Category Archives: ચંદ્રકાન્ત શાહ.

ચંદ્રકાન્ત શાહ.

ચંદ્રકાન્ત શાહ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આવાં જીન્સ - ચંદ્રકાન્ત શાહ
ધોવા નાખેલ જીન્સનું ગીત - ચંદ્રકાન્ત શાહ
હું માણસ છું કે ? - ચંદ્રકાન્ત શાહ.
Loneliness ! - ચંદ્રકાન્ત શાહLoneliness ! – ચંદ્રકાન્ત શાહ

તાજેતરમાં રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ – સપ્તપદી – હવે અહીં અમેરિકા પણ આવી પહોંચી છે. તમે ન્યુ જર્સી રહેતા હો તો થોડા દિવસોમાં જ ફિલ્મ જોઇ શકશો. અમારે કદાચ થોડી રાહ જોવી પડશે.

તમારા શહેરમાં આ ફિલ્મ આવી રહી છે કે નહીં – એ તમે અહીં ફિલ્મના ફેસબુક પેજ પર જોઇ શકશો – http://www.facebook.com/Saptapadii?fref=ts

Saptapadi

સ્વર – ?
સંગીત – રજત ધોળકિયા અને પિયુષ કનોજિઆ
ગુજરાતી ફિલ્મ – સપ્તપદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Loneliness ! A Loneliness !
શું છે આ Loneliness ?
કેમ છે આ Loneliness ?
Plenty of Loneliness !

એકલાં હોવું ! એકાંતમાં રહેવું !
એકલાં પોતે, પોતપોતાનાં ! પોતપોતામાં એકલાં હોવું !

કેમ નથી કોઈ એકબીજાનાં ? એકબીજામાં ?
Loneliness ! A Loneliness !
શું છે આ Loneliness ?

- ચંદ્રકાન્ત શાહ

New Jersey Showtimes
March 30th at 5:00 pm, Big Cinema, Edison, NJ
April 19th at Big Cinema, North Bergen, NJ

ધોવા નાખેલ જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ

જાણે આપણી જ વાત હોય એવી આ કવિતા… બ્લ્યુ જીન્સ કોણે ન પહેર્યું હોય, વારંવાર… વારંવાર.. ધોયા વગર.. ! અને જ્યારે ધોવા નાખો અને ખીસ્સા તપાસો તો શું મળે? સાંભળો, દેવકીના ગળચ્ટ્ટા મધઝબોળ્યા અવાજમાં!!

કાવ્ય પઠન – RJ દેવકી (Red FM, અમદાવાદ)

ધોવા નાખેલ જીન્સ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક

મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
ચાખીને તેં મને આપેલ
કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઇક

રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચછાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું
ડેનિમ આકાશ
જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનર્વાશ ધોઈ કરી
લેઘરના દોરાથી ડબ્બલ સીલ્વેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

પહેલવ્હેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ
ત્યારે કોઈ નહિ ક્યાંય સુધી કશું બોલેલ
અને દુનિયા આખી એવી નરવસ થયેલ
પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ
એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ
લેઘરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
દરિયાનો તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ
એમ માની તેં દરિયો ઉલેચેલ
કે દરિયાને તારો અવતાર એક ધારી
હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઇક

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક

ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય
એક દૂર દૂર લંબાતો રસ્તો
ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર
અને દેખી શકાય ટાઇટ ક્લોઝ-અપમાં
બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું

કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું
ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી
ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું
રોજ તને રફટફ ચાહવું
કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું
એ બધું તો મારે સ્વભાવગત
ઉપરથી તારા ફેંકાયેલા લેસ્સોમાં હંમેશા વીંટાતો, ખીંટાતો હું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું

મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
ઇચ્છામાં હોય એક આઇ.એસ.આઇ માર્કવાળું
કે એગમાર્ગ છાપ
મને ફિટોફિટ થાય
તને અપટુડેટ લાગે
બહુ બૅગી ન હોય, એવું આપણું જ મળવું

વાતોમાં હું જે ન બોલ્યો હોંઉં
એમાંથી યાદ હોય જેટલું તને
કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ
મેં જે ચોરી લીધેલ હોય એ બધું

પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચેથી
કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ
એક ડેનિમ આકાશના જ ચંદરવા નીચે રચેલ
એક આંખોથી સ્ટેર કરી, હોઠ વડે ઊજવેલ, એવું કંઇક

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઈક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
કે એવું કંઇક

મળે ધોવા નાખેલ કોઈ લીવાઇઝના જીન્સમાંથી
વાંકીચૂકી વળેલ ચિઠ્ઠીઓ
ડિઝાઇનર લેબલનાં બિલ્સ
થોડા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ
ફિલ્લમની અડધી ટિકીટો
ને-ગીત એક સિગારેટના ખાલી ખોખા પર લખેલ
આવું કંઇક

- ચંદ્રકાન્ત શાહ

આવાં જીન્સ – ચંદ્રકાન્ત શાહ

કવિ શ્રી ચંદ્રકાન્ત શાહને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ઊર્મિએ એની ગાગરમાં ચંદુભાઇનું એક કાવ્ય મૂકેલું ત્યારે લખેલી એમના વિષેની વાતો આજે ફરી એકવાર વાંચી લઇએ. (આભાર બેના..:) )

નર્મદ.કૉમ સાઈટ વિશે આમ તો તમે જાણતા જ હશો… જેનાં સૂત્રધાર છે ચંદ્રકાંત શાહ. ચંદુના હુલામણા નામે ઓળખાતા અમેરીકાનાં બોસ્ટન શહેરનાં નિવાસી ચંદ્રકાન્તભાઈનાં બે કાવ્યસંગ્રહો છે: ‘અને થોડા સપના’ અને ‘બ્લૂ જીન્સ’. આ કવિતા એમનાં ખૂબ જ પ્રખ્યાત કાવ્યસંગ્રહ ‘બ્લૂ જીન્સ’માંની જ એક છે… જેમાં એમણે બ્લૂ જીન્સ વિશેનાં જ બધા કાવ્યોને આપણા રોજીન્દા જીવન સાથે બખૂબી વણી લીધા છે. આ ‘બ્લૂ જીન્સ’ કાવ્યસંગ્રહને મુંબઈની SNDT યુનિવર્સિટીના અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓનાં અભ્યાસક્રમમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. ચંદુભાઈ કવિ ઉપરાંત કુશળ નાટ્યકાર પણ છે અને નાટકો લખે પણ છે… ઘણા પ્રખ્યાત નાટકોમાંનો એક નાટક ‘ખેલૈયા’ ઉપરાંત એમણે મહાત્મા.ગાંધી.કૉમ નામનો એક અંગ્રજી નાટક પણ લખ્યો છે જેમાં ગાંધીજીનું પાત્ર પણ તેઓ પોતે જ ભજવે છે.. અને બીજું શું શું કરે છે એ જાણવા માટે હવે સીધું અહીં જ વાંચો. એમની બીજી એક રચના પણ મને વાંચતાં વેંત ખૂબ જ ગમી ગઈ… પણ એની સાઈઝ જોતા મને લાગ્યું કે હું એને ટાઇપ કરવા કરતાં સીધી તમને લિંક જ આપી દઉં… :-) વાંચો – ‘બાને કાગળ’ ! ચંદુભાઈને આપણ સૌ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

કવિ શ્રી ચંદ્રકાન્ત શાહના જન્મદિવસે હવે વાંચો એમના કાવ્ય સંગ્રહ ‘બ્લૂ જીન્સ’માં થી એક કવિતા ‘આવાં જીન્સ’……

આવાં જીન્સ

આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

સાંધા હો સુખના ને શીતળ હો શેઇડ
સાથે કાટે ને થાય આપણી જ સાથે એ ફેઇડ
નવી નવી સ્ટઐલોના આપો વરતાવા

આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

હોય નવાં ત્યારથી જ જૂનાં એ લાગે
જૂનાં થાતાં જ ફરી નવાં થઈ જાગે
સરનામું આપ પ્રભુ, ક્યાંથી મંગાવા

આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

- ચંદ્રકાન્ત શાહ

હું માણસ છું કે ? – ચંદ્રકાન્ત શાહ.


આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઇ જનમની હજી કનડતી ઈચ્છાઓથી જીવતર લથબથ ભીંજે
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે ?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઇને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો.
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઇને રખડું છું હું માણસ છું કે ?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

(કવિ પરિચય)