Category Archives: માલવ દિવેટીઆ

હોઠ મલકે તો મોટી મહેરબાની – હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું વધુ એક મધમીઠું ગીત… ખબર નહીં કેમ, પણ હરીન્દ્ર દવેના હસ્તાક્ષર જાણે સ્પષ્ટ વંચાઇ આવે છે આ ગીતમાં… અને સાથે જ એમના બીજા કેટલાય, આવા જ મધુરા ગીતોનું સ્મરણ થઇ આવે… જેવા કે.. માંડ રે મળી છે … , નેણ ના ઉલાળો તમે ઊભી બજાર, અમોને નજરું લાગી ! , રે મન, ચાલ મહોબ્બત કરીએ…

ચલો, હું આ મઝાનું ગીત લઇ આવી… તો તમે સ્વરકાર – ગાયિકાને ઓળખી બતાવશો? 🙂

સ્વર: આનતિ શાહ
સંગીત: માલવ દિવેટીઆ

* * * * *

.

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!

મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;

તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

– હરીન્દ્ર દવે

(આભાર : pyarikavita)

ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી ..!! – તુષાર શુક્લ

આ મારું ખૂબ જ ગમતું ગીત, એક વ્હાલી સખીને એના જન્મદિવસે મારા તરફથી શુભેચ્છારૂપે.. 🙂 ( Happy Birthday, Bena… !! )

અને એમ પણ, તુષાર શુક્લ જેવા કવિની લખાયેલું આટલું મધમીઠું ગીત, અને સાથે સોનામાં સુગંધ ઉમેરતો સૌમિલ મુન્શી અને આરતી મુન્શીનો યુગલ સ્વર…

અને હા… એક બીજી કમાલ કરી છે માલવભાઇએ સંગીત આપીને… જ્યારે જ્યારે ગીતમાં આ શબ્દ આવે, લે તાલી…. દે તાલી.. ત્યારે તો એમ થાય કે બાજુમાં કોઇ ઉભુ હોય તો એને જરૂરથી તાલી આપી જ દઉં.. !!
સ્વર : સૌમિલ અને આરતી મુન્શી
સંગીત : માલવ દિવેટીઆ

tahuke.JPG

.

ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી

અધમધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ
આંખોના આકાશમાં હોયે કાંકતો નીતિ નિયમ
પરવાળાના ટાપુ જેવી નીંદરને ન લડીએ
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઇને કહીએ

હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….

આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
નકશાની નદીઓને માથે ચિતરાયાનો શાપ
અધક્ષણ ઉપરવાસમાં મૂઠી ચોમાસા શું આપ

સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….