Category Archives: જયશ્રી મર્ચન્ટ

કોઈ બીજાના તું આંસુ લૂછીને જો! – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

હથેળી પર જરા માથું મૂકીને જો!
કદી આ ગર્વમાંથી પણ છૂટીને જો!

‘કર્યું શું એના માટે’ એમ પૂછે છે?
પ્રથમ તો મારી માફક ઘર ફૂંકીને જો!

તારો ખોબોય મોતીથી જ છલકાશે
કોઈ બીજાના તું આંસુ લૂછીને જો!

સફળતાથી અમે તારી ફૂલાયા, પણ
અમારી હારમાં થોડું સૂકીને જો!

ટકોરા મારવાવાળામાં હું પણ છું
હવે તો ખોલવા દ્વારો ઊઠીને જો!

નમે છે સૌ જુએ જો વ્હાલને વ્હેતું
અગર હો પ્રેમ સાચો તો ઝૂકીને જો

લઈને ‘ભગ્ન’ સાથે શું જવાના છે?
ભરેલી કોની છે મૂઠ્ઠી, પૂછીને જો..!

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
(ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’)

તું નભ ને હું છું મુક્ત પંખી – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

અજવાળાના આભાસે ને અંધારાના અણસારે;
શ્વાસો તો હા ચાલ્યા છે જ સદા પોતાની રફતારે.

જોઈ સામું મોઘમ હોઠે સ્મિત કરીને ચાલ્યા એ,
અર્થૉ એના ઉકલે તે માટે કોઈ તો આવે વ્હારે.

ખોવાયું જ ન હો એ શોધીને ય મળે કેવી રીતે?
આ સત્ય એમને હવે જોઈએ સમજાશે તો ક્યારે?

જે ક્યારેય નહોતું તારું એના જ અભરખા શાને?
તારું છે તો મળશે જ તને સામેથી વારે-વારે.

તું નભ ને હું છું મુક્ત પંખી, વિલસે ટહુકે ટહુકે,
આકાશ સમાયું ભગ્ન ટહુકામાં જ નિરાકારે.

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
(ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’)

હું રહું આ આયના સામે અને એ બિંબ તારું હોય – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

જો હું રહું આ આયના સામે અને એ બિંબ તારું હોય તો?
ને તું નજર પણ ના કરે એવું જ આખું ભાગ્ય મારું હોય તો?

જળને પીધા વિના કેમની મીઠાશ એની માપવી બોલો તમે?
નિર્મળ સ્ફટિક સમ લાગતું જળયે અહીં જો સાવ ખારું હોય તો?

મારી જ આ દિવાનગીએ માની લીધાં એમને મનથી ખુદા
શું થાય જો એ વાતવાતે મારી સાથે પણ વહેવારુ હોય તો?

આજે મારા દ્વારેથી પાછા એ મળ્યા વિના ગયા છે શું કરું?
જોઈતુ તું બીજું શું જો આ ભાગ્ય મારું એકધારું હોય તો?

ને એ જ આશાથી અમે જીવ્યા છીએ, આગળ હજીયે જીવશું,
છે શક્ય કે આવનારી પળમાં જીવન ક્યાંક ન્યારું હોય તો?

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
(ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’)

કાફિયા વિણના રદીફો – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

કાફિયા વિણના રદીફો સમ ફરે છે;
રોમરોમે યાદ બસ એની તરે છે.

ઊભું છું સામે જવાબો માગવા હું,
આયનો લઈને સવાલો શેં ધરે છે?

જે ગયા છે ને કદી પાછા ન આવ્યા,
એ હજી મારા ખયાલે શું કરે છે?

હા, સમયની આજ મુઠ્ઠી ખોલવી છે,
જોવું છે કે ભાગ્ય જેવું કંઈ ખરે છે?

છે મહેફિલો અહીં ગઝલો ક્યાં ‘ભગ્ન’?
શાયરો સાચી ગઝલને કરગરે છે.

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’

વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ – જયશ્રી વિનુ મર્ચન્ટ

વૃંદાવનમાં વેણું વગાડે શ્યામ
ને યમુના તટે મારી જોને ગાગર છલકે…
હૈયું હરણ બની એ…ય…ને, જાય દોડી,
હું દોડી ચ૨ણ લઈ જોને, ગાગર છલકે…
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

આંખ્યુંમાં ઉજાગરો રાતની રાતો,
ને, તારા નયનના ઉલાળાનું કરું શું શ્યામ?
તારી તે ૨ઢમાં મૂક્યાં મેં કામકાજ,
ને, વેણુની તાન દિ’ આખો ગણગણું શ્યામ!
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

છૂટી મૂકું ગાયોને, બંધાતી હું ખીલે,
મનના હિંડોળે તો શ્યામ તું જ સદા ઝૂલે…!
સાનભાન ભૂલેલી અડતી કુંવારી કળીને,
સપનાંનાં ફૂલો મારે રોમેરોમ જોને ખીલે…!
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

– જયશ્રી વિનુ મર્ચન્ટ

તારે નામ – જયશ્રી વિનુ મર્ચન્ટ

આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ,
લે, તારે નામ કરી દઉં!
એક અજાણ્યા શહેરમાં તું જશે, તો,
તો લે, મારી પોતીકી પરખનું આખુંયે જગત
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

લઈ જા, આ આકાશ સાથે
જેની નીચે વિતાવ્યાં વર્ષોનાં વર્ષો સંગાથે,
લઈ જા, આ જમીન, આ રસ્તા, આ નદી ને આ દરિયો!
જેની સાક્ષીએ, કેટકેટલા મઘમઘતા મોગરા મૈત્રીના મ્હોર્યા,
તો લે, વિતેલી અને આવનારી મોસમોની મહેક તારે નામ કરી દઉં
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

લઈ જા, મારા શ્વાસોનો પ્રાણવાયુ
એ અજાણ્યા શહેરની હવામાં,
લઈ જા, રેશમની દોરીથી ગૂંથાયેલા
સંબંધોનાં મુલાયમ પોત,
લઈ જા, અહીં ગુજારેલા
સઘળા સમયની ક્ષણો સમેટીને પાલવમાં
તો લે, મારા પાલવનો તા૨-તા૨
બસ, હવે તારે નામ કરી દઉં!
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

– જયશ્રી વિનુ મર્ચન્ટ

વરસાદીપણું…! – જયશ્રી વિનુ મર્ચન્ટ

વરસાદીપણું મને ભીંજવી ગયું
ને, સૂરજનાં કિરણોમાં હું ઝળહળું…
ઝાકળમાં પથરાયા મારા પડછાયા,
ને, ફૂલો મહીં સમાઈને હું મઘમઘું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

રાતલડી મહેકે બનીને રાતરાણી,
ને, ફોરમના ફુવારે જો ભીંજાણી હું…
સપનાંયે હવે સપનાં ગયાં બની,
ને, પલકો ૫૨ ટહેલું છું નિદ્રાની હું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

ઓજસનો આભાસ ખાલી નથી,
ને, રોમરોમ તુજ નૂરમાં નીતરતી હું…
ભાન ભૂલી અભિસારિકા નદી સમી,
દિ૨યામાં લુપ્ત થવા જો ધસમસતી હું…
વરસાદીપણું મને ભીંજવી ગયું…

જયશ્રી વિનુ મર્ચન્ટ

એક વણજારાનું ગીત – જયશ્રી વિનુ મર્ચન્ટ

ગાતો હતો એક વણજારો,
અદીઠ, અજાણી સીમ છે ક્યાં?
સૂકી ભોમકા યુગોયુગોથી,
આભની એ રિમઝિમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

લઈ જાઉં ક્યાં આ અજંપો,
વતનની મારી એ નીમ છે ક્યાં?
તડકો ભીંજાય, સૂકાય વાદળ,
ભીનાશ જગમાં અસીમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

થાક છે તોયે નીંદ ન આવે,
તારાની આજે ટિમટિમ છે ક્યાં?
‘તારું-મારું’ની ઠાલી તકરાર,
જુદા અહીં રામ-રહીમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

– જયશ્રી વિનુ મર્ચન્ટ

પળ મળે! – જયશ્રી વિનુ મર્ચન્ટ

ખુલ્લી પાંપણ પાછળ સંતાયેલી બસ અટકળ મળે;
કોશેટામાં બંધ ભલે પણ રેશમ, રેશમપળ મળે.

પરપોટાની અંદર જ છુપાયેલું લ્યો, એ નીકળે,
શોધો ક્યાં ક્યાં ને અંતે ક્યાંથી જો ગંગાજળ મળે,

અંધારામાં એક કિરણભર અજવાળું બસ, જોઈએ,
ત્યાં તો નભ છલકાવી દેતો પ્રકાશ જ ઝળહળ મળે.

સહુ પ્રશ્નોના ઉત્તર સાથે જ મળે ક્યાંથી જિંદગી?
કદીક પ્રશ્નો કદીક ઉત્તર અમથા સાવ સરળ મળે.

આથી જ અકારણની એની નફરત કરી મેં સદા સહન,
‘‘ભગ્ન’’ ખબર છે કોને, ભલાઈનું શું ને ક્યાં ફળ મળે.

જયશ્રી વિનુ મર્ચન્ટ

સૂરજનો સાતમો ઘોડો – જયશ્રી વિનુ મર્ચન્ટ

સૂરજના સૌથી નાના
સાતમા ઘોડા જેવી
મારી કવિતા,
કુંતીની જેમ કૃષ્ણને દરેક જનમમાં પામવા,
માગ્યા કરે છે, સતત
વેદના, વ્યથા, દર્દ અને દુઃખનું વરદાન!

સૂરજના સાતમા ઘોડા સાથે છે,
સ્ફૂર્તિ અને તાજગીસભર છ પાણીદાર અશ્વો
છટાથી સૂરજદેવના રથને ગગનમંડળમાં ફેરવે છે એ,
જરાયે થાક્યા વિના!

મારી કવિતાના છ અશ્વો ક્યાં ગયા?

– જયશ્રી વિનુ મર્ચન્ટ