અર્ઝ કિયા હૈ : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા… – હિતેન આનંદપરા

મુંબઇના સમાચાર પત્ર – મિડ ડે – માં ૧૮મી સપ્ટેમ્બરના દિવસે ‘સેટર ડે સ્પેશિયલ’ ના ‘અર્ઝ કિયા હૈ’ વિભાગમાં છપાયેલો આ લેખ અહીં તમારા માટે – અક્ષરસ: ..!! આશા છે કે હિતેનભાઇની કલમે ફરી હરીન્દ્ર દવેને માણવાની આપને મઝા આવશે.

સંવેદનાથી સભર-સભર સર્જક અને સજાગ રહીને અગ્રલેખોને અજવાળનાર તંત્રી સ્વ. હરીન્દ્ર દવેનો આવતી કાલે જન્મદિવસ છે. થ્રી ચિયર્સ હરીન્દ્ર દવે. તમારા શેરોથી અખબારના આ પાનાને આજે લીલુંછમ થવું છે.

બધાં દ્રશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છ મિત્રો!
હું મહેફિલમાં નથી આવ્યો ટકી રહેવાના નિશ્ચયથી

છતાં આ નિશ્ચયની વિરુધ્ધ હરીન્દ્રભાઇ અઢળક ચાહકોની સ્મૃતિમાં ધબકી રહ્યા છે. લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં ‘રજકણ સૂરજ થવાને શમણે’ અને ‘રૂપલે મઠી છે સારી રાત રે સજન’ ગીત હજી રેડિયો ફ્રીક્વન્સીને તરંગિત કરે છે. ‘ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ’ ગઝલ વરસાદને ભીનાશ પહેરાવીને બાલ્કનીમાં બોલાવે છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ લોકગીત થઇ ચુક્યું છે. બીજા એક સદાબહાર ગીતને આ રીતે બિરદાવી શકાય : ‘માધવ ક્યાંક નથી મધુવનમાં’. મરણ સર્જકને છીનવી શકે, સર્જનને નહીં.

તંત્રી તરીકે જગતભરની ઘટનાઓનું અવલોકન આવા બારીક શેર તરફ કવિને દોરી જાય છે.

એવું, કશુંય ક્યાં છે, જે જીતી નથી જક્યો
ને જઇ રહ્યો છું જગથી સિકંદર થયા વિના

દરેક જણ પાસે નાની-નાની જીતનો આનંદ હોય છે. એક ડગલું આગળ જઈને મેળવેલી જીત ભલે સિકંદરની સરખામણી ન કરી શકે, પણ અરીસામાં આપણો ચહેરો જોઈને સંતોષનું એક સ્મિત તાગવા માટે પૂરતી છે. આપણા હોવાપણા માટે આ જીત એટલી જ જરૂરી છે જેટલી જરૂરી છે પ્રીત.

એ કઇ રીતે ટકે છે મને ના સમજ પડે
આ પ્રેમની ક્ષણોને તો આધાર પણ નથી

સમયના પ્રવાહમાં ટકી જતો પ્રેમ આપણને ટકાવી રાખે છે. પ્રેમમાં સત્ય અને સાતત્ય બન્ને જોઈએ. પ્રેમ આપણી સમજણ કરતાં વધારે પુખ્ત અને આપણી શ્રધ્ધા કરતાં વધારે સમૃધ્ધ હોય છે. એને ખબર છે કે રોમાંચની ગલીઓ રગદોળીને અંતે કઈ ગલીમાં પગલીઓ પાડવાની છે.

આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા

પ્રેમના હજારો રંગ છે. કોઇ રંગ રોમાંચનો તો કોઇ રંગ વિષાદનો, કોઇ રંગ મિલનનો તો કોઇ રંગ વિરહનો, કોઇ રગ સમીપનો તો કોઇ રંગ ક્ષિતિજનો, કોઇ રંગ અપેક્ષાનો તો કોઇ રંગ ઉપેક્ષાનો…

એય હશે પ્રણયના જમાનાનો એક રંગ
તું ઝંખતી હશે, મને ચાહત નહીં રહે

જેનું સાંનિધ્ય પામવા માટે તરસતા હોઇએ તેનો સહવાસ ન ગમે એવું બને? તાજા કુમળા વર્ષો પછી મૂરઝાવા લાગે ત્યારે કસોટીની શરૂઆત થાય છે. જીવન એકમાંથી અનેક તરફ ફંટાય, સાંજ પડે ને ઘરે ઉતાવળે પાછો વળતો પગરવ હવે કામ પતાવવાની વેતરણમાં હોય. કામની સાથે-સાથે અંદર રહેળી જિજીવિષા પણ પતતી જાય. ફરજના ઘરમાં ચાહતે નૉક કરીને પ્રવેશવાની પરવાનગી માંગવી પડે.

