Category Archives: બકુલેશ દેસાઇ

હું તો સપનાં ખેડું ! – બકુલેશ દેસાઇ

parvat 

પાંપણને સરનામે આવ્યું રેશમ તેડું !
ના પર્વત ના સાગર… હું તો સપનાં ખેડું !

ઊંડે ઊંડે એ દ્રશ્યે મૂળિયાં છે નાખ્યાં,
ગામ, કૂવો, પનિહારી, ગીતો…. છલકે બેડું

શ્વાસ – સજાવ્યા છે ને આ ઇજન પણ આપ્યું,
તું આવે તો યાદોના હું આંબા વેડું

‘હાલ-હમણાં’, ના ગોકીરાથી ત્રસ્ત નથી હું,
મોકો શોધી ગઇ – ગુજરીની સિતાર છેડું!

બોલો, ક્યાંથી ભાળ મળે મુજ મુગ્ધ પળોની?!
બે ડગલાં, મારાથી આગળ છે ભાગેડું!

રોજ કળણમાં ઊંડે ખૂંપું છું પ્રશ્નોનાં,
થાય મને : સ્વજનોનું આ ‘ઋણ’ (?) ક્યારે ફેડું?

‘બકુલેશ’ સદા દિલ્હી તુજ આઘે ને આઘે,
જીરણ, જર્જર વાહન, મારગ ને હાંકેડુ.

ગઝલ – બકુલેશ દેસાઇ

childhood(ગૂમ થયેલું શૈશવ..  )

————–

પડ હેઠળથી, પડ હેઠળથી, પડ નીકળે છે
નીરસ દિવસ – રાતો આડેધડ નીકળે છે

ગુમ થયું ક્યાં શૈશવ, ક્યાંક સગડ નીકળે છે?
પીછો કરતી પાકટતા અણઘડ નીકળે છે !

હા ને ના – ની વચ્ચે ખેંચ-પકડ નીકળે છે
રેશમ રિશ્તે પણ ગાંઠો સજ્જડ નીકળે છે

કોણ કહે છે : લીલી સૂકી વારા ફરતી
કાળી મહેનત અંતે સુક્કુ ખડ નીકળે છે

હા કે ના નો મતલબ એક જ થાય ખરો કે ?
એની વાતે ના માથું ના ધડ નીકળે છે !

હાથ મિલાવો, ચૂમો કે હળવે આલિઁગો
ચાહે તે રૂપમાં સંબંધ બરડ નીકળે છે. 

લાગણી-યાદો કંઇ નહિ એવા સ્ટેજ ઉપર હું
શ્વાસોના છેલ્લા દ્રશ્યે ભડભડ નીકળે છે.

મુક્તક – બકુલેશ દેસાઇ

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપહું