Category Archives: સુધીર પટેલ

તો લાગી આવે – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

આ રચના માટે કવિ કહે છે :
“સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળને જ ગ્રહણ કરનાર ચાતક તરસનો માર્યો પ્રાણ છોડી દે અને એ કોઈ પાણી ભરેલ ખાબોચિયા કે તળાવમાં જઈ પડે, તો એને જોનારને એમ જ લાગે કે આ પાણીમાં ડૂબીને મરી ગયો હશે. જોનારને ક્યાંથી ખ્યાલ આવે કે એણે તો પોતાની જીવનભરની ટેકને જાળવી રાખવા પ્રાણોની આહૂતિ આપી છે! આ સંવેદનમાંથી આ કૃતિની રચના થઈ.”

ઝરણાંને જો મૃગજળ કહો … તો લાગી આવે
ઈન્દ્રધનુષ આભાસી કહો … તો લાગી આવે

પગલું પગલું સાથે ભરતા,
શ્વાસોશ્વાસે સાથ પમરતા,
સંગાથીને શમણું કહો … તો લાગી આવે

મધુમય મધની આશ લઈને,
પ્રેમપતંગની પાંખ લઈને,
પુષ્પે પુષ્પે ચુંબન કરતા,
કમળદલમાં કેદ બનેલા,
ભમરાને જો મજનૂ કહો … તો લાગી આવે.

સૂક્કા ડાળે કૂંપળ થઈને,
નીર્ઝરમાં નવચેતન થઈને,
જાગોની આહેલક કરતા,
અંગેઅંગ અનંગ ભરેલા
વસંતને વૈરાગી કહો … તો લાગી આવે

યુગોયુગોની પ્યાસ લઈને
સ્વાતિબિંદુની આશ લઈને
તૃષાર્ત થઈને વિરહે ઝૂરતા,
પ્રાણ જવાથી ભંવર પડેલા
ચાતકને જળડૂબ્યો કહો … તો લાગી આવે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

તમારાં ચરણમાં – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

હિમાલય રમે છે તમારાં ચરણમાં,
ને ભાગિરથી છે તમારાં ચરણમાં.

અશંકિત અમારા નમન કેમ ના હો,
તીરથ સૌ મળે છે તમારાં ચરણમાં.

નવો પ્રાણ આપે બુઝાતા દીપકને,
છે સંજીવની એ તમારાં ચરણમાં.

તમે છો અમારા સદા કાજ સાહિલ,
ને મંઝિલ અમારી તમારાં ચરણમાં.

જડાવીને જડતા થયાં શીલ જેવાં,
કરોને અહલ્યા, તમારાં ચરણમાં.

નથી કૈં અમારો ઉગરવાનો આરો,
ઉગારો, સજા દો, તમારાં ચરણમાં.

અમે સહુ તમારી કૃપાનાં જ ‘ચાતક’,
કે થોડી જગા દો, તમારાં ચરણમાં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

એક તારો ખયાલ ગઝલ હોય છે – સુધીર પટેલ

એક તારો ખયાલ ગઝલ હોય છે,
ને પછી મુજ હાલ ગઝલ હોય છે.

જે ઘડી બે ઘડી મળીએ આપણે,
હસ્તીના એ જ સાલ ગઝલ હોય છે.

જે ૨હે કોરા એને હોય શું ખબર ?
કે ભીંજાયલ રૂમાલ ગઝલ હોય છે.

શું થયું છે મને, તમે જ લ્યો કહો ?
હોઠ પર આજ-કાલ ગઝલ હોય છે.

હું મથું તોય ક્યાં ગઝલ બને કદી ?
બોલ તારા કમાલ ગઝલ હોય છે

એનો ઉત્તર મળે તો એ ગઝલ નહીં,
કે નિરૂત્તર સવાલ ગઝલ હોય છે.

– સુધીર પટેલ

આઝાદ પણ કરું – સુધીર પટેલ.

ઊમેરું શું હવે ને શું બાદ પણ કરું?
શું શું ભૂલું અહીંથી, શું યાદ પણ કરું?

બોલી, કશુંક બોલી, વિખવાદ પણ કરું!
ને મૌન સાધી જબરો સંવાદ પણ કરું!

પામ્યો છું ઊડવાને આકાશ હું અસીમ,
આંખો ઉઘાડી એને મર્યાદ પણ કરું!

પાળી રહ્યો છું ઈચ્છાઓ પિંજરે ઘણી,
એક એક ગણીને એ સૌ આઝાદ પણ કરું!

ભૂલો થશે જીવનમાં નાની-મોટી ‘સુધીર’,
ફટ! ભૂલ એની એ જો એકાદ પણ કરું!

– સુધીર પટેલ.

વરસાદમાં – સુધીર પટેલ

અમારા San Francisco Bay Area માં થોડા દિવસોથી વરસાદ આવે-જાય થતો હતો, અને હવે એણે થોડા દિવસ પુરતો વિરામ લીધો છે..!! તો આ વિદેશી વરસાદના નામ પર આજે માણીએ આ મઝાની ગઝલ..!!

 

ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.

પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !

ધરતી માથાબોળ નાહી નીતરે,
એ જ તો શૃંગાર છે વરસાદમાં !

સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.

જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.

છત નીચે ઊભી ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !

– સુધીર પટેલ

ખંખેરી નાખ – સુધીર પટેલ

ચાલ, ઊભો થા ને રજ ખંખેરી નાખ;
જાતને ચોંટી સમજ ખંખેરી નાખ !

ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને
એક હો કે હો અબજ ખંખેરી નાખ !

રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !

નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !

જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !

– સુધીર પટેલ

સાંભળ્યું છે કે.. – સુધીર પટેલ

સાંભળ્યું છે કે હજી એ સાંભળે છે
ભેદ ખોટા ને ખરાનો પણ કળે છે

સાંભળ્યું છે આ ગલીથી નીકળે છે
રાહ જોનારાઓને કાયમ મળે છે

સાંભળ્યું છે ક્યાંય દેખાતા નથી પણ
આમ જુઓ તો બધે એ ઝળહળે છે

સાંભળ્યું છે કે નર્યો અવકાશ છે એ
પણ હલે તો ચૌદ ભુવન ખળભળે છે

સાંભળ્યું છે વજ્ર થી પણ છે કઠણ એ
જાત સળગે મીણ જેવું પીગળે છે

સાંભળ્યું છે કે છે નિરાકાર ‘સુધીર’
તો ય ધારો એ રૂપે તમને ફળે છે

 

સાંવરિયા.. – સુધીર પટેલ.

ocean

બતાઓ મળે કઇ ગલી સાંવરિયા ?
અમે જોઇ આવ્યાં બધી ગુજરિયા.

વહાવું કહો કેટલાં ઝળઝળિયાં ?
ભરાઇ ગયાં છે અહીં સૌ દરિયા !

ધરી ધૈર્ય ઊભા છીએ બસ યુગોથી,
કહે અમને દુનિયા ભલે બાંવરિયા.

દઇ દો બહેરાશ ઘોંઘાટથી આ,
ફરીથી સંભળાવો તમે બાંસુરિયા !

જવું કેટલું એના ઊંડાણમાં પણ ?
જો દેખાઇ ગયા છે ભીતરના તળિયા !

તમસ તોયે ઘેરી વળે છે ફરીને,
અમે વાટના અંત લગ ઝળહળિયા.

અમે તોયે એના જ થૈ રહેશું ‘સુધીર’,
છબિલા કહો કે કહોને છલિયા.