હસ્તાયણ – રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

આ મારા હાથમાં દમયંતીપણું શોધું છું,
મેં મૃત મત્સ્ય અહીં એકઠાં કરેલાં છે.

રેશમી વસ્ત્રની માફક ઢળી પડ્યાં નીચે,
હાથને ખીંટીએ ટિંગાડવા ક્યાં સહેલા છે?

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો,
તો થાય: મારા હાથ આ જ છે કે પેલા છે?

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી,
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

આ મારા હાથને હમણાં જ ગિરફતાર કરો,
કે તેણે તોપનાં મોં જીવતાં કરેલાં છે.

આ હાથ છે ને એના પૂર્વજોય હાથ હતા,
આ વંશવેલા ઠેઠ મૂળથી સડેલા છે

ખભાથી આંગળી સુધીના સ્ટેજ પર આ હાથ,
હાથ હોવાનો અભિનય કરી રહેલા છે

હે મારા હાથ, આ દમયંતીવેડા ફોગટ છે,
મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલાં છે.

આ હાથ સૌથી ખતરનાક બોમ્બ છે તોપણ
એ સાવ કાચની પેઠે ફૂટી ચૂકેલા છે.

‘રમેશ’, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ,
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

– રમેશ પારેખ

5 replies on “હસ્તાયણ – રમેશ પારેખ”

 1. ર.પા.ની આ યાદગાર ગઝલના કેટલાક શેરનો ધવલે કરાવેલ આસ્વાદ પોતે પણ વાંચવાલાયક થયો છે:

  http://layastaro.com/?p=1425

 2. s.vyas says:

  વાહ!…. મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલા છે…

 3. Manish Soni says:

  એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી,
  ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

  સુઁદર અતિ સુઁદર…….. થેઁક્યુ.

 4. મિહિર જાડેજા says:

  અદભુત ગઝલ. એક-એક શેર યાદગાર છે.

 5. Ekta says:

  આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
  સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

  કોઈના હાથને પસવારે હાથ કોઈનો,
  તો થાય: મારા હાથ આ જ છે કે પેલા છે?

  એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી,
  ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *