Category Archives: ટહુકો

હરિ, કેટલી વાર ? – મુકેશ જોષી

હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર…..

પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ….

ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ…..

તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર….. હરિ…..

– મુકેશ જોષી

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

સ્વર – હેમુ ગઢવી અને સાથીઓ

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને માથાના અંબોડામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને પાઘડીના આંટામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને હૈયાંના હિલોળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને હાથની હથેળીમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને પગની પાનીમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે

નવા વર્ષની શુભકામનાઓ…

નવા વર્ષની શરૂઆતે એક-બે કવિતા કે લેખ નહીં, આખે આખું ‘શબ્દ’ સામાયિક તમારા માટે… સ્યાહી.કોમ દ્વારા કવિ-લેખકોના શબ્દને આપણા સુધી પહોંચાડનાર કવિ શ્રી અનિલ જોષી ‘શબ્દ’ના તંત્રી છે – અને એકવાર સ્યાહી.કોમ પર તમારું નામ અને ઇમેઇલ એડ્રેસ આપશો એટલે આ ‘શબ્દ’ આપને વિના મૂલ્યે દર મહિને મળતો રહેશે.

‘શબ્દ’નો પહેલો અંક વાંચવા અહીં નીચેના ચિત્ર પર ક્લિક કરો.

shabd_1

shabd_1_sept_20142

એને નવું વર્ષ કહેવાય… – અંકિત ત્રિવેદી

ene navu varsh
…તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય!

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય…
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય…

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય…

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય
એને નવું વર્ષ કહેવાય…

– અંકિત ત્રિવેદી

ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી – ઈન્દુલાલ ગાંધી

દિવાળીના દિન આવતા જાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

માથે હતું કાળી રાતનું ધાબુ
માગીતાગી કર્યો એકઠો સાબુ
કોડી વિનાની હું કેટલે આંબુ
રૂદિયામાં એમ રડતી છાની
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

લૂગડાંમાં એક સાડલો જૂનો
ઘાઘરો મેલો દાટ કે’દુનો
કમખાએ કર્યો કેવડો ગુનો
તંઈણ ત્રોફાયેલ ચીંથરાંને
કેમ ઝીંકવા તાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

ઘાઘરો પહેરે ને ઓઢણું ધૂવે
ઓઢણું પહેરે ને ઘાઘરો ધૂવે
બીતી બીતી ચારે કોર્યમાં જૂએ
એના ઉઘાડા અંગમાંથી
એનો આતમો ચૂવે

લાખ ટકાની આબરુંને
એણે સોડમાં તાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

ઊભા ઊભા કરે ઝાડવા વાતું
ચીભડાં વેંચીને પેટડાં ભરતી
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું
વસ્તર વિનાની અસ્તરી જાતને હાટું
આ પડી જતી નથી કેમ મોલાતું?
શિયાળવાની વછૂટતી વાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું
કેમ થાવું એને ઝૂંપડી ભેળું
વાયુની પાંખ ઉડાડતી વેળુ
ઠેસ ઠેબા ગડથોલીયા ખાતી
કૂબે પટકાણી રાંકની રાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

-ઈન્દુલાલ ગાંધી

પારેવડા જાજે પીયુ ને દેશ – કાંતિ અશોક

કવિ – કાંતિ અશોક
સ્વરકાર – અવિનાશ વ્યાસ
સ્વર – અનુરાધા

10391466_200096701366_2754807_n
એક શમણું આથમવાને આરે…
Sunset at Chhari-Dhaand Grassland, Kero Dungar (Picture – Vivek Tailor)

પારેવડા જાજે પીયુ ને દેશ
લઇ જાજે મારો સંદેશ …

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો – વેણીભાઈ પુરોહિત

સ્વરઃ મન્ના ડે અને પ્રીતિ સાગર
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ સુરેશકુમાર
ચિત્રપટઃ ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૭૨)

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો
ફૂલોની ફોરમનું ગીત એક ગાઈ ગયો
ગાઈ ગયો, ગાઈ ગયો.

આકાશી લાલીથી પારસની પ્યાલીથી
પચરંગી અમરત સંતોષ મને પાઈ ગયો
પાઈ ગયો, પાઈ ગયો.

તમને જોયા ને જરા…

દર્શનના દરબારે અધવચ અંજાઈ ગયો
વાંચી મેં આંખડી તો પંજો વંચાઈ ગયો
રસ્તામાં પવન કોઈ વરણાગી વાઈ ગયો
વાઈ ગયો, વાઈ ગયો.

