(શંકરાભરણ)
આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
ગુજરાતી કવિતામાં દોરાયેલું અજર-અમર પ્રકૃતિચિત્ર
સાગર અને ચંદ્ર નહીં જોયા હોય એવો માણસ મળવો મુશ્કેલ. હા, આથમતી સાંજે સાગરના પાણી પરથી ચંદ્રને ઊગતો બધાએ નહીં જ જોયો હોય પણ જે ભાગ્યશાળીને આથમતી સાંજે દરિયાના પાણી પરથી ચંદ્રોદય જોવા મળ્યો હશે એ માણસ એ દૃશ્ય આજીવન વિસરી નહીં શકે. કંઈ અજબ ચુંબક છે આ દૃશ્યમાં. સાગર અને ચંદ્ર બંને સ્વતંત્ર રીતે જીવમાત્રને અસ્તિત્વના પહેલા દિવસથી આકર્ષતા આવ્યા છે પણ એ બંનેનું ‘કૉમ્બિનેશન’ તો જાણે કે ‘ફેટલ’ જ છે. જાગ્રત મનુષ્યના ચિત્તતંત્રને લકવો મારી જાય એવું પ્રબળ ચુંબકીય સૌંદર્ય આ મારકણું સંયોજન ધરાવે છે. આદિ કવિ વાલ્મિકીને શરદના નિરભ્ર આકાશમાં સરતા ચંદ્રને જોઈને નીલ સરોવરમાં તરતો શ્વેત રાજહંસ યાદ આવ્યો હતો તો અશોકવનમાં રાક્ષસીઓની વચ્ચે ઘેરાયેલી સીતાના નિસ્તેજ મુખને જોઈને અંધારાથી મુક્ત પણ વાદળોથી ઘેરાયેલ શરદના ચંદ્રનું સ્મરણ પણ થયું હતું. ઊછીનું તેજ લઈને પ્રકાશતો ચંદ્ર ભલભલાને આશિક બનાવી દે છે, ને એમાં સાગર ભળે તો તો સોને પે સુહાગા. કવિ કાન્ત એમની બહુખ્યાત રચનામાં સાગર અને શશીના મારકણા પ્રભાવને અમરત્વ આપી ગયા છે.
મણિશંકર રત્નજી ભટ્ટ. ‘કાન્ત’ -કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક, આલોચક. જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલ ચાવંડ ગામમાં. માતા મોતીબાઈ. આર્થિક સ્થિતિ સાધારણ. પ્રાથમિક શિક્ષણ માંગરોળ અને મોરબીમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલ અને રાજકોટમાં. શાળામાં ગાંધીજી, બ.ક.ઠાકોર તથા પ્રભાશંકર પટ્ટણી એમના સમકાલીન હતા. ૧૧ વર્ષની વયે પિતાનું નિધન. ૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૧૫ વર્ષની વયે પ્રથમ લગ્ન નર્મદા (‘નદી’) સાથે. તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. મુંબઈમાં. પ્રશ્નોરા નાગર જ્ઞાતિના પ્રથમ ગ્રેજ્યુએટ. કાયદાનો અભ્યાસ કર્યો પણ પરીક્ષા ન આપી. દાદા મુકુન્દ ભટ્ટ કવિ હતા, કાકા કથાકાર હતા. બનેવી ગિરજાશંકર ભટ્ટ પાસેથી છંદાલંકાર શીખ્યા. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં થતા જ્ઞાતિજનોના કવિતાવિલાસનો કવિ તરીકે કાન્તના વિકાસમાં પ્રધાન ફાળો હોવાનું મનાય છે. પાશ્ચાત્ય બુદ્ધિવાદ, નીતિશાસ્ત્રના અભ્યાસ અને અંગ્રેજી કવિતાના આચમનથી એમની માંહ્યનો સાહિત્યકાર અલગ રીતે જ ઘડાયો. પહેલાં થોડો સમય ૧૮૮૯માં સુરતમાં શિક્ષક તરીકે અને પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, ઉપાચાર્ય અને અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે સેવા બજાવી. પહેલી પત્નીના નિધનના વરસ બાદ ૧૮૯૨માં ફરી નર્મદા (‘ન્હાની’) નામની જ સ્ત્રી સાથે બીજા લગ્ન, જેનું ૧૯૧૮માં અવસાન થયું. ૧૮૯૮માં સ્વીડનબૉર્ગમાં શ્રદ્ધા થતાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. કુટુંબીઓએ પ્રાયશ્ચિત કરાવ્યું જે કામચલાઉ નીવડ્યું. ૧૯૦૦માં બાપ્ટિઝમ લઈ ખ્રિસ્તી બન્યાની જાહેરાત કરી. ધર્મપરિવર્તનના કારણે નોકરી, જ્ઞાતિ, પત્ની-બાળકો અને મિત્રોથી પણ અળગા થવાનું થયું. ચારેતરફના પ્રચંડ દબાણને વશ થઈ ફરી બ્રાહ્મણ થયા પણ હૃદયથી આજીવન ખ્રિસ્તી જ રહ્યા. ૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ભાવનગર રાજ્યમાં પહેલાં શિક્ષણ અધિકારી અને પછીથી મહારાજાના સેક્રેટરી તરીકે નોકરી કરી. હિંદી સ્વીડનબૉર્ગ સૉસાયટીની ૧૯૧૪માં સ્થાપના કરી અને આજીવન પ્રમુખ રહ્યા. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા. ખિસ્સું ગરીબીનો ને શરીર ન્યુમૉનિયાનો શિકાર થયું. ૧૬-૬-૧૯૨૩ના રોજ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં તેમનું અવસાન થયું. અવસાનના દિવસે જ અમદાવાદમાં એમનો સંગ્રહ ‘પૂર્વાલાપ’ પ્રગટ થયો.
ગુજરાતી સાહિત્ય પરિષદ ‘કાન્ત’ને ‘ગુજરાતી કવિતાની એક ઘટના’ તરીકે ઓળખાવે છે. કવિ કાન્ત દેખાવે ખૂબ જ પ્રભાવક હતા. કપિલરાય ઠક્કરની નોંધ મુજબ ભૂરા બંધ કોલરના કોટ-પાટલૂન, બેઉ ખભે ઝૂલતો ખેસ, માથે પોપટિયો રેશમી ફેંટો, બૂટ-મોજાં, સોનેરી ફ્રેમનાં ચશ્માં, ભરાવદાર મૂંછ, પડછંદ ભરાઉદાર કાયા, ભીનો વાનવાળા કવિ તરત જ મુલાકાતી પર પ્રભાવ જમાવતા. એમનું વક્તૃત્વ પણ એવું જ પ્રભાવશાળી હતું. રા. વિ. પાઠકના મતે ‘કાન્તના જીવન અને કાવ્યોને બે સમયમાં વહેંચી શકે એવું સીમાચિહ્ન ખ્રિસ્તી ધર્મનો અંગીકાર જ છે.’ પહેલાં અજ્ઞેયવાદી, પછી એકેશ્વરવાદી, એ પછી ખ્રિસ્તી, અને ફરી બહારથી બ્રાહ્મણ અને ભીતરથી ઈસાઈ –આ બદલાવો કાન્તના ઈશ્વર, ધર્મ અને સત્યના માર્ગના અનવરત પ્રવાસના પાસપૉર્ટ છે. ધર્માંતર બાદની એમની રચનાઓમાં કવિત્વ ઝાંખું થયેલું અનુભવાય છે. પણ સરવાળે, ધર્મમંથન, ન્યાય અને સત્યની શોધ અને આંતરયાત્રા એમની કવિતાઓના પ્રધાન રંગ રહ્યાં છે. અભૂતપૂર્વ ભાષાસૌષ્ઠવ અને છંદવૈભવ એમની કવિતાઓમાંથી છલકાય છે. સર્વાંગી પ્રાસ, લવચિક લય, નાદસૌંદર્ય, લાલિત્યપૂર્ણ શૈલી, અને અર્થગહન અભિવ્યક્તિ પરની કુદરતી હથોટીના કારણે એમની રચનાઓ ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે. ગુજરાતીમાં પ્રથમ અંજનીગીત અને પ્રથમ ખંડકાવ્ય આપવાનું શ્રેય એમના ફાળે જાય છે.
સાગર અને શશી’ પહેલવહેલીવાર ૧૯૦૨માં ‘વસંત’ સામયિકમાં પ્રગટ થયું હતું. એક સદીથીય વધુ વર્ષોનાં વહાણાં વહી જવા છતાંય એની તાજગી અને સૌંદર્ય લગરિક ઓઝપાયાં નથી. ચંદ્રકાન્ત શેઠના મતે ‘સાગર અને શશીનું સાલંકૃત સૌંદર્ય અનન્ય છે.’ નિરંજન ભગત આ કવિતાને ‘ગુજરાતી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીતકાવ્ય’ ગણાવે છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ આ કવિતાને ‘આંતરબાહ્ય એકમયતાનો કલાનુભવ કરાવતી સર્વાંગસુંદર રચના’ કહી વધાવે છે. ઝુલણા છંદના પ્રલંબ લયમઢ્યું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે! શીર્ષક પછી કવિતાના મથાળે કવિ શંકરાભરણ શબ્દ મૂકે છે. શંકરાભરણ એટલે સાત શુદ્ધ સ્વરોયુક્ત એક સંપૂર્ણ જાતિ રાગ. તેનો ગ્રહસ્વર સા, વાદી સ્વર મ, સંવાદીસ્વર સા, અને ન્યાસ સ્વર ગ છે. અંગ્રેજીમાં તેને નેચરલ સ્કેલ કે ડાયા ટૉનિક સ્કેલ કહે છે. શંકરાભરણની ચાલમાં ચાલતા આ કાવ્યમાં કવિએ પરંપરિત ઝુલણા છંદના સાડત્રીસ માત્રાના નિયમનો સાયાસ ભંગ પણ કરેલો જણાય છે. નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. શંકરાભરણ કે શંકરો રાગ પણ પ્રભાતિયાના રાગને મળતો આવે છે. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઊરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા આ જ ઝૂલણા છંદ શંકરાભરણની ચાલમાં પ્રયોજે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે. ‘ગાલગા’ ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતા સંગીતમાંથી સાગરના ‘આવ-જા’ ‘આવ-જા’ ‘આવ-જા’ કરતા મોજાંનું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર એ રીતે ઊભું થાય છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત! કાવ્ય પણ છંદ, રાગ અને સાગરની લહેરોની જેમ દ્રુતવિલંબિત લયમાં ચાલે છે. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે), જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય! સુરેશ જોષીના મતે ‘કથયિતવ્યના આકાર વિશેની આવી સૂક્ષ્મ સૂઝ ગુજરાતી કાવ્યસાહિત્યમાં એક વિરલ ઘટના છે.’
કવિતામાં ‘મહારાજ’ અને ‘પિતા’ એમ બે સંબોધન નજરે ચડે છે. કવિતા પાછળની વાર્તા આ સંબોધન પર થોડો પ્રકાશ ફેંકવામાં સહાયક નીવડે એમ છે. આ કવિતાનું પ્રેરકબળ ભાવનગરના મહારાજ ભાવસિંહ હતા. કહેવાય છે કે ગોપનાથના દરિયાકિનારે કવિની પીઠ પર હાથ મૂકીને ભાવસિંહે કવિને કવિતા લખવાનું આહ્વાન આપ્યું હતું, પરિણામે આ રચના થઈ હતી. એ રીતે મહારાજ સંબોધન મહારાજા માટે પ્રયોજાયું હશે એમ માની શકાય પણ એવું માનવામાં આગળ આવતું ‘પિતા’ સંબોધન નડતરરૂપ બને છે. એટલે, કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદનું આ કાવ્ય હોવાથી ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વર માટે વપરાતાં Lord અને Father સંબોધનોનો આ સીધો તરજૂમો હોવાનું સમજી શકાય છે. જો કે આ ગીત રચાવા પાછળની વધુ પ્રમાણભૂત હકીકત એ છે કે ૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્ત સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૦૬-૦૬-૧૯૦૨ના રોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.
ખેર, કવિ અને કવિતાનો ઇતિહાસ ભલે કવિતા સમજવામાં ઉપકારક કેમ ન થતો હોય, ખરી મજા તો કવિતાને કવિતાના ધોરણે આસ્વાદવામાં જ રહી છે. કથક કહે છે કે, મહારાજ! આજે જળ પરથી ચંદ્રનો ઉદય જોઈને હૃદયમાં હર્ષ ‘જામે’ છે. જળ પરથી ચંદ્રોદય તો બનવાજોગ છે કે આ પૂર્વે પણ ઘણીય વાર જોયો જ હશે પણ જે મજા ‘આજ’માં છે, એ અભૂતપૂર્વ છે. વળી, હર્ષ થયો એમ કહેવાના બદલે કવિ હર્ષ સાથે કદી વપરાયેલ નહીં હોય એવું અનૂઠું ‘જામે’ ક્રિયાપદ પ્રયોજે છે. આ એક જ શબ્દ વડે કવિ અમૂર્ત હર્ષભાવને સફળતાપૂર્વક મૂર્ત કરી આપે છે. સમજી શકાય છે કે આ એવો ઘનીભૂત થયેલો આનંદ છે જેને સમય પણ પીગાળી, મિટાવી શકનાર નથી. સાગર અને શશી વચ્ચેનું સ્નેહસૂત્ર પણ ફરી યાદ કરી લેવા જેવું છે. ચંદ્ર આપણી સૌથી નજીકનો ગ્રહ- પૃથ્વીનો ઉપગ્રહ છે. શ્રીમદ્ભાગવત અનુસાર એ મહર્ષિ અત્રિ અને અનસૂયાનો પુત્ર છે. સમુદ્રમંથન દરમિયાન ઉત્પન્ન થયો હોવાના નાતે ચંદ્ર લક્ષ્મી અને કુબેરનો ભાઈ પણ કહેવાય છે. શંકર ભગવાને એને પોતાના માથા પર ધારણ કર્યો છે. ચંદ્રમાં રહેલ ડાઘાઓએ તો વિશ્વભરની કથાઓ-કવિતાઓને ચાલકબળ પૂરું પાડ્યું છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્રનું ખાસ્સું મહત્ત્વ છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા જન્મતા કેન્દ્રગામી બળના કારણે સમુદ્રોમાં ભરતી-ઓટ આવે છે. શુક્લ કે સુદ પક્ષ દરમિયાન ચંદ્રની વૃદ્ધિની સાથોસાથ સાગરમાં ભરતી જન્માવતી લહેરો પણ વૃદ્ધિશીલ થતી જાય છે અને પૂર્ણિમાના દિવસે તો ચંદ્ર ચુંબકની જેમ ખેંચતો હોય એ રીતે આકાશ આંબતી લહેરો ઊછળે છે. કૃષ્ણ કે વદ પક્ષના પખવાડિયામાં મોજાંઓની આ ચંચળતા ક્રમશઃ મંદ થતી જાય છે. આપણાં શરીરનો મોટો ભાગ પાણીથી બન્યો હોવાથી ચંદ્રની કળાઓ આપણી માનસિક સ્થિતિ પર પણ અસર કરે છે એમ માનવામાં આવે છે. પૂનમની રાતોએ પાગલપનની તીવ્રતા અને આત્મહત્યાની સંખ્યા અન્ય દિવસોની સરખામણીએ વધુ હોવાનું મનાય છે. ચંદ્ર માટેના લેટિન શબ્દ લૂના પરથી જ લૂનેટિક (પાગલ) શબ્દ બન્યો છે.
આકાશ કઈ ઋતુનું છે એ કવિ કહેતા નથી. ચંદ્ર પણ કઈ કળાએ છે એ પણ કવિ કહેતા નથી પણ જે ચંદ્રોદય અનનુભૂત આનંદ અને સાગરમાં ભવ્ય ભરતી જન્માવે છે એ ચંદ્ર તો પૂર્ણિમાનો ફુલ્લકુસુમિત ચંદ્ર જ હોઈ શકે ને! રાતનો સમય છે અને રાતનું સૌથી મોટું સુખ એ છે કે એ કાળા રંગની પીંછીથી દુનિયાને રંગી દે છે અને આપણી નજરોથી ગાયબ કરી દે છે. અંધારામાં બહુ ઓછી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, પરિણામે જે કંઈ આપણે જોઈ શકીએ છીએ એનો પૂર્ણાનંદ લઈ શકીએ છીએ. અંધારામાં સમુદ્ર ઉપરથી ઊંચે ઊઠતા ચંદ્રના પ્રકાશમાં આકાશમાં વાદળો નજરે ચડે છે. રાત્રે વાદળો દેખાય છે માટે આ વરસાદ આણતાં કાળાં વાદળો નહીં, પણ હળવાંફૂલ થઈ ઊડતાં શુભ્ર વાદળો છે. મતલબ કે આ આકાશ ચોમાસાનું આકાશ નથી. કવિ કહે છે, ‘સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે.’ સ્નેહનાં વાદળો એ એ રીતે આકાશમાં ઘેરાઈ રહ્યાં છે, જાણે ફૂલોનાં વન ન હોય! સુરેશ જોષી ‘જોયું ને, વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન’ કહીને કવિના શબ્દપ્રયોગમાં છૂપાયેલી કવિતા આબાદ શોધી બતાવે છે. અને ફૂલોનું વન હોય તો સુગંધનો દરિયો પણ હોવાનો જ. પણ આ સુગંધ શુદ્ધ અને ગહન-અકળ-ઊંડી સુગંધ છે. કવિએ જ્યાંથી સાગર પર ચંદ્રોદય જોયો હશે ત્યાં કદાચ બગીચો પણ હોય અને ફૂલોની ખુશબૂ નાક સુધી પહોંચી પણ હોય એ શક્ય છે પણ સાચું કવિકર્મ જ એ છે જે સમષ્ટિમાંના એક તત્ત્વને બીજામાં અને વયષ્ટિની એક ઇન્દ્રિયને બીજામાં ખબર પણ ન પડે એ નાજુકાઈથી ભેળવી દે છે. દૃશ્ય સાવ સાદું છે. કોઈ સાફ વાતાવરણવાળી ઋતુની રાતે દરિયા પરથી ચંદ્ર ઊગી રહ્યો છે અને સ્વચ્છ આકાશ આખું શ્વેત વાદળોથી ભર્યું પડ્યું છે, જે ચંદ્રના પ્રકાશથી વધુ દેદિપ્યમાન નજરે આવે છે. પણ કવિને અહીં સ્નેહનાં વાદળો નજરે ચડે છે ને આ વાદળોમાં આકાશમાં ફૂલોનું મઘમઘતું વન દેખાય છે. ત્રણ જ પંક્તિમાં જે દૃશ્ય આપણે આંખોથી પીવાનું હતું, એ કવિ આપણને ઘ્રાણેન્દ્રિયથી સૂંઘાડે છે. કેવો અદભુત ઇન્દ્રિયવ્યત્યય! દિલોદિમાગને તર કરી દેતી આ અવર્ણનીય સુગંધ વળી અકળ છે.
ચોથી પંક્તિમાં ‘નિજ’ શબ્દ વાપરીને કવિ આખી વાતને નવું જ પરિમાણ બક્ષે છે. કવિતા સામાન્યરીતે વયષ્ટિનું સમષ્ટિમાં વિસ્તરણ કરતી હોય છે, અહીં કવિ સમષ્ટિને વયષ્ટિમાં આટોપવાનું ભગીરથ કામ કરે છે. નજર જ્યારે સમુદ્ર પરથી થઈ રહેલ ચંદ્રોદય અને વાદળપુંજને નિરખી રહી છે, એ સમયે કથકની પોતાની ભીતર, એની ખુદના આકાશમાં પણ શુભ્ર વાદળાચ્છાદિત આભમાં ચંદ્રોદય થઈ રહ્યો છે અને કશીક ગહન ગંધથી આખું અસ્તિત્ત્વ તરબતર થઈ રહ્યું છે. કદાચ એટલે જ, કવિ કહે છે કે કાલના સર્વ સંતાપ શામે! કાળ બધી સમસ્યાઓનો વાહક છે. કાળના ઉધામા ઘણીવાર અસહનીય બની રહેતાં હોય છે. ક્યારેક વીતી ગયેલો સમય વીતાડે છે, ક્યારેક ન આવેલો સમય સતાવે છે તો ક્યારેક આજનો તાપ દઝાડે છે. સમયના ગર્ભમાં જ જીવનની સૌ સમસ્યા પણ રહેલી છે ને ઈલાજ પણ. એક અદભુત પ્રકૃતિચિત્રને પ્રત્યક્ષ નિહાળવાના સૌભાગ્યની પ્રતીતિ ઇન્દ્રિયગોચરતાને ઇન્દ્રિયાતીતતામાં પલોટે છે ત્યારે જે શાતા અનુભવાય છે એ સર્વ સંતાપ શમાવી દે છે. કાળા આભમાં ચમકતો ધોળો ચંદ્ર જાણે નૂતન જીવનરસથી છલકાતી ઈશ્વરની આંખ હોય એમ લાગે છે. પરિણામે તમામ ઉચાટો શાંત થઈ ગયાનું અનુભવાય છે. સુરેશ જોષી લખે છે: ‘આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે.’ દરિયાના મોજાં તો હજીય આવ-જા કરી જ રહ્યાં છે, ચંદ્ર પણ ક્રમશઃ ઉર્ધ્વગતિ કરી રહ્યો છે, વાદળો આકાશમાં અટક્યાં નથી, પવન પણ થંભ્યો નથી, પણ દર્શકની ભીતર હર્ષ અને શાતા હલાવી-પીગાળી-મિટાવી ન શકાય એ રીતે જામી ગયાં છે. કવિ ઇચ્છે છે કે ભાવકને પણ આ શાંતિની એટલી જ સઘન અનુભૂતિ થાય જેટલી એમને થઈ છે. માટે જ એ પોતાની વાત કરીને અટકી જવાને બદલે દોહરાવે છે: ‘પિતા! કાલના સર્વ સન્તાપ શામે!’ આ પુનરોક્તિ કવિચેતનાને ભાવકચેતના સાથે સંગોપીને દૃઢીભૂત કરે છે.
