Category Archives: ગૌરાંગ દિવેટિયા

આવો – ગૌરાંગ દિવેટિયા

(ઝાકળની વાત…  Photo By Rikx)

* * * * * * *

આવો હવે તો સાવ હળવા થઇને આવજો
ઝાકળની વાત પછી માંડશું
શબ્દોનો ભાર બધો મૂકીને આવજો
કાગળની વાત પછી માંડશું

પંખીની વાતમાં પીંછા ના હોય
એને અચરજ જેવું કશું ન માનતા
વૃક્ષ વિનાના એ જંગલની વાત વિશે
અટકળિયાં કાંઇ નથી જાણતા

આવો તો ખોબામાં અજવાળું લાવજો
ઝળહળની વાત પછી માંડશું

ઘટના વિનાના આ કંઇ નહિની વારતામાં
ભજવ્યો’તો હોવાનો વેશ
પડછાયા ક્યારના શોધ્યા કરે છે
પેલા માણસ વિનાનો કોઇ દેશ

આવો તો ચપટીમાં વિસ્મય લઇ આવજો
અટકળની વાત પછી માંડશું

– ગૌરાંગ દિવેટિયા

નર્મદ

ભીતરથી ભાંગેલો માણસ – ગૌરાંગ દિવેટિયા

depressed 

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં.
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.

સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા.
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઇ નથી આવતા.

દ્રષ્ટિ વિનાની કોઇ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.

 

મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત – ગૌરાંગ દિવેટિયા

ઘણીવાર વાચકમિત્રો તરફથી એટલા મીઠા પ્રતિભાવો મળે છે….થોડા દિવસો પહેલા રીષભગ્રુપના ગરબાની રેડિયો પોસ્ટ પર આવો જ કંઇ પ્રતિભાવ આવ્યો.

…૧૦૦ ટકા ડાયાબીટિસ થવાની શકયતા !!!! ટહુકો માના કેટલાય ગીતો ઘણા મીઠા છે, પણ આ તો જાણે સીધ્ધે-સીધ્ધી ચાસણી. રીષભ ગ્રુપ ગરબા ના વીશે સાંભળ્યુ હતું, પણ i cannot think why i missed listening to these garbas all this time….!

આમ તો એમના બધા જ ગીતો સાંભળવા ગમે છે, પણ નિશા ઉપાધ્યાયના સુમધુર સ્વરમાં આ ગીત તો બસ સાંભળ્યા જ કરવાની ઇચ્છા થાય… ગીતની શરૂઆત જ કેટલી સરસ… વણખુલ્યા હોઠની વાત…. એમ પણ, આપણે ક્યાં બધી વાતો કહી શકીયે છીએ..!! સાથે સાથે , વણગાયા ગીતનો ટહુકો, મુંગા પારેવાનો છાનો ફફડાટ, જેવા શબ્દો લાગણીની તીવ્રતા ખૂબ સચોટ રીતે પ્રદર્શિત કરે છે.

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : રીષભ Group


.

મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,
મારા થંભ્યા હિંડોળાને ઝૂલવું રળિયાત

ફૂલોના આંસુઓ લૂછે પતંગિયા
ભમરા તો રસમાં ચકચૂર;
પાંપણના ઝાકળને સૂરજની ઝંખના
ને આંખો તો સ્વપ્ને ભરપૂર

મારે વણખીલી કળીઓની કરવી છે વાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

રાધાની વેદનાનાં જંગલ ઊગ્યાં
ને એમાં રઝળે છે મોરલી ના સૂર,
આંખ અને આંસુને ઝીણો સંબંધ
કે કોઇ પાસે નથી ને નથી દૂર.

મારે મનગમતા સગપણની કરવી છે વાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

મૂંગા પારેવડાનો છાનો ફફડાટ
અહીં જગવે છે કેવું તોફાન!
વણગાયા ગીતનો ટહુકો ઊડે
અને ભૂલું છે કહાન સાનભાન !

હું તો ઘેનમાં ડૂબું અને વીતે છે રાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,