ગઇકાલે કવિ શ્રી નિરંજન ભગતે આપણી વચ્ચેથી વિદાય લીધી! પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એવી પાર્થના. કવિ શ્રી એમના શબ્દો થકી હંમેશા આપણી વચ્ચે રહેશે. એમણે ફક્ત એક નહીં, કેટલાય પ્રેમના ગીતો આ પૃથ્વીના કર્ણપટલે ધર્યા છે.
ટહુકોને દસ વર્ષ થયા એ વખતે મળેલો આ વિડિયો આજે ફરી અહિં વહેંચું છું.
હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છું
– નિરંજન ભગત