Category Archives: ડૉ. મહેશ રાવલ

તો એમને તકલીફ થઇ ! – ડૉ.મહેશ રાવલ

અટક્યાવગર આગળ વધ્યા તો એમને તકલીફ થઇ
સંજોગ સાથે બાખડ્યા તો એમને તકલીફ થઇ !

પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન લઇ ઊભા થયા બે-ખોફ, ‘ને
ઉત્તર બધા ટાંચા પડ્યા તો એમને તકલીફ થઇ

ઘટના જૂની ભૂલી જવાની હોય, એ ભૂલાઇ નહીં
બે-ત્રણ પુરાવા પણ મળ્યા તો એમને તકલીફ થઇ

પડઘાવગરનાં સાદ બહુ કાને નથી પડતાં, છતાં
એ કાન દઇને સાંભળ્યા તો એમને તકલીફ થઇ !

ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને
સાચા હતાં સાચા ઠર્યા તો એમને તકલીફ થઇ

અંધારપટને ખાળવા સાહસ કર્યું આખા ઘરે
‘ને ટોડલે દીવા બળ્યા તો એમને તકલીફ થઇ !

સહુનાં થવાની લાહ્યમાં એ થઇ શક્યા નહીં કોઇનાં
અમને, બધાએ સાંકળ્યા તો એમને તકલીફ થઇ !

– ડૉ.મહેશ રાવલ

પાછા વળો ! – ડો. મહેશ રાવલ

ડો. મહેશ રાવલને એડવાન્સમાં એમના જન્મદિવસ ૪મી સેપ્ટેમ્બર પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, રોજિંદી વાતચીતની રદીફ લઈ ચાલતી આ ગઝલ વધુ સ્પર્શી જાય છે….શ્રી મનહર ઉધાસનું ૨૮મું આલબ્મ ‘અભિલાષા’માં થી જે ૨૦૧૧માં રિલીસ થયેલું….

સ્વર / સંગીત – મનહર ઉધાસ
આલબ્મ – અભિલાષા

લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !

જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !

આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !

ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !

ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !

આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !

ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !

આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !

હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !

– ડો. મહેશ રાવલ

ક્યાંસુધી લખવા ! – ડૉ. મહેશ રાવલ

ગઇકાલે ૪થી સપ્ટેમ્બર – મારા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવનાર દરેક મિત્રોનો હ્રદયપૂર્વક.. ટહુકાપૂર્વક આભાર..! અને હા ગઇકાલે જ ગઝલકાર શ્રી ડૉ. મહેશ રાવલનો પણ જન્મદિવસ હતો.. તો એમને એક દિવસ મોડી.. પણ જરાય મોળી નહીં એવી જન્મદિવસની ખૂબકામનાઓ સાથે માણીએ એમની આ ગઝલ… એમના જ અવાજમાં, અને એ પણ તરન્નુમ સાથે..!! 🙂

*********

ગઝલ પઠન – ડૉ. મહેશ રાવલ

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

– ડૉ. મહેશ રાવલ

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું – ડો.મહેશ રાવલ

ડૉ. મહેશ રાવલની ગઝલો આપણે એમના બ્લોગ પર તો માણીએ જ છીએ કાયમ, અને હવે તો એમની ગઝલો એમના જ અવાજમાં – તરન્નુમ સાથે સાંભળવા મળે છે.

તો આજે અહીં એમના સ્વર-શબ્દની મજા લઇએ..

 

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ, કમલમાં હતું !
 
શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું, દરઅસલમાં હતું !
 
શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય કડવું ભલે,પણ અમલમાં હતું !
 
કોણ કે’છે મુકદર બદલતું નથી ?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !
 
છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
ને હવે, આંસુઓની શકલમાં હતું !
 
ફેર શું હોય છે, રૂપ નેં ધૂપમાં ?
બેઉ, અડધે સુધી હર મજલમાં હતું !
 
-ડો.મહેશ રાવલ

——————-

અને હા, ડૉ. મહેશ રાવલ સાથે એક સાંજ નો લ્હાવો લેવો છે? its just a click away.. 🙂

 

કોઇ નક્કર જાણકારી… – ડૉ. મહેશ રાવલ

vslaank.jpg

ખુદ મને પણ, ભાળ મારી ક્યાં મળી છે ?
દરઅસલ, શંકા ય સારી ક્યાં મળી છે ?

છે વળાંકો ઓળખીતાં એ ખરું ! પણ
કોઇ નક્કર જાણકારી ક્યાં મળી છે ?

કેટલી ડમરી ચડી, ને ઊતરી ગઇ
ધૂળ પણ, અહીં એકધારી ક્યાં મળી છે ?

લોથ ઢળતી હોય છે, ઇચ્છા નગરમાં
કોઇ પાસેથી કટારી ક્યાં મળી છે ?

અબઘડી નીકળી પડું, સઘળું ત્યજીને
પણ, હજુ સંજ્ઞા તમારી ક્યાં મળી છે ?