Category Archives: ટહુકો

સાધો, શબ્દસાધના કીજે -કબીરસાહેબ

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સાધો, શબ્દસાધના કીજે,
જેહિ શબ્દ તે પ્રગટ ભએ સબ શબ્દ સોઈ ગહિ લીજૈ.

શબ્દહિ ગુરુ શબ્દ સુનિ સિખ ભૈ સો બિરલા બૂઝૈ,
સાંઈ શિષ્ય ઔર ગુરુ મહામત જેઈ અંતરગત સૂઝૈ.

શબ્દૈ વેદ પુરાન કહત હૈ શબ્દૈ સબ ઠહરાવૈ,
શબ્દૈ સુરમુનિ સંત કહત હૈ શબ્દભેદ નહિ પાવે.

શબ્દૈ સુનિસુનિ ભેખ ધરત હૈ શબ્દૈ કહે અનુરાગી,
ષટદર્શન સબ શબ્દ કહત હૈ શબ્દ કહૈ બૈરાગી.

શબ્દૈ માયા જગ ઉતપાની શબ્દૈ કેર પસારા,
કહ કબીર જહં શબ્દ હોત હૈ તબન ભેદ હૈ ન્યારા.
-કબીરસાહેબ

અમે બરફનાં પંખી રે ભાઈ – અનિલ જોશી

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
– અનિલ જોશી

અમે તો ગીત ગાનારા – પ્રિયકાંત મણિયાર

સ્વરાંકનઃ અમર ભટ્ટ
સ્વર: અમર ભટ્ટ

.

અમે તો ગીત ગાનારા
પ્રીત પાનારા
સાવ છલોછલ જઈએ ઢળી
પૂછીએ નહી ગાછીએ નહી મનમાં જઈએ ઢળી,
કોઈના મનમાં જઈએ મળી

આંખને મારગ અંદર જઈએ, ટેરવે કરીએ વાત,
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,
અમારે નિતની શરદ રાત,
આટલા ધગે તારલા એ તો વણ ખીલેલી મોગરકળી.

પુલ બનીને જલને જોવા ઉપજે દાહ,
સરકી જાતી ટ્રેનના પાટા અંતર ભરતા આહ,
જાણીએ અમે કોઈની એવી વેદના વળી.

સાગરના એ ક્ષારથી છૂટા – આભથી અંતરિયાળ,
જલને વહેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ,
કાળની કંકુશીશી એમાં ચાંલ્લો કરવા ક્ષણની સળી,
અમે ક્ષણની સળી.
– પ્રિયકાંત મણિયાર

ટન ટન બેલ પડ્યો -રૂપાંગ ખાનસાહેબ

.

ટન ટન ટન બેલ પડ્યો ને, સ્કુલમાં થઇ ગઈ છુટ્ટી
ભરી દફતર ખભે મુકીને મે તો દોટ મૂકી..
પાંજરામાંનું પંખી જાણે જાય આકાશે ઉડી… જાય આકાશે ઉડી..

યુનિફોર્મ છે વિખરાયેલો ને છે ખુલ્લું દફતર
બુટની દોરી છુટ્ટી ને બેલ્ટ ઢીલો ને બક્કલ..
સ્કુલ તો લાગે જાણે મેદાને એ દંગલ.. ટન ટન ટન બેલ ..

નોટબૂકના પાનાં ફાડીને પ્લેઈન બનાવવા બેઠા
સ્કુલના દરવાજે અમે તો રીક્ષા કાજે બેઠા
થઇ રહી છે ચોપડાઓની જુઓ અદલા-બદલી
લંચબોક્ષ ખાલી કરવાની છે ઉતાવળ કેટલી…ટન ટન ટન બેલ..
-રૂપાંગ ખાનસાહેબ

એક કાચી સોપારીનો કટકો રે – વિનોદ જોશી

કાવ્ય ગાન – કવિ શ્રી વિનોદ જોષી

એક કાચી સોપારીનો કટકો રે

એક લીલું લવિંગડીનું પાન
આવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો……

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ ?

એક વાંકી મોજ્જલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે… તમે ઝીલજો રે… એના મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો…….

ઊંચી મેડી ને એના ઊંચા ઝરુખડા
નીચી નજરુંનાં મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ !

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે… તમે માણજો રે… એનું વાતું જુવાન
એક કાચી સોપારીનો…..

– વિનોદ જોશી

ચોકલેટનો બંગલો

સ્વરાંકન: રૂપાંગ ખાનસાહેબ
સ્વર: દ્રવિતા ચોકસી

.

