Category Archives: ગઝલ

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી… – અશરફ ડબાવાલા

મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,
કોઈ છાયાની સાથ રમવું છે.

બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.

હસ્તરેખાનો હાથ ઝાલીને,
એક વિસ્મયને સત્ય ગણવું છે.

વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.

- અશરફ ડબાવાલા

લખાવટ નથી – હેમંત પુણેકર

કોઈ લાંબી લાંબી લખાવટ નથી
ગઝલ છે ઇશારો, છણાવટ નથી

એ જીરવી નથી શકતો એકાંતને
સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?

તું પોતાને રોકીને ઊભો છે બસ!
જગતમાં બીજી કંઈ રુકાવટ નથી

પછી ચડજે ટોંચે, તું પહેલા તપાસ
કે મૂલ્યોમાં કોઈ ગિરાવટ નથી

હું જેવો છું એવો છું તારી સમક્ષ
બનાવટ નથી કંઈ સજાવટ નથી

રદિફ, કાફિયા, છંદ ફાવી ગયા
ગઝલમાં હજુ એવી ફાવટ નથી

- હેમંત પુણેકર

પુંકેસરની છાતી ફાટી છે – વિવેક મનહર ટેલર

flowers by Vivek

(પુંકેસરની છાતી…  …લેહની ધરતી પરથી, જુન, ૨૦૧૩     Picture by: Vivek Tailor)

*

સવાર ફાટી પડી, આ શી ઘડબડાટી છે ?
નિયત આ રાતની શા માટે આજે ખાટી છે ?

યુગો પછી આ પુંકેસરની છાતી ફાટી છે,
નિતાંત પાનખરે શેની આ ગુલાંટી છે ?

ઉષરભૂમિને શું જુએ છે ? હા, એ હું જ છું પણ
તું આવ, ત્યાં જો કઈ શક્યતાઓ દાટી છે ?

એ લાગણીનું બીજું નામ આપવું શું, કહો
ડૂબો જ્યાં તળ સુધી પણ થાય કે સપાટી છે.

પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !

મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?

ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.

ચકિત ન થા તું, પ્રલાપોથી કોરા કાગળના,
ગઝલ ! તું હોય નહીં એ જ સનસનાટી છે…

વકી છે, આજે પ્રથમવાર એ નજર ફેંકે,
ગઝલની આખીય કાયામાં ઝણઝણાટી છે.

- વિવેક મનહર ટેલર
(૦૨/૦૩-૦૪-૨૦૧૩)

વસંતી વિકળ વાયરો છે પછી શું? – હેમેન શાહ

ફક્ત પ્રશ્ન એક જ ખરો છે : ‘પછી શું?’
હજી હાથમાં મોગરો છે પછી શું?

સમંદર અહીં છીછરો છે પછી શું?
વખત પૂરતો મહાવરો છે પછી શું?

ગળી જાવ – ચાવો – ચૂસો – થૂંકી નાખો,
સમય જીભ પર કરકરો છે પછી શું?

દિવસ ખાખી કપડે જ હાજર થવાનો,
ગુલાબી આ ઉજાગરો છે પછી શું?

અગર કાવ્ય જેવું છે બ્રહ્માંડ તો પણ,
જો દુર્બોધ આ અક્ષરો છે પછી શું?

ફકીરો ગઝલ ગાય ઇશ્કે-મિજાજી,
વસંતી વિકળ વાયરો છે પછી શું?

- હેમેન શાહ

ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની – અનિલ ચાવડા

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.

- અનિલ ચાવડા