આવો – ગૌરાંગ દિવેટિયા

(ઝાકળની વાત…  Photo By Rikx)

* * * * * * *

આવો હવે તો સાવ હળવા થઇને આવજો
ઝાકળની વાત પછી માંડશું
શબ્દોનો ભાર બધો મૂકીને આવજો
કાગળની વાત પછી માંડશું

પંખીની વાતમાં પીંછા ના હોય
એને અચરજ જેવું કશું ન માનતા
વૃક્ષ વિનાના એ જંગલની વાત વિશે
અટકળિયાં કાંઇ નથી જાણતા

આવો તો ખોબામાં અજવાળું લાવજો
ઝળહળની વાત પછી માંડશું

ઘટના વિનાના આ કંઇ નહિની વારતામાં
ભજવ્યો’તો હોવાનો વેશ
પડછાયા ક્યારના શોધ્યા કરે છે
પેલા માણસ વિનાનો કોઇ દેશ

આવો તો ચપટીમાં વિસ્મય લઇ આવજો
અટકળની વાત પછી માંડશું

– ગૌરાંગ દિવેટિયા

નર્મદ

15 replies on “આવો – ગૌરાંગ દિવેટિયા”

  1. ખુબજ સરસ કાવ્ય..
    શબ્દો જ નથી વર્ણવવા માટે.
    સવાર સુધરી ગઈ, એટલેજ દીવસ પણ સરસ જશે.
    જયશ્રીબેન સરસ કાવ્ય શોધી શોધી ને મુકો છો.
    આભાર..

  2. સરસ કાવ્ય, હળવા થવાની વાત ખુબ સરસ રીતે કહી દીધી છે…..આપનો આભાર……….

  3. ભાઈ ગૌરાંગ દિવેટીયા ની રચના દિલને ભાવી ગઈ.ગૌરાંગ આવી તાજી અને
    સુગંધિત રચનાઓ આપતા રહો તેવી ઈચ્છા.

    યોગેશ ચુડગર.

  4. કવિતાનો વ્યાપ કેટલો અમાપ છે અને સૂક્ષ્મતા કેટલી બારીક છે એ આવી કવિતાઓ વાંચીએ ત્યારે સમજમાં આવે છે.આવા બે અંતની વચ્ચે ઝૂલવાનું સદભાગ્ય ક્યારેક ક્યારેક મળતું રહે તો કેવું સારું લાગે?

  5. “આવો તો ખોબામાં અજવાળું લાવજો
    ઝળહળની વાત પછી માંડશું”

    આવો,આવો પણ રડતાં રડતાં નહીં, હસ્તા હસ્તા એવી રીતે આવો કે આવતાં વેત તમારા તેજનું ઝળહળતું અજવાળું પથરાઈ જાય.

    બહુ સરસ શબ્દો ગોઠવ્યા છે. મજાનું કાવ્ય છે.

  6. સરસ કાવ્ય… !!

    શબ્દોનો ભાર બધો મૂકીને આવજો, કાગળની વાત પછી માંડશું.

  7. Jayshreeben,

    ગૌરાંગ દિવેટયાની “ઝાકળની વાત…”
    કાવય ગમયુ.સરસ રચના.

    બહેન, “માડી તારુ ક્ંકું ખરયું ને સુરજ ઉગયાે”
    નવરાતરી પહેલાં સંભલળાવવા મેહરબાની કરશો.
    આશા રાખું કે બધાને ગમશેજ.

    રમેશ પંચાલ

  8. આવો તો ચપટીમાં વિસ્મય લઇ આવજો
    અટકળની વાત પછી માંડશું

    સરસ !

  9. આવો હવે તો સાવ હળવા થઇને આવજો

    આવો તો ખોબામાં અજવાળું લાવજો

    આવો તો ચપટીમાં વિસ્મય લઇ આવજો
    કવિતા પામવા કવિ બસ આટલી શરતો મૂકે છે. પછી પડછાયા ક્યારના શોધ્યા કરે છે
    પેલા માણસ વિનાનો કોઇ દેશની પરિસ્થિતિમથી બહાર આવી શકાય.
    બહુ જ સુદર રચના. અભિનન્દન ગૌરાંગભાઈ.

  10. ખુબ સરસ વાત વાળું કાવ્ય.ઈજન કેવું અદભુત હોઇ શકે તે જોયું,ગમ્યું માણ્યું..ભાઈ ભાઈ..
    આફ્રીન બોલાઈ જવાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *