ગ્લૉબલ કવિતા : ૬૨ : નવી મહાપ્રતિમા – એમા લેઝારસ

The New Colossus

Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.
“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tossed to me,
I lift my lamp beside the golden door!”

– Emma Lazarus

નવી મહાપ્રતિમા

ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,

“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, સૌને મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

– એમા લેઝારસ
(અનુ. વિવેક મનહર ટેલર)

ગંજાવર સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી અને નાની અમથી કવિતાની તાકાત…

ચૌદ પંક્તિની એક નાની અમથી કવિતા ક્યારેક વિશ્વની અજાયબીઓમાંની એક ગણાતી ત્રીસ માળ ઊંચી પ્રતિમાનો આખેઆખો સંદર્ભ જ બદલી નાંખે એ શક્ય ખરું? પહેલી નજરે તો અશક્ય જ લાગે પણ અમેરિકાના ન્યૂયૉર્ક બંદર પર હાથમાં મશાલ લઈને ૧૮૮૬ની સાલથી ખડે પગે ઊભી રહેલ ૩૦૫ ફૂટ ઊંચી લોહ-તાંબાની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’નો આખેઆખો મતલબ એક કવિતાએ બદલી નાંખ્યો. પ્રતિમા ભેટ આપનાર અને લેનાર બંને માટે આ પ્રતિમા ‘આઝાદી’ અને ‘આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદ’ની અર્થચ્છાયા ધરાવતી હતી પણ અહીં પ્રસ્તુત એમા લેઝારસના સૉનેટ અને એમાં આવતી પંક્તિ – Mother of Exiles: નિર્વાસિતોની મા-એ લેડી લિબર્ટીના હોવાનો સમુચો અર્થ જ બદલી નાંખ્યો. લિબર્ટી સદૈવ આવકારો આપતી મા બની ગઈ દુનિયાભરના નિર્વાસિતો માટે, એક આશાનું કિરણ બની ગઈ તમામ તરછોડાયેલાઓ માટે…

એમા લેઝારસ. ૨૨-૦૭-૧૮૪૯ના રોજ ન્યૂયૉર્કમાં સુગર-રિફાઇનરી ચલાવતા મોઝિઝ અને ઇસ્ટર લેઝારસના ધનાઢ્ય પરિવારમાં સાત બાળકોમાં ચોથા ક્રમે જન્મ. અમેરિકાના ક્રાંતિગાળામાં એમનો યહૂદી પરિવાર પોર્ટુગલથી અમેરિકા આવ્યો હતો. ઘરે જ ખાનગી અધ્યાપકો પાસે અભ્યાસ. પૌરાણિક ક્લાસિકલ અને સમસામયિક સાહિત્યનો ઊંડો અભ્યાસ. નાનપણમાં જ એમણે કાવ્યાનુવાદો કરવા શરૂ કર્યા. ૧૧ વર્ષની વયે પ્રથમ કવિતા. ૧૮ વર્ષની વયે તો પ્રથમ કાવ્યસંગ્રહ પણ પ્રગટ થઈ ગયો. કાચી વયના આ પાકટ સંગ્રહે સિદ્ધહસ્ત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સન જેવાનું પણ ધ્યાન ખેંચ્યું. નવલકથા અને પદ્યનાટક પણ લખ્યાં. આજીવન કુંવારા રહ્યાં. માત્ર ૩૮ વર્ષની કૂમળી વયે ન્યૂયૉર્કમાં જ ૧૯-૧૧-૧૮૮૭ના એક રોજ મોટાભાગે હોજકિન્ઝ લિમ્ફોમાના કારણે દેહાવસાન.

