નેજવાંની છાંય તળે… – હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તો ય ફૂલ જેમ ખૂલ્યું છે મન.

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!

છોગાની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુનાં પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડ માંડ ચૂપ !

શમણાંને સાદ કરી હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન.

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન.

– હરિકૃષ્ણ પાઠક

————
કવિ શ્રી હરીન્દ્ર દવે ના શબ્દોમાં આ ગીત વિષે:

કવિ ઓગ્ડેન નેશે વૃધ્ધાવસ્થા વિશે સરસ વાત કહી હતી : જ્યારે તમારા મિત્રો કરતાં તમારા પુત્ર-પૌત્રાદિકોની સંખ્યા વધે ત્યારે પ્રૌઢાવસ્થા પૂરી થાય છે અને વૃધ્ધાવસ્થા શરૂ થાય છે.

વૃધ્ધાવસ્થાએ ઘણા કવિઓને વિષય પૂરો પાડ્યો છે. અહીં કવિ બુઢાપાને નેજવાની છાંય હેઠળ બેઠેલો કલ્પે છે અને કહે છે : કાયા પર કરચલીઓ પડી ગઇ છે, પણ મન ફૂલની માફક ખીલી ઊઠ્યું છે. બુઢાપો નેજવાની છાંય તળે બેઠો છે એવી કવિની કલ્પના હાથનું નેજવું કરી દૂર તાકી રહેલા કોઇ વૃધ્ધની છબી આપોઆપ ઉપસાવી દે છે.

ગઇ કાલ જે વીતી ગઇ છે – એનાં સ્મરણો, એ વૃધ્ધાવસ્થાનો સૌથી મોટો સંકેત છે. કોઇએ કહ્યું છે કે આયુષ્ય લાંબુ કે ટૂંકું નો નિર્ણય વરસોના આધારે નહીં પન સ્મરણોના આધારે કરી શકાય છે. શૈશવ ઝડપથી વીતી જાય છે કારણ કે એને કોઇ જ સ્મરણો હોતાં નથી. જ્યારે વૃધ્ધાવસ્થા ખૂબ જ લંબાતી હોય એમ લાગે છે કારણ કે એ સ્મરણોથી સભર હોય છે.

એટલે જ વૃધ્ધાવસ્થાનું મન ઝાડ જેમ કોળતું કવિ બતાવે છે; ઝાડનાં મૂળ ઊંડા હોય છે એ રીતે વૃધ્ધાવસ્થાનાં સ્મરણોનાં મૂળ પણ ઊંડા હોય છે.

આ કાવ્યના નાયક વૃધ્ધને ઘેર લગ્નનો અવસર છે; લગ્નના તોરણ બંધાયા ત્યારે એને પોતાના લગ્નનું સ્મરણ થાય છે. આ સ્મરણ એકી સાથે સુખદ અને દુઃખદ બને છે. વીતેલી ગઇકાલ જાણે નવો શણગાર સજીને આવી હોય એવું લાગે છે. પણ ગઇ કાલના શણગારમાં જે પાત્ર પોતાની સાથે હતું એનું અસ્તિત્વ નથી; એટલે જ માથે છોગું શોધવા ઊંચો થયેલો હાથ જ્યારે ભોઠોં પડી પાછો ફરે છે, ત્યારે ખોવાયેલા ગવનની ખોજ શરૂ થાય છે. અને આ શોધ સાથે કૈંક સુખદ પરિસ્થિતિ સંકળાઇ છે; કંકુપગલે ઘરમાંથી વિદાય થતી પુત્રીનાં પગલાંમાં એની માતાનું સ્મરણ સંકળાઇ ગયું છે.

કવિ મનસ્થિતિને વાચા આપવા માટે ઝાઝા શબ્દો નથી વાપરતા – એક જ શબ્દ એમને માટે બસ થઇ પડે છે. એક ઘૂંટ ભરીને ‘ગગન’ પીએ છે, આખા આકાશને જાણે કે પોતાની ઘૂંટમાં સમાવવા ઇચ્છતો હોય એ રીતે વૃધ્ધ ઊંડો શ્વાસ લે છે.

સ્મરણોનું એક આખું યે આકાશ મુખ્ય નાયકના અંતરમા હુક્કાની ઘૂંટની સાથે પ્રવેશે છે, અને વાચકના અંતરમાં પણ એ સાથે એક અનુભૂતિનું આકાશ ઊઘડે છે.

12 replies on “નેજવાંની છાંય તળે… – હરિકૃષ્ણ પાઠક”

 1. Trupti says:

  Lovely song!

 2. વૃધ્ધાવસ્થાની કોમળ લાગણીનું અત્યંત સુંદર વર્ણન

 3. harubhai karia alias pranav karia says:

  An etra-ordinary and sweet memories of youngageand the

  old age vibrations weaved under theshade ofaNejva tree.

  Heartiest congratulationstoHarikrishnaPathakju—Harubhai

 4. harubhai karia alias pranav karia says:

  After reading thisbeautifulsongthemindwentbackto the past.

 5. Maheshchandra Naik says:

  વયસ્ક અવસ્થામા, સ્મરણોની ભરમાર, શબ્દો દ્વારા સરસ રીતે માણવા મળી, શ્રી સુરેશ દલાલના ગીત ની યાદ આવી ગઈ,”ડોશી ડોશાને હજુ વ્હાલ કરે છે, કમાલ કરે છે”

 6. ખુબ સરસ કાવ્ય.વ્રુધ્ધાવસ્થા એક નિશ્ચીત ઘટના છે.એની એક આગવી કરુણતા હોય છે.પાછલી અવસ્થામાં પત્નિનુ પડખે ન હોવું એનાથી મોટી કોઈ કરુણતા નથી હોતી. વ્રુધ્ધ એના ભુતકાળને વાગોળતો બેઠો હોય છે.સારા નરસા પ્રસંગોની યાદો, સ્મૃતિના ભંડકિયામાં ધરબાયેલ પડી હોય છે,તે અવાર નવાર વાગોળી લેછે. બીજી કરુણતા એ હોય છે કે તેને કાન દઈને સાંભળનારુ કોઇ કને હોતું નથી.

 7. સુંદર ગીત… સુંદર લય અને ઢળતી સાંજની અનુભૂતિનું સ-રસ શબ્દાંકન…

 8. Kalpana says:

  સુઁદર લય. જાણે વાઁચ્યા જ કરીએ. ઝાડ જેવુઁ મન એટલે મનના પાઁદડે પાઁદડૅ સ્મૃતિ લટકે. અનુભવના ફળ/ફુલ લટકે.
  શુભ રાત્રી જયશ્રી.

 9. તમોને ધન્યાવાદ
  મારુ નામ રજિસ્તેર કાર્જો
  લાખ્વુ નથિ ફાવ્તુ
  ફરિ વાર લખિસ
  પોર્ત્તુગાલ મા રહુચુ

 10. krushna pathak says:

  અદભૂત કાવ્ય રચના

 11. Kalpana says:

  માન ભેર બોલાવે એને મીઠો ટહૂકો ભણવા જેટલું મન સ્વસ્થ રાખજે પ્રભુ. એટલી કડવાશ ભૂતકાળની, દુઃખદ વાતોને દોહરાવી દોહરાવી ન ભરી દેશો કે બધાના છીદ્રો જ જોવાની ટેવ પડી જાય. તનનો સંતાપ અને મન કડવી યાદોથી અડધું મારી નાખીએ તો આજુબાજુના પ્રેમાળ પુત્રો, પુત્રવધુઓ તેમજ પૌત્રો, પૌત્રીઓનો પ્રેમ પારખી ન શકાય. આનાથી મોટી કઈ વિડંબણા હોઈ શકે? માફ કરશો વડીલો, પણ હું પ્રૌઢાવસ્થાને કિનારે બેઠેલી હોઈ કોઈ કોઈ ગ્રુહસ્થીમા આ ચિત્ર અવલોકી ખૂબ ખેદ અનુભવું છું.

  આ કાવ્યમા મે ઉપર વર્ણવેલી કરુણાનો વિરોધાભાસ જોઈ મારું હૈયું આનંદે છે. ખૂબ સુન્દર રચના.આભાર

 12. Rasikbhai says:

  સુંદર કાવ્ય રચના. ઘણા સમય પહેલાં શ્રી હરિકૃષ્ણ પાઠકની એક સરસ વાર્તા ‘મોર બંગલો’વાંચેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *