ઝલમલ ઝલમલ નદીજલ લહરી — રાજેન્દ્ર શાહ 

પઠન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

ઝલમલ ઝલમલ નદીજલ લહરી, પવન વહે પણ મલમલ,
પૂરવ ગગનને અરૂણ કિરણ મૃદુ વિકસત રક્ત કમલદલ,
મધુ પરિમલ રત અલિગણ ગુંજે,
મુકુલિત કલરવ નિખિલ નિકુંજે;
કહીં, પ્રિય!

કહીં તુમ નિવસત? નયનન વિકલ ભમે મુજ થલથલ,
ઝલમલ ઝલમલ નદીજલ લહરી, પવન વહે પણ મલમલ,
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા,
તરસત હ્ર્દય લુભાવત ખલ છલનામય મૃગજલમાયા,
અલસ સમીર, ન કિસલય કંપે,
કૂજનરવહીન ખગ નીડઅંકે,
કહીં પ્રિય!

કહીં તુમ નિવસત? રે મુજ ભ્રમણકલાન્ત દગકાયા,
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા,
અતલ તિમિર, તંદ્રિત નભ-તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ,
શૂન્ય રજની ત્રમ ત્રમ ઉર વીંધત મૂર્છિત સ્વ્પ્ન સૂકોમલ
દલદલ કુસુમ ઝરે અવની પર,
પરિમલમય દિગદિગન્ત અંબર;
કહીં પ્રિય! 

કહીં તુમ નિવસત? નયનન શિશિર-સલિલ-સર છલછલ, 
અતલ તિમિર, તંદ્રિત નભ-તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ.
— રાજેન્દ્ર શાહ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *