રામ રામ! દ્વારિકા જાઉં છું
કાનજી જો મળશે તો એને કહીશઃ દોસ્ત, હું તારો કૈંક સગો થાઉં છું!
કાનજીના માથા પર મોરપીંછ, એમ મારા માથા પર ફરકે છે ભે
ઊંચક્યું છે મેંય મારા જીવતરને એમ, જેમ ગોવર્ધન ઊંચકે છે એ
મારી એકલતાને કાનજીની કઈ હાલત સાથે સરખાવું – મૂંઝાઉં છું
બીજું બધું ઝળઝળિયાં કહી દેશે શું કરવા ખોલું હું મ્હોં?
ઊઘડી પડીશ એની સામે ને કહીશ : હું છું ખુલ્લી કિતાબ, અલે જો!
પછી એ શું કહેશે એ જાણવા આ દ્વારકાના મારગમાં અડવડિયા ખાઉં છું.
~ રમેશ પારેખ