રસ્તે રોકાઈ ગયો…

જંતરના ઝણકારે, પન્નાના પલકારે
ઠકરાતી ઠોકર હું ચાલમાં જ ખાઈ ગયો
ખાઈ ગયો, ખાઈ ગયો.

તમને જોયાને જરા…

શ્રાવણની સરગમથી તડકો ભીંજાઈ ગયો
મારગની વચ્ચે ક્યાં મારગ ઢંકાઈ ગયો
મેહુલીયા મંડપમાં મહુવરીયો છાઈ ગયો
છાઈ ગયો, છાઈ ગયો.

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો
ફૂલોની ફોરમનું ગીત એક ગાઈ ગયો
ગાઈ ગયો, ગાઈ ગયો.

– વેણીભાઈ પુરોહિત

(આભાર ઃ માવજીભાઇ.કોમ)

ગરબા – મેઘલતા મહેતા

આજે નવરાત્રીના છેલ્લા દિવસે સાંભળીએ અમારા બે-એરિયાના જાણીતા કવયિત્રી શ્રીમતી મેઘલતાબેન મહેતાની કલમે લખાયેલા થોડા મઝાના ગરબા. આ બધા ગરબા જે ‘સાહ્યબો મારો’ આલ્બમમાંથી લેવાયા છે, એ તમે એમની વેબસાઇટ પરથી – અહીં ક્લિક કરીને – મેળવી શકશો.

***

નથણી મારી ..

સ્વર : માધ્વી-અસીમ મહેતા
સ્વરાંકન અને સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

*****

મા મારી નજર્યુંની…

સ્વર – સ્વરાંકન : માધ્વી-અસીમ મહેતા
સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

*****

સોના રૂપાનું મારું બેડલું

સ્વર – સ્વરાંકન : માધ્વી-અસીમ મહેતા
સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

અમ વચ્ચે બાપુ અમર રહો ! – જુગતરામ દવે


થોડા દિવસ પહેલા મમ્મીના અવાજમાં ‘બાપુજીના પાઠ તમે ભણી જુઓ’ ગીત મૂક્યું હતુ, યાદ છે? (રેંટિયા બારસના દિવસે). એ ગીતની કોમેંટમાં રસિકભાઇએ એક બીજા ગીતના શબ્દો લખ્યા ‘એનું જીવનકાર્ય અખંડ તપો..’ મેં જ્યારે મમ્મીને એ કોમેંટ વાંચી સંભળાવી, મમ્મીએ મને આખું ગીત સંભળાવી દીધું.

એટલે મને થયું, તિથી પ્રમાણે ગાંધીજીની જન્મજયંતિ ઉજવી, તો તારીખ પ્રમાણે બીજી ઓક્ટોબર પણ ઉજવશું જ ને – ત્યારે આ ગીત મુકશું ટહુકો પર.

ગાંધી બાપુને અંતરના પ્રણામ સાથે સાંભળીએ આ ગીત…

સ્વર – ગુલાબબેન ભક્ત

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

એના જીવનમંત્ર સમો ચરખો
પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !

અમ જીવનમાં અમ અંતરમાં
એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !

અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
એની પાવક આતમજ્વાળ દહો !

એનો સત્યનો સૂર્ય સદાય તપો
અમ પાપ-નિરાશાના મેલ દહો !

એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
અમ ભારતનાં સહુ ક્લેશ વહો !

એણે જીવતાં રામ સદાય રટ્યા,
એ તો ‘રામ’ વદીને વિદાય થયા;

લઘુ માનવમાં મહિમા ભરવા
નિજ લોહી અશેષ વહાવી ગયા.

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

– જુગતરામ દવે

મુને એકલી મૂકીને રમે રાસ – રિષભ Group

. . . . . . .

હે મુને એકલી મૂકીને રમે રાસ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ.

મનની માનેલી તને, મેલું શું એકલી
વા’લી લાગે છે મુને, રાધા રુઠેલી
હે મારા તનમનમાં તારો રે અવાજ
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….

અરે નંદનો કિશોર, આ તો નિકળ્યો રે ચોર
મેં તો માન્યો તો મોર, આ તો હરાયો ઢોર
હે મારે નથી જાવું એની ઓર
રંગીલા રાજા હવે નહી આવું તારી પસ
હે મુને એકલી….