હોય એક સુંદર ચોકલેટનો બંગલો, ચમકતો ચાંદામામા કેરા રંગનો.
ચોકલેટના બંગલાને ટોફીના દ્વાર, ખિસકોલી પૂંછડે ઝાડુનો માર.
હોય એક…

ગોળ ગોળ લેમનનો ગોખલો છે નાનો, હલો હલો કરવાનો ફોન એક છાનો
બિસ્કીટને ટોડલે સુંદર છે મોર. પીપરમીંટના આંગણામાં લાલ ફૂલ ડોલ,
હોય એક…

ચાંદીના ઝાડ પાછળ ચાંદામામા ભમતા. મોતીના ફલોમાં સંતાકુકડી રમતા.
ઉંચે ઉંચે હિચકો ખૂબ ઝૂલે ઝૂલ, મેનાનું પીંજરું ટાંગે રંગલો.
હોય એક …

આ અમારો બચુડો અંગ્રેજી ભણવા જાય

સ્વરાંકનઃ મહેશ દવે
સ્વર: યુનુશ અને દેવેશ

.

આ અમારો બચુડો અંગ્રેજી ભણવા જાય
કહે કદી એ હાય, કદી કહે ગુડબાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય.

પોએટ્રી તું પટ પટ બોલે, દાદીનો દેસી કાન,
swan કહે તું હંસને, દાદી સમજે શ્વાન,
દહાડે દહાડે ત્રીજી પેઢી દુર જતી દેખાય.. આ અમારો બચુડો

મેઘધનુષી ગુર્જરભાષા કેટલાં એના રંગ.
દાદીમાની કહેવત સુણી દુનિયા આખી દંગ.
પણ અંગ્રેજીથી રંગી દીધું તે તો આખું સ્કાય.. આ અમારો બચુડો

તું અંગ્રેજી બોલે ત્યારે દાદાજી પણ ઝૂલે,
કેમ કરી ચાલે રે બચુડા ગુજરાતી જો ભૂલે,
ભલે હોઠે ઈંગ્લીશ, હૈયે ગુજરાતી સચવાય .. આ અમારો બચુડો

હોળીનો રંગ

સ્વરાંકન: મહેશ દવે
સ્વર: મેહુલ અને વૃંદ

.

રંગ લ્યોને રંગ લ્યોને,
હોળીનો રંગ લ્યોને
જીવનને રંગે ભરી ધ્યોને,
શેરીમાં ફરતી’તી વાનરની ટોળી,
લઈને પિચકારી રંગ દે ઘોળી,
પેલા કાકા આવે છે, હોડીનું ઘેડિયું લાવે છે,
લાવો કાકા હોડીનું ઘેડિયું,
પીળોને, વાદળી, જાંબલી ને રાતો, રંગોનો મેળો એવો ભરાતો,
ભગાભાઈ આવે છે. હોડીનું ઘેડિયું લાવે છે,
લાવો ભાઈ હોડીનું ઘેડિયું,
રંગોની વસ્તીમાં રહેવું અમારે,આખો દિ’ મસ્તીમાં રહેવું અમારે,
મંજુમાસી આવે છે,
હોડીનું ઘેડિયું લાવે છે, લાવો માસી હોડીનું ઘેડિયું

વર્ષા ની રાણી

સ્વર: રૂપાંગ ખાનસાહેબ અને વૃંદ
સ્વરાંકનઃ મહેશ દવે

.

ચાલો ઝટ ઝટ છત્રી ઉઘાડો
વર્ષાની રાણી આવી
વર્ષાની રાણી ટપ ટપ ટપ ટપ

પેલા પસાકાકા ગબડી જાય, પેલા જાડાકાકા લપસી જાય
લવજી ખેચાણો ભાણાજી ખેચાણો, ખેચાણો પોરબંદર પાણો
ચાલો ઝટ ઝટ છત્રી ઉઘાડો
વર્ષાની રાણી આવી
વર્ષાની રાણી ટપ ટપ ટપ ટપ

આકાશે ઘેરું ઘેરું વાદળ ગરજી જાય, વીજળી ચમકી જાય
અહિયાં પાણી ત્યાં તો પાણી, હું તો ડૂબી ડૂબી જાઉ
બાપ રે…

ચાલો ઝટ ઝટ છત્રી ઉઘાડો
વર્ષાની રાણી આવી
વર્ષાની રાણી ટપ ટપ ટપ ટપ

સસલો

સ્વર: મોનલ શાહ

.

સસલો જાણે કેમ સિનેમામાં ગયો
સસલા એ મારી તાન ગાયું સુંદર ગાન સારેગમ…

દિગ્દર્શક બોલ્યો વાહ વાહ
તો સસલો બોલ્યો લાવો ચા

કોણ જાને કેમ પાછો સસલો સર્કસમાં ગયો
સસલાએ કુદકો માર્યો ને સીડી માથે ચઢ્યો

જોકર એના કરે વખાણ
તો સસલો બોલ્યો લાવો પાન

સસલો થઈને ડાહ્યો નિશાળે ભણવા ગયો
સસલો આંક બોલે ને પાઠ ભણતો ડોલે.

એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર,
ગુરુ કહે શાબાશ તો સસલો કહે કરો પાસ.