલ દવે

શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”

શબ્દ રચના: “પરિમલ”
સ્વર રચના : જયદેવ ભોજક
સ્વરઃ માધ્વી મહેતા
આ 40 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે.

.

શ્યામ મને અંગે લગાવે તો આવું
કે રાધારાણી રટે ચડ્યાં રે લોલ
અંગ અંગ શ્યામલ બનાવે તો આવું
કે રાધારાણી રટે ચડયાં રે લોલ

રાધા તું શ્યામ બને શ્યામ ને ન ભાવે
ભોળી રાધા ને કોણ સમજાવે
કોઈ ને ના બંસી સુણાવે તો આવું

કાન્હા ની બંસી તો દુનિયા ની બંસી
નર ને નારીઓના હૈયા ને ડંસી
અવની થી આંખ બચાવે તો આવું

બંસી થી કાન્હા એ દુનિયા ને રંગી
એ ના સરજી આ પૃથ્વી ઉમંગી
અંગ અંગ બંસી બનાવે તો આવું
-“પરિમલ”

મારું એકાંત – પન્ના નાયક

Radhanagar beach, Andaman… Photo: Vivek Tailor

મને ગમે છે
મારું એકાંત.

ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારે માટેની શોધ
આરંભાતી હોય છે,

અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,

અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…

-પન્ના નાયક

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે – વિવેક મનહર ટેલર

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?

વાણીનો ‘નહીં બનેલ’ સેતુ તારા-મારા કાંઠા વચ્ચે,
એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!

નહીં લખેલાં વાંચ્યાં કાવ્યો, નહીં રચેલાં ગાયાં ગીતો,
નહીં કરેલી થઈ ગઈ પ્રીતો, ‘નથી’ હતાં એ ‘છે’ મનમીતો;
એક નજરનો જાદુ છે કે પ્રેમ થયો પરગટ પથ્થરમાં.

એક નજરનું રેશમ ઝાલી કરાડ સૌ વિકરાળ ચડીશું,
સહિયારા શ્વાસોના સ્પર્શે સમજણને સંકાશ અડીશું;
ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૭-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: રમેશ પારેખ: ‘ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં’)

સજાવે વેણી સુંદર શ્યામ – સુરેશા મજમુંદા

શબ્દ રચના : સુરેશા મજમુંદા
સ્વર રચના : જયદેવ ભોજક
કંઠ: માધ્વી મહેતા
આ 40 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે.

.

મલય તણાં એ મસ્ત પવન થી છૂટી કેશ કમાન
સજાવે વેણી સુંદર શ્યામ

પલાશ નાં રાતા રંગો પર
પાથરી વસ્ત્ર ધરી અંગો પર
વસન્ત કેરાં અનંગ રંગે
અંકાયા બે નામ

મલમલ સરખા લઈ મોગરા
ગુલાબ નાં ગુંજે છે ભમરા
મનગમતી વેણી લઈ હાથે
ગૂંથે છે ઘનશ્યામ

પ્રિયમુખ જોઈ જ્યાં મલક્યા
રાધા કેશ કરે થી સરક્યા
હસતા કે રાધા હાર્યા છો
હૃદય જીત્યા છો શ્યામ
– સુરેશા મજમુંદા

બબાલ – કૃષ્ણ દવે

કવિ કૃષ્ણદવેની પ્રતિલિપિ સાથેના એક મુલાકાત કાર્યક્રમની સુંદર વિડીયો યુટ્યુબ ઉપર છે જેમાં કૃષ્ણ દવે આ કવિતાનું પઠન કરે છે.

એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ

– કૃષ્ણ દવે