અમર આશા – મણિલાલ ન. દ્વિવેદી

આજે ૧લી ઓક્ટોબર – કવિ શ્રી મણિલાલ દ્વિવેદીની પૂણ્યતિથિ..! અને હજુ ૨૬મી સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ પણ ગયો..! તો એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ અમર રચના..

*****

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.

જખમ દુનિયાં જબાનોના, મુસીબત ખોફના ખંજર,
કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે.

ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે.

ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું,
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી, કલામો સખ્ત ગાઈ છે.

-મણિલાલ દ્વિવેદી
(જન્મ : ૨૬-૦૯-૧૮૫૮, મૃત્યુ : ૦૧-૧૦-૧૮૯૮)

(વસ્લ= સમાગમ, મિલન; કદમબોસી= ચરણચંપી; અગમ= અગમ્ય, ભવિષ્ય; શહ્= સામર્થ્ય; રફાઈ=આત્મબલિદાન; મુરશિદ=ધર્મોપદેશક)

આભાર – લયસ્તરો.કોમ

5 replies on “અમર આશા – મણિલાલ ન. દ્વિવેદી”

  1. અભેદમાર્ગના આ પ્રવાસીની અદ્વિતિય ગઝલ
    એમની બધી પઁક્તિઓ અમર બનાવી ગઇ છે !
    આભાર બહેનાનો અને ડૉ.સાહેબનો !

    • ભાઈ આ ગઝલ ની પ્રથમ પંક્તિની બીજી લાઈન સમજાવશો???

  2. ગઝલના ઇતિહાસનો એક યાદગાર માઇલ-સ્ટૉન…

    કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
    ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.
    – કહેવત બનીને જનમાનસમાં રુઢ થઈ ગયેલ પંક્તિઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *