મનોજ પર્વ ૧૨ : જળ

‘હસ્તપ્રત’માંનું પંચતત્ત્વ વિશેનું ગઝલગુચ્છ વિશેષ ઉલ્લેખનીય છે. વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી અને જળ જેવાં પંચતત્ત્વનું અહીં થયેલું નૂતન અર્થઘટન કવિની ચિંતનપ્રવણતાનું પરિચાયક બને છે, તો કવિતાના દ્રાવણમાં ઓગળીને થયેલું કથયિતયનું નિરૂપણ કવિની સર્ગશક્તિનું ધોતક પણ બની રહે છે. માટીમાંથી ઉદૂભવતાં અને માટીમાં ભળી જતાં, અગ્નિ અને આકાશમાં ઓગળી જતાં કે પવનના પાતળાં પોતમાં અને પાણીના પ્રવાહી રૂપમાં એકાકાર થઈ જતાં દેહની તત્ત્વગર્ભ વાત અહીં ગઝલના રસાયણમાં ભળીને આવે છે ત્યારે ગઝલનું નવું જ પરિમાણ પ્રગટી ઊઠે છે. ર્દષ્ટાંત તરીકે ‘જળ શીર્ષકની ગઝલના મત્લા અને મક્તાના શે’ર પ્રસ્તુત છે –

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

*  *  *  *  *

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

મનોજ ખંડેરિયાની ગઝલોમાં આમ આત્મનિરીક્ષણને પરિણામે પ્રગટતા ચિંતનની સરવાણી સતત વહે છે, તો સાથેસાથ કવિની ભાવસૃષ્ટિ કાવ્યાત્મક પશ્ર્ચાદભૂમાં પણ ચિંતનાત્મક રૂપ ધરે છે. ગઝલના શિલ્પમાં સિધ્દ્ર થતું આવું વિચારસૌન્દર્ય ગઝલ ને મનભર બનાવ છે અને સહૃદયના ચિત્તકોષને અજવાળે છે.

નીતિન વડગામા

***********

(કાગળની હોડી…..Photo : A Daily Photo of Brooklyn)

સ્વર-સંગીત : અમર ભટ્ટ

.

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

– મનોજ ખંડેરિયા

4 replies on “મનોજ પર્વ ૧૨ : જળ”

 1. વિચારસૌન્દર્યથી ભરી ભરી ગઝલનું તબિયત ખૂશ થઈ જાય એવું સ્વરાંકન.

  અમૃતલાલ વેગડનું ‘સૌંદર્યની નદી નર્મદા’ કે રંગ અવધૂતનું ‘નારેશ્વરનો નાથ’ પુસ્તક વાંચ્યા હોય તો સાતપૂડાવાળા શેરનું ઉંડાણ માણી શકાય. વઢવાણની માધાવાવમાં પાણી આવે એ માટે સ્વૈચ્છિક બલિદાનની દંતકથાના સંદર્ભે દઝાડતા પાણી વાળો શેર પણ ગહન બને છે.

 2. Kanti says:

  Very nice to hear this vocal rendition of Gauri Manjari. Raga Gauri Manjari was composed by Ali Akbar Khan son of the great Acharya Allaudin Khan. I have two recordings of this very KARNA PRIYA raga. Ali Akbar Khan on Sarod 20 minutes CD AMMP9001 and Nikhil Banerjee on Sitar 76 minutes live recording in UK in 1981. Great raga. Please let me know if you know of any more recordings of this great raga.

 3. Ullas Oza says:

  મનોજભાઈની સુંદર રચના અને તેટલુ જ સુંદર અમરભાઇનુ સ્વરાંકન !

 4. ક્યાં થી આવ્યા મુળ અમારુ કઈ ન પુછો,
  અંતે પાણી માં જઈ ભળતુ પાણી છીએ.
  સુન્દર રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *