Category Archives: કવિ રાવલ

સ્થળ, સમય, ઘટના…. – કવિ રાવલ

(More than 600,000 people were left homeless by the January 12 Haitian earthquake……સ્થળ, સમય, ઘટના….)

(CNN.com – Haiti Earthquake)

કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે,
દાખલો ઔકાતનો અડધો લખે છે.

વીજળી, વાદળ અને વગડો લખે છે,
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે.

શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે,
કોણ મારા નામનો પડઘો લખે છે?

જો ત્વચા પર વાગતો ચટકો લખે છે,
સ્થળ, સમય, ઘટના કશે અટકો લખે છે.

છાંયડો, વરસાદ ને તડકો લખે છે,
જિંદગી પણ કેટલી શરતો લખે છે!

થોડુ મારા વિશે…- કવિ રાવલ

થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે

તો’ય અંદાજ પામી શકે કેમ પણ ?
આપણી મધ્યમાં વ્હેલ ધારા વિશે..

હેંસિયત ને વજુદના સવાલો બધા..
ખુદ કરેલા હતા મેં જ મારા વિશે

પ્રેમનો કોઈ પણ પ્રશ્ન નહિ પૂછતા –
માત્ર પૂછો સઘનતા સહારા વિશે

પૂછજો બસ તમે એમ કૈં યાદ છે ?
એક રાતે ખરેલા સિતારા વિશે..

એકલી સાંજના ડૂબવાને ખબર..
આંસુઓ આ હશે કેમ ખારા વિશે

-કવિ રાવલ

ન સવાર થઈ કે ન સાંજ થઈ – કવિ રાવલ

(વહે છે વહાલ થઈ….    Photo: Hudson River, Upstate NY. June 09)

* * * * * * * * * *

ન સવાર થઈ કે ન સાંજ થઈ – ન વહી હવા, ન બહાર થઈ
ન થયું કશું – ન થશે કશું – હુ ઉભી છું માત્ર અભાવ થઈ

અહિ બંધ છું હુ કમાડ સમ નહિ આપમેળે ખુલી શકું –
વિધિવત મને જો તું ખોલશે – હું તને મળીશ ઉઘાડ થઈ

તરુવર હરિત ને હવા પુનિત, રુજુ વાદળી ને છે તારલો
મુનિવર સમા છે પહાડ સૌ સરિતા વહે છે વહાલ થઈ

એ ભલે વહે ને વહે સદા ને વહે ભલેને બધી તરફ –
અનુભૂતિ એ જ નવી નવી મને આ પહેલી જ વાર થઈ

હું આ ઝાડ થૈ ને ઉભી રહું કે પરણ થઈ ખખડ્યાં કરૂ ?
છું હું બીજમાં ને બધેય હું જ છું મૂળભૂત વિચાર થઈ

-કવિ રાવલ

સાંજ સેવે સ્વપ્નને… – કવિ રાવલ

કવિની એક સુંદર ગઝલ..! અને એમાં છેલ્લા ૨ શેર તો મને ખૂબ જ ગમી ગયા. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ – સંયોગ, કેટલા સરળ શબ્દોમાં રજૂ કર્યો છે.

( ત્યાં હશે વર્ષા ………     Photo : http://www.everestuncensored.org/)

* * * * * * *

આપણી વચ્ચે સમયગાળો અને સંજોગ છે…
આ વિરહ પણ કેટલાં મોટા ગજાનો યોગ છે.

ભાર,ભણકારા,નિસાસો,આહ, ડૂમો ને વ્યથા –
એમ લાગે – કે બધે વાતાવરણમાં શોગ છે..

જાતને આ ભીંડમાં ટટ્ટાર રાખી ચાલવું..
એ – જિગરના હોસલાનો આકરો ઉપયોગ છે.

ગાઢ સુનકારો, હવા ને સાંજ સેવે સ્વપ્નને…
આ -ક્ષણો- તો સાંચવી અકબંધ રાખ્યા જોગ છે.

ત્યાં હશે વર્ષા – અહીં આબોહવા છે ભેજમય
જો – પરસ્પર આપણી – કેવો સરસ સંયોગ છે.

-કવિ રાવલ

ગઝલ લખવી હતી મારે બધાયે શબ્દ છોડીને… – કવિ રાવલ

 

અમે તત્પર તમે તત્પર,ઉભા છો કેમ થોભીને ?…
નદીની જેમ, બસ ક્યારેક આવી જાવ દોડીને..

બધા નિયમો – બધા છન્દો, બધા બન્ધનને તોડીને,
ગઝલ લખવી હતી મારે બધાયે શબ્દ છોડીને…

બધો વિસ્તાર ને વ્યવહાર કે ઘટમાળ, તહેવારો
વિકલ્પો છે અભાવોના નકામા સૌ પ્રયોજીને..

તુરો સ્વાદે – અને કોરો હવાઓના વમળ જેવો
હૃદયમાં છે જે ખાલીપો, ભરી દો આપ શોધીને

તમારો ભાસ ને આભાસ થૈ ઘેરી વળે પડઘા
થવું છે તરબતર આ જાતને તેમા ઝબોળીને.

–  કવિ રાવલ

તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે – કવિ રાવલ

આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
ચોતરફ વાતાવરણમાં તરફડાટ છે…

ઊછળે દરિયો અને આ સ્થિર ઘાટ છે !!!
એટલે – મોજા મહી આ ઘૂઘવાટ છે…

લાગણીઓ તો હવા સમ સ્પર્શતી રહે…
ને હવા જેવો જ એનો સૂસવાટ છે…

ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…

ભીતરે ફૂટી હશે પાંખો તને અરે…
તારા આ અસ્તિત્વમાં જો ફડફડાટ છે…

છંદ-વિધાન: ગાલગાગા | ગાલગાગા | ગાલગાલગા

( કવિ રાવલની અન્ય રચનાઓ વાંચો : એમના જ બ્લોગ પર )

તથ્ય હોવું જોઇએ – કવિ રાવલ

51818_wallpaper280

આ સમૂહમાં કૈંક તો વૈવિધ્ય હોવું જોઇએ
માત્ર કિસ્સા નહિ કથામાં તથ્ય હોવું જોઇએ.

અંત ને આરંભ તો હંમેશ હોવાના અહીં
ધ્યાન ખેંચે તેવું તેમાં મધ્ય હોવું જોઇએ.

નાટ્ય, સંવાદો, કથાનક – કેટલું કંઇ છે છતાં
એમ લાગે છે કે થોડુંક પદ્ય હોવું જોઇએ.

લીંબડાનાં પાન કડવાં – ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઇએ.

ચાંદ, તારા, સૂર્ય ને આકાશગંગાઓ બધી
વિશ્વ વર્તુળની પરે – કંઇ ભવ્ય હોવું જોઇએ.

( કવિ રાવલની બીજી ગઝલો વાંચો : લયસ્તરો પર )