Category Archives: હરિકૃષ્ણ પાઠક

હરિકૃષ્ણ પાઠક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

નેજવાંની છાંય તળે... – હરિકૃષ્ણ પાઠક
ફૂલ ફૂટ્યાં છે - હરિકૃષ્ણ પાઠકફૂલ ફૂટ્યાં છે – હરિકૃષ્ણ પાઠક

( ઝૂલતી રાતી ઝૂલ….  Photo: Vivek Tailor)

અલે, કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
આમ જુઓ તો ઊડતી પીળી પામરી
અને આમ જુઓ તો ઝૂલતી રાતી ઝૂલ;
અલે, કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !

પંચમ સૂર રેલાવતો કોકિલ, રંગ રેલાવે રત;
પડદેથી સૌ પટમાં આવ્યા, ગમ્મતે ચડી ગત…
જોડિયા પાવા જાય ગાળીમાં ગાજતા
એના અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
અલે, કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !

– હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે… – હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તો ય ફૂલ જેમ ખૂલ્યું છે મન.

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!

છોગાની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુનાં પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડ માંડ ચૂપ !

શમણાંને સાદ કરી હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન.

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન.

– હરિકૃષ્ણ પાઠક

————
કવિ શ્રી હરીન્દ્ર દવે ના શબ્દોમાં આ ગીત વિષે:

કવિ ઓગ્ડેન નેશે વૃધ્ધાવસ્થા વિશે સરસ વાત કહી હતી : જ્યારે તમારા મિત્રો કરતાં તમારા પુત્ર-પૌત્રાદિકોની સંખ્યા વધે ત્યારે પ્રૌઢાવસ્થા પૂરી થાય છે અને વૃધ્ધાવસ્થા શરૂ થાય છે.

વૃધ્ધાવસ્થાએ ઘણા કવિઓને વિષય પૂરો પાડ્યો છે. અહીં કવિ બુઢાપાને નેજવાની છાંય હેઠળ બેઠેલો કલ્પે છે અને કહે છે : કાયા પર કરચલીઓ પડી ગઇ છે, પણ મન ફૂલની માફક ખીલી ઊઠ્યું છે. બુઢાપો નેજવાની છાંય તળે બેઠો છે એવી કવિની કલ્પના હાથનું નેજવું કરી દૂર તાકી રહેલા કોઇ વૃધ્ધની છબી આપોઆપ ઉપસાવી દે છે.

ગઇ કાલ જે વીતી ગઇ છે – એનાં સ્મરણો, એ વૃધ્ધાવસ્થાનો સૌથી મોટો સંકેત છે. કોઇએ કહ્યું છે કે આયુષ્ય લાંબુ કે ટૂંકું નો નિર્ણય વરસોના આધારે નહીં પન સ્મરણોના આધારે કરી શકાય છે. શૈશવ ઝડપથી વીતી જાય છે કારણ કે એને કોઇ જ સ્મરણો હોતાં નથી. જ્યારે વૃધ્ધાવસ્થા ખૂબ જ લંબાતી હોય એમ લાગે છે કારણ કે એ સ્મરણોથી સભર હોય છે.

એટલે જ વૃધ્ધાવસ્થાનું મન ઝાડ જેમ કોળતું કવિ બતાવે છે; ઝાડનાં મૂળ ઊંડા હોય છે એ રીતે વૃધ્ધાવસ્થાનાં સ્મરણોનાં મૂળ પણ ઊંડા હોય છે.

આ કાવ્યના નાયક વૃધ્ધને ઘેર લગ્નનો અવસર છે; લગ્નના તોરણ બંધાયા ત્યારે એને પોતાના લગ્નનું સ્મરણ થાય છે. આ સ્મરણ એકી સાથે સુખદ અને દુઃખદ બને છે. વીતેલી ગઇકાલ જાણે નવો શણગાર સજીને આવી હોય એવું લાગે છે. પણ ગઇ કાલના શણગારમાં જે પાત્ર પોતાની સાથે હતું એનું અસ્તિત્વ નથી; એટલે જ માથે છોગું શોધવા ઊંચો થયેલો હાથ જ્યારે ભોઠોં પડી પાછો ફરે છે, ત્યારે ખોવાયેલા ગવનની ખોજ શરૂ થાય છે. અને આ શોધ સાથે કૈંક સુખદ પરિસ્થિતિ સંકળાઇ છે; કંકુપગલે ઘરમાંથી વિદાય થતી પુત્રીનાં પગલાંમાં એની માતાનું સ્મરણ સંકળાઇ ગયું છે.

કવિ મનસ્થિતિને વાચા આપવા માટે ઝાઝા શબ્દો નથી વાપરતા – એક જ શબ્દ એમને માટે બસ થઇ પડે છે. એક ઘૂંટ ભરીને ‘ગગન’ પીએ છે, આખા આકાશને જાણે કે પોતાની ઘૂંટમાં સમાવવા ઇચ્છતો હોય એ રીતે વૃધ્ધ ઊંડો શ્વાસ લે છે.

સ્મરણોનું એક આખું યે આકાશ મુખ્ય નાયકના અંતરમા હુક્કાની ઘૂંટની સાથે પ્રવેશે છે, અને વાચકના અંતરમાં પણ એ સાથે એક અનુભૂતિનું આકાશ ઊઘડે છે.