એટલા દૂર ન જાઓ – ઉશનસ

 vines

વિનવું : એટલા દૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો…

માનું : અવિરત મળવું અઘરું
માગ્યું કોને મળતું સઘળું?
કગરું, એટલા ક્રૂર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

જાણ્યું : નવરું એવું ન કોઇ
કેવળ મને જ રહે જે જોઇ;
તો ય લ્યો, આમ નિષ્ઠુર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

રાહ જોઇ જોઇ ખોઇ આખ્યું
શમણું એક તમ સાચવી રાખ્યું
એટલું એ હરી નૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

આ વેલ તો મેં આંસુથી રોઇ
પણ ફળની આશા ન કોઇ
પણ સમૂળા નિર્મૂળ ના થાઓ
કે પછી ક્યારેય યાદ ના આવો.

 

લીલીછમ લાગણીનું ગીત – નીતિન વડગામા

1486874808_df9e89bdbf_m.jpg

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઇ હવે
સુક્કા સંબંધ કેરું નામ

મ્હોરતાં ફોરતાં ને પળમાં ઓસરતાં આ
શબનમ જેવો છે સંબંધ
શમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ

પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવા દામ?

સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકલ હાથલિયા થોર
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.

અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારું યે સાવ નામ ઠામ…

હવે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ocean1.jpg

પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે.

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે.

આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે.

હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે.

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે.

કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે.

દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ?

હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ – વિવેક મનહર ટેલર

Happy Birthday…!! to ‘શબ્દો છે શ્વાસ મારા’  .  (http://www.vmtailor.com/)

વિવેકભાઇને, અને એમની કલમના દરેક ચાહકને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

સાથે મારી ખૂબ ગમતી એક ગઝલ :  

 

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

સાવ અટૂલા પડી ગયા – મનોજ ખંડેરિયા

kaafalo.jpg

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

હાય રે હાય કવિ ! – ઝવેરચંદ મેઘાણી

ધરતીને પટે પગલે પગલે
મૂઠી ધાન વિના નાના બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –
ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !

લથડી લથડી ડગલાં ભરવી,
લાખો નાર ગલીગલીએ ફરતી,
સારી રાત ભૂખે મજૂરી કરતી:
‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દજો –
ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !

મન ! છોડ નિહાળવા તારલિયા
કાળાં કેદખાનાં કેરા જો સળિયા –
એનાં ક્રન્દન શું નથી સાંભળિયા?
એની ભીતર મૌન એકાકી રિબાઇ રિબાઇ હજારોના પ્રાણ શમે –
ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિ:શ્વાસભર્યા જગમાં
સિતમે સળગંત ધરા-તલમાં:
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને,
ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !

દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્રતણા:
પીએ ઝેરી હવા જે દમેદમમાં,
એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે?
ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણકનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,
પૂરી રોટી પ્રતિજનને જડશે:
કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,
તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે ?

એમ મળવાનું હવે ક્યાં થાય છે? – દિનેશ દેસાઇ

એમ મળવાનું હવે ક્યાં થાય છે?
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?

એક સાંજે આમ છૂટા થઇ ગયા
ને ઝગડવાનું હવે ક્યાં થાય છે?

રાહ જોતો હું કલાકો, યાદ છે
રાહ જોવાનું હવે ક્યાં થાય છે?

ચાંદની પીધા પછી આ હાલ છે
રોજ પીવાનું હવે ક્યાં થાય છે?

રાતભર એ ભીંજવી દેતી હતી
જો પલળવાનું હવે ક્યાં થાય છે?

તાપ એનો એટલો, બાળી મૂકે
બસ, સળગવાનું હવે ક્યાં થાય છે?

આખરે કાફર હતી એ છોકરી
આંખ લડવાનું હવે ક્યાં થાય છે?

હું જ શોધું છું મને આ શહેરમાં
શોધવાનું મન તને ક્યાં થાય છે?

 

આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં – મકરંદ દવે

આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં –
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં –

ઇષ્ટદેવ તણી છબી રાખે તિજોરીની કને
સહુ કહે છે, એમની ભક્તિ ઘણી ઘેલી, છતાં –

વાહ સત્તા, વાહ સાહેબી, સલામો, શું કહું?
એમણે ગાંધીની વાતો ખૂબ ગજવેલી છતાં –

કેટલા વિશ્વાસથી મેં પ્રેમને પીધા કર્યો
પ્રેમમાં વિશ્વાસની વાણી હતી છેલ્લી, છતાં –

આજ તો કહેવા તુ દે, બસ આજ તું રોકીશ મા
બે’ક આંસુડા ગયા કયાં? હેતની હેલી, છતાં –

એ જ મીના, એ જ મય, એ જામ સામે આ રહ્યાં
પણ હજી સળગે ‘તલપ’ જે તલપ બુઝેલી, છતાં –

એટલી તો છે ખબર, એ જ અહિ દુનિયા મહીં
ને વળી છે એ જ દુખિયારાં તણો બેલી, છતાં –

હજુ તાજું સ્મૃતિમાં છે – ઉર્વીશ વસાવડા

 

 

પ્રથમ એ સ્પર્શનું કંપન હજુ તાજું સ્મૃતિમાં છે
ભીતર પેદા થતું સ્પંદન હજુ તાજું સ્મૃતિમાં છે

બધા ચહેરાઓ વચ્ચેથી અલગ એક ઊઠતો ચહેરો
કર્યું નજરોથી રેખાંકન હજુ તાજું સ્મૃતિમાં છે

નજર નીચી ઝુકાવીને મુલાયમ સ્મિત વેળાએ
પડ્યું તું ગાલમાં ખંજન હજુ તાજું સ્મૃતિમાં છે

કર્યો ઘાયલ મને જેણે નજરનાં એક કામણથી
એ મોહક આંખનું અંજન હજુ તાજું સ્મૃતિમાં છે

કદી પણ મુક્ત થાવાની ન ઇચ્છા થાય એમાંથી
એ બાહુપાશનું બંધન હજુ તાજું સ્મૃતિમાં છે

એમ આવે છે યાદ કોઇ અરે ! – નયન દેસાઈ

પહેલાં પવન્ન પછી ધીંગો વરસાદ
પછી ડાળખીથી પાંદડું ખરે
એમ આવે છે યાદ કોઇ અરે !

થોડું એકાંત પછી મુઠ્ઠીભર સાંજ
પછી પગરવનું ધણ પાછુ ફરે
એમ આવે છે યાદ કોઇ અરે !  પહેલાં…

બારી ઉઘાડ એવી ઘટના બને
કે આંખ પાણીની જેમ જાય દદડી,
બારણે ટકોરાઓ એવા પડે કે
પછી વાણીની જેમ જાય દદડી,

આગળી ફટાક દઇ ખૂલે ઝૂલે ને
પછી થોડી વાર તરફડાટ કરે
એમ આવે છે યાદ કોઇ અરે…  પહેલાં…

પંખીના ટોળામાં આછો બોલાશ બની
ટહુકાઓ જેમ જાય ભળી,
અંધારુ પગ નીચે દોડીને આવે
ને અજવાળું જાય એમાં ઓગળી

આકાશે વાદળીઓ તૂટે – બને
ને પછી સોનેરી રાજહંસ તરે
એમ આવે છે યાદ કોઇ અરે…  પહેલાં…