જલધિ યાને સાગરના મોજાંઓના સમુહને કવિ જલધિજલદલ કહી સંબોધે છે. જેમ આકાશમાં વીજળી ચમકે છે એમ જ દરિયામાં આવતા-જતાં રહેતાં મોજાંઓ ઉપર રેલાતા ચંદ્રપ્રકાશના કારણે જાણે પાણી ઉપર વીજળી ચમકતી ન હોય એમ કવિને લાગે છે. આકાશના સરોવરમાં યામિની યાને રાત્રિની હોડી સરકી રહી છે. સુરેશ જોષી ‘યામિની’ શબ્દપ્રયોગમાં ‘યામ’ યાને પ્રહર, કાળનો શ્લેષ પણ સમાવિષ્ટ જુએ છે. નીચે દરિયો સતત ગતિશીલ છે પણ માથે આકાશ સરોવર જેવું નીરવ શાંત છે પણ વાતાવરણમાં કામિની કોકિલાનો કૂંજારવ પ્રાણ ભરી દે છે. દૃશ્યેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય બાદ હવે શ્રવણેન્દ્રિય પણ કામમાં આવે છે. અને જેમ-જેમ ઇન્દ્રિયો જાગૃત થતી જાય છે, તેમ-તેમ અનુભવ ઇન્દ્રિયાતીત થતો જાય છે. ભરતી જેવી રોજની ઘટના પણ હવે ભવ્ય ભાસે છે. સમગ્ર સૃષ્ટિ સમુલ્લાસિત થઈ રહે છે. જેમ આનંદની અવધિએ આપણે આપણને હળવાફૂલ થઈ ગયેલાં અનુભવીએ છીએ એમ જ ઉલ્લાસના આ મહાસાગરમાં સમગ્ર સૃષ્ટિ એવી તો હળવી થઈ ગયેલી ભાસે છે કે એકદમ સહજતાથી, સાવ અનાયાસ પાણીમાં સરી-તરી રહેલી હોડી જેવી નજરે ચડે છે. વળી, આ ઉલ્લાસની પરાકાષ્ઠા છે, પરમ આનંદની ચરમસીમા છે એટલે ફરી એકવાર કવિ પોતાની વાતની પુનરોક્તિ કરતાં ‘પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી’ના હર્ષોદ્ગારને બેવડાવે છે. જગતચેતના અંગતચેતના લગી અને અંગતચેતના ફરી જગતચેતના સુધી પ્રસાર પામે છે. વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે અનુપમ સાયુજ્ય સર્જાય છે. સરવાળે કવિતા જે ચિત્રાનુભૂતિ ભાવકના ચિત્તતંત્ર પર સફળતાપૂર્વક છોડી જાય છે એ પછી કાયમ રહે છે…
દરિયાઈ લહેરો સાથેના છંદના તાલમેલ ઉપરાંત કવિતામાં જે વર્ણસગાઈ અને વર્ણાનુપ્રાસ કવિએ પ્રયોજ્યાં છે એ કદાચ ગુજરાતી કવિતામાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. જલધિ-જલ, દલ-દામિની-દમકતી, કામિની-કોકિલા-કેલિ-કૂજન-કરે, ભાસતી-ભવ્ય-ભરતી વગેરેમાં આવતી વર્ણસગાઈ સમુદ્રની લહેરોની જેમ એક પછી એક કવિતામાં આવ્યે રાખે છે અને લહેરોની છોળની જેમ ભાવકને વર્ણસંગીતથી ભીંજવ્યે રાખે છે. આજ-મહારાજ, ઘન-વન-ગહન, વિમલ-પરિમલ, નવલ-ધવલ, જલ-દલ, યામ્(ઇની)-(વ્)યોમ, દામિની-યામિની-કામિની, (વ્યોમ)સર-સર(તી), તર(લ)-તર(ણી)-સર(લ)-સર(તી) વગેરેમાં યમક અથવા વર્ણાનુપ્રાસની ચમત્કૃતિનું જે ગાન આલાપે છે એ પણ અલૌકિક છે. છંદ-અલંકારોના વ્યાકરણથી બિલકુલ અનભિજ્ઞ ભાવક પણ સાવ અજાણતાંય આ સંગીતમાં આપોઆપ લીન થયા વિના રહેતો નથી. કદાચ, એટલે જ એક સદીથીય વધુ સમય વીતી ગયો હોવા છતાંય અમર થવા સર્જાયેલ આ કવિતા કાવ્યરસિકોને અવર્ણનીય અનુભૂતિ પ્રદાન કરતી આવી છે, ને કરતી રહેનાર છે…
“શન્કરાભરણ ” જો આ કોઈ રાગ હોયતો ખબર નથી, બાકી આ જ નામની મલયાલમમા ખુબ જ
હૃદય સ્પર્શી ફિલ્મ મે જોઈ છે. હું ગુજરાતી પણ ફિલ્મ એટલી હ્રદયને સ્પર્સી જેએ કે થિયેટરમાં
રોવાઈ ગયું.
આભાર
‘શંકરાભરણમ’ ૧૯૮૦ની તેળુગુ ફિલ્મકૃતિ હતી, મળયાળમ નહીં.
@અમૃત ગાંગર:
??
કવિતા સાથે ઘણા સંભારણા છે. આભાર અહીં મુકવા માટે
ખૂબ ખૂબ આભાર….
સરસ,સરસ,,,,,, રસાસ્વાદ…. અભિનદન અને આભાર……
ખૂબ ખૂબ આભાર…
Very Nice Poetry. . . Keep Posting. . .
Thanks a lot
જો ઉપર આકાશમાં વાદળોરૂપી કુસુમોનુ વન હોય તો નીચે જલધિજલદલ એટલે સાગરરૂપી કુસુમની મોજાંઓરૂપી પાંખડીઓ ઉપર વીજળી ચમકે છે એમ પણ કહી શકાય.વળી કોકિલાના કૂજન સાથે નરસિંહરાવ દીવેટિયાની મધ્યરાત્રિની કોયલ યાદ આવી ગઈ.તમારો રસાસ્વાદ પણ કાવ્ય જેટલો જ સુપર્બ છે.
વાહ… આપનું જલધિજલદલવાળું કલ્પન પણ યથાર્થ છે.
પ્રતિભાવ બદલ આભાર…
આ કાવ્ય ભણવામાં આવતું પણ તે સમયે વિચારશક્તિનો એટલો વિકાસ ન થયો હોય અને શીક્ષક માત્ર પાથ્યપુસ્ત્કની કવિતા તરીકે શીખાવે કોઈ રસાસ્વાદ ન કરાવે અથવા ન કરાવી શકે એમ કાવ્ય ચાલ્યું ગયું ઉમર થતા આ કાવ્યનો રસાસ્વાદ સ્વયં માન્યો અને આજે કવિ કાન્તના જીવનની ગાથા વાંચી એક જ્ઞાતિજન તરીકે આનંદ થાય છે તો તેઓ ખ્રિસ્તી થયાનું વાંચી ખેદ પણ થાય છે. આ કાવ્ય અહી વાંચી ખુબ જ મઝા આવી જય હાટકેશ
ખૂબ ખૂબ આભાર… ધર્મ એ વ્યક્તિની અંગતતમ બાબત છે. એક પ્રબુદ્ધ નાગરિક તરીકે ખેદ શા માટે અનુભવવો?
કવિ-પરિચયન, કાવ્યનો રસાસ્વાદ બન્ને ખુબ ગમ્યા. આભાર. જય હો.
Thanks a lot…
🙂
ખરેખર સુંદર કવિતા છે. સાગરના મોજાંની જેમ હિલોળા લેતી દિલ અને દિમાગમાં એક અદ્ભુત પ્રકાશ રેલાવેછે. કાન્તના ધર્મપરિવર્તન વિષે ખબર ન હતી. પણ આથી લાગે છે કે પિતા શબ્દનો પ્રયોગ આ સંદર્ભમાં થયો લાગે છે.
આ કાવ્યની સાથે સાથે યે રાત યે ચાન્દની ફિર કહાં…ગીત યાદ આવી જાય છે. તેમાં પણ ચાંદની અને સાગરનો સમાવેશ છે.
આ કવિતાને હમણાં જ યાદ કરી હતી…ફાગણ સુદ પુનમને લીધે અને ગીતાને લગતી એક ચર્ચામાં કોઈએ કહ્યું…I am deeply impressed by the meditation on the moon& light seen
radiating over the sea surface. It is so true. There is absolutely no
way to find out whether others are seeing the world the same way
as us.Taking cue from the variety of creation one can assume that
there are as many worlds as the number of seers.
વાહ… કેવો મજાનો પ્રતિભાવ!
ખૂબ ખૂબ આભાર…