ભટકી ભમીભમીને થાકી ગયો’તો ભારી, આશા મૂકી દીધી’તી, હિંમત ગયો’તો હારી; ભીતર ને બહાર જામી ઘનઘોર અંધિયારી, ત્યાં તો વીજલ કડાકે સ્વારી પધારી તારી, તારો આ ચમત્કાર મને દંગ કરી ગયો. — તારી
જ્યાં કાલિમા હતી ત્યાં શી લાલિમા છવાઈ! મરુભોમ જ્યાં હતી ત્યાં નંદનબહાર છાઈ! જ્યાં મોત નાચતું ત્યાં સંજીવની શી તારી પલટી રહી બધું આ ચડતી અજબ ખુમારી. આ સંગમે સંસારનો સૌ સંગ સરી ગયો. — તારી
વાયરાની ડેલીએ બેસીને રોજ કહાન, વાટ્યુંને ભીંજવી છે આંખ્યથી
વાટ્યુંને ભીંજવી છે આંખ્યથી.
નજર્યુંના પંખીઓ ઊડી ઊડીને કહાન મથુરાના માર્ગે જાતા,
છાના નિ:શ્વાસોને છાતીમાં પૂરીને શમણાઓ રોજ નંદવાતા,
મનના વૃંદાવનને સળગાવી રાતભર,
દાઝ્યા કર્યું છે અમે આગ્યથી..
વાયરાની ડેલીએ….
જમાનાના નીર મારી પાંપણથી ચાલ્યા ને શૂળો થઈ ભોંકાણી રાત,
છાતીનો ડૂમો ગોવર્ધન થઈ બેઠો ને પરાઈ થૈ ગૈ છે જાત,
પવનના ઝોંકામાં વાંસળીનો સૂર હવે વાગ્યા કરે છે તમ યાદથી..
વાયરાની ડેલીએ…
ગાયોના બાળ હવે નાચતા નથી કે નથી ગોરજની સંધ્યાઓ થાતી,
“ફરિયાદી થૈ નથી.. ગોપીઓએ જાતી નથી” જશોદાજી મીઠું ખીજાતી,
ગોરસની મટુકી અકબંધ રહે છે મારી મારગના બંધ તવ વાદથી…
વાયરાની ડેલીએ….
ગામ ગામ ને નગર નગર, મંદિર મોટાં મશહૂર છે
શ્યામસુંદર ની મૂરત બનાવી હોઠે મુરલી મધુર છે.
પણ ઈશ્વર દૂર નો દૂર છે….
પાંખ મોટી ને ગગન છે નાનું તોય પંખી થઈને ઊડ્યું
પંડમાં મારા પરમેશ્વર તોય પરમેશ્વરને ઢુંઢુ
કોઈ ન ચીંધે મારગડો મને, સહુમાં સહુ ચકચૂર છે
પણ ઈશ્વર દૂરનો દૂર છે….
સિંધુ ધરી જો પર હોય દયાનું બિંદુ જો ભગવાનમાં
તો શ્રધ્ધાનો દીપ રાખી સળગતો આંધી આ તુફાનમાં
કોણ જીતે ને કોણ હારતું જોવા સહુ આતુર છે
પણ ઈશ્વર દૂરનો દૂર છે….
ઘડી તડકો ઘડી છાયો વાટમાં ઘડી દિવસ ઘડી રાત
કંઈ ઝરણા કાંઈ નદીઓ આવી આવ્યો ન ગંગાઘાટ
આવ્યા આખી પ્યાસ બુઝાવવા આંસુડાના પૂર છે
પણ ઈશ્વર દૂરનો દૂર છે..