એ દેશની ખાજો દયા (Pity The Nation) – ખલિલ જીબ્રાન (અનુ. મકરંદ દવે)

ખલિલ જીબ્રાનની મૂળ અંગ્રેજી કવિતા – Pity The Nation – પરથી રચેલી આ કવિ શ્રી મકરંદ દવેની કવિતા!

* * * * * * * * * * *

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.
ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!
જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

– ખલિલ જીબ્રાન
(આભાર – લયસ્તરો.કોમ)

* * * * * * * * * * *

 

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave,
eats a bread it does not harvest,
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when its neck is laid
between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking.

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strong men are yet in the cradle.

Pity the nation divided into into fragments,
each fragment deeming itself a nation
– Khalil Gibran (The Garden of the Prophet – 1934)

6 replies on “એ દેશની ખાજો દયા (Pity The Nation) – ખલિલ જીબ્રાન (અનુ. મકરંદ દવે)”

 1. Hassan Ali says:

  What a foresight
  Looks like it was written for 21st century
  Our strong protectors in cradle shall soon be in power
  Let us pray and wait until help arrives
  I am sure the day will come
  And the de….vil. Will be running as fast as it can
  Hope for the best…….be prepared for the worst to face.

 2. virendra bhatt says:

  ખલિલ જીબ્રાનનુ કાવ્ય Pity The Nation આજની આપણા દેશની દુર્દશાનુ સચોટ ચીત્ર બતાવે છે.
  વીરેન્દ્ર ભટ્ટ્

 3. આપનો દિવસ સુન્દર મઝનો વિતે.
  કવિ શ્રેી ખલિલ જિબ્રાન મારા અતિપ્રિય,,,,આભાર એમના કાવ્યનો આસ્વાદ કરાવવા માટૅ.

 4. manubhai1981 says:

  ભવિષ્યનુઁ ઉત્તમ ચિત્ર ! માણો અને પામો !

 5. Ravindra Sankalia. says:

  આપણા દેશની આજની પરિસ્થિતિને કેટલુ બન્ધબેસતુ છે આ કાવ્ય| જયશ્રીબહેનને ખુબખુબ અભિનન્દન|

 6. RAJESH says:

  દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
  જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

  આજ નિ આ દશા શુ દેશ નિ દિશા બદલશે…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *