Category Archives: ગૌરવ ધ્રુવ

જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક

ગુજરાતી શાળામાં ભણેલા દરેકને આ સ્તુતિ થોડે -ઘણે અંશે તો યાદ જ હશે… ચલો, જો ભુલાઇ ગઇ હોય તો હું આજે યાદ કરાવી દઉં..!  અને એ પણ ત્રણ અલગ-અલગ સ્વર-સંગીત સાથે..!! અને શાળાજીવન યાદ કરાવતી આ રચના સૌપ્રથમ સાંભળીએ બાળકોના સ્વરમાં….

.

સ્વર : મહાલક્ષ્મી અવરાણી

.

સ્વર : નિશા ઉપાધ્યાય, ગૌરવ ધ્રુવ
સંગીત : કૌમુદી મુન્શી

.

જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય… – અવિનાશ વ્યાસ

આજે આપણા વ્હાલા રાષ્ટ્રપિતાને એમનાં નિર્વાણદિને કોટિ કોટિ વંદન…!!

સ્વર : ગૌરવ ધ્રુવ
સંગીત : અવિનાશ વ્યાસ

.

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

જરૂર પડી જગદીશ્વરને પણ ગાંધી જેવા જણની
એણે ખૂંચવી લીધી મોંઘી માટી આ ભારતની

એના વિના ના મારગ સૂઝે આતમડો અટવાઇ ગયો
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

એની હિસા જેણે ના કદી હિંસાનો વિચાર કર્યો
એની ચિતાને ચેતવનારો અગ્નિ પણ શરમાઇ ગયો

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

– અવિનાશ વ્યાસ