Category Archives: ટહુકો

થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો – કૃષ્ણ દવે

ધોધમાર ચોમાસુ આંગણે ઉભુ ને સાવ આ રીતે ક્યો છો કે,”આવો”
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો
છલકાતી વાદળીને સ્ક્વેરફુટ માપીને આમ જ ક્હેવાનુ, “વરસાવો”
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો

સારા નસીબ છે તે સામે ચાલીને આવા અવસર ભીંજાવાનાં આવ્યા
બાકી તો આપશ્રીએ વાંછટની જગ્યાએ આંખ્યુમાં તડકા ત્રોફાવ્યા
વિજળી ચમકે ને વળી વાદળ ગર્જે ને તમે ત્યારે પણ ક્યો છો ? “સમજાવો”
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો

ઝાંકળ,ઝરણું કે એક નાનકડી લ્હેરખી શું ? અંતરથી આવકાર્યા કોઇને ?
વાદળ પણ બાર ગાઉ છેટા ભાગે છે આવો બુંધીયાળ પડછાયો જોઇને
ઉપરથી નોટીસ ફટકારી કહો છો ‘નહી વરસ્યા’ ના કારણ દર્શાવો
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો

કૃષ્ણ દવે ! ! !

હું થઇ જઈશ પરાગ જો -જવાહર બક્ષી

સ્વર: આલાપ દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

હું થઇ જઈશ પરાગ જો ઝાકળ બનીશ તો
ધુમ્મસની જાળમાં ફસાઈ જઈશ તો..

કોઈ મને ઉઠાવી જશે તારા શહેરમાં
અધવચ્ચે ઊંઘમાંથી જાગી જઈશ તો..

તારા વહાણ આવવાનો થઇ જશે સમય
ને હું જ એકાએક વમણ થઇ જઈશ તો..

હમણાં તો અલવિદા કહી છુટ્ટા પડી જશું
રસ્તામાં ક્યાંક હું તને પાછો મળીશ તો..
-જવાહર બક્ષી

જે ક્ષિતિજો પર -જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

જે ક્ષિતિજો પર વિખેરાયા હશે
એ વિરહના ધુમ્મસી ચહેરા હશે

લાગણી ક્યારેય પૂરી થાય નહી
એને માટે જે હતી, ઈચ્છા હશે

બારણું નહિ ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે

આગની આવી તો હિંમત હોય નહી
જે મને બાળી ગયા, તણખા હશે

કેમ એ આવ્યા નહી કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે
-જવાહર બક્ષી

Happy Birthday tahuko.com (બારમી વર્ષગાંઠ)

બારમી જૂનના દિવસ ટહુકોને બાર વર્ષ થયા, એની પોસ્ટ પર ૧૨૦ નહિ… ૧૨ નહિ… ૨ શુભેચ્છા પણ ના આવી! મને તો એમ કે હશે, ફેસબૂસ પર દરરોજના ૧૦-૧૫ મિત્રોનો જન્મદિવસ આવતો હોઇ, એ બધાને શુભેચ્છા આપવામાં આપ સૌ થાકી ગયા હશો..!! પણ પછી પડી કે કોઇક કારણસર એ પોસ્ટ પર કોમેન્ટ કરાય એવુ જ નોતુ. (આભાર, વિવેક).. તો લો, આ રહી ટહુકોના જન્મદિવસની પોસ્ટ… Happy Birthday, tahuko.com!
*********************

આજે બારમી જૂન.. ટહુકો શરૂ થયાને બાર વર્ષ થયા!! શરૂઆતના વર્ષોમાં ‘કૂકડાની બાંગ’ સાથે હરિફાઇ કરતો ટહુકો છેલ્લા થોડા વર્ષોથી ભલે દરરોજ નવી કવિતા નથી લાવી શક્યો – પણ ટહુકો માટે જોયેલા સપનાઓ… ટહુકો વેબસાઇટ પર અને ટહુકો ફાઉન્ડેશન થકી જે કરવું છે, એ બધા ઇરાદાઓ અકબંધ છે!

વધુ વાત નથી કરવી… ટહુકોની આ બાર વર્ષની સફરમાં નાનો મોટો અને દરેક જાતનો સહકાર આપનાર દરેક મિત્રનો હ્રદયપૂર્વક આભાર માનું છું!

અને હા, ટહુકોને અને મને આ બારમી વર્ષગાંઠની ભેટ શું મળી એ જોવી છે?

ગુજરાતી ભાષાના ‘મહારાષ્ટ્ર રાજ્ય’ના પાઠ્યપુસ્તકમાં મળ્યુ ટહુકો.કોમને એક નાનકડુ સ્થાન! આભાર, વિવેક!

પ્રસંગો પાંદડાના -જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

પ્રસંગો પાંદડાના ઢગમાં બાળતા રહીએ.
પરિસ્થિતિનાં ધુમાડાને ઘુંટતા રહીએ.

હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે
તને ગમે તો જરા વાર બોલતા રહીએ.

ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.

થીજી ગયો છે હવે પ્રેમ પણ અતિતની જેમ
સમય ની જેમ ચલો આપણે જતા રહીએ.

‘ફના’ચાલોને આ પગલાંને મુકવા જવું છે,
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ
-જવાહર બક્ષી

દોડ ને! – હિમલ પંડ્યા ‘પાર્થ’

કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!

જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
કામ લે હિમ્મતથી, તાળું તોડ ને!

રોજ જે ચહેરો સતત જોવો ગમે,
આઈના પર એ જ ચહેરો ચોડ ને!

કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!

લે, હવે વધસ્તંભ પર આવી ઊભા!
હોય ખીલ્લા એટલા તું ખોડ ને!

ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડ ને!

– હિમલ પંડ્યા ‘પાર્થ’

ફરી ન છૂટવાનું બળ -જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ.

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ.

ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ.

ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ.
– જવાહર બક્ષી

કહેવું છે – સંજુ વાળા

મૂળ સાથે જ વળગી રે’વું છે
માટીનું માત્ર એવું કહેવું છે ?

બાપ – દાદાનું માથે દેવું છે
અન્યથા કયાં કશુંય લેવું છે ?

કોઈ દશ-વીસમાં જતા થાકી
કોઈની દોટ એંશી – નેવું છે

રાત તરબોળ સ્વપ્ન લઇ આવે
આંખને રોજ મેળા જેવું છે

શોધ વરસાદની કરે છે જે
એ નદીબાઈને ય વહેવું છે

ફકત ઈચ્છા જ ચણ-ચરક એનાં
મન અલૌકિક કપોત જેવું છે

સ્વાદ ચાખ્યો જ ક્યા છે પીડાનો
તું શુ જાણે ભલા શું સહેવું છે ?

( કવિતા : દ્વિમાસિક જૂલાઈ – સપ્ટે. – 2017)

મુજ અબળાને મોટી મિરાત – મીરાંબાઈ

સ્વર ઃ પૌરવી દેસાઇ
સ્વરાંકન ઃ નિનુ મઝુમદાર

.

મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? … મુજ

ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે… મુજ

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે…મુજ.

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.

– મીરાંબાઈ

ઠારી દે તું દીપ નયનના -રેઈનર મારિયા રિલ્કે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ
અનુવાદ્ઃ હરીન્દ્ર દવે

.

ઠારી દે તું દીપ નયનના
તવ દર્શનને કાજ
મને એ કાચ નથી કઈ ખપના.

કર્ણપટલ તોડી દે તોપણ
રહું સાંભળી સૂર;
ચરણ વિના પણ નહિ લાગે
તવ ધામ મને બહુ દૂર.
છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનના.

બાહુ વિના પણ હ્રદય-બાહુથી
આલિંગન રહું આપી,
હ્રદય પડે પરવશ, તો મન
ધબકાર દિયે આલાપી;
મન પે આગ લગાડો તોપણ
વહું વહેણે નસનસનાં.
-રેઈનર મારિયા રિલ્કે (અનુવાદઃહરીન્દ્ર દવે)