મનોજ પર્વ ૨૦ : શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૨)

આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…
(ઘણા વખત પહેલા ‘શબ્દ અને મનોજ ખંડેરિયા’ શેર સંકલન – ભાગ ૧ – ટહુકો પર રજૂ કર્યો હતો એ માટે અહીં ક્લિક કરો)

આ મારો અંધકાર લીલોછમ બની જશે
શબ્દોનું જ્યારે વાતાવરણ ઓગળી જશે
*

એકેય પાન શબ્દનું લીલું નહીં રહે
ઊડી રહ્યા છે તીડનાં ટોળાંઓ ગામ પર
*

હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો
મને એ રીતે હું પ્રસારી શકું તો
*

આ મારી શૂન્યતા મહીં શબ્દો ભરો નહીં
ઠાલી હવાથી એમ ક્યાં પુરાઈ જાય ખીણ
*

શબ્દો મારા પગભર ક્યાં છે
ચાલો મૌન તણી આંગળિએ
*

કોની મુદ્રા ઊપસી આવી
મારા શબ્દોની લગડીમાં

કવિતા તો છે કેસર વાલમ!
ઘોળો સોના-વાટકડીમાં
*

શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો
એક ઝંઝાવાતને ખાળી લીધો

મેં કશો અપરાધ ક્યાં વનમાં કર્યો
મેં રઝળતો ટહુકો સંભાળી લીધો
*

“મને તું મૌન દઈને શબ્દ તારો લઈ જજે”
પડી છે એક જાસાચિઠ્ઠી મારા ઉંબરે
*

ભ્રમર જેમ એમાં પુરાઈ ગયો છું
કહો શબ્દનું ઘર કમળ તો નથીને
*

મૂકી દે આજ મારા શબ્દો પર
ચોથું પગલું ચરણ ઉપાડીને
*

ક્યાં સરળ શબ્દનો છે ખજાનો
એ ફણીધર નીચેનો ચરુ છે
*

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
*

સદા શબ્દોના અગ્નિ-સ્તંભને મેં બાથ ભીડી છે
સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
*

શબ્દના વનમાં ફૂલોના પથ મળે
મ્હેકથી ખૂણેખૂણો લથબથ મળે
*

કથામાંથી છટકેલ છળ છે કે શું
ફરી એ જ માયાવી સ્થળ છે કે શું

મને શબ્દ ખેંચી ગયા ક્યાંથી ક્યાં
એ સોના-હરણવાળી પળ છે કે શું
*

લખાયા પહેલાં જ પોઢી ગયેલા
ઘણા શબ્દની છે કબર આંગળીમાં

કવિતા તો ઢાકાની મલમલ મુલાયમ !
વણાતી રહી હર પ્રહર આંગળીમાં
*

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને-
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દ બીજું શુણ ?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

7 replies on “મનોજ પર્વ ૨૦ : શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૨)”

  1. શબ્દ ના કેટલા સ્વરૂપો ?

    ” સદા શબ્દોના અગ્નિ-સ્તંભને મેં બાથ ભીડી છે
    સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે”

    શબ્દસમીપે…..કંઈક…..પરમ આનંદ…
    શબ્દો મારી જાન ને, વાણી મારી શાન,

    કલમ બચાડી શું કરે?નિમિત્ત સમયનો તકાજો છે!
    કરને જોવી રાહ કાળ-લબ્ધિની, કરમનો તકાજો છે!
    કલમ બચાડી શું કરે?નિમિત્ત સમયનો તકાજો છે!
    કરને જોવી રાહ કાળ-લબ્ધિની, કરમનો તકાજો છે!

    શબ્દ ના કેટલા સ્વરૂપો ? -લા’કાન્ત / ૧૫-૭-૧૨

  2. ક્યારેક એક્લતા જો કોરી ખાય
    નીંદર જો તારી વેરણ થાય
    તો મને યાદ કરજે તું ….

    દૂર સંભળાતા કોયલના સૂર,
    વસંત નો વહેતો શીતળ સમીર,
    હદયમાં જો જગ્વે પીડાના સૂર
    તો મને યાદ કરજે તું ….

    લીલાછમ પાંદડે હસતું ઝાંકળ
    મેહ વરસાવતું કોઇ કાજળિયું વાદળ,
    કરી મૂકે તને જો વિરહથી વિહવળ
    તો મને યાદ કરજે તું….

    નિકટનું સ્વજન જો દિલ ક્યાંક તોડે,
    અડધી સફરે જો સંગ – સાથ છોડે
    તો ય મને યાદ કરજે તું….

    this is also from legend Manoj khanderia….

  3. આજે પણ આ – “મનોજ પર્વ ૨૦:” માણ્યું
    સરસ રચનાઓ હોય છે – પણ એક ને એક સ્વાદ નો અતિરેક થતો હોય તેવું મને લાગે છે. વધારે પડતી મીઠાઈ થી મો ભાન્ગી જાય તે પહેલાં જ પરિવર્તન તથા Change કરો તો સારું એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે.
    કદાચ અન્ય નું પણ આવું જ મંતવ્ય હોઈ શકે – જો હોય તો અહિં જણાવવાથી – ટહુકો – તે બાબત ચોક્કસ વિચારશે જ.
    સર્વ નો આભાર – પુષ્પકાન્ત તલાટી .

  4. ” ચમત્કારો નથી તો આ લખાતા શબ્દ બીજું શુ?
    સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી”
    .

    -લા’કાન્ત / ૧૨-૭-૧૨

  5. હા મનોજભાઈ, તમારી આંગળીમાંથી તો સતત
    શબ્દકંકુ જ ખર્યા છે.અમારી કેટલીયે લાગણીઓને
    અવતરવા માટે તમારા શબ્દોનો સથવારો મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *