Category Archives: ઉમર ખૈયામ

ખરા છો તમે – કૈલાસ પંડિત

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત

alone.jpg

.

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?

– કૈલાસ પંડિત
——-

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

– ઉમ્મર ખૈયામ ( અનુવાદ : શૂન્ય પાલનપુરી)
—- —–

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

રૂબાઇ – ઉમર ખય્યામ

છાયા નીચે શીતલ તરુની સ્થાન એકાંતમાં કો
કાવ્યો થોડાં મધુર ગીતનાં હોય જો મારી પાસ,
સુરપ્યાલો સમીપ વળીને રોટલો એક નાનો
– ને તું ગાતી ! સનમ ! પછી ત્યાં સ્વર્ગની શી જરૂર ?

રૂબાઇયાત – ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )

કેવું રાતું ચોળ છે, જો આ સુમન વનફાલનું
જોઉં છું એની રગોમાં લોહી કો મહિવાલનું
જો આ નમણી નવલતાની નર્મ નાજુક પાંદડી
છૂંદણું લાગે છે એ કોઇ રૂપાળા ગાલનું

કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની
વ્યગ્ર થઇને માટી બોલી, “ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની”

જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર
એ પછી દુનિયા નવી એવી રચું કે જે મહીં
સર્વ જીવો મન મુજબ લૂટીં શકે જીવન-બહાર

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર
કાંસકીને જોકે એના તનના સો ચીરા થયા
તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર

ઓ પ્રિયે, કઠપૂતલીઓનો છે તમાશો જિંદેગી
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો
શૂન્યની સંદૂકમાં ખડકાઇ જાશું એ પછી

સૌ પ્રથમ તો હું ન આવત. આવતે તો જાત ના
હોત મારા હાથમાં તો આમ ધક્કા ખાત ના
કિંતુ સારું તો હતે બસ એ જ કે મિથ્યા જગે
કષ્ટમય આવાગમનનો પ્રશ્ન ઊભો થાત ના

(શૂન્ય પાલનપુરીનો પરિચય)