તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે ~ કવિ: જવાહર બક્ષી ~ સ્વરાંકન: નિનુ મઝુમદાર ~ સ્વર:  કૌમુદી મુનશી  

કવિ: જવાહર બક્ષી
સ્વરાંકન: નિનુ મઝુમદાર
સ્વર:  કૌમુદી મુનશી

તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે

તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જ્યારે અજંપો ઓઢીને ઘર સૂઈ ગયું હશે

તારો વિયોગ ધુમ્ર થઈ આંખ ચોળશે
જયારે સૂરજનાં આવેલા સ્વપનોને બાળશે

તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જયારે એ તારી શોધમાં ભટકીને થાકશે

તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જયારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે
***

ફૂલ પાંદડી ચાખી ત્યાં તો (ગીત) ~ હર્ષદ ત્રિવેદી

ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;

જાત રહી ઑગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી.

ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરાય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

~ હર્ષદ ત્રિવેદી

જીવે ને અંતે સ્વાહા (ગઝલ) ~ કૌશિક પરમાર ‘ઉસ્તાદ’, વડોદરા 

એ કેવળ અજવાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા
પડછાયા વચગાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.

આખો જન્મારો કઇ જન્માવ્યું ના ભીતર એ મનવાને,
અંતે, શ્રદ્ધા  માળામાં  જન્મે,  જીવે  ને  અંતે સ્વાહા.

થોડા જણ પંખી માફક સરહદ કાપી અનહદ પામે પણ,
થોડા  જણ  કુંડાળામાં  જન્મે, જીવે  ને અંતે સ્વાહા.

કંઈ અઢળક જીવોને  કેદ કર્યા  છે પોતાની માયામાં,
એ પોતે પણ  જાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.

લાંબા ગાળાની સમતા માટે આખો સક્ષમ બનાવ તું,
પરચા  ટૂંકા ગાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.

મ્હેલ સજાવી રાખો ત્યાં લગ એ વસસે બાકી છું-મંતર,
શ્વાસો છે, રજવાળામાં જન્મે જીવે ને અંતે સ્વાહા.

~ કૌશિક પરમાર ‘ઉસ્તાદ’, વડોદરા 

कोई उम्मीद बर नहीं आती (ग़ज़ल) ~ मिर्ज़ा ग़ालिब ~ स्वर: सुधीर नारायण

ग़ज़ल: मिर्ज़ा ग़ालिब
स्वर: सुधीर नारायण
(1) Live Recording: Komal Nishad Prog, Vadodra (2018)
प्रेषक: प्रणय वसावड़ा

(2) स्वर: जगजीत सिंह

कोई उम्मीद बर नहीं आती
कोई सूरत नज़र नहीं आती

मौत का एक दिन मुअ’य्यन है
नींद क्यूँ रात भर नहीं आती

आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती

जानता हूँ सवाब-ए-ताअत-ओ-ज़ोहद
पर तबीअत इधर नहीं आती

है कुछ ऐसी ही बात जो चुप हूँ
वर्ना क्या बात कर नहीं आती

क्यूँ न चीख़ूँ कि याद करते हैं
मेरी आवाज़ गर नहीं आती

दाग़-ए-दिल गर नज़र नहीं आता
बू भी ऐ चारा-गर नहीं आती

हम वहाँ हैं जहाँ से हम को भी
कुछ हमारी ख़बर नहीं आती

मरते हैं आरज़ू में मरने की
मौत आती है पर नहीं आती

का’बा किस मुँह से जाओगे ‘ग़ालिब’
शर्म तुम को मगर नहीं आती

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી ~ ગીત: નીલેશ રાણા ~ સ્વર-સ્વરાંકન: નયનેશ જાની 

ગીત : નીલેશ રાણા
સ્વર-સ્વરાંકન :
નયનેશ જાની

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.

જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઈ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રકટે એ જ નવાઈ?
નદી, સરોવર, સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

રેતી પર એક નામ લખું રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય
રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

***

શ્યામ મારો આ કોરો કાગળ (ગીત) ~ સુરેશ દલાલ ~ સ્વરાંકન-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

કવિ સુરેશ દલાલે અનેક સુંદર કૃષ્ણગીતો આપ્યા છે. અહી એક એવું ગીત છે જેનું સ્વરાંકન કરવું અઘરું પડે. પ્રલંબ લય છે. સુરેશભાઈના કંઠે પઠનરૂપે અનેક વાર સાંભળ્યું છે, પણ સ્વરાંકન સાંભળીને આ ગીત, ફરિયાદ સ્વવરૂપે હોવા છતાં, વધારે વ્હાલું લાગશે.

ગીત: સુરેશ દલાલ
સ્વરાંકન-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે?

કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા
એને કહો ખોલશો ક્યારે?

રાહુ ચંદ્રને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.

સૂર્ય, ગુરુ કે કેતુ, મંગળ;
અમને કાંઈ સમજ નહીં,
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.

એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે?
– તમે અમારું ભાવિ કહેશો ક્યારે?

શ્યામ તમે અવ સાચું કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીય થાય ખરું કે નહીં?
અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીય થાય ખરું કે નહીં?

શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે
ને કયા જનમમાં સગપણ ફળશે?
રે, ક્યાં લગી આ જીવ ટળવળશે?
– મને કૈં કહેશો ક્યારે?

 

પક્ષીઓ ઊડી આવશે ~ મહેન્દ્રસિંહ જાડેજા 

(રાષ્ટ્રીય પક્ષી દિવસ
૫ જાન્યુઆરી)

તમે થોભો
હું મારાં પગલાંઓને કહું
કે એ ચાલ્યાં આવે
નહિ તો રાતે રસ્તો જડશે નહિ
અને
સમયને મારાં પગલાં ખોવાઈ જવાની
ચિંતા થયા કરશે.

અને જુઓ
ફૂલો કરમાય નહિ
સૂરજને કોઈ ડુંગરાની પાછળ
રહેવાનું કહેજો.

અને કોઈ પંખી આવે તો એને
મારું પેલું ખેતરના ઊભા મોલ જેવું
હરિયાળું ગીત સંભળાવજો.

પતંગિયાં ફૂલો સાથે
વાતો કરવા આવશે
એ સાંભળજો.

અને
મને આવતાં જો વાર લાગે તો
મારું પેલું
ખેતરના ઊભા મોલ જેવું
હરિયાળું ગીત
તમે ફરીથી ગાજો.
પક્ષીઓ ઊડી આવશે….

~ મહેન્દ્રસિંહ જાડેજા 

રામ રામ! દ્વારિકા જાઉં છું (ગીત) ~ રમેશ પારેખ

રામ રામ! દ્વારિકા જાઉં છું
કાનજી જો મળશે તો એને કહીશઃ દોસ્ત, હું તારો કૈંક સગો થાઉં છું!

કાનજીના માથા પર મોરપીંછ, એમ મારા માથા પર ફરકે છે ભે
ઊંચક્યું છે મેંય મારા જીવતરને એમ, જેમ ગોવર્ધન ઊંચકે છે એ

મારી એકલતાને કાનજીની કઈ હાલત સાથે સરખાવું – મૂંઝાઉં છું

બીજું બધું ઝળઝળિયાં કહી દેશે શું કરવા ખોલું હું મ્હોં?
ઊઘડી પડીશ એની સામે ને કહીશ : હું છું ખુલ્લી કિતાબ, અલે જો!

પછી એ શું કહેશે એ જાણવા આ દ્વારકાના મારગમાં અડવડિયા ખાઉં છું.

~ રમેશ પારેખ

તું નથી મહેફિલમાં તો… (ગઝલ) ~ દેવેન્દ્ર રાવલ

તું નથી મહેફિલમાં તો ચારે તરફ સુનકાર છે,
આ ચળકતી રોશની પણ મારે મન અંધાર છે.

બહારના ક્યાં છે પ્રસાધનની જરૂરત પણ તને?
સાદગી તારાં હૃદયની એ ખરો શણગાર છે.

આટલા તોફાન વચ્ચે પણ ટકી ગ્યો એટલે,
હર કદમ પર રાહમાં તારો મને આધાર છે.

હું નથી જાતો કદી પણ મંદિરોમાં એટલે,
હાજરી જ્યાં તારી છે, ઈશ્વરનો ત્યાં દરબાર છે.

આજપણ આશ્ચર્ય છે એ વાતનું ભીતર હજી,
કે ખરેખર તારા જેવો મારે શું દિલદાર છે?

~ દેવેન્દ્ર રાવલ

એક ગીત સદીઓનું (ગીત) ~ પ્રફુલ્લ પંડ્યા

ટહુકો ટીમ વતી સૌ વાચકોને નવાં વર્ષની શુભકામનાઓ.  નવાં વરસે ગીતોનો લય અને ગઝલનો તરન્નુમ આપણને તરબતર કરતો રહે, નવાં સ્વરાંકનો મળતાં રહે, નવી નવી જગ્યાએ “લિવિગ રૂમ મહેફિલ” સજતી રહે અને આપણને કવિતા અને સંગીતના વિશ્વને માણતા રહીએ એવી આશા વ્યક્ત કરીએ છીએ. નવાં વર્ષની શરૂઆત કરીએ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા જેમને જીવન ગૌરવ પુરસ્કાર ગયા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો તે કવિ પ્રફુલ્લ પંડ્યાના ગીતથી.
***

એક ગીત દરિયાનું ગાવું, એક ગીત નદીઓનું
એક ગીત એક પળનું ગાવું, એક ગીત સદીઓનું!

ગાતાં રહેવું, ગાતાં રહેવું, શબ્દોમાં લહેરાતાં રહેવું,
આંખોમાં કોઈ સ્મરણ આંજીને, ભીતર ઊંડે જાતાં રહેવું!

એક ગીત આકાશનું ગાવું, એક ગીત ઊડવાનું
એક ગીત પર્વતનું ગાવું,એક ગીત ચડવાનું!

હરિયાળાં આ વૃક્ષો એની ડાળ-ડાળ સરવાનું,
હવામાં સાવ જ ઓગળી જઈને, ચારે કોર ફરવાનું!

એક ગીત ફૂલોનું ગાવું,એક ગીત ડોલવાનું !
એક ગીત મૂંઝવણનું ગાવું, એક રૂદિયાને ખોલવાનું!

~ પ્રફુલ્લ પંડ્યા