The Rime of the Ancient Mariner
The fair breeze blew, the white foam flew,
The furrow followed free;
We were the first that ever burst
Into that silent sea.
Down dropped the breeze, the sails dropped down,
‘Twas sad as sad could be;
And we did speak only to break
The silence of the sea!
Day after day, day after day,
We stuck, nor breath nor motion;
As idle as a painted ship
Upon a painted ocean.
Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink.
And every tongue, through utter drought,
Was withered at the root;
We could not speak, no more than if
We had been choked with soot.
Ah! wel-a-day! what evil looks
Had I from old and young!
Instead of the cross, the albatross
About my neck was hung.
– Samuel Taylor Coleridge
પુરાતન ખલાસીની કવિતા
હવા વીંઝાતી, ફીણ ઊડતું,
મુક્તમને અનુસરતો ચીલો;
અમે જ પહેલવહેલો ખોડ્યો એ
મૌન સાગરમાં અમારો ખીલો.
પવન પડી ગ્યો, સઢ ઝૂકી ગ્યા,
થાય વધુ શું દુઃખેય દુઃખી?
અને અમે પણ બોલીએ ત્યારે જ
તોડવી હો સાગરની ચુપકી.
વીતે દિવસ પર દિવસ, અમે સ્થિર
ગતિ જરા નહીં, હવા ન ચાલે;
નિષ્ક્રિય ચિત્રિત જહાજ જેવા
ચિત્રિત સાગર ઉપર જાણે.
પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
પાટિયા સિક્કે ડૂબતા આજે;
પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
એક ટીપું નહીં પીવા માટે.
છેક મૂળથી ચીમળાઈ ગઈ,
દુકાળગ્રસ્ત થઈ, સૌની વાચા;
અમે ન બોલી શકીએ, જાણે
મેંશ વડે ના હો ગૂંગળાયા.
ઓહ! કેવો દિ’! કેવી ગંદી
નજરે જોતાં, નાનાં-મોટાં!
ક્રોસના બદલે આલ્બાટ્રોસ જ
વીંટળાયું ગરદન ફરતે આ.
– સેમ્યુઅલ ટેઇલર કોલરિજ
(અનુ. વિવેક મનહર ટેલર)
પીંછીના બદલે કલમથી દોરાયેલા અમર ચિત્રો…
શેક્સપિઅરનો હેમ્લેટ કહે છે: ‘નાટકનો હેતુ પહેલાં પણ અને આજે પણ પ્રકૃતિ સામે અરીસો ધરવાનો (“Hold mirror up to the nature”) જ હતો અને છે-સારાને સારો અને ખરાબને ખરાબ બતાવવાનો.’ કવિતા સમાજનો અરીસો છે. એ સમાજને એનો ચહેરો જેવો છે એવો જ દેખાડવાનું કામ કરે છે. મનુષ્યજીવનની મર્યાદાઓ, ક્ષતિઓ, દુર્ગુણો પર પ્રકાશ ફેંકીને કવિઓ સમાજને સાચા જીવનનો રાહ દેખાડવાનું કામ કરે છે. અભિમાન પણ આવો જ એક દુર્ગુણ છે. અભિમાનના અરીસામાં સર્વનાશ સિવાય કંઈ જ નજરે ચડતું નથી. રાવણ તરફ જુઓ કે કંસ તરફ, દુર્યોધન તરફ જુઓ કે હિરણ્યકશ્યપ તરફ –અભિમાનના નશામાં જે જે ચૂર થયા છે એ વયષ્ટિ અને સમષ્ટિ માટે વિનાશ જ લાવ્યા છે. કોલરિજ એની વિશ્વપ્રસિદ્ધ કવિતામાં આ વાત આગવા અંદાજ થી કરે છે.
સેમ્યુઅલ ટેઇલર કોલરિજ. લગભગ સાડી ત્રણસો વર્ષ પૂર્વે ૨૧-૧૦-૧૭૭૨ના રોજ ડેવોનશાયર ખાતે એક પાદરી અને શાળાશિક્ષકને ત્યાં તેરમા સંતાન તરીકે જન્મ. દસ વર્ષની ઊંમરે પિતાનું અવસાન. દસ વર્ષની ઊંમરે લંડન ભણવા ગયા ને દસ વર્ષ ત્યાં રહ્યા. ઊંમરના પ્રમાણમાં ખૂબ પ્રતિભાશાળી. મા-બાપ અને મિત્રોના અભાવમાં ભયંકર એકલતામાં જીવ્યા. પણ આનો ફાયદો એ થયો કે એ પારંપારિક શાસ્ત્રીય સાહિત્યના ઊંડા અભ્યાસુ અને તત્ત્વ તથા ધર્મના પ્રખર મીમાંસુ બન્યા. એ પછી કેમ્બ્રિજ ગયા પણ આઝાદી અને પ્રજાસત્તાકનું ભૂત માથે સવાર થયું એટલે સેનામાં જોડાયા પણ કંઈ ખાસ ઊકાળ્યા વિના જ કેમ્બ્રિજ પાછા ફર્યા પણ ડિગ્રી લીધા વિના જ કોલેજ છોડી. ‘લેક પોએટ’ રૉબર્ટ સાઉથીની સાળી સારાહ ફ્રિકર સાથે જલ્દબાજીમાં પરણી ગયા ને પછી કલ્પદ્વીપ (યુટોપિઆ)ના સર્જનમાં મચી પડ્યા. બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી એમણે ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી. ટૂંકસમયમાં જ વાસ્તવિક્તાની કાલિમાથી સુપેરે અવગત થયા. કલ્પનાનું રામરાજ્ય પડી ભાંગ્યું, લગ્નજીવનની ઉતાવળ માથે વાગી અને ગરીબીનો ભોગ બન્યા તે નફામાં. ૧૭૯૭માં વર્ડ્સવર્થ ભાઈ-બહેન સાથેની એમની જગપ્રસિદ્ધ મૈત્રી પ્રારંભાઈ. બંને માટે આ મૈત્રી વરદાનરૂપ બની. બંને એ ભેગા થઈને ‘લિરિકલ બેલડ્સ’ પુસ્તક પ્રગટ કર્યું જેની લોકપ્રિયતા આજે પણ ચરમસીમાએ છે. આ સીમાચિહ્ન પુસ્તકથી ઉત્કૃષ્ટ અહંકારી કવિતાનો યુગ શરૂ થયો. ‘રોમેન્ટિક યુગ’ના અગ્રણી પ્રણેતા. ‘લેક પોસ્ટ્સ’માંના એક. બિનશરતી વર્ષાસન મળતાં નાણાંભીડ પૂરી થઈ. વર્ડ્સવર્થની સાળી સારાહ હચિન્સનના પ્રેમમાં પડ્યા. નાનપણથી એકલતા અને માનસિક બિમારીના શિકાર હતા જે અફીણની આજીવન લતમાં પરિણમી. શારીરિક બિમારીઓ પણ ઘેરી વળી. વર્ડ્સવર્થ સાથેની દોસ્તી જેટલી ગાઢ હતી એવી જ બે વર્ષ જેટલી ટૂંકી દુશ્મની પણ થઈ, જે જો કે પૂર્વવત્ મૈત્રીમાં કદી પરિણમી ન શકી. ૨૫-૦૭-૧૮૩૪ના રોજ અફીણ સાથે સંલગ્ન ફેફસાંની બિમારી અને હાર્ટ ફેઇલ્યરના કારણે નિધન.
તીવ્ર કલ્પના શક્તિ એમની કવિતાનો પ્રધાન રંગ છે. કવિતાના એવા કુશળ કસબી કે એમના સર્જનમાંથી ભૂલ શોધવી અઘરી થઈ પડે. ‘ક્રિસ્ટાબેલ’માં એમણે જે છંદ પ્રયોજ્યો તે આજે ‘ક્રિસ્ટાબેલ મીટર’ તરીકે ઓળખય છે, આના પરથી એમની કાવ્યકુશળતા સમજી શકાય છે. અલૌકિક જગત, ખાસ કરીને પ્રેતાત્માઓ અને દુનિયાની અસ્પષ્ટતાઓ એમની રચનાઓમાં સતત દૃષ્ટિગોચર થાય છે. અવિશ્વાસનો સ્વૈચ્છિક અનાદર (The willing suspension of disbelief)માં તેઓ માનતા અને એમની રચનાઓ વાચકને બે પળ માટે એ વાત ભૂલાવી દેવામાં સફળ પણ થાય છે કે વાસ્તવજગતમાં આ શક્ય જ નથી. કાવ્યકળામાં એ એટલા પાવરધા હતા કે કાવ્યસૌંદર્ય અર્થ-સમજણની ઉપરવટ ક્યારે પહોંચી ગયું એ ભાવક કળીય નથી શકતો. અને આ બધા સાથે ભાષાની સહજતા પણ એમને સાધ્ય હતી. એમના પ્રવચનો, કવિતાઓ, શેક્સપિઅરનું વિશ્લેષણ, જર્મન ફિલસૂફ કેન્ટના અનુવાદો –આ તમામ સર્વકાલીન ઉત્તમોત્તમ સાહિત્યમાં મોખરાનું સ્થાન પામ્યા છે. નાજુક તનદુરસ્તી, માનસિક બિમારીઓ, અફીણની ઊંડી લત, તત્ત્વમીમાંસા અને આધ્યાત્મનો ચસકો, પ્રેમમાં સતત નિષ્ફળતા, એકલતા –આ બધાની વચ્ચે થઈને પણ જે ઉત્કૃષ્ટ કાવ્યપ્રતિભા તથા કવિતાના સ્વરૂપ અને અભિવ્યક્તિ પરની હથોટી તરી આવે છે એ અભૂતપૂર્વ છે.
‘ધ રાઇમ ઑફ એન્શન્ટ મરિનર’નો જન્મ વર્ડ્સવર્થ સાથેની દોસ્તીમાંથી થયો. બંનેએ બે જાતની કવિતાઓ રચવી નક્કી કર્યું. વર્ડ્સવર્થ રોજબરોજની જિંદગી અને વાસ્તવિક્તાને વિષયવસ્તુ બનાવીને રચનાઓ કરે અને કોલરિજ અતિપ્રાકૃત-અલૌકિકને વિષયવસ્તુ બનાવીને તીવ્ર કલ્પનાશક્તિથી અગોચર વિશ્વની ઘટનાઓને વાસ્તવિક લાગે એ રીતે રજૂ કરે અને બંને મિત્રો સંયુક્તરીતે ‘લિરિકલ બેલડ્સ’ બહાર પાડે એમ નિર્ધારાયું, જેની એક ફળશ્રુતિ એટલે કોલરિજની આ કવિતા. કુલ ૬૨૫ પંક્તિ અને સાત ભાગમાં વહેંચાયેલ આ દીર્ઘ કાવ્યના બીજા ભાગમાંથી કેટલાક દૃશ્યચિત્ર અહીં સમાવિષ્ટ કર્યા છે. અંગ્રેજી ‘બેલડ’(લોકગીત-કથાકાવ્ય)નું સ્વરૂપ કોલરિજે અપનાવ્યું છે પણ સભાન આઝાદી સાથે કામ કર્યું છે. કથાકાવ્યની લાક્ષણિકતાઓ જેમકે, લાઘવ, સીધી મોઢા પર થતી વાત, નાટ્યાત્મક વળાંક અને પુનરોક્તિ ને પુનરાવર્તન કોલરિજ બખૂબી પ્રયોજે છે. થોડા અપવાદ બાદ કરતાં કાવ્યરચના ચતુષ્ક પ્રકારે જેમાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ મેળવાયા છે. અંગ્રેજી કવિતામાં સૌથી વધુ વપરાતા ‘આયંબ’ (લઘુ-ગુરુ શબ્દાંશ)ને કુશળતાપૂર્વક કોલરિજ પહેલી અને ત્રીજી પંક્તિમાં આઠ અને બીજી-ચોથીમાં છ શબ્દાંશ (સિલેબલ્સ) વાપરીને પ્રયોજે છે. આ દીર્ઘકાવ્ય કોલરિજની ઉત્કૃષ્ટ કવ્યકળાનો બેનમૂન દાખલો છે પણ જ્યારે એ પ્રગટ થયું ત્યારે એના ચાહકો કરતાં ટીકાખોરો વધુ હતા. આ કવિતા એક ઘરડા ખલાસીની વાર્તા છે પણ કોલરિજ એના માટે વૃદ્ધના બદલે પૌરાણિક (Ancient) વિશેષણ વાપરીને જૂની અંગ્રેજી ભાષાના ઘરમાં પ્રવેશવા માટેનો દરવાજો તૈયાર કરે છે. પૌરાણિક શબ્દપ્રયોગ કોઈક ખૂબ પ્રાચીન પણ અમૂલ્ય સંપદા તરફ પણ ઈશારો કરે છે. બીજું, Rhyme એટલે કે પ્રાસપ્રધાન કવિતાના બદલે એ Rime શબ્દ પ્રયોજે છે, જે એક તરફ તો જૂની અંગ્રેજી ઈંગિત કરે જ છે પણ એનો બીજો અર્થ ફ્રોસ્ટ (હિમાચ્છાદન) થાય છે. કવિતાનો મુખ્યાંશ એન્ટાર્ક્ટિક સમુદ્રમાં છે જ્યાં બરફ જ બરફ જોવા મળે છે. ખલાસીનો ખુદનો દેખાવ અને વ્યક્તિત્વ પોતે પણ હિમાચ્છાદિત હોય એવા રહસ્યમયી ભાસે છે. કવિતાની પ્રથમ આવૃત્તિ જૂની ઢબની જોડણીના કારણે ખૂબ વગોવાઈ હતી, જેને કોલરિજે બીજા પ્રકાશન વખતે સુધારી હતી અને જરૂરી ટૂંકનોંધો પણ ઉમેરી હતી.
