
બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું,
ઝૂલવું, ખૂલવું, ને તરત ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.
માન, સન્માન આમંત્રણો પણ નહીં, આવવાના કશાં કારણો પણ નહીં
તે છતાં ઉમડવું, ગરજવું, વરસવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.
કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે.
એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.
છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહી જવા જે જતું હોય છે
બુંદનું બુંદમાં નાચવું, વહી જવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.
આત્મનું, તત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું
ઝૂલણાં છંદમાં આ રીતે પ્રગટવું? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.





