મુક્તકો – મુકુલ ચોકસી

ઉપલબ્ધ એક જણની અદા શી અજબ હતી
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી
પાસે જઈને જોઉં તો કાંઈ પણ હતું નહીં
રેતી ઉપર લખ્યું હતું કે અહીં પરબ હતી !

***

એક ઠંડી નજરથી થીજે છે
જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં
સાત સાગર તરી જનારા પણ
છેવટે લાંગર્યા અખાતોમાં

***

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

***

એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.

***

તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.

– મુકુલ ચોકસી

( આભાર – લયસ્તરો.કોમ)

4 replies on “મુક્તકો – મુકુલ ચોકસી”

  1. ખુબ સરસ સાચી વાત કહી…

    સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
    એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.

  2. તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
    બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
    સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
    એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય….વાહ ક્યા બાત કહી હૈ.!!
    અને એથીએ વધુ તો આ કડીઓ ગમે ગઈ…
    કિસ્સો કેવો સરસ મઝાનો છે,
    બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
    પલ્લું તારી તરફ નમ્યાનો તને;
    મુજને આનંદ ઊંચે ગયાનો છે ! ..બહોત ખુબ…ઈર્શાદ..ઈર્શાદ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *