Category Archives: ધ્રુવ ભટ્ટ

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટની આ વાંચતા વેંત પલળી જવાય એવી મઝ્ઝાની કવિતા! અને એને સ્વર-સ્વરાંકન મળ્યા વિજલબેન પાસેથી. આશા છે, આપને પણ પલળવાની મઝા આવશે!

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

– ધ્રુવ ભટ્ટ

ઝીલો – ધ્રુવ ભટ્ટ

આ ​ઝરમર ઝરમર કરી રહ્યા તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એકજ ટીપુ આખે આખાં સરવર દેશે,
ધરો હથેળી અચરજના અવસર ને ઝીલો.

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ,
જીવતર જેણે પ્રગટાવ્યા તે બળને ઝીલો.

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો,
ઘટ -ઘટ ઉમટી ઘેરાયા વાદળને ઝીલો.

આ ઉમ્મર પદવી ,નામ ઘુંટ્યા તે ભૂંસી દઈને,
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો.

આ મહેર કરી છે મહરાજે મોટુ મન રાખી,
ખોલી દો ઘુંઘટપટ વરસ્યા વરને ઝીલો.

– ધ્રુવ ભટ્ટ

****

આસ્વાદ – ઉર્વશી પારેખ (કાવ્યાનુભૂતિ) (કાવ્યાનુભૂતિ પુસ્તક ટહુકોને મોકલવા માટે ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર)

વર્ષા ​ઋતુ નું આગમન થઇ ચુક્યું છે. આજે આપણે વરસાદની રચના માણીશું. ઠંડા પવનની લહેરખીઓ વાતી હોય, વ્રુક્ષ, છોડ, પાન એ બધા​પવન સાથે નૃત્ય કરી રહ્યા હોઈ. આકાશ, આજુબાજુનું વાતાવરણ ચોખ્ખુ, નિર્મળ અને આહલાદક હોઈ, મન ને શાતા આપી સભર કરતું હોય ત્યારે લાગે ઝીણા ઝરમર વરસાદમાં ફરવા નીકળી પડીએ. પ્રકુતિને મનભેર માણી ઝીલી લઈએ.

અહીં કવિ કહે છે કે વરસાદ ઝરમર પડી રહ્યો છે તે આપણે ઝીલીએ, ધરતી અને આકાશ વરસાદ રૂપી સાંકળ વડે જોડાઈ ગયા છે તે જોઈએ, માણીએ. હથેળીમાં વરસાદના ટીપાને ઝીલીને ભેગા કરીએ,જે તમને સરોવરની અનુભૂતી કરાવશે. વરસાદનાં આવવાથી ચારેબાજુ લીલા લીલા છોડો ઉગી જાય છે, લીલોતરી પથરાઈ ​જાય છે, આ લીલેરા જીવતર ને પ્રગટાવનાર ધરતીનાં બળને,શક્તીને ઝીલીએ. આ વરસાદ એ ફક્ત આકાશી ઘટના નથી, પણ ઉમટી આવેલા વાદળોની રમાતી સંતાકુકડી,દોડાદોડી છે તેને માણીએ. અંહી કવિ એક સરસ વાત કરે છે કે, તમે તમારી ઉંમર, પદ, નામ, હુંપણું આ બધુ ભૂલી જઈ, તમારા અંદર જે બાળક વસેલુ છે તેને ભરપુર આનંદ માણવા દો. ભગવાને ખુબ મોટું મન રાખી મોટી મહેર કરી છે તો બધા અંચળાઓને ફગાવી નાના બાળકની જેમ વરસતા વરસાદમાં ભીંજાવાનો લ્હાવો લઇ, વરસાદને ઝીલીલો માણી લો.

નિરાંતે સૂઈ જાજો શ્યામળા – ધ્રુવ ભટ્ટ

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા

આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

એ ગીત મારા કહેવાય કઇ રીતે? – ધ્રુવ ભટ્ટ

Updated on August 18, 2012
મારું આ ઘણું જ ગમતીલું ગીત.. આ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે – અને સ્વરાંકન પણ લઇ આવીશ એ promise સાથે મૂકેલું ગીત.. – આજે સ્વરાંકન સાથે ફરીથી માણીએ..!

અમુક ગીતો એવા હોય છે – જે ગમે એટલા વ્હાલા હોય, પણ એ વ્હાલને કાગળ પર ટપકાવવું અધરું થઇ પડે – આ ગીત માટે પણ કંઇક એવું જ વ્હાલ છે…

સ્વર – સ્વરાંકન : રાસબિહારી દેસાઇ


———————————————-
Posted on December 12, 2008
મારું એક અતિપ્રિય ગીત.. એકવાર રાસબિહારી દેસાઇ-વિભા દેસાઇના કંઠે સાંભળ્યું તો એવું તો ગમી ગયું કે એના બધા શબ્દો મેળવવા છેક કવિશ્રી સુધી પહોંચવું પડ્યું… પણ છે જ એવું સરસ મજાનું – એકવાર સાંભળી/વાંચીને જ સીધું દિલમાં વસી જાય..!

આ ગીત દ્વારા કવિએ વાત પણ કેવી સરસ કરી છે.. પોતાનું એક ગીત લખવાની કોશિશ કરીએ, તો ખબર પડે કે ગીત કંઇ કલમ હાથમાં લેતાંની સાથે લખાઇ નથી જતાં.. અને તો યે કવિએ પોતે લખેલાં ગીત કેવી સરળતાથી આપણને આપી દીધાં? કવિના ગીતને આપણા કરવા માટે કરવાનું શું? બસ.. આકાશભરી પ્રીતે ગાઓ.. ! કવિના ગીતોને તો કંઠ કંઠ મ્હાલવુ છે, એટલે કવિએ ‘દેવકીની રીતે’ આપણને આપી દીધાં ગીત..!!

ધ્રુવ ભટ્ટનું ચાલ સખી પાંદડીમાં… મારું ખૂબ જ ગમતું ગીત, અને કવિનું આ ગીત વાંચીને એમના બધાજ ગીત હવે થોડા વધારે વ્હાલા લાગશે..!!

અને જેમ કવિ સુધી પહોંચીને શબ્દો લઈ આવી, એમ જ એક દિવસ સ્વરકાર સુધી પહોંચીને સંગીત સાથે પણ લઇ આવીશ આ ગીત.. ત્યાં સુધી ગીત પોતાના રાગમાં ગણગણવાની મઝા માણો..!!

(આકાશ ભરી પ્રીતે….. Fort Bragg, California – Nov 29, 2008)

* * * * *

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત મારાં કહેવાય કઇ રીતે?

ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઇ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં કે કેવડાં કે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ

જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારા કહેવાય કઇ રીતે?

અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં

અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?

ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ

લો…..
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.

આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા

લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.