Category Archives: નીલેશ રાણા

નીલેશ રાણા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અસ્તિત્વ ? - નીલેશ રાણા
વર્ષા એ કરી કમાલ - નીલેશ રાણા
સોયમાં દોરો -ડૉ.નિલેશ રાણાસોયમાં દોરો -ડૉ.નિલેશ રાણા

આજના આ ગીત માટે ઊર્મિનો ખાસ આભાર… 🙂

velvet_painting_pz99_l-sml.jpg
(…મારામાં સંધાયુ કંઈ!)

સંગીત – સ્વર : નયનેશ જાની

સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયુ કંઈ,
છમછમ છાલક સમ છલકાયો પળમાં ને મારામાં બંધાતુ કંઈ.

શ્વાસો તારાથી ને શ્વાસોથી હું, આ બાંધણીને છોડવી તે કેમ?
તસતસતા કમખામાં ગુંગળાતા હોય કદી વ્યાકુળ ધબકારાની જેમ;
નજરોમાં રોપાતી મોગરા-શી તું અહીં મુજમાં સુગંધાતુ કંઈ.

છલકાતા રણ પર સરોવર લખાય પણ એ રેતકણમાં કૂંપળનું ફૂટવું,
ઓગળતો તારામાં સ્થિર થઈ આજ હવે હું જ મને મારાથી ઝૂટવું;
હૈયું કપૂર સમ ઉડતું રહ્યું ને જૂઓ મારામાં ઘેરાતુ કંઈ.

-ડૉ.નિલેશ રાણા

વર્ષા એ કરી કમાલ – નીલેશ રાણા

આજે ફરી એક મસ્ત મજાનું, અને એકદમ તાજ્જું વર્ષાગીત… પહેલા વરસાદની સાથે ગરમાગરમ ભજીયા જેવું refreshing..! અને એ પણ કવિના હસ્તાક્ષરમાં..! ‘મોન્સૂન મુબારક’ ના સંદેશ સાથે.. 🙂

અને કવિના શબ્દોની સાથે બીજી એક કમાલ છે ગીતના મધુર સંગીત સાથે રેલાતો  નિશા ઉપાધ્યાયનો મદમાતો અવાજો.. ગીત શરૂ થાય કે તરત થાય કે વરસાદ પડો.. મારે ય ભીંજાવું છે..!!

varsha

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : નયનેશ જાની
આલ્બમ : મિજાજ

This text will be replaced

આજ ભીંજાવું શું છે જાણ્યું
વર્ષા એ કરી કમાલ
મારે આંગણ સાગર વરસે
લઇ નદીઓનું વ્હાલ

સોળ વરસની વર્ષા નાચે
બાંધી મસ્ત પવનના ઝાંઝર
ઉમંગોની લચકાતી કમરપર
પીડાની છલક છે ગાગર

વાત ચઢી વંટોળે
હું થઇ ગઇ માલામાલ
જડ્યું અચાનક ગોપિત ઝરણું
વર્ષા એ કરી કમાલ

આભ અરીસે મીટ જો માંડી
કાયા થઇ ગઇ કંકુવરણી
ફોરાં અડે મહેક્યા સંદેશા
ગોકુળ બનતી મનની ધરણી

ભીતર કનડે ભીજા રાગો
સાતે સૂરો કરે ધમાલ
ગમ્યું અચાનક ખુદને મળવું
વર્ષા એ કરી કમાલ

અસ્તિત્વ ? – નીલેશ રાણા

ન્યૂયોર્ક શહેરની આકાશ સાથે વાતો કરતી
ઇમારતોનાં ચોસલાંમાં
ગોઠવાયેલું મારું અસ્તિત્વ !

સમયની સાંકળો
ઓક્ટોપસના પગોની માફક વીંટાળતી મને
– ને ઘડિયાળના કાંટે હાંફતી જિંદગી
ઓરેન્જ જ્યૂસ, ટોસ્ટ અને કૉફી સાથે
જાગી જતું જીવન

કારનાં પૈંડાની ગતિમાં
કમ્પ્યુટરના કી-બોર્ડના અવાજમાં
બહેરું થયેલું જીવન

‘હલ્લો’, ‘હાઉ આર યુ?’, ‘ઇટ્સ એ નાઇસ ડે!’
ખુશબો વિનાનાં રંગબેરંગી પુષ્પોનો સ્પર્શ
‘હાય’ અને ‘બાય’ વચ્ચે લટકતા સંબંધો
કદીક મગરના આંસુ જેવાં સ્માઇલ
ને ચાડિયાનો ચહેરો

ડોલરની લીલી નોટ – ઝેરીલી નાગણ
લોહી ચૂસ્યા કરે
ને વલખાં મારતા સૂરજનાં ફિક્કા પડખાં,

સાંજે બીયરની બોટલ
ટીવીનો પડદો
અને આંધળી આંખો.