Category Archives: મૃદુલા પરીખ

માધવ, વળતા આજ્યો હો ! – મકરન્દ દવે

પહેલા, Nov 13, 2009 માં મુકેલું મકરન્દ દવેનું આ ગીત ફરી એક વાર, એક નવા સ્વરમાં……

સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત : અજીત શેઠ ?

* * * * * * * * * * * * * * * * * * *

લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે ક્ષેમુદાદાના સંગીત અને મૃદુલા પરીખના મધુર સ્વર સાથે ફરી એકવાર…

માધો, મન માને તબ આજ્યો – કવિ શ્રી ઉશનસ્ નું આ ગીત ઐશ્વર્યાના મધુર કંઠમાં સાંભળ્યુ હતુ – એ યાદ છે? (ચૂકી ગયા હોય તો સાંભળી લેજો.. ) – એ ગીતની પ્રસ્તાવનામાં અમરભાઇએ મકરંદ દવેના આ ગીતની વાત કરી હતી.

સ્વરઃ મૃદુલા પરીખ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

(Picture: Hare Krishna Books)

.

માધવ, વળતા આજ્યો હો !
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !

રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો !

અમને રૂપ હ્રદય એક વસિયું ગમાર ક્યો તો સ્હેશું
માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !

રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે;
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો !

– મકરન્દ દવે

સુણ સાજન એક ગીત સુણાવું – અવિનાશ વ્યાસ

વરસાદની મોસમ એ સ્નેહીજનો માટે વ્હાલ અને વ્યથાનો તીવ્ર અનુભવ કરવાનો સમય! સ્નેહીજન સાથે એકાકાર થવા અસ્તિત્વની દિવાલો જાણે તૂટવા મથતી હોય એવું લાગે. આકાશ અને ધરતીને એકાકાર કરતા વરસાદને જોઇને પ્રિયતમાને લાગે છે કે હું પણ મારા રસિયામાં ભીંજાઈને ઓગળી જાઉં.

મીરાંની સમક્ષ અગર કૃષ્ણ ઉપસ્થિત થય તો મીરાં એમનું પૂજન કેવી રીતના કરે? મીરાં ઉષઃકાળનું કંકુ અને સન્ધ્યાનું કેસર લે, બ્રહ્માંડની થાળીમાં સૂર્યના દીવાને પ્રગટાવી આરતી કરે, પહેલા વરસાદની માટીની સોડમની અગરબત્તી કરે, મેઘનાદનો ઘંટનાદ કરે અને આકાશી વીજળીની લાઈટોની સીરીઝ મૂકે, સાગરનું મંદમંદ સંગીત લહેરાવે અને પંચમહાભૂતોનો પ્રસાદ કરી મીરાં કૃષ્ણમાં સમર્પિત થાય- આવું એક કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું થાય છે. આપણે મીરાં નથી, અને કૃષ્ણને હજુ પામ્યા નથી…પણ આજે તો આ વરસાદ છે અને મારો સાંવરિયો છે! તો હૈયાના દરબારમાં જેનો રાજ્યાભિષેક થયો છે એવા મારા સજના માટે આજે હું શું કરું? વ્હાલમના ગીત માટે તો સૃષ્ટિમાંથી શ્રેષ્ઠ જ લાવવું પડે, અને એટલે જ એ ઘેલી કોયલના સૂરને અને મોરના ટહુકાથી પોતાનો સૂર સજાવે છે, મેઘધનુષના મેઘનાદનું ઝાંઝર પહેરે છે, જીવને જંતર બનાવી ગૂંજી ઊઠે છે, અને ત્યાં સુધી કે આ પ્રીતનો પાવો છોડી ખુદ રસિયાને જ પી જઈને તનમન પ્યાસ બુઝાવે છે!

કવિઃ અવિનાશ વ્યાસ…….ગાયકઃ મૃદુલા પરીખ

.

સુણ સાજન એક ગીત સુણાવું
મન-વીણાના તાર મીલાવે, હૈયું આજ સજાવું.
કાનનની કોયલના સૂરને મુજ કંઠે હું વસાવું, મોર ટહૂકતો વન ઉપવનમાં મુજ કંઠે ટહૂકાવું,
રીમઝીમ સૂર વરસાવું….સુણ સાજન એક ગીત સુણાવું.
રીમઝીમ વર્ષાના વાદળમાં માદલને ગરજાવી, મેઘધનુષના મેઘનાદથી સૂરમંડળ સરજાવી,
નૂપુરનાદ જગાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.
જંતર જીવનું દિનની ધડકન એવો બાજ બજાવું, પ્રીતનો પાવો છોડી મારા રસિયાને પી જાવું!!
તનમન પ્યાસ બુઝાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.