Category Archives: ટહુકો

આછી આછી રે મધરાતે – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં ઝીલ્યો, આછો જાગમાં ઝીલાયો.
ઝીલાયો ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને.

જાળીયે ચડીને અમે ઝૂલણતું   દીઠું કાંઈ
ફળિયે મોંસૂઝણાનું ઝાડ
અમે રે જીવણ બંધે પરબીડિયુંને,
તમે કાગળની માહ્યલું લખાણ.
મારા વેણના અભાવે જીવણ, મોહ્યો રે તને.

ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે,
એવું અમને તો ઊગતાં ન આવડ્યું.
ઓછા ઓછા અડધેરી છાતીએ ઊભાર્યા પછી
આપ લાગી પૂગતાં ન આવડ્યું
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને.

– રમેશ પારેખ

चंदा धीरे धीरे जाना … (વ્હાલા મીરા Aunty ને શ્રધ્ધાંજલી )

ગયા શનિવારે – એપ્રિલ ૫, ૨૦૧૪ ના દિવસે અમારા Bay Area ના દરેક કલાકાર અને સંગીતપ્રેમીના ‘Musical Mother’ એવા મીરાબેન મહેતા – એ અમારી વચ્ચેથી physical વિદાય લીધી. એમનું દિલખુશ હાસ્ય અને એમના તરફથી કલાકારોને મળતી દાદ એમની સ્થૂળ હાજરી વગર પણ અહીં Bay Area ના દરેક કાર્યક્રમમાં હંમેશા ગૂંજતી રહેશે.

મીરા Aunty – સંગીત-સાહિત્યને ચાહનારા તો ઘણા છે પણ તમારા જેટલું સમર્પણ કરનાર કોઇ નહીં મળે.. તમારૂં જીવન અમને હંમેશા પ્રેરણારૂપ રહ્યું છે અને રહેશે! May you rest in the eternity of Music… આજે આ ‘ટહુકો વાળી’ એ ટહુકો પર તમારૂં મનગમતું ભજન મુક્યું છે. તમને ગમ્યું ને?

 10173816_10202180500769737_695421610_n

સ્વર – પ્રેમ ત્રિકાનંદજી
આલ્બમ – પ્રેમ અર્પણ (Click to download album from Amazon)

चंदा धीरे धीरे जाना
आज मेरे घर प्रभु आयेंगे,
ज़रा तू दीप दिखाना

पल पल करके बीत गया दिन
प्रभु मेरे नहीं आये
प्रभु आयेंगे प्रभु आयेंगे
सांस सांस ये गाये

आधी रात हरी दर्शन देंगे
तू भी दर्शन पाना…. चंदा…

अम्बर के कुछ तारे देदे
प्रभुका हार बनाउ
ज़रासा रूपा दे दे तन का
नुपुर चरण सजाउ

भूल गए होंगे पथ प्रभुजी
ज़रा तू पथ दिखलाना… चंदा…

भोले भले मोहन चंदा
आवन कह नहीं आये
प्रीत लगाकर अपना बनाकर
बार बार बिसराये

पंथ निहार रही है मीरा
ज़रा तू याद दिलाना… चंदा…

– ?

પુંકેસરની છાતી ફાટી છે – વિવેક મનહર ટેલર

flowers by Vivek

(પુંકેસરની છાતી…  …લેહની ધરતી પરથી, જુન, ૨૦૧૩     Picture by: Vivek Tailor)

*

સવાર ફાટી પડી, આ શી ઘડબડાટી છે ?
નિયત આ રાતની શા માટે આજે ખાટી છે ?

યુગો પછી આ પુંકેસરની છાતી ફાટી છે,
નિતાંત પાનખરે શેની આ ગુલાંટી છે ?

ઉષરભૂમિને શું જુએ છે ? હા, એ હું જ છું પણ
તું આવ, ત્યાં જો કઈ શક્યતાઓ દાટી છે ?

એ લાગણીનું બીજું નામ આપવું શું, કહો
ડૂબો જ્યાં તળ સુધી પણ થાય કે સપાટી છે.

પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !

મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?

ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.

ચકિત ન થા તું, પ્રલાપોથી કોરા કાગળના,
ગઝલ ! તું હોય નહીં એ જ સનસનાટી છે…

વકી છે, આજે પ્રથમવાર એ નજર ફેંકે,
ગઝલની આખીય કાયામાં ઝણઝણાટી છે.

– વિવેક મનહર ટેલર
(૦૨/૦૩-૦૪-૨૦૧૩)

વગડા વચ્ચે – જયંત પાઠક

વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
ફૂલમાં ફોરમ થૈને પોઢો તમે ભલાજી…
એક કરી લો ભૂલ !

ઉપર ઝૂક્યાં ઝાડ ભલાજી લ્હેર લ્હેરમાં ડોલે,
ભીતર ભીના પ્હાડ, પ્હાડમાં લીલી કોયલ બોલે;
તમે પ્હાડમાં સૂરજ થૈને ઊગો ભલાજી…
એક કરી લો ભૂલ !

સળવળ સળવળ તલાવડીમાં રમે રાતની પરી
પાંખો હેઠળ ચાંદ લઈને તને ચાંદની નરી
ચાંદ થઈને ઊંચીનીચી સળવળ સળવળ
થતી છાતીએ ભલાજી…
એક કરી લો ભૂલ !

ચારે કાંઠે તલાવડીના લીલું લીલું ઘાસ,
ભીના ભીના પાથરણામાં ભીની માટીની વાસ;
માટી થૈને ભરી દિયો મઘમઘથી
મારા શ્વાસ ભલાજી….
એક કરી લો ભૂલ !

– જયંત પાઠક

રાત રહે જાહરે પાછલી ખટઘડી – નરસિંહ મહેતા

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર

રાત રહે જાહરે પાછલી ખટઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત

આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી … રાત

– નરસિંહ મહેતા

વસંતી વિકળ વાયરો છે પછી શું? – હેમેન શાહ

ફક્ત પ્રશ્ન એક જ ખરો છે : ‘પછી શું?’
હજી હાથમાં મોગરો છે પછી શું?

સમંદર અહીં છીછરો છે પછી શું?
વખત પૂરતો મહાવરો છે પછી શું?

ગળી જાવ – ચાવો – ચૂસો – થૂંકી નાખો,
સમય જીભ પર કરકરો છે પછી શું?

દિવસ ખાખી કપડે જ હાજર થવાનો,
ગુલાબી આ ઉજાગરો છે પછી શું?

અગર કાવ્ય જેવું છે બ્રહ્માંડ તો પણ,
જો દુર્બોધ આ અક્ષરો છે પછી શું?

ફકીરો ગઝલ ગાય ઇશ્કે-મિજાજી,
વસંતી વિકળ વાયરો છે પછી શું?

– હેમેન શાહ

કેસૂડાના રંગ ભરી… – અમિત ત્રિવેદી

સ્વર – સ્વરાંકન : રવિન નાયક

(Picture from : Flicker.Com)

કેસૂડાના રંગ ભરી, સપનાનો સંગ કરી આવ્યો પવન
સાંવરિયો નેહ ભરી,ઘરનું સરનામું લખી લાવ્યો પવન

સર સર સરતો સમીરા ,
ફર ફર ફરતી ફોરમ
રંગ રંગ મ્હોર્યો ઊમંગ,
બારસાખે બાંધીને તોરણ

હૈયામાં ગીત ભરી, કોકિલ કંઠ બની આવ્યો પવન
સોનેરી રંગ ભરી સાંવરનું નામ લખી લાવ્યો પવન

ધોમ ધોમ વૈશાખી તાપનો ,
અગન ઠારતો પવન
અષાઢી મેઘલી રાતે,
રોમ રોમ છલકે મધુવન

મખમલિયા સપના, મનગમતા ઠામે દોરી લાવ્યો પવન
ખાલીખમ આંખોમાં, રેશમિયું અજવાળું લઇ આવ્યો પવન

– અમિત ત્રિવેદી

રે’શું અમેય ગુમાનમાં – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

ખોલીશું બારણાને લેશું ઓવારણાં,
આવકારા દેશું શાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

લાપસિયું ચોળશું ને ચરણો પખાળશું
મુખવાસા દે’શું પાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

મીંરા કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દે;શું દાનમાં
હરિ સંગ નહિ બોલીયે…

– રમેશ પારેખ

શ્રી શિવ સ્તુતિ – નયનાબેન દેસાઇ

શ્રી હાટકેશ ઉમાપતિ અખિલેશ્વરમ શ્રી મહેશ્વરમ
હે દયાનિધિ કરુણાકરમ વરદેશ્વરમ મમ વંદનમ
શ્રી હાટકેશ ઉમાપતિ અખિલેશ્વરમ શ્રી મહેશ્વરમ

ગંગેશ્વરમ ગૌરીશ્વરમ ગિરિજાપતિ શ્રી મહેશ્વરમ
શ્રી ત્ર્યંબકેશ ત્રિલોચનમ વિશ્વેશ્વરમ શ્રી મહેશ્વરમ
હે દયાનિધિ કરુણાકરમ વરદેશ્વરમ મમ વંદનમ
શ્રી હાટકેશ……

નંદીશ્વરમ નારેશ્વરમ નિખિલેશ્વરમ શ્રી મહેશ્વરમ
શ્રી આસુતોષ અભયંકરમ જગદીશ્વરમ શ્રી મહેશ્વરમ
હે દયાનિધિ કરુણાકરમ વરદેશ્વરમ મમ વંદનમ
શ્રી હાટકેશ ….

પ્રાણેશ્વરમ પૂરણેશ્વરમ પરમેશ્વરમ શ્રી મહેશ્વરમ
શ્રી નીલકંઠ નિરંજનમ ત્રિપુરેશ્વરમ શ્રી મહેશ્વરમ
હે દયાનિધિ કરુણાકરમ વરદેશ્વરમ મમ વંદનમ
શ્રી હાટકેશ ….

– નયનાબેન દેસાઇ (મુંબઇ)

ચાંદો સૂરજ રમતા’તા…

અમે ચાંદો સૂરજ રમતા’તા
રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં
ચીભડે મને બી દીધાં

બી બધાં મે વાડમાં નાખ્યાં
વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો
ગાયે મને દૂધ આપ્યું

દૂધ મેં મોરને પાયું
મોરે મને પીછું આપ્યું
પીંછુ મેં બાદશાહને આપ્યું
બાદશાહે મને ઘોડો આપ્યો

ઘોડો મેં બાવળિયે બાંધ્યો
બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી
ટીંબે મને માટી આપી

માટી મેં કુંભારને આપી
કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો
કૂવાએ મને પાણી આપ્યું

પાણી મેં છોડને પાયું
છોડે મને ફૂલ આપ્યાં
ફુલ મેં પૂજારીને આપ્યા
પૂજારીએ મને પ્રસાદ આપ્યો

પ્રસાદ મેં બાને આપ્યો
બાએ મને લાડવો આપ્યો
એ લાડવો હું ખાઈ ગ્યો
ને હું આવડો મોટો થઈ ગ્યો

આભર – માવજીભાઈ.કોમ