Category Archives: ગૌરવ ધ્રુ

પરપોટે પુરાયો – લાલજી કાનપરિયા

સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ગૌરવ ધ્રુ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 4

.

પરપોટે પુરાયો મારો પ્રાણ રે હોજી
લિયો રે ઉગારી જીવણ ! લિયો રે ઉગારી,
ઘૂઘવતાં જળની છે તમને આણ રે હો જી.

ફુલો પર બેઠું છે ઝાકળ ઝીણું રે હો જી
ઝટ રે ઝીલો જીવણ ! ઝટ રે ઝીલો,
પલકમાં ઢોળાશે અમરત-પીણું રે હો જી.

આથમણે સીમાડે સૂરજ ઝાંખો રે હો જી
ઢળ્યાં રે અજવાળાં જીવણ ! ઢળ્યાં રે અજવાળાં,
સજાવો રુડી ઝળહળ પાંખો રે હો જી.

ડાળીથી ખર્યું છે પીળું પાન રે હો જી
કૂંપળ-શું ફૂટો રે જીવણ ! કૂંપળ-શું ફૂટો ,
સમજી લિયોને તમે સાન રે હો જી.
– લાલજી કાનપરિયા

આપણી જ વાર્તા – ગૌરવ ધ્રુ

આજનું આ ગીત ખાસ મારા ‘રાજા’ અમિત અને અમારી પરીની કહાણી માટે… (આમ તો અમે વર્ષમાં ચાર જાતની Anniversary ઉજવીએ છે, પણ આજે આ ગીત… બસ એમ જ.. પ્રેમમાં ક્યાં કારણ જોઇએ? 🙂 )

સ્વર : આશિત – હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

.

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી,
એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા
કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઉજાણી

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

હોળી હલ્લેસા ને પાણીનું રણ
અને ડમરી સમ ____ એના લ્હેરે
લથબથતા ભીંજાતા નખશીખ ____
હવે શમણેરી વેશ જુઓ પ્હેરે
હાંફતા હરણ સમા કિનારે પહોચ્યા
ત્યાં આવ્યું તું અંકમાં સમાણી

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

– ગૌરવ ધ્રુ