પ્રથમ સફળ અમેરિકન યહૂદી સાહિત્યકાર. યહૂદી હોવાના નાતે અમેરિકન યહૂદીઓની પીડાને એમણે વાચા પણ આપી. યહૂદીવાદી (ઝાયોનિસ્ટ) ચળવળ શરૂ થઈ એના તેર વર્ષ પહેલાં જ એમાએ યહૂદીઓના હક માટેની લડાઈ શરૂ કરી દીધી હતી. અમેરિકાની પોતાની સ્વ-છબીને આકાર આપવામાં અને અમેરિકા અન્ય દેશોથી આવતા નિર્વાસિતોની જરૂરિયાત શી રીતે સમજે છે એ વૈશ્વિક છબી ઊભી કરવામાં એમાનો ફાળો નાનોસૂનો નહોતો. લાંબા સમય સુધી જો કે ‘ધ ન્યૂ કૉલોસસ’ કવિતાની પ્રસિદ્ધિના ગ્રહણે એમાના જીવન અને સર્જનને અંધારામાં રાખ્યાં. એની પોતાની બહેને ૧૯૨૬માં પ્રગટ થયેલ એમા લેઝારસની સમગ્ર કવિતાઓના સંગ્રહને એમાની યહૂદી વિચારધારા સાથે પોતે અસહમત હોવાના કારણે દબાવી રાખ્યો હતો. કાળાંતરે જો કે આ ગ્રહણ હટ્યું અને લોકો એમાની પ્રતિભાથી પરિચિત થયાં.

૪ જુલાઈ, ૧૭૭૬માં અમેરિકાને આઝાદી મળી. પણ આઝાદી માટેની લડત એ પહેલેથી ચાલુ હતી. ફ્રાન્સના ગુલામી-વિરોધી સમાજના તત્કાલિન પ્રમુખ એડ્વા રેને ડિ લેબુલેએ ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક અગસ્ટે બાર્થોલ્ડી સાથેના ડિનર પછી કહ્યું હતું કે અમેરિકાની આઝાદી માટેનું સ્મારક બંને દેશોની ભાગીદારીમાં બનવું જોઈએ. બાર્થોલ્ડીની બે-ત્રણવારની અમેરિકાયાત્રાના ફળસ્વરૂપ આ સ્મારક માટેનું સ્થાન અને અમેરિકન સરકારની મંજૂરી- બંને મળ્યા. બાર્થોલ્ડીની ડિઝાઈનને એફિલ ટાવરના સર્જક ગુસ્તાવ એફિલે શિલ્પાકાર આપ્યો. અમેરિકામાં બેડલો’ઝ ટાપુ (હાલના લિબર્ટી ટાપુ) પર મૂર્તિ માટે કુંભીનિર્માણ કરવાનું હતું પણ પૈસાની સમસ્યા હતી. ફાળો ઊભો કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા. એમાને આ હેતુસર લિલામી માટે એક મૌલિક કૃતિ આપવા જણાવાયું પણ શરૂમાં એણે ના કહી. એ પોતે ધનાઢ્ય હોવાથી નિર્વાસિતોની તકલીફોથી માહિતગાર નહોતાં પણ રેફ્યુજીઓની મદદના કાર્યક્રમમાં એમને એ લોકોની પીડાનો અહેસાસ થયો અને છેવટે ૦૨-૧૧-૧૮૮૩ના રોજ આ સૉનેટ લખાયું. પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર શોભાયમાન અને નિલામી દરમિયાન વંચાયેલું આ સૉનેટ ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે અને એ પછી સાવ ભૂલાઈ ગયું. એમાની સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી મળેલી ચોપડીમાં આ સૉનેટ હતું અને એના જ પ્રયત્નોથી મૃત્યુના ૧૭ વર્ષ બાદ ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં આ સૉનેટ મૂકવામાં આવ્યું. આજે પણ ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના મુલાકાતીઓ આ સૉનેટ ત્યાં વાંચી-માણી શકે છે.

આ સૉનેટ આયમ્બિક પેન્ટામીટરમાં લખાયેલું મૂળ ઇટાલિઅન પેટ્રાર્કન શૈલીનું સૉનેટ છે જેની પ્રાસ રચના ABBA ABBA CDCDCD છે. અષ્ટક અને ષટક એમ બે ભાગમાં ચૌદ પંક્તિઓની પારંપારિક વહેંચણી કરવામાં આવી છે. અમેરિકાની મહાનતાની વાત કરવી અને એ પણ ઇટાલીથી નીકળીને ઇંગ્લેન્ડ જનાર પ્રવાસી સૉનેટના સ્વરૂપમાં એ પોતે જ એક વક્રોક્તિ પણ ગણી શકાય. અમેરિકાની મહાનતાની હાંસી ઊડાવવા માટે ઘણા અમેરિકી કવિઓએ સૉનેટનો સહારો લઈને ગુલામીપ્રથા અને રંગભેદનીતિ પર કટાક્ષ કર્યા છે. ઇટાલિયન સૉનેટસ્વરૂપનો પ્રયોગ પણ આ દિશામાં સૂચક ગણી શકાય. ગુજરાતી અનુવાદ હરિગીત છંદમાં છે પણ ભાષા અને ભાવની સંકીર્ણતાના કારણે પ્રાસરચના નિભાવાઈ નથી. રચનાનું શીર્ષક ‘ધ ન્યૂ કોલોસસ’ અને પ્રથમ બે પંક્તિ ગ્રીક ઇતિહાસ સાથે આપણું અનુસંધાન કરે છે. ઈ.પૂ. ૨૮૦માં કેરીઝ ઑફ લિન્ડોસે (Chares of Lindos) ગ્રીક સૂર્યદેવતા હેલિઓઝની લગભગ ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા ગ્રીસના રહોડ્સ ટાપુ પર બનાવી હતી. આ પ્રતિમા ‘કોલોસસ ઑફ રહોડ્સ’ તરીકે જાણીતી થઈ. સાયપ્રસ ઉપરના રહોડ્સના વિજયની ઉજવણી નિમિત્તે એનું નિર્માણ થયું હતું. પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંની એ એક હતી. એ જમાનાની એ સૌથી મોટી પ્રતિમા હતી પણ થોડા જ વર્ષોમાં ઈ.પૂ. ૨૨૬માં ધરતીકંપના કારણે એ નાશ પામી. કુંભીને બાદ કરીએ તો ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ની કુલ ઊંચાઈ પણ આટલી જ છે.

હેલિઓઝની પ્રતિમા બંદરના મુખ પર બન્ને કાંઠે એક-એક પગ મૂકેલી હતી એવી એક માન્યતા છે. ‘જુલિયસ સિઝર’માં શેક્સપિઅર આ જ માન્યતાની તુષ્ટિ કરતાં કહે છે, ‘શા માટે સિઝર આ સાંકડી દુનિયા પર રાક્ષસની જેમ પગ પલાણીને ઊભો છે અને આપણે ક્ષુદ્ર લોકોએ એના વિશાળ પગોની નીચે થઈને ચાલવાનું?’ (અંક ૧, દૃશ્ય ૨) ‘હેનરી ૪’માં પણ શેક્સપિઅર આ ઉલ્લેખ કરે છે: ‘ફોલસ્ટાફ: તું મને યુદ્ધમાં પડેલો જુએ અને આ રીતે મારા પર ઊભો રહી જશે, તો એ મિત્રતાની નિશાની છે. પ્રિન્સ હેનરી: બીજું કોઈ નહીં પણ એક રાક્ષસ (કોલોસસ) જ તારી સાથે આવી દોસ્તી કરી શકે.’ (અંક ૫, દૃશ્ય ૧) દરિયાઈ ખાડીના બે કાંઠા પર પગ મૂકેલ હેલિઓઝની પ્રતિમાની કલ્પના જ પ્રસ્તુત સૉનેટમાં પણ નજરે ચડે છે. એમા કહે છે, ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ એક કાંઠેથી બીજા કાંઠે વિજયી પગ મૂકીને ઊભેલા ગ્રીક પૌરાણિક કથાના રાક્ષસની જેમ નથી ઊભું રહ્યું. એ આ મહાકાય પ્રતિમા માટે Brazen giant શબ્દપ્રયોગ કરે છે. ‘બ્રેઝન’ એટલે ઉદ્ધત કે નિર્લજ્જ પણ થાય અને પિત્તળનું પણ થાય. એમા એક જ શબ્દમાં મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ –બંને તરફ ધ્યાન દોરે છે. આ ભાષાની ખૂબી છે પણ કવિનો ચમત્કાર છે જે આ ખૂબી ક્યાં અને શી રીતે પ્રયોજવી એ જાણે છે. ગુજરાતી અનુવાદમાં આ માટે ‘પિત્તળ’ શબ્દ પ્રયોજાયો છે. ‘પિત્તળ’ પણ પ્રકૃતિ અને ધાતુ, અને એ રીતે મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ -બંને અર્થ સમાવિષ્ટ કરી લે છે.

એમા કહે છે કે અમેરિકાના પશ્ચિમી દરવાજે, જેને સાગર સતત પખાળે છે, એક શક્તિશાળી સ્ત્રી ઊભી છે. આ સ્ત્રી ગ્રીસમાં અઢી હજાર વર્ષ પહેલાંના હેલિઓઝના વિજયી હુંકાર કરતા નિર્લજ્જ પૂતળાની જેમ નથી ઊભી જેના બે પગ વચ્ચે થઈને હીણપત અનુભવ્યા વિના જહાજો બંદરમાં પ્રવેશી નહોતા શકતા. આ સ્ત્રી હાથમાં એક મશાલ લઈને ઊભી છે, જેમાં જ્યોતિસ્વરૂપે વીજળી કેદ છે. આજની પેઢીને વીજળીના કેદ હોવાનું પ્રતીક હાસ્યાસ્પદ લાગે પણ ઓગણીસમી સદીના અંત ભાગમાં મશાલનો દીવો વીજળીથી પેટે એ હજી કૌતુકની વાત હતી. એમા આ સ્ત્રીને ‘નિર્વાસિતોની મા’નું નામ આપે છે. સંસ્કૃતિ કે સમય કોઈ પણ હોય, માનો દરજ્જો હંમેશા સર્વશ્રેષ્ઠ જ હતો, છે ને રહેશે. આ એક જ શબ્દપ્રયોગના કારણે એમા લેઝારસ અમેરિકી ઇતિહાસમાં અજરામર થઈ ગયાં. ત્રીસ માળ ઊંચી આ માતાના હાથમાંની મશાલ દીવાદાંડીની જેમ પથ પ્રદર્શિત કરે છે અને વિશ્વવ્યાપી આવકાર આપે છે. એની આંખો નમ્ર છે, પણ એ માની આંખ છે એટલે પોતાના સંતાનના ભલા માટે માટે ન્યૂયૉર્કના બારાંને હુકમ કરતાં અચકાતી નથી. ન્યૂયૉર્કનું બારું ન્યૂયૉર્ક સિટી અને બ્રુકલિન –એમ બે શહેરોની વચ્ચે આવ્યું છે, જે બે જોડિયાં શહેરો જેમને જોડવા હવા સિવાય કોઈ પુલ નહોતો એ આ કવિતા લખાઈ એના પંદર વર્ષ બાદ એક થયાં.

