Monthly Archives: April 2007

હાથ લંબાવી નથી શકતો – અમૃત ‘ઘાયલ’

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.

આવ શબ્દની પાસે – કૃષ્ણ દવે

books.jpg 

આવ શબ્દની પાસે.
એક જ પળમાં આખા ભવનો થાક ઉતરી જાશે.
આવ શબ્દની પાસે.

આવ તને હું યાદ કરાવું, તારા હોઠે બોલાયેલા
સૌથી પહેલા એક શબ્દને;

આવ તને હું યાદ કરાવું, હુંફાળા ખોળે ઉછરેલા
મા જેવા એ નેક શબ્દને;
આવ અહીં જો કાલાઘેલા શબ્દો સ્વયમ્ પ્રકાશે.
આવ શબ્દની પાસે.

બાળક જેવા શબ્દો પાસે, પત્થર પાણી પાણી,
ભીતરનો અકબંધ ખજાનો,ખોલી આપે વાણી,
પછી મૌનના મહા સમંદરમાં ભળવાનું થાશે.
આવ શબ્દની પાસે.

એક નિસાસો – મનોજ ખંડેરિયા

એક નિસાસો એ તો જાણે
હોઠે મ્હોર્યું ફુલ હવાનું
એક નિસાસો રણ પથરાતું
જાણે સહરાનું

એક નિસાસો એ તો જાણે
કોઇ વિહગની પાંખ તૂટેલી
એક નિસાસો એ તો આંખો
આંસુ ખૂટેલી

એક નિસાસો કોઇ કવિનો
બહાર કદી ના આવેલો સ્વર
એક નિસાસો ભીડ ભર્યું પણ
લાગે ખાલી ઘર

એક નિસાસો એ તો જાણે
કૃષ્ણ વિનાનું ગોકુળ પાદર
એક નિસાસો તો ગોપીની
વણફૂટી ગાગર

એક નિસાસો ગુલાબજળની
કોરી કોરી ઝરતી ઝારી
એક નિસાસો નિશદિન તારી
બંધ રહી બારી

સજન મારી પ્રિતડી

સુમન કલ્યાણપુર અને મુકેશ જેવા દિગ્ગજ કલાકારોનો કંઠ મઢેલું આ ગુજરાતી ફિલ્મ ‘જીગર અને અમી’નું legendary ગીત. ફિલ્મમાં આ ગીત બે અલગ અલગ ભાગમાં આવતું હશે, પણ અહીં એને એક સાથે જ મુકું છું. પહેલા સુમન કલ્યાણપુરના અવાજમાં, અને પછી મુકેશના. Sound Quality જોઇએ એવી સારી નથી, કારણકે ઘણા વર્ષો પહેલાના recording ને digitalise કર્યું છે. છતાંય આશા રાખું છું કે ગીત સાંભળવું તમને ગમશે.

(ગીત સાંભળીને જ શબ્દો લખ્યા છે, તો કશે ભુલ થઇ હોય તો જણાવશો.)

.

સ્વર : સુમન કલ્યાણપુર

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં
પલપલ ભીંજાવું તમને, પ્રિતડીના રંગમાં
ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી
સજન મારી પ્રિતડી…

જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે જાણે સારસની જોડલી સોભાગી
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી
સજન મારી પ્રિતડી…

સ્વર : મુકેશ

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

જનમોજનમની પ્રિતી દીધી કાં વિસારી
પ્યારી ગણી તેં શાને મરણ પથારી ?
બળતાં હ્ર્દયની તેંતો વેદના ન જાણી….
સજન મારી પ્રિતડી…

ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠો અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી
સજન મારી પ્રિતડી…

—————-

ફરમાઇશ કરનાર મિત્રો : ધ્રુવિન, માનસી