લગ્નસમારંભમાં જતા એક અતિથિને અટકાવીને વશીભૂત કરીને ઘરડો ખલાસી પોતાની સમુદ્રયાત્રાની લાંબી વાર્તા સંભળાવે છે. સારા શુકન છતાં જહાજ ઘસડાઈને દક્ષિણમાં પહોંચી જાય છે. એક આલ્બાટ્રોસ પંખી જહાજ સાથે થાય છે જેને પહેલાં બધા શુકનિયાળ ગણે છે પણ ખલાસી એનો શિકાર કરે છે. પહેલાં સાથીઓ શિકાર કરવા માટે એનો તિરસ્કાર કરે છે પણ બીજી જ પળે એને વધાવે છે અને ખલાસીના ગુનામાં ભાગીદાર બને છે. એક ભૂતિયું જહાજ રસ્તે ભટકાય છે જે પર એક હાડપિંજર (‘મૃત્યુ’) અને એક નિઃસ્તેજ વૃદ્ધા (‘મૃત્યુ-માં-જીવન’) જૂગટું રમતા હોય છે. મૃત્યુ તમામ ખલાસીઓનાં જીવન જીતી જાય છે અને ‘મૃત્યુ-માં-જીવન’ ખલાસીની જિંદગી. તમામ સાથીમિત્રો અવસાન પામે છે અને સાત દિવસ અને સાત રાત ખલાસી ભૂખ્યો-તરસ્યો લાશોની અને દરિયાની વચ્ચે કાઢે છે. સમુદ્રી જીવોની કદર કરવા બદલ એ શાપમુક્ત થાય છે, વરસાદ પડે છે, એના ગળામાં ઈશુના ક્રોસની જેમ વીંટાળી દેવાયેલ પક્ષી ખરી પડે છે, પ્રેતાત્માઓ જહાજ હંકારી કાંઠે લાવે છે. એક સાધુ ડૂબતા જહાજ પરથી ખલાસીને ઊગારી લાવે છે. પક્ષીહત્યાના પાપના પ્રાયશ્ચિત માટે માટે ખલાસી સતત ભટકતો રહે છે અને મળનાર લોકોને પકડી-પકડીને પોતાની વાર્તા સંભળાવે છે જેથી સાંભળનાર વધુ ગંભીર અને ડાહ્યો બની શકે.
પહેલા ભાગના અંતે ખલાસી આલ્બાટ્રોસનો શિકાર કરે છે. એ પછીના બીજા ભાગના કેટલાક ચતુષ્ક કોલરિજની અફલાતૂન કથાક્ષમતાના બદલે દૃશ્યચિત્ર દોરવાની બેનમૂન આવડત રજૂ કરવાની નેમ સાથે અહીં લીધા છે. પહેલા ચતુષ્કમાં જે દરિયામાં આ અગાઉ કોઈ કાળા માથાનો મનુષ્ય પહોંચ્યો જ નથી એ દરિયામાં આ વૃદ્ધ ખલાસીનું જહાજ પહોંચે છે એ વાત છે. સાનુકૂળ હવા વીંઝાઈ રહી છે અને વહાણ ચાલવાથી ફીણ ઊછળે છે. જહાજની પાછળ પાણીમાં પડતો ચીલો મુક્તમને પડે છે એમ કહીને કોલરિજ નિરવરોધ ગતિ દોરી આપે છે. પણ બીજા ચતુષ્કમાં અચાનક જ પવન પડી જાય છે, સઢ ઢળી પડે છે અને દુઃખ પોતે જેનાથી વધુ દુઃખી ન થઈ શકે એવી ગ્લાનિ અનુભવાય છે. કોઈપણ પૂર્વચેતવણી વગર આવતો ૧૮૦ ડિગ્રીનો આવો વળાંક ‘પારંપારિક કથાકાવ્ય’ની લાક્ષણિકતા છે, જે કોલરિજ કુશળતાપૂર્વક પ્રયોજે છે. દરિયાનું મૌન ખલાસીઓની વાચા ગળી ગયું હોય એમ કોઈ કામ વગર બોલતું નથી. દિવસો પસાર થાય છે પણ હવાનું નામોનિશાન ન હોવાથી નિઃસ્તબ્ધ સમુદ્રમાં જહાજ એ હદે ગતિહીન ઊભું છે કે આ થીજી ગયેલું દૃશ્ય ચિત્ર જેવું લાગે છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. લાકડાના પાટિયાં તો પાણી પર તરે પણ કોલરિજ પાટિયાં સિક્કે ડૂબી રહ્યાં છે એમ કહે છે, જાણે જેમ પીવાના પાણી વિના ગળું એમ લાકડું સૂકાઈને ડૂબવા ન માંડ્યું હોય! ‘બેલડ’ની એક લાક્ષણિકતા મુજબ ચારે બાજુ પાણી જ પાણીની વાત દોહરાવીને એ વળી તરસની પરાકાષ્ઠા નિર્દેશે છે. આ કલ્પનો આજે કદાચ ચવાઈને ચુથ્થો થઈ ગયાં છે પણ સાડી ત્રણસો વર્ષ પહેલાં આ કલ્પનો પહેલવહેલાં વપરાયાં હશે ત્યારે કેવા ચમત્કારી લાગ્યાં હશે! દુષ્કાળના પરિણામે સૌની જીભ છેક મૂળથી જાણે ચીમળાઈ ગઈ હતી. તરસના કારણે ગળાં એવાં સૂકાઈ ગયાં હતાં કે બધાના મોંમાં કોઈએ મેંશ ભરી ન દીધી હોઈ એમ કોઈ બોલી શકવા શક્તિમાન નહોતા. ખલાસી વિચારે છે કે કેવો ખરાબ દિવસ ઊગ્યો કે જહાજ પરના નાના-મોટા દરેક એની સામે ગંદી નજરે જુએ છે અને સૌની આ દુર્દશા માટે એને જ જવાબદાર ગણાવે છે. ખ્રિસ્તીઓ ગળામાં ક્રોસ લટકાવે એના સ્થાને એના સાથીઓએ એના ગળામાં એણે જેનો વધ કર્યો હતો એ આલ્બાટ્રોસ જ વીંટાળી દીધું.
પ્રકૃતિના ઘટકતત્ત્વોનો સંહાર અને પરિણામે સર્જાતા વિનાશને મોક્ષની કથા પણ કહી શકાય. બીજી રીતે કહીએ તો આ રચના પારલૌકિક ઘટકતત્ત્વોની પાર્શ્વભૂ વચ્ચે રમાતી મિથ્યાભિમાન, પીડા, એકલતા, પરિવર્તન અને પ્રાયશ્ચિતની કથા છે. કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે, ભૂંસાતી આવી છે, ભૂંસાતી રહેશે પણ કેટલીક કવિતાઓ હૉમરના ‘ઇલિયાડ’-‘ઑડિસી’, દાન્તેની ‘ડિવાઇન કોમેડી’, મિલ્ટનની ‘પેરેડાઇઝ લૉસ્ટ’, વાલ્મીકીના ‘રામાયણ’ કે વ્યાસના ‘મહાભારત’ની જેમ અમરપટો લખાઈને આવી હોય છે. કોલરિજની આ કવિતા એમાંની એક છે.
વાહ્…
આભાર!