ન્યૂયૉર્ક બંદર ઓગણીસમી સદી અને પ્રારંભિક વીસમી સદી સુધી જળમાર્ગે વેપાર અને લોકોના આવાગમન માટેનું ધીકતું ધોરી બંદર હતું. આ સમય મધ્ય-પૂર્વના દેશોમાં તથા યુરોપિયન દેશોમાં યુદ્ધનો પણ સમય હતો. યુદ્ધનો ભોગ બનનારાઓ પાસે હિજરત કરવા સિવાય કોઈ આરો નહોતો. તબાહી, પીડા અને અભાવોથી બચવા આ સમયે લગભગ સવા કરોડ નિર્વાસિતો લિબર્ટીની પ્રતિમા પાસેના એલિઝ ટાપુ પર થઈને અમેરિકામાં આવ્યા. કદાચ અમેરિકાની આજની ચાળીસ ટકા વસ્તીના પૂર્વજો આ જ ‘મનહૂસ કચરો’ (Wretched refuse) હતા. લિબર્ટીમાતા હુકમ કરે છે આ જોડિયા શહેરો, આ બંદરને કે, ‘હે પુરાતન નગરો! તમારી ભવ્ય ગાથાઓ તમારી પાસે જ રાખો.’ (સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે કવિતા મૂકાઈ છે એમાં ‘રાખો’ પછીનું અલ્પવિરામ મૂકવાનું વિસરાઈ ગયું છે પરિણામે વાક્યનો અર્થ થોડો બદલાઈ જાય છે એ અલગ વાત છે.) એ દુનિયા પાસેથી ગરીબો, હાર્યા-થાક્યા માણસો, મુક્તિનો શ્વાસ ઝંખતી અનિયંત્રિત ભીડ અને દુનિયાના કાંઠાઓ જેનાથી છલકાઈ રહ્યા છે એ મનહૂસ કચરો માંગે છે. જે લોકો ઘરબારવિહોણા થઈ ગયા છે, જે લોકો તોફાનો-આપત્તિઓના માર્યા છે એ બધાયને નિર્વાસિતોની મા આવકારી રહી છે. કહે છે, તમારા સોનેરી ભવિષ્યના બારણાંઓની બાજુમાં હું દીવાનો પ્રકાશ પાથરતી ઊભી છું… આવો, મારી પાસે આવો અને તમારા સોનેરી ભવિષ્યના દ્વાર ઊઘાડો.

એમાનું આ સૉનેટ ઈસુના એ વચન, ‘તંદુરસ્તને તબીબની જરૂર નથી, બિમારને છે. હું સાચાઓ માટે નહીં, પણ પાપીઓ માટે આવ્યો છું’ની યાદ અપાવે છે. પ્રભુપુત્ર મુક્તિદાતા ઈસુએ જે રીતે ગરીબ-ગુરબાંને પ્રેમ કર્યો હતો એ જ પ્રેમની યાદ ‘ધ ન્યૂ કોલોસસ’ની ‘નિર્વાસિતોની મા’ અપાવે છે. માતાના દીવાના પ્રકાશમાં ઝળહળતા સુવર્ણ દ્વારોમાં થઈને દુનિયાના કાંઠાઓ પર ખદબદતા આ ‘મનહૂસ કચરા’ને ન માત્ર સારી જિંદગી મળવાની આશા છે, પણ ઈશ્વરના સંતાન હોવાના નાતે તેઓ એક સંપૂર્ણ જીવન પ્રાપ્ત કરશે એવી આશાનો જે સૂર આ કવિતામાંથી સંભળાય છે એ અભૂતપૂર્વ છે. સૉનેટની પંક્તિઓ કહેવતકક્ષાએ પહોંચી ગઈ છે અને વધુને વધુ લોકો વધુને વધુ વાર આ પંક્તિઓ ટાંકતા આવ્યા છે. આજે જ્યારે એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા આવવા ઇચ્છતા પરદેશીઓ માટેના વિઝાના કાયદાઓ વધુને વધુ કડક બનાવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકામાં વર્ષોથી સ્થાયી નિર્વાસિતોના નિષ્કાસિત થવાનો ડર તલવારની માફક માથે તોળી રહ્યા છે ત્યારે ‘વિશ્વવ્યાપી આવકાર’ની વાત કરતી એમા લેઝારસની આ કવિતા અને એમાંની ‘નિર્વાસિતોની મા’ વધુને વધુ પ્રસંગોચિત અને અર્થપૂર્ણ બની ગયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *