Category Archives: પ્રાણલાલ વ્યાસ

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં …

આ ગીતના શબ્દો, અને સાથેની નોંધ (‘રઢિયાળી રાતના રાસ’માંથી) માટે ગોપાલકાકાનો આભાર. અને સાથે આભાર એ મિત્રોનો જેમણે આ ગીતની મોકલ્યું ટહુકો પર વહેંચવા માટે. આ ગીતના બે અલગ અલગ version અહીં મૂક્યા છે, પણ બંને ગીતમાં બધી કડીઓ નથી. બીજા કોઇ ગીતમાં કદાચ વધુ ગવાયેલી કડીઓ મળી રહે.

જળદેવતાને

”રઢિયાળી રાતના રાસ/સં:ઝવેરચંદ મેઘાણી/પાનું:35-36

(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિષે આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું; જળદેવતા ભોગ માગે છે :ગામનો ઠાકોર પોતાનાં દીકરા-વહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ—સુખ કાજે સ્વાર્પણ: એ ત્રણે ભાવથી વિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોક-જીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઇ લાગે છે.)

સ્વર – હેમુ ગઢવી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – પ્રાણલાલ વ્યાસ
સંગીત – મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ – વનજારી વાવ (૧૯૭૭)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં,
નવાણે નીર નો આવ્યાં જી રે !
તેડાવો જાણતલ તેડાવો જોશી,
જોશીડા જોશ જોવરાવો જી રે !

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !
ઘોડા ખેલવતા વીર રે અભેસંગ !
દાદાજી બોલાવે જી રે !

શું રે કો’છો, મારા સમરથ દાદા ?
શા કાજે બોલાવ્યા જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારા સમરથ દાદા !
પારકી જણીને પૂછી આવો જી રે.
બેટડો ધવરાવતાં વહુ રે વાઘેલી વહુ !
સાસુજી બોલાવે જી રે !

શું કો’છો, મારા સમરથ સાસુ ?
શા કાજે બોલાવ્યાં જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારાં સમરથ સાસુ !
જે કે’શો તે કરશું જી રે !
ઊઠોને રે, મારા નાના દેરીડા !
મૈયર હું મળી આવું જી રે.

અઘેરાંક જાતાં જોશીડો મળિયો,
ક્યાં વાઘેલી વહુ ચાલ્યાં જી રે !
ખરે બપોરે મરવાનાં કીધાં,
મૈયર હું મળી આવું જી રે !

મરવાનાં હોય તો ભલે રે મરજો,
એનાં વખાણ નો હોયે જી રે !
ભાઇ રે જોશીડા !વીર રે જોશીડા !
સંદેશો લઇ જાજે જી રે !

મારી માતાજીને એટલું કે’જે,
મોડીઓ ને ચૂંદડી લાવે જી રે !
ઊઠોને રે, મારા સમરથ જેઠાણી !
ઊનાં પાણી મેલો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ દેરાણી !
માથાં અમારાં ગૂંથો જી રે.
ઊઠોને રે, મારા સમરથ દેરી !
વેલડિયું શણગારો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ નણદી !
છેડાછેડી બાંધો જી રે.
ઊઠોને મારા સમરથ સસરા !
જાંગીનાં (ઢોલ) વગડાવો જી રે.

આવો આવો, મારા માનસંગ દીકરા !
છેલ્લાં ધાવણ ધાવો જી રે.
પૂતર જઇને પારણે પોઢાડ્યો,
નેણલે આંસુડાંની ધારું જી રે.

ઝાંઝ પખાજ ને જંતર વાગે,
દીકરો ને વહુ પધરાવે જી રે !
પાછું વળી જોજો, અભેસંગ દીકરા !
ઘોડલા કોણ ખેલવશે જી રે !

ઇ રે શું બોલ્યા, સમરથ બાપુ !
નાનો ભાઇ ખેલવશે જી રે.
પાછું વાળી જોજો, વહુ રે વાઘેલી વહુ !
પૂતર કોને ભળાવ્યા જી રે.

કોણ ધવરાવશે, કોણ રમાડશે,
કેમ કરી મોટા થાશે જી રે !
દેરાણી ધવરાવશે, નણદી રમાડશે,
જેઠાણી ઉઝેરશે જી રે !

પે’લે પગથિયે જઇ પગ દીધો,
પાતાળે પાણી ઝબક્યાં જી રે !
બીજે પગથિયે જઇ પગ દીધો,
કાંડાં તે બૂડ પાણી આવ્યાં જી રે !

ત્રીજે પગથિયે જઇ પગ દીધો,
કડ્ય કડ્ય સમાં નીર આવ્યાં જી રે !
ચોઠે પગથિયે જઇ પગ દીધો,
છાતી સમાં નીર આવ્યાં જી રે !

પાંચમે પગથિયે જઇ પગ દીધો,
પરવશ પડિયા પ્રાણિયા જી રે !
એક હોંકારો દ્યો, રે અભેસંગ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે ચારણ, પીશે તે ભાટ,
પીશે અભેસંગનો દાદો જી રે.
એક હોંકારો દ્યો,રે વાઘેલી વહુ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,
પીશે તે વાળુભાનાં લોકો જી રે.
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડીઓ,
તર્યાં અભેસંગનાં મોળીઆં જી રે !

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા અણોસરા લાગે જી રે !
વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,
દવલાંને પાતાળ પૂર્યાં જી રે !

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ – નરસિંહ મહેતા

પપ્પાએ રેકોર્ડ કરાવેલી ગુજરાતી કેસેટમાં આ ગીત હતું, એટલે નાનપણથી આ ગીત સાંભળતી આવી છું.. ગીતના મોટાભાગના શબ્દો ત્યારે તો નો’તા સમઝાતા, અને હજુ પણ કેટલાક ગીતોનો અર્થ એટલો સ્પષ્ટ ખબર નથી, પણ ગીત છે એવું મઝાનું કે વારંવાર સાંભળવાનું મન થાય… લોકગીતની કક્ષાએ પહોંચેલું વધુ એક નરસિંહ મહેતા રચિત કૃષ્ણગીત..!

સ્વરકાર – અવિનાશ વ્યાસ / નાનજીભાઇ મિસ્ત્રી (??)

સ્વર : પ્રાણલાલ વ્યાસ

This text will be replaced

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

– નરસિંહ મહેતા

શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ

ઘડવૈયા મારે ઠાકોરજી – કવિ ‘દાદ’

કવિ દાદનું ઘણું જ જાણીતું ગીત.. આમ તો ઘણા વખતથી વિચારતી હતી એને ટહુકો પર મુકવાનું, પણ મારે પૂરેપૂરું ગીતના શબ્દો જોઇતા હતા આ ગીત મુકવા પહેલા. થોડા દિવસો પહેલા એક ટહુકો-મિત્રએ એક પુસ્તક મોકલ્યું, જેમાં ગીતના શબ્દો મળી ગયા. આભાર પૂર્વિ.. :)

સ્વર : પ્રાણલાલ વ્યાસ

This text will be replaced

મારે ઠાકોરજી નથી થાવું !
ટોચોમાં ટાંચણું લઇ, ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,

ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું… રે ઘડવૈયા..

હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું.
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં; કુમળા હાથે ખોડાવું… રે ઘડવૈયા..

પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું… રે ઘડવૈયા..

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… રે ઘડવૈયા..

બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઇને ખોડાવું… રે ઘડવૈયા..

કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા..

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને ‘દાદ’ ઝાશું રંગાવું… રે ઘડવૈયા..

– કવિ ‘દાદ’