આ આવી ભીની જ હવા લહરી,
ઓ ધૂળ તણી ઘૂમરે ડમરી,
બદલાઈ ગઈ જ હવા સઘળી,
આ ચિહ્ન પ્રગટ સૌ વર્ષાનાં !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !
હે આવ સઘન ઘનશામળિયા,
હો આવ મીઠા મન-મેહુલિયા,
તું આવ ધરાના નાવલિયા,
બહુ દિન વીત્યા છ નિરાશાના!
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !
રે, ભાંભરતી ગાયો તરસે,
કૂવાનાં જળ તળને સ્પરશે,
નહીં પ્રાણ ટકે, જો ના વરસે,
અવલંબન એક જ તરસ્યાનાં !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !
હે આવ, ભરી સઘળુંય ગગન,
લઈ સ્નિગ્ધ ગંભીર મીઠાં ગર્જન,
ને તુજ કેવલ અમીનાં વર્ષણ,
અયિ પંડિત મૌનની ભાષાના !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !
– પ્રજારામ રાવળ
ઘન ગગડે દુર ગગન મહી ને મોર ટહુકે આશાના! આ નવા વરસમા આપણા સહુના દિલમા આશાના મોર ટહુકે એજ પ્રર્થના.
મોટેથી વાંચાની મઝા આવે એવા લયમા લખાયેલી સુન્દર કવિતા.
આભાર.
સરસ રચના માટે કવિશ્રીને અભિનદન અને આપનો આભાર…………..