લઈ લે પાયલ પાછું – વેણીભાઈ પુરોહિત

સ્વર : નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

This text will be replaced

છુમક છુમક નહીં નાચું
રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

કાંસાના પોટલિયા
વરચે કંકર પટકે કાયા,
સાગરનાં મોજાંને કયાં છે
એ ધમધમની માયા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

બિના છમાછમ ઝરણાં નાચે,
નાચત નભના તારા,
પાયલ કયાં પહેરે છે
કોઈની નાડીના ધબકારા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

વનનો મોર અને ઘન-બીજલ
નાચત બિન ઝાંઝરવાં,
ઝાંઝર બિના આ દિલ નાચે
ને બિનઝાંઝર નૈનનવાં:

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

તન નાચે પણ મન ના નાચે,
પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના
મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

– વેણીભાઈ પુરોહિત

સુરેશ દલાલના શબ્દોમાં આ કવિતાનો આસ્વાદ:
યાદ છે ત્યાં સુધી વેણીભાઈ પુરોહિતે આ ગીત ‘વાસવદત્તા’ નામની નૃત્યનાટિકામાં લખ્યું હતું. વેણીભાઈના મોટા ભાગનાં ગીતોને સંગીત અજિત મર્ચન્ટ આપતા. વાસવદત્તાની ભૂમિકા કેળવણીકાર આચાર્ય રમણલાલ વકીલની પુત્રી મીના ભજવતી. વેણીભાઈના શબ્દોમાં શબ્દસંગીત અને ભાવસંગીતની અનાયાસે જુગલબંધી જામતી. સંગીત શબ્દોમાંથી આપમેળે ઝરતું. બાહ્ય સંગીત એ ગીતનો ઠઠારો ન બનતું. વેણીભાઈની કવિતામાં શબ્દો અને સંગીતનો સંબંધ હાથ અને હસ્તારેખા જેવો રહ્યો, જળ અને માછલી જેવો નહીં. એમાં પણ સહેજ જુદાપણું લાગે. આમાં તો જાણે કે શબ્દો અને સંગીતનું દ્વૈત નહીં પણ અદ્વૈત રચાતું.

અહીં કાવ્યનાયિકા ઝાંઝર પાછું આપી દેવાની વાત કરે છે. પાયલ અને ઘાયલ પ્રાસ પણ ગમી જાય એવા છે. પ્રારંભના છુમક છુમક શબ્દો પણ સ્વયમ્ નૃત્યશીલ છે. નહીં નાચવાનું જે કારણ છે તે પણ શુષ્ક તર્કબદ્ધ નથી અને એ તો આ કાવ્યની મજા છે. સ્થૂળ નર્તન અભિપ્રેત નથી. એવી રીતે નાચવું એના કરતાં ન નાચવું સારું. મીરાંએ આ વાતને જુદી રીતે કહી: ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.’ જયારે ઘૂંઘરું કંકર જેમ કાયા પટકતું હોય અને આપમેળે જૉ અંદરથી માયા છલકતી ન હોય તો એ નાચવાનો અર્થ શું? ખ્યાલ છે ત્યાં સુધી અલિઝાબેથ જેનિંગ્સે કહ્યું છે કે યુ કેન નોટ સેપરેટ ધ ડાન્સર ફ્રોમ ધ ડાન્સ.

પ્રકòતિ કેટલી બધી નર્તનમય છે. ઝરણાં છમાછમ વિના પણ નાચતાં જ હોય છે. પૃથ્વી પર આવું છે તો આકાશમાં તારાઓનું પણ નર્તન દેખાય છે, સંભળાય છે. જીવનમાત્રની નાડીના ધબકારા પાયલ પહેર્યા વિના પણ નાચી શકે છે. પાયલ એ બહારની વસ્તુ છે. લોહીમાં લય હોય તો પછી નર્તન સ્વાભાવિક છે.

વનનો મોર પણ કળા કરીને નાચતો હોય છે એ ઝાંઝર પહેર્યા વિના વાદળ અને વીજળીનું નર્તન પણ જાણવા-માણવા જેવું છે. કારણ વિના ગાલિબની કવિતા વિષેની વિભાવના યાદ આવે છે કે એક કવિતા લખવી એ વીજળીના પગે મહેંદી મૂકવા જેવી વાત છે. પ્રેમીઓની આંખ જયારે શબ્દો વિના રણકતી હોય છે ત્યારે એના અણસારોએ કયાં કોઈ ઝાંઝર પહેર્યા હોય છે? માત્ર શરીર નાચતું હોય અને મનમાં થનગનાટ ન હોય; શરીર નાચે પણ પ્રાણ નાચવાની ના પાડે તો આવા જુઠ્ઠાં નર્તનનો અર્થ જ નથી. ભીતરના ઝંકાર વિનાના રુમઝુમમાં નાચવાનું કે રાચવાનું નાયિકાને મંજૂર નથી.

આ સાથે પ્રહ્લાદ પારેખનું એક ગીત મૂકું છું. જયાં વાત જુદી રીતે કહેવાઈ છે કે જો હૃદયમાં જ અભિમાન હોય તો શિર નમાવવાનો અર્થ શું? આ ગીત પણ સામે મૂકીને વાંચવા જેવું છે. ભાવદૃષ્ટિને અને ભાવસૃષ્ટિને એકમેકની અડખેપડખે મૂકવા જેવી છે.

શું રે કરું હું શીશ નમાવી?
ગર્વથી ઉંચું ઉર રે:

શું કરું સાગર લાવી,
દ્રવે જો નૈન નહીં નિષ્ઠુર રે?

શું રે કરું બીન બજાવી?
અંતરતાર બસૂર રે;

અંગમરોડ હું કેમ કરું,
જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,
હૈયું જો હોયે રંક રે?

રૂપ ફૂલોનાં કેમ સમર્પું?-
અંતરે મલિન રંગ રે.

શું રે કરું હું દીપ પ્રજાળી,
હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,
જો નહીં પ્રેમનાં પૂર રે?

– પ્રહ્લાદ પારેખ

16 replies on “લઈ લે પાયલ પાછું – વેણીભાઈ પુરોહિત”

 1. praful says:

  કેવિ સરસ વેબ સે આ ગુજરાતિ ભાશા કેવિ સરસ સે

 2. જયશ્રીબેન,
  લઈ લે પાયલ પાછું – વેણીભાઈ પુરોહિત રચિત, સ્વર : નિરૂપમા શેઠ સંગીત : અજિત મર્ચન્ટ ગીત સાંભળવાથી ખૂબ જ રોમાંચ અનુબવ્યો. નિરૂપમા શેઠના સ્વર ની મીઠાશ અને શબ્દોની સ્પષ્સટતા વધુ ગમી.
  ચન્દ્રકાંત લોઢવિયા.

 3. Viren Patel says:

  એક વધુ સુન્દર ગીત.
  વેણીભાઈની બીજી બે લાઈન યાદ આવે છે.

  સખી મારા સલોણાના સમ , કરે મને ખમ્મા ખમ્મા ખમ્મા ખમ,
  વ્હાલો ટગર ટગર ટગર જોઈ રહેતો,પછી કહેતો કે ધબકારા કેવા ધમાધમ !

  શબ્દો અને સંગીત સાથે વણાયેલા છે.

  આ ગીત મુક્વા બદલ આભાર.

 4. chandrika says:

  hi,
  u r doing a great work.many like me who had almost lost connection with the gujarati poems n songs have reconnected thro’ ur lovely website.U work hard to post good songs n feel a little disappointed when don’t see many comments,but don’t loose heart as there r many like me who just read n don’t realise how important for u these comments r n sometimes r plain lazy.
  So don’t get disheartened keep doing the good work u have undertaken.
  love chandrika(—)

 5. સુંદર રચના… આસ્વાદ પણ મધુર છે…

 6. Jay Thakar says:

  સુન્દર કવન અને સુન્દર ગવન. આભાર!

 7. P Shah says:

  મધુર ગીત !

 8. M.D.Gandhi, U.S.A. says:

  સાચી વાત છે, પ્રાણ કે મન ન નાચતું હોય તો પગ કેવી રીતે નાચે?

  વેણીભાઈ પુરોહિતનું કોઈ પણ ગીત હોય, મસ્ત અને મધુર જ હોય . મજા પડી ગઈ.
  .

 9. Maheshchandra Naik says:

  આ ગીત આકાશવાણી પર જુની રંગભૂમીનુ ગીતો સાંભળવાના કાર્યક્રમો આવતા હતા ત્યારે સાંભળ્યાનુ યાદ આવે છે ફરી તક આપવા બદલ આપનો આભાર…..

 10. mahesh dalal says:

  ફરિ એક વાર આન્નદ આન્નદ . જુના જાણિતા અને ખુબજ ગમતા ગિત … ફરિ ફરિ સામ્ભળિએ આભાર્

 11. tushar shukla says:

  i had an opportunity to compere a special show of songs by Venibhai ..in presense of Dilip Dholakia…Upendra Trivedi delivered a real good talk on the poet.

 12. ડિયર જયશ્રીબેન, આવુ સુન્દર ગીત સભળાવવા બદલ અભાર.કેવા સુન્દર શબ્દો “બિના છમાછમ ઝરણાં નાચે,
  નાચત નભના તારા,
  પાયલ કયાં પહેરે છે
  કોઈની નાડીના ધબકારા?

 13. Kanak Koradia says:

  જયશ્રિબેન્ આ સોન્ગ શ્રિ બબુભઇ પર્મારે નુ મલે તો ,મહેરબાનિ.

 14. ગીત પોતે જ નાચતુ-દોડતુ હોય એવ લાગે.
  કોલેજ-કાળમા વેણીભાઈના ગીતોનો કાર્યક્રમ કરેલો
  અને મારાભાગે આ ગીત રજુ કરવાનુ આવેલુ.
  જુન યાદ તાજી થઈ.

 15. Hemangini shah says:

  Aa git sambhadva kem maltu nathi .aa ane aava bija ghana gito sambhdva malta nathi .pahela to tahuka per badhag gito sambhadi sakata hata.to please mane janava ni krupa karso ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *