Category Archives: વિવેક મનહર ટેલર

પુંકેસરની છાતી ફાટી છે – વિવેક મનહર ટેલર

flowers by Vivek

(પુંકેસરની છાતી…  …લેહની ધરતી પરથી, જુન, ૨૦૧૩     Picture by: Vivek Tailor)

*

સવાર ફાટી પડી, આ શી ઘડબડાટી છે ?
નિયત આ રાતની શા માટે આજે ખાટી છે ?

યુગો પછી આ પુંકેસરની છાતી ફાટી છે,
નિતાંત પાનખરે શેની આ ગુલાંટી છે ?

ઉષરભૂમિને શું જુએ છે ? હા, એ હું જ છું પણ
તું આવ, ત્યાં જો કઈ શક્યતાઓ દાટી છે ?

એ લાગણીનું બીજું નામ આપવું શું, કહો
ડૂબો જ્યાં તળ સુધી પણ થાય કે સપાટી છે.

પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !

મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?

ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.

ચકિત ન થા તું, પ્રલાપોથી કોરા કાગળના,
ગઝલ ! તું હોય નહીં એ જ સનસનાટી છે…

વકી છે, આજે પ્રથમવાર એ નજર ફેંકે,
ગઝલની આખીય કાયામાં ઝણઝણાટી છે.

- વિવેક મનહર ટેલર
(૦૨/૦૩-૦૪-૨૦૧૩)

શું તું સમજી શકે છે મારી દ્વિધા? – વિવેક મનહર ટેલર

Viveks Leh n ladakh

(તોફાનની વચ્ચોવચ્ચ…  ….નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩   – Picture by Vivek Tailor)

*

તારા પર ગીત શું લખું હું કે તું છે મારી જીવતી ને જાગતી કવિતા,
શું તું સમજી શકે છે મારી દ્વિધા?

પાસે તું હોય તો બસ તારામાં લીન રહું,
દૂર હો તો ઓર લાગે પાસે;
તારા અહેસાસનો પ્રાણવાયુ પી-પીને
રક્તકણો નીકળે પ્રવાસે,
શાહીમાં ડૂબેલ આ બ્લૉટિંગ પેપર ઉપર કેમ કરી પાડું હું લીટા ?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?

સાચી મજા તો બસ, માણવામાં હોય,
સ્થૂળ વર્ણન તો ક્ષણનો બગાડ;
કોરાંકટ કાગળની ભરચક્ક ગલીઓમાં
પ્રેમ પ્રેમ પ્રેમ બૂમ પાડ
હોવાના અધ્યાય ત્યાં લખ્યા છે સાથ-સાથ, એથી વિશેષ કઈ ગીતા?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?

-વિવેક મનહર ટેલર
(૧૩-૦૪-૨૦૧૩)

Happy 8th Birthday to શબ્દો છે શ્વાસ મારા

આજે ૨૯મી ડિસેમ્બર – ગુજરાતીભાષાના સ્વરચિત કાવ્યોના સૌપ્રથમ બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’નો જન્મદિવસ..!! આજના દિવસે મિત્ર વિવેક ટેલરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ મઝાનું ગીત..!

અને હા, અમદાવાદના મિત્રોને તો લ્હાવો મળશે એક રસપ્રદ વિષય સાથે વિવેકને સાંભળવાનો..!

*

અંદર ક્યાંક ધરબીને રાખેલું ગીત જેમ નીકળી પડે રે વાતવાતમાં,
એમ વાદળો અથડાય છે આકાશમાં,
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

- વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૦)

*

વરસી કંઈ સ્મરણોની હેલી… – વિવેક મનહર ટેલર

girl
(પ્રતીક્ષા…             …કચ્છ, ઓક્ટોબર, ૨૦૦૯    Photo: Vivek Tailor)

***

વરસી કંઈ સ્મરણોની હેલી,
હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી.

વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
મેં તો હોવાની ભીંતોને ઓકળી;
ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
આડી પડી’તી થઈ મોકળી.
એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
વરસી કંઈ સ્મરણોની હેલી…

અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
કોણ છું હું બોલ સખી, બોલ..
કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
મનડાનો થઈ ગ્યો ચકડોળ.
આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
વરસી કંઈ સ્મરણોની હેલી…

- વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૦૬-૨૦૧૦)

દોડો, દોડો સુરતીલાલા… – વિવેક મનહર ટેલર

ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે સૂર્યાસ્ત પછી હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જે ફાળો ઊભો થાય એ કેન્સરપીડિતો માટે, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તથા સુરતને ગ્રીન-સિટિ બનવવા માટે વપરાશે… તો, આજે રજૂ છે અમારા પ્યારા પ્યારા સુરતીલાલાઓ માટે એક હળવા મિજાજનું ગીત……Click here for more information on the Surat Night Half Marathon 2013….

 

સ્વરકાર/સંગીતકાર અને ગાયક : ચિરાગ રતનપરા
સૌજન્ય સ્વીકાર : કૌશિક ઘેલાણી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો,
તન-મનમાં બાંધેલી આળસની બેડી ઝંઝોડો.

ખાણી-પીણીની લારી ઉપર રોજ લાગે છે લાઇન,
લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;
મોજ-મસ્તીની વાત આવે તો સુરતીલાલા ફાઇન,
સમાજસેવાની વાતમાં આપણે ક્યારે કરીશું શાઇન ?
માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

ત્રેવીસમી ફેબ્રુઆરીની દોડ એ કેવળ દોડ નથી,
કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;
ટ્રાફિકની સમસ્યાઓનો આજેય કોઈ તોડ નથી,
સુરતને લીલુંછમ કરવાથી મોટી કોઈ હોડ નથી,
એક દિવસ તો ટી.વી., સિનેમા, બાગ-બગીચા છોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

નાનાં-મોટાં, બચ્ચા-બુઢા, સ્ત્રી-પુરુષ સહુ આવો,
અનેક આવો, દરેક આવો, જ્યોતથી જ્યોત જગાવો;
થોડી ઇચ્છા, થોડાં સપનાં, થોડી આશા વાવો,
સુરતને ખુબસૂરત કરીએ, કદમથી કદમ મિલાવો,
મન મૂકીને દોડો, દિલથી દિલનો નાતો જોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો.

- વિવેક મનહર ટેલર

(આભાર – શબ્દો છે શ્વાસ મારા)

Surat Night Half Marathon 2013