Category Archives: ગોપા શાહ

માળામાં ફરક્યું વેરાન ! – માધવ રામાનુજ

ધવલભાઇના શબ્દોમાં આ ગીત વિષે : ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !

સંગીત : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : કાજલ કેવલરામાની, ગોપા શાહ

.

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

( આભાર : લયસ્તરો )

( ફરમાઇશ કરનાર મિત્રો : વિવેક, ઊર્મિ )

( કવિ પરિચય )