તારું તો એકે કામ ન કરવા મળ્યું અહીં
થાકી ગયો જગતના ઘણાં કામકાજથી

દુનિયા આપણી સાથે ડીલ કરે ત્યારે એનાં આગવાં સમીકરણો હોય છે. તમે કામના માણસ હો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. હું તો બસ ફરવા આવ્યો છું ની જેમ ધ્યેયવિહીન મળવા આવો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. સમય બદલાય ત્યારે ભલભલા બદલાઈ જાય છે.

એ બધાએ મળી કીધું કે જગ્યા ક્યાં છે હવે?
જેને જેને મેં જગતમાં જગ્યા કરી આપી

સારા માણસો માટે પર્યાય એ જ છે કે સારું કરીને ભૂલી જવું. ડગલે ને પગલે ઠેસ તૈયાર ઊભી હોય છે. નજર ચૂક્યા કે વાગી જ સમજો.

ઠોકર ફરી મળી, ફરી શ્રધ્ધા શરૂ થઇ
લ્યો, પાછી મારી વૃધ્ધ અવસ્થા શરૂ થઇ

ઠોકરો ફરી-ફરી ખાવાની ભલમનસાઈ રાખનારને દુનિયા મૂર્ખ ગણે છે. ગહેરી સમજણ ગુનાઓ માફ કરે છે, કારણ કે એ દૂરનું જોઈ શકે છે.

આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં
ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.

*******

ક્યા બાત હૈ!

મને ચમત્કારોમાં શ્રધ્ધા છે. લીલું તરણું ધરતીની માટી તોડીને ઊગે એનાથી મોટો ચમત્કાર ક્યો હોઈ શકે? હિમાલયનાં શિખરો પર પ્રભાતનાં કિરણો સોનાની માફક પથરાઇ જાય એય એક ચમત્કાર છે. નદીમાં તણાતા પર્ણને વળગેલી કીડી એવો જ મોટો ચમત્કાર છે.

પુષ્પો પ્રત્યેનો પ્રત્યેક પરિચય એક નવો અનુભવ છે. જીવાતા જીવનની ક્ષણ ચમત્કાર જ છે. એ ક્ષણ દુન્યવી અર્થમાં સુખ લાવે કે દુ:ખ લાવે, નર્યા વિસ્મયનો પ્રદેશ તો એમાં જ હોય છે. હવે પછીની પ્રત્યેક ક્ષણ પુસ્તકનાં ન વાંચેલા પાનાં જેવી છે. બરાબર આ જ રીતે કવિતાનો કોઇ પણ શબ્દ મારા માટે ચમત્કાર છે.

– હરીન્દ્ર દવે.

21 replies on “અર્ઝ કિયા હૈ : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા… – હિતેન આનંદપરા”

 1. Sudhir Patel says:

  વાહ, કવિશ્રી હરીન્દ્ર દવેને એમની જન્મ-તિથિ પર એમના સુંદર અશઆર દ્વારા સાચી શ્રધ્ધાંજલી આપવા બદલ ‘અર્ઝ કિયા હૈ’ના કવિ-લેખક હિતેન આનંદપરાને અભિનંદન!
  સુધીર પટેલ.

 2. bharat vinzuda says:

  bahu saras rite harindrabhai ne yad karya.

 3. Jayshree Merchant says:

  હરીન્દ્રભાઈ સાથે ખૂબ જ અંતરંગ મહેકીલ માણવાનો મોકો મળ્યો હતો ફિલાડેલ્ફીયામાં. એમની સંવેદનશીલતા, મ્રુદુતા અને આભિજાત્ય એમના સર્જનમાં જેટલું ધડકે છે એટલી જ નજાકત એમના વ્યક્તિત્ત્વમાંથી નખશીખ નીતરતી હતી. હરીન્દ્રભાઈએ પત્રકારત્વને સાહિત્યિકતાથી ઉજળું કર્યું અને સાહિત્યના સર્જનમાં પત્રકારપણું ન આવી જાય એની પૂરતી સજાગતા રાખી હતી. હિતેનભાઈએ હરીન્દ્રભાઈને હરિત કરીને વાંચકની આંખોને ભીંજવી નાખી! એક વાતનો ઉલ્લેખ કરીશ અને તે એમના ગદ્યલેખનનો – નવલકથાનો! “સુખ નામનો પ્રદેશ” “માધવ કયાંય નથી મધુવનમાં – અદભૂત!

 4. સુંદર લેખ.. માણવો ગમ્યો…

 5. a very poetic tribute 2 a true n great poet HARINDRABHAI by hiten. congrats 2 him.

 6. bipen says:

  સબ્દો ના શ્રુગાર ગ્મ્યા.

 7. mahesh dalal says:

  ભાઈ હિતેન્.. સરસ ખુબ સરસ્

 8. Pauravi says:

  Hitenbhai, Khub sundar lekh. Harindrabhai ni sundar panktiyo ne saras rite samjavi te badal aabhar.

 9. Vijay Bhatt (Los Angeles) says:

  મઝા આવી…!

 10. Jayant Shah says:

  આ ગીત તો કમળની પાન્દ્ડી પર ઝાકળના અક્શરથી લખાયેલુ સ્મરુતિનુ ઉપનિશદછૅ .કેટ્લુ સરસ!!!!! ( સુરેશદલાલ )

 11. Pushpendraray Mehta says:

  ખુબ સરસ લેખ …….અભિનન્દન હિતેન્ભૈ…….

 12. sandhya says:

  ઝિન્દગિ નિ પરિભસા ખુબ સરચ ચએ એક પલ કેતલિ કિમતિ ચે

 13. Anila Amin says:

  પ્રેમ, પ્રેમની ક્ષણો, સમયના પ્રવાહ સાથે વધઘટ થતો પ્રેમ પ્રેમના રન્ગો અને

  અન્તે પાછા એજ પ્રેમના અરમાન જાગે એપણ એક ચમત્કારિક રીતે,આપે બહુ સરસ

  રીતે વ્યક્ત કર્યુછે-આટલુ લખવાની હિમ્મત કરી બાકી તમે તો કવિ અને તેમાય પાછા

  તન્ત્રિ- “જ્ય ન પહોચે રવિ ત્યા પહોચે કવિ”-હુ નહી, ઠીક છે.

  પ્રત્યુત્ત્રરની આશા સહ.

 14. વાહ ! ખૂબ સરસ…

 15. Maheshchandra Naik says:

  શ્રી હિતેન આનંદપરાને અભિનદન, શ્રી હરીન્દ્રભાઈને આદર્પુર્વક શ્રધ્ધાંજલી અને સરસ મનનીય વાંચન અમારા સુધી લઈ આવવા બદલ આભાર……….

 16. umesh paruthi says:

  ખુબ સરસ ……..

 17. સિદ્ધહસ્ત કવિને વખાણની જરૂર જ ના હોય !
  છતાઁયે આભાર અને અભિનઁદનો તો ખરાઁ જ !

 18. Chaula says:

  bhu j saras geet mari pase sbado nthi tena vkhan krva mate

 19. jigu says:

  wowwwwwwww. amazing

 20. દિગંબરભાઇ સ્વાદિયા says:

  હરીન્દ્રભાઇ અને હિતેનભાઇ – બન્ને સૌમ્ય અને મિતભાષી…પાછા
  કવિ અને પત્રકારત્વ સાથે સંકળાયેલા. આ સ્મરણાંજલિમાં બન્નેના ભાવોનો
  સુભગ સમન્વય થયો છે. એકની સાથે કામ કર્યાનો સુખદ અનુભવ છે.
  હિતેનભાઇને મળવાની પ્રતીક્ષા છે. લેખ ખૂબ મજાનો છે.

 21. MEHUL DESAI says:

  nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *