Category Archives: Global કવિતા

ગ્લોબલ કવિતા : ૧૪૦ : પૈસો – હેનરી મિલર

Money

To walk in money through the night crowd,
protected by money, lulled by money, dulled
by money,
the crowd itself a money,
the breath money,
no least single object anywhere that is not money,
money, money everywhere and still not enough,
and then no money,
or a little money or less money or more money,
but money, always money,
and if you have money or you don’t have money.

It is the money that counts
and money makes money,
but what makes money make money?

– Henry Miller

પૈસો
પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને,
પૈસા વડે રક્ષાઈને, પૈસા વડે છાનાં થઈને, ઝાંખા પડીને
પૈસા વડે,
ટોળું પોતે જ પૈસો,
શ્વાસ પૈસો,
નાનામાં નાનો કોઈ એક પદાર્થ પણ ક્યાંય એવો નહીં જે પૈસો ન હોય,
પૈસો, પૈસો જ સર્વત્ર અને તોય અપૂરતો,
અને પછી પૈસાનો અભાવ,
અથવા થોડો પૈસો અથવા ઓછો કે વધુ પૈસો,
પણ પૈસો, હંમેશા પૈસો,
અને હા, તમારી પાસે પૈસો છે અથવા તો નથી.

એ પૈસો જ છે જેની ગણના છે
અને પૈસો જ પૈસો બનાવે છે,
પણ શું છે જે બનાવે છે પૈસાને પૈસો ?

– હેનરી મિલર
(અનુ. વિવેક મનહર ટેલર)

બે અક્ષરનું ધન, બે અક્ષરનું મન અને ધનોતપનોત

गिन-गिन के सिक्के हाथ मेरा खुरदुरा हुआ,
जाती रही वह लम्स की नरमी, बुरा हुआ।

(સિક્કા ગણી-ગણીને મારો હાથ ખરબચડો થઈ ગયો છે. (પરિણામે) સ્પર્શમાંથી (પહેલાં હતી) એ નરમાશ ચાલી ગઈ છે, ખરાબ થયું. -જાવેદ અખ્તર) ખેર, પૈસાની તો ગતિ જ ન્યારી. ધન એટલે સંવેદનશૂન્યતાનું સમાનાર્થી. હાથમાં ધન પ્રવેશતું જાય છે, તેમ સગપણ સરતાં જાય છે. ત્રીજું વિશ્વ બહુ ઝડપથી ધનસ્વી બની ગયું. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું હતું, ‘તનસ્વી થવા માટે રોટી જોઈએ છે અને મનસ્વી થવા માટે પૈસા જોઈએ છે. રોટીની ભૂખ સીમિત છે, પૈસાની ભૂખ અસીમ છે.’ આજે હરકોઈને કરોડપતિ બનવું છે, ને તેય રાતોરાત. ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા ગેમ શૉઝએ આપણી ધનભૂખને સપાટી પર આણવામાં મહત્તમ ફાળો ભજવ્યો છે. ધનભૂખ તો પહેલેથી જ હતી, પણ મફતનું, મહેનત વગરનું અને ઝડપભેર ઉસેટી લેવામાં જે શરમ નડતી હતી, એ નેસ્તનાબૂદ થઈ ગઈ. સોશ્યલ મિડિયાઝ પર કેટલાય ગ્રુપ્સ એવા છે, જેમાં માત્ર વધુ પૈસો ઓછા સમયમાં કેમ બનાવવો એની જ ચર્ચા આવકાર્ય છે. હેનરી મિલરની ધનનું મૂલ્ય દર્શાવતી ધનમૂલક કવિતા આજે માણીએ.

હેનરી વેલેન્ટાઇન મિલર. ૨૬-૧૨-૧૮૯૧ના રોજ ન્યૂયૉર્કના યૉર્કવિલે, મેનહટ્ટન ખાતે જર્મન મૂળના અમેરિકન મા-બાપ લૂઈ મેરી તથા હેન્રીકના ઘરે જન્મ. ૧૯૦૭માં કોરા સેવર્ડ સાથે તો ૧૯૧૦માં મા બની શકે એ ઉંમરની સ્ત્રી સાથે પ્રણયસંબંધ. ૧૯૧૭માં બેટ્રિસ સાથે લગ્ન. ૧૯૨૩માં છૂટાછેડા. ૧૯૨૪માં જૂન સ્મિથ સાથે લગ્ન. એ જ વર્ષે ઘણા બધા ધંધા-નોકરીઓમાં હાથ અજમાવ્યા બાદની વેસ્ટર્ન યુનિયનની નોકરી છોડી ફૂલ-ટાઇમ લેખક બનવાનું નક્કી કર્યું. અસહ્ય ગરીબીથી બચવા ઘરે-ઘરે ફરીને ગદ્ય-કાવ્યો વેચતા. ૧૯૨૨માં પ્રથમ નવલકથા ‘ક્લિપ્ડ વિંગ્સ’ લખી, જે કદી પ્રગટ ન થઈ. ૨૭-૨૮ની સાલમાં બીજી નવલકથા લખી, જે જૂનનો ચાહક પ્રગટ કરી આપશે એ આશામાં જૂનના નામે લખી. જો કે મિલરના મૃત્યુના બાર વર્ષ બાદ છેક ૧૯૯૨માં એ પ્રગટ થઈ. ત્રીજી નવલકથા પણ મૃત્યુ પહેલાં પ્રગટ ન થઈ. ખિસ્સામાં દસ ડોલર સાથે યુરોપ ગયા. ૧૯૩૦થી પેરિસમાં. શેરીઓને ઘર કર્યું, ભૂખનું ભોજન. જગ્યા મળી ત્યાં સૂઈ ગયા. પણ ઉદાસ નહોતા થયા. અનેઇસ નિન નામની ચાહકે એમની બહુચર્ચિત સફળ નવલકથા ‘ટ્રોપિક ઑફ કેન્સર’ છપાવી. ૧૯૩૪માં જૂને છૂટાછેડા આપ્યા. ૧૯૪૦માં અમેરિકા પરત. ૧૯૪૪નું વર્ષ આર્થિક દૃષ્ટિએ એમની જિંદગીની પરિપૂર્ણતાનું પ્રથમ સફળ વર્ષ. એ જ વર્ષે પોતાનાથી ૩૦ વર્ષ નાની જેનિના સાથે લગ્ન. ૧૯૫૨માં છૂટાછેડા. બીજા વર્ષે ૩૭ વર્ષ નાની ઇવ સાથે લગ્ન. ૬૨માં છૂટાછેડા. ૧૯૬૭માં જાપાનીઝ હોકુ ટોકુડા સાથે પાંચમાં લગ્ન. ૧૯૭૭માં છૂટાછેડા. મૃત્યુ પૂર્વેના આખરી ચાર વર્ષોમાં પ્લેબૉયની મોડેલ બ્રેન્ડા વિનસ સાથે ૧૫૦૦થી વધુ પત્રોની આપ-લે કરી. અથાક પ્રવાસી. ખૂબ ચાલતા. ચાલતી વખતે વાદળી પાણી શોષે એમ તેઓ આસપાસના લોકો, વાતો, વાતાવરણને શોષી લેતા, જે એમના લખાણોમાંથી પ્રગટતાં. ૦૭-૦૬-૧૯૮૦ના રોજ ૮૮ વર્ષની વયે કેલિફોર્નિયાના પોતાના ઘરમાં જ દેહત્યાગ કર્યો.

લેખક. ઉત્તમ ચિત્રકાર. ૨૦૦૦થી વધુ વૉટરકલર ચિત્રો. ઘણાં પુસ્તકો પણ આ વિષય પર લખ્યાં. કેટલીક ફિલ્મોમાં પોતાનું જ પાત્ર ભજવતો અભિનય પણ કર્યો. સામાજીક બંધનોને ફગાવી મરજી મુજબ જીવવાની બળવાખોર આઝાદીને પુનઃસ્થાપિત કરવાની નેમ સાથે લખાયેલાં એમના પુસ્તકો અશ્લીલતા અને ઉઘાડેચોક આલેખાયેલી જાતિયતાના કારણે ૧૯૬૦ સુધી યુરોપ તથા અમેરિકામાં પ્રતિબંધિત રહ્યાં. પણ ચાહના એટલી કે ફ્રાન્સથી દાણચોરી કરાતી. ઘણા કોર્ટ કેસ પણ થયા. પ્રવર્તમાન લેખનશૈલી ફગાવીને વિકસાવેલી એમની અર્ધ-આત્મકથનાત્મક શૈલી ખૂબ લોકપ્રિય થઈ. યૌનસંબંધ અને લૈંગિક સંવેદનાઓ ઉપરાંત ચરિત્રલેખન, સામાજીક આલોચના, ફિલસૂફીની છાંટ, ‘સ્ટ્રીમ ઑફ કૉન્શિયસનેસ’, પરાવાસ્ત્વવાદ, રહસ્યવાદ અને ઉદ્દામ ભાષાવિન્યાસ એમના લખાણોને અન્યોથી અલગ તારવી આપે છે. સારપ સાથે ખરાબાનો પ્રામાણિક સ્વીકાર અને હાસ્ય પણ એમની પ્રભાવક શૈલીનાં અગત્યના પાસાં છે. મધ્ય-વીસમી સદીના સાહિત્ય પર એમની મુક્ત વિચારધારાએ અસીમિતપણે પ્રભાવ પડ્યો. એ કહેતા, ‘હું મારી જાતને લેખક નથી માનતો. નથી મને સારા લેખન કે આકર્ષક શૈલીની મહત્ત્વાકાંક્ષા. હું બસ એટલું જ જાણું છું કે મારી અંદર એક બળ છે જેને વ્યકત થયા વિના નહીં ચાલે.’

‘પૈસો’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. મનુષ્યને પરાપૂર્વથી આમાં ઊંડો રસ રહ્યો છે. ૧૧ અને ૩ પંક્તિના બે અનિયત ભાગોમાં વહેંચાયેલી ચૌદ પંક્તિની આ કવિતાને મુક્ત સૉનેટ કહેવાનું મન થાય. પણ મિલર કવિ કરતાં વધુ લેખક હતા એટલે અને અહીં પૈસાની અરાજકતા કેન્દ્રસ્થાને હોવાથી પ્રાસ અને છંદ –બંને ગેરહાજર છે. પ્રસ્તુત કવિતા મિલરના પુસ્તક -‘મની એન્ડ હાઉ ઇટ ગેટ્સ ધેટ વે’ -નો ભાગ છે કે અલગ સર્જન છે એની આધારભૂત જાણકારી નથી પણ આ કવિતા મિલરની ‘અર્થ’દૃષ્ટિ દેખાડે છે. માઇકલ ફ્રેન્કેલ નામના મિત્રને ખાતરી હતી કે મિલરને ધનના વિષયમાં કોઈ જાણકારી નથી. એણે એમને આ બાબતમાં લખવા માટે પડકાર ફેંક્યો. આ ઉપરાંત એ જ અરસામાં, ૧૯૩૪માં મિલરે ઇમેજિસમના પ્રણેતા એઝરા પાઉન્ડને ‘ટ્રૉપિક ઑફ કેન્સર’ મોકલી હતી. જવાબમાં બે પોસ્ટકાર્ડમાં પાઉન્ડે લખ્યું: ‘તમે કદી પૈસા વિશે વિચાર્યું છે કે કોણ એને બનાવે છે ને કઈ રીતે એ ત્યાં પહોંચે છે?’ જવાબમાં ૧૯૩૮માં મિલરે ૬૪ પાનાંની, ૧૫ ફ્રેન્કની આ પુસ્તિકા લખી, જેના પ્રત્યુત્તરમાં બીજા વર્ષે પાઉન્ડે ‘વૉટ ઇઝ મની ફોર?’ શીર્ષકથી નિબંધ પણ લખ્યો. મિલર આ ‘નાનકડા ગ્રંથ’ને અર્થશાસ્ત્રનીતિ પરનો વ્યંગ ગણતા. જોકે એ સ્પષ્ટ કરે છે કે, ‘દરેક માણસે શીખવાની મહત્ત્વની વાત એ છે કે પૈસાનો તિરસ્કાર નથી કરવાનો.’ એલેક્ઝાન્ડર પોપે કહ્યું હતું કે ‘પૈસો બધી બુરાઈની જડ નથી. બુરાઈ તો આપણામાં જ છે, જીવનની જે સ્થિતિમાં આપણે જાતને પામીએ છીએ એ માટેના આપણા અસંતોષમાં છે.’

આપણને થાય કે પહેલાં માણસ કદાચ આટલો ધનપરાયણ નહીં હોય પણ ‘ધન’નો અર્થ તો વેદાંતકાળથી જ સ્પષ્ટ હતો. ‘धनम्’ શબ્દ ‘धनाति’ અર્થાત્ ‘દોડવું’ પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ હતો દોડ અથવા દોડસ્પર્ધાના વિજેતાને મળતો પુરસ્કાર. આમ, એ સમયથી જ ‘દોડવું’ ધન સાથે જોડાઈ ગયું હતું. ‘money’નો ઇતિહાસ પણ એવો જ. રોમન દેવી જૂનો મોનેટા રોમની આર્થિક સ્થિરતા માટે જવાબદાર ગણાતાં. Moneta શબ્દ આવ્યો લેટિન monēre પરથી, જેનો અર્થ ‘ચેતવવું’ અથવા ‘સલાહ આપવું’ થાય. મોનેટા પરથી ફ્રેન્ચ ‘monnaie’, ત્યાંથી મધ્ય અંગ્રેજીમાં ‘moneie’ અને પછી ‘money’ એમ નામકરણ થયું મનાય છે. પણ ‘ચેતવણી’ એના મૂળમાં છે એ યાદ રાખવા જેવું છે. અરબીમાં ‘દૌલત’ શબ્દ છે. મૂળ ધાતુ ‘દવલ’, જેનો અર્થ છે બદલાવું, એકના હાથમાંથી બીજાના હાથમાં જવું. (‘દો’ ‘લત-લાત’ –બે તરફથી લાત લગાવે એ દોલત એવું પણ અર્થઘટન કોઈકે કર્યું છે!) ‘દ્રવ્ય’ શબ્દ પણ દૌલત જેવો જ અર્થ ધરાવે છે. ‘દ્ર્વ’ એટલે પીગળવું, વહેવું. જે વહેતું રહે છે એ દ્રવ્ય છે. ‘પૈસો’ શબ્દની ઉત્પત્તિ પણ રસપ્રદ છે. મૂળ લેટિન ક્રિયાપદ ‘pendere’ –‘વજન કરવું’ પરથી લેટિન સંજ્ઞા ‘pensum’ ઉતરી આવી જેનો અર્થ ‘કંઈક વજન કરેલ’ થયો જેના પરથી સ્પેનિશમાં ‘peso’ એટલે કે ‘વજન’ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. સ્પેનિશ-મેક્સિકન ‘પેસો’ હોય કે આપણો ‘પૈસો’ –વજન સરખું જ પડે છે. ચંદ્રકાન્ત બક્ષી કહે છે, ‘પૈસા માટે સંસ્કૃત ભાષાએ એક વિરાટ, સર્વવ્યાપી શબ્દ વાપરી દીધો છે: અર્થ. અર્થ શબ્દનો અંત છે. અર્થ નિચોવી લીધા પછી શબ્દનું માત્ર છોતરું રહે છે.’

મિલરનું લઘુકાવ્ય ધનની ખરી વિભાવના સમજાવે છે. આ અસામાન્ય કવિતામાં એક પણ પંક્તિ એવી નથી જેમાં ‘પૈસો’ શબ્દ નહીં હોય. શીર્ષકને બાદ કરતાં આ ચૌદ પંક્તિઓમાં બાવીસ વાર ‘પૈસો’ શબ્દ છે. પુનરોક્તિની અતિશયોક્તિ કરીને કવિ ભાવકના મગજ પર રીતસર ‘હેમરિંગ’ કરે છે અને પ્રમાણમાં સરળ કવિતાને વધુ અર્થગહન અને ચિંતનીય બનાવે છે. રાત્રિના અંધારામાં રસ્તો માંડ સૂઝે અને એમાંય ભીડ લાગી હોય તો એમાંથી માર્ગ કાઢવો કપરો. પણ આપણે અંધારી રાત્રે ભીડની વચ્ચેથી પણ માર્ગ કાઢીને પૈસામાં પગલાં પાડવાનું ચૂકતા નથી. અંધારું કે ભીડ- કશું આપણી અને પૈસાની વચ્ચે આવતું નથી. પૈસો જ આપણું રક્ષણ કરે છે, ને પૈસો જ આપણી સંવેદનાઓને છાની પાડે છે (અને ઉત્તેજે પણ છે), ને પૈસો જ આપણું તેજ હરી લઈ આપણને ઝાંખા પણ પાડે છે. જે ભીડમાંથી થઈને આપણે માર્ગ શોધી કાઢીએ છીએ, એ ભીડ પોતે પણ પૈસો છે, ને આપણો હરએક શ્વાસ સુદ્ધાં પૈસો છે. ક્યાંય એવો કોઈ નાનામાં નાનો પદાર્થ નથી જે પૈસો ન હોય. આપણે દરેક વસ્તુ પર ‘પ્રાઇસ ટેગ’ ચિપકાવી દીધું છે. વસ્તુ તો ઠીક, સંબંધ સુદ્ધાંની આપણે કિંમત આંકી કાઢી છે, ને કિંમત મુજબ જ સંબંધોને ભાવ લેવાય-દેવાય છે.

આદિ શંકરાચાર્ય ડગલે ને પગલે અર્થના અનર્થ તરફ અંગૂલિનિર્દેશ કરે છે: ‘यावादवित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारों रक्त:।’ (જ્યાં સુધી તું ધન કમાવા સશક્ત છે, ત્યાં સુધી જ તારો પરિવાર તારા પર આસક્તિ રાખશે.) સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઈ. ‘मूढ़ जहीहि धनागमतृष्णां।’ (હે મૂઢ ! ધન આવવાની તૃષ્ણા છોડ.) ‘अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम्।’ (અર્થને નિત્ય અનર્થ માન, તેથી સહેજ પણ સુખ નથી.) કબીરે ગાયું: “અવધૂ માયા ત્યજી ન જાઈ.” તુલસીદાસે પણ સંતોષધનનું માહાત્મ્ય કર્યું: ‘गोधन, गजधन बाजि धन, और रतन धन खान, जब आवत संतोष धन, सब धन धूरि समान।’ પૈસો એ ભાવવાહી સંજ્ઞા નથી. એક કાગળનો ટુકડો, જેની કોઈ કિંમત જ નથી, એના પર રંગીન શાહીથી છાપકામ કરીને અને એક કે એકાધિક માણસોની સહી કરીને આપણે એનું મૂલ્ય હજાર-બે હજાર રૂપિયા જેટલું અધધધ મોટું આંકી દઈએ છીએ. અત્ર, તત્ર, સર્વત્ર-જ્યાં જુઓ ત્યાં એ કાગળની જ બોલબોલા જોવા મળે છે. બધે પૈસો જ પૈસો છે ને તોય હંમેશા એ અપૂરતો જ લાગે. ખિસ્સામાં, તિજોરીમાં કે બેન્કમાં રહેલી રકમ કાયમ નાની જ અનુભવાય. એમાં કંઈક ખૂટતું હોવાની લાગણી જ થાય. હાથ-પગ, ધડ-માથું બધા પાસે એકસમાન જ હોવા છતાં પૈસાના આધારે જ માણસનું મૂલ્યાંકન થાય છે. પૈસા વગરનો, બહુ ઓછો પૈસો, ઓછો પૈસો, વધુ પૈસો –એ પ્રમાણે જ સહુની કિંમત મૂકાય છે. છેવટે બધું પૈસો જ છે, માત્ર પૈસો જ છે. તમારી પાસે ક્યાં તો પૈસો છે, ક્યાં તો નથી. સર્વકાલીન સર્વદેશીય ભૌતિક સંસારનું એકમાત્ર સનાતન સત્ય ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’ જ છે. આદર્શવાદી મૂલ્યોનાં લાખ ફીફાં ખાંડવા છતાં પૈસાથી ઉપર ન કોઈ મૂલ્ય મૂકાયું છે, ન મૂકાશે. પૈસા નામનો વૃકોદર ભલભલા આદર્શો અને મૂલ્યોને ઓહિયા કરી જાય છે.

આપણા જીવનમાં હવે માત્ર પૈસાની જ ગણના છે. પૈસાની રેટ-રેસમાં મનુષ્યજાતિ આજે જે સમગ્રતાથી જોડાઈ છે એટલી તો કદાચ ક્યારેય નહોતી જોડાઈ. પૈસો સર્વસ્વ છે. પૈસાની જ મહત્તા છે. પૈસો પૈસાને બનાવે છે પણ કવિ કાવ્યાંતે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે કઈ વસ્તુ છે જે પૈસાને પૈસો બનાવે છે? આપણા ઉપભોક્તાવાદ અને ભૈતિકતાવાદના મૂળમાં આ કુઠારાઘાત છે. આ પ્રશ્ન વડે કવિ કદાચ આપણને જગાડવાની છેલ્લી કોશિશ કરી જુએ છે. પૈસો તો હકીકતમાં એક પ્રતિક માત્ર છે. સિક્કા-નોટનું ભૌતિક અસ્તિત્વ પૈસો નથી. ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ઓનલાઇન બેન્કિંગમાં સિક્કા-નોટનો એકડો નીકળી નથી જતો? પૈસાનું ખરું મૂલ્ય એની વિભાવનામાં રહેલા વિશ્વાસના કારણે જ છે. આપણા જીવનના શ્વાસોચ્છવાસમાં પૈસો પ્રાણવાયુની જેમ વણાઈ ચૂક્યો છે. હાલતા-ચાલતા, સૂતા-જાગતા આપણી જિંદગી પૈસો, વધુ પૈસો, હજી વધુ પૈસોની દોડમાં જ પૂરી થાય છે. બે અક્ષરનું ધન બે અક્ષરના મનનું ધનોતપનોત કાઢી નાંખે છે.

મિલરે પોતે જ કહ્યું છે, ‘Money has no life of its own except as money.’ સમજી શકાય તો પુનરુક્તિનો આ કટાક્ષ પૈસાની સાચી વિભાવના રજૂ કરે છે. પૈસો મિલરની ભાષામાં always something inclusive, coexistent, consubstantial and beyond the thing manifest – સમાવર્તી, સહઅસ્તિત્વધારી, એક જ પદાર્થનો બનેલ અને દેખાવથી પર યાને કે સર્વશક્તિમાન ઈશ્વર સમો છે. આપણેય પૈસાને પરમેશ્વર ગણીએ છીએ. સમરસેટ મોમે કહ્યું હતું, ‘પૈસો છઠ્ઠી ઇન્દ્રિય છે જેના કારણે બાકીની પાંચ બરાબર ચાલે છે.’ પણ ધનપૂજા આપણા મૂલ્યોને ભીતરથી કોરી ખાતી ઉધઈ છે. પૈસાની દોટમાં માણસ આંધળો બની જાય છે. પ્રેમ આંધળો છે પણ એને કમસેકમ દિલ તો છે. પૈસો માણસને આંખથી આંધળો અને દિલથી પાંગળો બનાવે છે. પૈસો જેટલો મળે, ઓછો પડે. સાઇકલ હોય તો સ્કુટરના સપનાં આવે. સ્કુટર હોય તો કારના. કાર હોય તો લક્ઝુરી કારના. એક હોય તો અનેકના. ને અનેક હોય તો અનંતના. ટોલ્સ્ટોયે બહુખ્યાત વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ?’માં માણસની ધનની તૃષ્ણાનું જે નગ્ન ચિત્ર દોર્યું છે એ સદાકાળ સર્વસંસ્કૃતિ માટે યથાર્થ છે. ‘ધ સૉલ ઑફ મની’ પુસ્તકમાં લિન ટ્વિસ્ટ લખે છે કે, ‘ખરેખર જરૂર ન હોય એવી વસ્તુને જ્યારે આપણે જતી કરીએ છીએ, ત્યારે આપણને જે આપણી પાસે છે જ એ તરફ ધ્યાન આપવાની આઝાદી મળે છે. આપણામાંથી મોટા ભાગના, ચાહે ગમે એટલા અમીર કેમ ન હોય, પૈસા સાથે તણાવપૂર્ણ સંબંધ ધરાવે છે.’ આ કવિતાની જેમ આપણા જીવનની તમામ પંક્તિઓમાં પૈસો લખાઈ ચૂક્યો છે, ક્યારેક તો એક પંક્તિમાં એકાધિકવાર. આપણી તૃષ્ણા જ ધનને ધન બનાવે છે એ સત્ય લોહીમાં ન ઉતરે ત્યાં સુધી તમામ જ્ઞાન નકામું છે. ‘પૂરતું’ અને ‘વિપુલ’ વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા ન સમજી શકીએ ત્યાં સુધી આપણી ધન માટેની હોડ અને દોડ ચાલુ જ રહેશે. ‘नेति नेति’ કહેવાયું છે, એ શું ધન માટે જ?!

ગ્લૉબલ કવિતા : ૧૩૯ : જેસલમેર – ગુલામ મોહમ્મદ શેખ

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.

વચલી વંડીએ સુકાય રાતાં ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

– ગુલામ મોહમ્મદ શેખ

પીંછીના બદલે શબ્દોથી દોરાયેલું અભૂતપૂર્વ ચિત્ર

પ્રવાસ તો મનુષ્યના શ્વાસમાં જ વાસ કરે છે. ઘર-સમાજ-સંસ્કૃતિ, કશાયની સ્થાપના નહોતી થઈ ત્યારે પણ માણસ સ્થિર બેસી શકતો નથી. એના તો પગે જ ભમરો. પલાંઠી વાળીને લાંબો સમય એક જ સ્થળે બેસી રહેવાનું માનવના મૂળભૂત સ્વભાવમાં જ નથી. માણસની આ આદતના કારણે પુરાતનકાળથી અલગ-અલગ સભ્યતાઓ વચ્ચે ભાષા-સંસ્કૃતિની આપ-લે થતી રહી છે. ‘મા’ શબ્દ જ જુઓ ને, ક્યાંથી ક્યાં-ક્યાં પહોંચ્યો છે! મૂળે પ્રોટો-જર્મનીક mōdēr માંથી અંગ્રેજીમાં mother, જર્મનીમાં mutter, સંસ્કૃતમાં मातृ, ડચમાં moeder, ડેનિશમાં moder, લેટિનમાં māter, ગ્રીકમાં mētēr, અરબીમાં Mëmë, ફ્રેન્ચમાં Mère, રશિયનમાં Mat’; અને દુનિયાની મોટાભાગની ભાષાઓમાં ‘મા’ માટે વપરાતો શબ્દ આ શબ્દો સાથે સમાનતા ધરાવતો જ જોવા મળશે. કારણમાં માણસની ભાષા-સંસ્કૃતિને પણ મુસાફરીમાં સામાન સાથે લઈ જવાની આદિમ વૃત્તિ. પ્રવાસ કરીએ એટલે નવા સ્થળો, નવા માણસો અને નવા સમાજ જોવા-જાણવા મળે. અને નૂતન સ્વાનુભવો કાગળ પર ટપકાપવા અને પછી ગમતાનો ગુલાલ કરવો એ પણ મનુષ્યનો સ્વભાવ છે. દુનિયાનો ઘણોખરો ઇતિહાસ વિશ્વપ્રવાસીઓની નોંધોમાંથી જડી આવ્યો છે. આજે જે કવિતાની આપણે વાત કરવી છે, એ પણ આવા જ કોઈક પ્રવાસની ફળશ્રુતિ છે. કવિ ગુલામ મોહમ્મદ શેખને જેસલમેરના પ્રવાસ દરમિયાન જે શબ્દોનું સોનું જડી આવ્યું હતું, એનો થોડો ચળકાટ આપણે માણીએ.

ગુલામ મોહમ્મદ શેખ. ૧૬-૦૨-૧૯૩૭ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મ. પિતા તાજમોહમ્મદ. માતા લાડુબેન. કલમ અને પીંછી –બંને બાળપણથી જ હાથે લાગ્યાં. ગુરુકવિ લાભશંકર રાવળ ‘શાયર’ને અનુસરીને શરૂમાં ‘મલય’ ઉપનામ રાખ્યું. રવિશંકર રાવળના સૂચનાનુસાર વડોદરા આવ્યા. ૧૯૬૧માં એમ.એસ. યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સમાં એમ.એ. થયા. ૧૯૬૬માં રોયલ કૉલેજ ઑફ આર્ટ લંડનમાંથી એ.આર.સી.એ. પ્રારંભિક કાળથી જ સુરેશ જોષીના પરિચયમાં. આ પરિચય અને વડોદરામાં ઉપસ્થિત માહોલના પરિણામે વિશ્વકળાસાહિત્યનો નજદીકી સંપર્ક. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં જ કળા-ઇતિહાસ-ચિત્ર વિભાગોમાં અધ્યાપક. ૧૯૯૨માં સ્વૈચ્છિક નિવૃત્તિ. દેશવિદેશમાં ચિત્રપ્રદર્શનો અને કળાવિષયક વ્યાખ્યાનો. અસંખ્ય માન-સન્માન, ખિતાબોથી નવાજીત. ૧૯૮૩માં પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણનો ખિતાબ. હાલ, વડોદરા ખાતે રહે છે.

કવિ. નિબંધકાર. ચિત્રકાર. ભીતરને અભિવ્યક્ત થવા માટે પ્રવર્તમાન કાવ્યસ્વરૂપો ટાંચા પડતાં અછાદંસ પર હાથ અજમાવ્યો. એ કહેતા: ‘પાઠ્યપુસ્તકોમાં છપાયેલી કવિતા ભાગ્યે જ મનમાં બેસે. મોટે ભાગે નિઃસત્ત્વ અને અધૂરી જણાય. એની ભાષા અન્ય વર્ણની, અજાણી, બનાવટીય લાગે. ભદ્રસમાજની રીતભાતના ભરડામાં ફસાયેલો શબ્દ બોલાતી ભાષાની આભડછેટ રાખતો લાગે ને આયાસી છંદરચનાની ટીપટાપમાં એનું નકરું રૂપ કાટ ખાતું જણાય.’ એમની આ માન્યતા એમની તમામ રચનાઓમાંથી ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ કાવ્યો જયદેવ શુક્લની દૃષ્ટિએ ‘ગુજરાતી કવિતાની પરંપરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરનું અ-પૂર્વ આક્રમણ’ છે. સુરેશ જોષી પછી આધુનિકતાવાદી અછાંદસ ગુજરાતી કવિતાના ‘પિતા’ કહી શકાય, એ હદે અને એ સક્ષમતાથી એમણે પરંપરાગત રેઢિયાળ ગુજરાતી કવિતાનું સુકાન બદલ્યું છે. સમર્થ કવિ અને બાહોશ ચિત્રકાર હોવાના નાતે કલમ અને પીંછી, રંગ અને શબ્દ, કેનવાસ અને કાગળની એકમેકમાં સતત હેરફેર થતી જોવા મળે છે. પરિણામે, આપણને અદભુત શબ્દચિત્રો સાંપડ્યાં છે. સુરેશ જોષીના મતે ‘ગુલામમોહમ્મદ શેખ બે માધ્યમને સફળતાથી વાપરનાર સવ્યસાચી કળાકાર છે. ચિત્રકાર જે રીતે રંગ અને રેખા પ્રયોજે, તે રીતે ભાષાને પ્રયોજવાનું એમનું વલણ આપણી કાવ્યરચનાઓની રીતિઓમાં એક મહત્ત્વનું પ્રદાન કરશે.’ કવિ પોતે લખે છે, ‘ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી.’ એમની કવિતાઓમાં ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ, કેલિડોસ્કોપ અને મોનોક્રોમ – તમામ અડખેપડખે રહેલા દેખાય છે. કળવું મુશ્કેલ થઈ પડે એ સહજતા અને ગતિથી એમનો કેમેરા લૉન્ગ શોટ લેતાં લેતાં એક્સ્ટ્રિમ ક્લૉઝ અપ પર આવી જઈ ભાવકને અચંબિત કરી શકે છે, તો હજાર રંગોથી ઊભા કરેલ મનમોહક ચિત્રમાંથી ક્યારે વેદનાનો ભૂખરો રંગ આવીને તમને અડકી બેસશે એનું પૂર્વાનુમાન બાંધવુંય દુષ્કર છે. એમની કવિતાઓમાં આવતા યૌનસંકેતો, લૈંગિક સંવેદના, કુત્સિતતા, બિલકુલ અરુઢ કલ્પનોએ વિવેચકોને અકળાવ્યા પણ છે અને પ્રશંસાના પુષ્પો વેરવા મજબૂર પણ કર્યા છે. સુરેશ દલાલના શબ્દોમાં, ‘શેખની કવિતામાં પ્રયોગનો દેહ નથી, પણ પ્રયોગનો આત્મા છે.’ મણિલાલ હ. પટેલ કહે છે, ‘કવિતાની, શેખે રચેલી આબોહવામાં અમૂર્ત અને સૂક્ષ્મને ‘વીઝ્યુલાઇઝ’ કરવાની કવિયુક્તિ સક્રિય થતી રહે છે. રંગો અહીં માત્ર દેખાતા નથી, એ સંભળાય છે, સ્પર્શાય છે, આસ્વાદાય છે, ભોગવાય છે, સુંઘાય છે.’

કવિના પ્રથમ સંગ્રહ ‘અથવા’માં ‘જેસલમેર’ શીર્ષક હેઠળ છ લઘુકાવ્યોનું એક ગુચ્છ રજૂ કરાયું છે. આ છ કવિતાઓમાં જેસલમેરના છ અલગ-અલગ શબ્દચિત્રો ઉપસ્યાં છે. શીર્ષક આપણને કહે છે કે કવિ આપણને ‘એમણે’ જોયેલા જેસલમેરની મુલાકાતે લઈ જનાર છે. આપણે ત્યાં સ્થળકાવ્યો અને પ્રવાસકાવ્યો આમેય બહુ ઓછા જોવા મળે છે અને જે થોડાં કાવ્યો રડ્યાખડ્યા આપણી અડફેટે ચડે છે, એમાં ગદ્યાળુતા અને મુખરતા ન કઠે એવું જવલ્લે જ બનતું હોય છે. આપણા સદનસીબે આ કાવ્યો આ મર્યાદાઓથી પૂરેપૂરા બચી શક્યા છે. આ ગુચ્છમાંનું પહેલું લઘુકાવ્ય આપણે માણીએ. શરૂઆતમાં ગીત-સૉનેટ જેવા તમામ કાવ્યપ્રકારો પર હાથ અજમાવ્યા બાદ અછાંદસના છંદે ચડેલ કવિ અહીં પણ કોઈ છંદ-પ્રાસની પળોજણમાં પડ્યા નથી. નવ અને પાંચ પંક્તિઓના બે ભાગમાં વહેંચાયેલી આ ચૌદ પંક્તિની કવિતાને અછાંદસ સૉનેટ ગણવાનું મન પણ થઈ શકે. કવિતાની વિશેષતા એની ચિત્રાત્મકતા છે. ચૌદ પંક્તિની આ કવિતામાં પંક્તિએ-પંક્તિએ અને એક પણ અપવાદ વિના કવિએ ચૌદથી વધુ ચિત્રો દોરી આપ્યાં છે એમ કહીએ તો લેશમાત્ર અતિશયોક્તિ નથી. માત્ર ત્રણ-ત્રણ શબ્દોની બે પંક્તિઓ –‘બારણે લોઢાના કડે’ તથા ‘ફરફરે ઢીલી વાટ’- પણ બે સંપૂર્ણ ચિત્રો સફળતાપૂર્વક ચાક્ષુષ કરી શકી છે. ગુચ્છના છએ છ કાવ્યો અર્થ અને અભિવ્યક્તિની રૂએ એકમેકથી અલગ તરી આવે છે. પ્રસ્તુત પ્રથમ કાવ્યમાં પંક્તિએ પંક્તિએ ભાતીગળ ચિત્રો રજૂ કરવાનો જે ઉપક્રમ અપનાવાયો છે, એ ગુચ્છના અન્ય કાવ્યોમાં પ્રમાણમાં ઓછો જોવા મળે છે. અહીં વર્ણસગાઈ સ-વિશેષ પ્રયોજાઈ છે. ‘મરુથલે મોતીમઢ્યું’ના ત્રણ ‘મ’કાર, ‘બારીએ બારીએ બુઠ્ઠી’માં ‘બ’કાર, અને એ મુજબ ‘ફળિયે ફરે’, ‘બે-ચાર બકરાં’, ‘ડેલી ડ્હેકાર દે’ ‘વચલી વંડી’ વગેરે. એ જ રીતે ‘આઠ-હાથ’નો ‘થ’કાર, લોઢા-પેઢીનો ‘ઢ’કાર, ‘અંદર-ઓરડે-અંધારે’માંના ત્રણ ‘અ’-‘દ’-‘ર’કાર, તથા ‘લાલચટક ચૂલા’માંથી ઊઠતા ‘લ’કાર અને ‘ર’કારનું રવાનુકારી સંગીત કાન-ધ્યાન દઈને નહીં સાંભળીએ તોય આપણી અંદરના અહેસાસને રણઝણાવવામાં સફળ થાય છે એ સ્વીકારવું રહ્યું. અને આ બધું અનાયાસ કવિતામાં આવ્યું હોવાથી સ-વિશેષ આસ્વાદ્ય બને છે.

‘જેસલમેર’ કવિતામાં પ્રવેશતાં પૂર્વે જેસલમેર શહેરની ટૂંકી મુલાકાત જરૂરી છે. જેસલમેર શહેર જેણે જોયું હોય એ જ આ કાવ્યના ખરા સૌંદર્યને માણી શકે. જેસલમેર ભારતીય માનચિત્ર અને ઇતિહાસ – બંને પર સાવ અલગ તરી આવતું શહેર છે. રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં થારના રણવિસ્તારમાં એંસીએક મીટર ઊંચી ટેકરી ઉપર આવેલા કિલ્લાની અંદર આ શહેર આજે પણ જીવી રહ્યું છે. આશરે ૧૧૫૬માં ભાટી રાજવી રાવલ-જૈસલે એની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. જેસલમેર એટલે જેસલનો પર્વતીય કિલ્લો. પીળી માટીની ટેકરી ઉપર પીળા રેતપથ્થરોમાંથી બનાવેલ આ કિલ્લો રણની રેતીની પાર્શ્વભૂમાં દિવસે તીવ્ર પીળા તડકામાં સિંહ જેવો અને ઢળતી સાંજે પીળકેસરી તડકામાં મધ જેવો સોનેરી રંગ ધારણ કરતો હોવાથી જેસલમેરને ‘ગોલ્ડન સિટી’ પણ કહે છે. જેસલમેર આજે તો બહુ ખ્યાતનામ પ્રવાસન્ કેન્દ્ર બની ગયું છે, અને વરસ આખું એ દેશી-વિદેશી પ્રવાસીઓથી ખદબદતું રહે છે પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ અને વિષમ આબોહવાના કારણે એ સદીઓ સુધી બાહરી હુમલાખોરોને હંફાવતું રહ્યું હતું. શહેરની સ્થાપના અને અંગ્રેજી હકૂમતના સ્વીકાર વચ્ચેના લગભગ સાતસો-આઠસો વર્ષ સુધી આ શહેર પર અન્ય કોઈ રાજવીને તાબે થયા વિના જેસલના વંશજોએ જ રાજ કર્યું, જે પોતે એક અનૂઠી ઘટના છે. હાલ તો આ શહેર કિલ્લાની બહાર પર્વત ફરતેની તળેટીમાં ચોતરફ દેડકીના પેટની જેમ વિસ્તરી ગયું છે પણ એક જમાનામાં આ કિલ્લો જ શહેર હતો અને શહેર જ કિલ્લો હતું. જૂની વસ્તી હજી પણ કિલ્લાની અંદર જ રહે છે. કવિનો કેમેરા કિલ્લાની અંદરની આ વસ્તીને જ તાદૃશ કરે છે.

કવિતાની શરૂઆત ઑલ-એન્કમ્પાસિંગ ટેલિસ્કૉપિક લેન્સમાંથી થાય છે. રણની અફાટ વેરાનીની વચ્ચે અડીખમ ઊભેલું જેસલમેર મોતીઓ મઢ્યા નગર જેવું અલગ તરી આવે છે. નગરના ટોડલે-ટોડલે મોર અને ભીંતે-ભીંતે હાથીઓ કોતર્યા છે, જે આજે પણ સજીવન લાગે છે. ઝરુખે-ઝરુખે પથ્થરનાં હીરભરત છે. અહાહા! કેવી અદભુત ઉપમા! પથ્થરની આ કારીગરી એટલી તો બારીક છે કે જાણે રેશમના કપડાં પર નાજુક ભરતકામ ન કર્યું હોય! એટલે જ કવિ એને માટે હીરભરત વિશેષણ વાપરે છે. બારીઓ પર બુઠ્ઠી તલવારો લટકી રહી છે. તલવાર બુઠ્ઠી છે પણ વીતી ગયેલા સમયને કેવી ધાર કાઢી રજૂ કરે છે! વર્ષોથી એની જરૂર જ ઊભી થઈ નથી. જેસલમેર શહેર જેણે જોયું હોય એ જ આ કાવ્યના ખરા સૌંદર્યને માણી શકે. સાજના સમયે આખું શહેર કિલ્લાની રાંગ ઉપરથી અથવા શહેર બહારના કબ્રસ્તાન પાસેથી સોનાનું બનેલું હોય એવું પીળું પીળું લાગે છે. સાંજના સૂર્યના રાતા પીળા પ્રકાશમાં નગરની ભીંતો નારંગી ચૂંદડી પવનમાં લહેરાતી હોય એવી દેખાય છે. જૂના બારણાંઓ પરના લોઢાનાં કડાં આઠ-આઠ પેઢીઓના હાથોનો સ્પર્શ ખમી ચળકી રહ્યાં છે. આઠ પેઢી! દાયકાઓ નહીં, સદીઓ! ટૂંકમાં આ શહેર મકાનો નહીં, સાક્ષાત્ ઇતિહાસ છે! કડાંના એકધારા મારથી દરવાજાઓ પર જે ઘસરકા પડ્યા છે, એ સમયના ‘ઓટોગ્રાફ’ છે. આ કડાંમાંથી અનેકાનેક મનુષ્યોના સ્પર્શની કથા, કાન માંડો તો સંભળાવાની પૂરી સંભાવના છે. ફળિયે બે-ચાર કાળાં બકરાં રવડી રહ્યાં છે ને ડેલીબહાર કામગરું ઊંટ ડહેકાર દઈ રહ્યું છે. આખાય નગરને એક જ ફ્રેમમાં સમાવી લેતો કવિનો સર્વગ્રાહી ટેલિસ્કૉપિક લેન્સ ક્યારે વાઇડ એન્ગલ લેન્સ બની નાની-નાની વિગતોને બારીકીપૂર્વક દર્શાવવા માંડ્યો એ રૂપાંતરણ ઑટો-શિફ્ટ ગિઅરની માફક અહીં અપ્રત્યક્ષ-અગ્રાહ્ય છે.

કાવ્યારંભે મોતી અને હીરભરત મઢ્યું જણાતું જેસલમેર મધ્યભાગે બેચાર બકરાં અને એકાદા ઊંટ જેવી અલ્પસંખ્યાવાચકતા પર આવી ઊભું છે, એ સૂચવે છે કે સમયના હાથે માત્ર દરવાજાઓ પર જ ઘસરકા નથી પડ્યા, શહેરની સમૃદ્ધિ પણ ઘસાઈ છે. કવિનો કેમેરા ઘરની અંદર પ્રવેશીને ક્લૉઝ-અપ મોડમાં આવે છે. ઘરમાં વચલી વંડીએ રાતાં ચીર સુકાય છે ને અંદર ઓરડામાં ફુગાઈ ગયેલા અંધારે દીવાની ઢીલી વાટ ફરફરે છે. સૂકાઈ રહેલું લાલ વસ્ત્ર યાને તૃપ્તિના અભાવમાં અડધી થઈ ગયેલી યુવાન વહુ અને ઢીલી પડેલી ફરફરતી વાટ એટલે પૌરુષત્વ ગુમાવી બેઠેલ વૃદ્ધ પતિ –આ રીતે પણ આ કડીઓને મૂલવી શકાય. આમેય કવિની કવિતાઓમાંથી જડી આવતા યૌનસંકેતો બાબતમાં જે તે સમયે ખાસ્સી નોંધ લેવાઈ હતી. બીજી રીતે જોઈએ તો એમ કહી શકાય કે, કવિતાના પહેલા ભાગમાં કવિ નગરની ભીંતોને નારંગી રંગે લહેરાતી બતાવીને સદીઓ બાદ હજીય શહેરના સચવાઈ રહેલા સૌંદર્યને ઉજાગર કરે છે તો છેલ્લા ભાગમાં અજવાળાંના અભાવે યોગ્ય માત્રામાં કદી દૂર ન થઈ શકેલ અંધારાને ફૂગાતું બતાવી કવિ ગરીબીની વેદના તાદૃશ કરે છે. ભાવકે-ભાવકે કવિતાનું અર્થઘટન અલગ-અલગ હોઈ શકે. આપણે તો કવિની જે પીંછી ઝડપભેર ફરી રહી છે, એના રંગે રંગાઈને સંતુષ્ટ થવાનું છે, બસ!

આગથી લાલચટાક ચૂલાની ઝાળમાં ચૂંદડીના અજવાળે સોનેરી કન્યા રોટલા ટીપી રહી છે એમ કહીને કવિ જેસલમેર કાવ્યગુચ્છની પ્રથમ કવિતા પર પૂર્ણવિરામ આંકે છે. રોટલા ટીપવા માટે અજવાળાં તરીકે દીવાના સ્થાને કન્યા ચૂંદડી કામમાં લે છે, એમાંથી શહેરના કેલિડોસ્કૉપિક ચિત્રમાંથી દારિદ્રયનો મોનોક્રોમેટિક રંગ ઊપસી આવતો દેખાય છે. કાવ્યાંતે કવિ તો રાતાં ચીર, લાલચટાક ચૂલો, ઝાળ, ચૂંદડીનું અજવાળું અને સોનેરી કન્યા જેવા રંગબેરંગી પ્રતીકો પ્રયોજે છે પણ ભાવકને ચિત્ર અચાનક જ બેરંગ બન્યાની ભારીખમ અનુભૂતિ થયા વિના રહેતી નથી. રંગોના ઢગલામાં બેરંગીપણું ઉપસાવવાની કવિની આ લાક્ષણિકતા કવિતાની લોકપ્રિયતાનું મહત્ત્વનું પરિબળ હોવું જોઈએ. અકારણ કંઈ આ ‘જેસલમેર’ કવિતાઓ સમકાલીન અને પછીની પેઢીના કવિઓ માટે ઉપાદાન સામગ્રી નથી બની રહી. નગરકાવ્યો આપણે ત્યાં આમેય જવલ્લે જ જોવા મળે ને તેમાં આ ગુણવત્તા તો ભાગ્યે જ નજરે ચડે. આ કવિતાઓથી યોગેશ જોષીમાં જેસલમેર ‘રોપાયેલું’ તે પછીથી એમની આંતરચેતનામાંથી બહાર આવી ‘જેસલમેર’ દીર્ઘકાવ્ય-પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું. રણ, ઢૂવા, ઝરૂખા અને કિલ્લો –એમ ચાર ખંડોમાં આ દીર્ઘકાવ્ય પ્રસર્યું છે. શેખનું જેસલમેર સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે છે, તો જોષીના જેસલમેરનું રણ જંપી જાય છે ‘કેસરિયાળું લહેરિયું ઓઢીને!’ જોષીના જેસલમેરમાંથી પણ અંતે તો ભૂખરી ઝાંય જ વર્તાય છે:

‘ક્યાં છે હવે કિલ્લો?
નથી બુરજ, નથી સૂરજ,
નથી ઊંચી ઊંચી દીવાલો,
ને તે છતાંય ઝરૂખા છે!
હવામાં ઝૂલતા ઝરૂખા!
ઝરૂખામાં ઝૂરે- ઊંડી ઊતરી ગયેલી
ઝાંખ વળેલી ટમટમતી આંખો!’ (પૃ. ૪૬, જેસલમેર, યોગેશ જોષી)

ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પણ જેસલમેર પર કવિતા રચી છે. શેખનો આ રચનાગુચ્છ ઘણા કવિઓ માટે નગરરચનાઓનું નિમિત્ત બન્યો છે. લયસ્તરો ડૉટ કોમના સ્થાપક ધવલ શાહ લખે છે: ‘સમયને અતિક્રમી જાય એટલું સૌંદર્ય જેસલમેરની ભીંતોમાં આ શહેરને બનાવનારાઓએ જડી દીધેલું. પણ છતાંય – બીજા બધાય સૌંદર્યોની જેમ જ – જેસલમેરને પણ સમય સામે આખરે ઝૂકી જવું પડ્યું છે. પથ્થરનું સૌંદર્ય, ઈતિહાસનો ભાર અને રોજીંદા જીવનની વાસ્તવિકતા – બધાને કવિએ ફોટોગ્રાફરની કુશળતાથી શબ્દોમાં કેદ કરી લીધા છે. આવા વિષય પર આપણે ત્યાં કાવ્યો ઓછા જ લખાયા છે અને એમાં પણ આ સ્તરના તો ભાગ્યે જ જોવા મળે છે. એટલે તો ખાસ આ કાવ્યને ચૂમી લેવાનું મન થાય છે.’ ઇતિહાસ અને વર્તમાન, સમૃદ્ધિ અને દારિદ્રય આ કવિતાઓમાં એકબીજામાં ઓગળી ગયા છે. દીવાના નહીં પણ ચૂંદડીના અજવાળે રોટલા ટીપતી ‘સોનેરી’ કન્યાની વાત કરે છે. આ સોનેરી કન્યા એ જેસલમેર શહેર પોતે જ તો નહીં?! અંતે કવિના જેસલમેર કાવ્યગુચ્છમાંથી બીજું એક પુષ્પ જોઈ વાત પૂરી કરીએ:

કઠણ પથરા કાપી ચણી ઢાલ જેવી ધીંગી ભીંતો
ઊંટની ડોક જેવા ઘડ્યા ઝરૂખા,
આંગણાં લીંપ્યાં પૂર્વજોના લોહીથી,
વારસામાં મળેલ
સૂરજનો સોનેરી કટકો વાટી
ઘૂંટ્યો કેસરિયો રંગ,
પટારેથી ફંફોસ્યું કસુંબીનું પાત્ર,
પછી સંભારણાં ગટગટાવતા
વૃદ્ધ પડછાયા ઢળી પડ્યા.

ગ્લૉબલ કવિતા : ૧૩૮ : નીતિશાસ્ત્ર – લિન્ડા પાસ્ટન

Ethics

In ethics class so many years ago
our teacher asked this question every fall:
if there were a fire in a museum
which would you save, a Rembrandt painting
or an old woman who hadn’t many
years left anyhow? Restless on hard chairs
caring little for pictures or old age
we’d opt one year for life, the next for art
and always half-heartedly. Sometimes
the woman borrowed my grandmother’s face
leaving her usual kitchen to wander
some drafty, half imagined museum.
One year, feeling clever, I replied
why not let the woman decide herself?
Linda, the teacher would report, eschews
the burdens of responsibility.
This fall in a real museum I stand
before a real Rembrandt, old woman,
or nearly so, myself. The colors
within this frame are darker than autumn,
darker even than winter — the browns of earth,
though earth’s most radiant elements burn
through the canvas. I know now that woman
and painting and season are almost one
and all beyond saving by children.

– Linda Pastan

નીતિશાસ્ત્ર

નીતિશાસ્ત્રના વર્ગમાં ઘણાં બધાં વર્ષો પહેલાં
અમારા શિક્ષક દર પાનખરમાં અમને આ સવાલ પૂછતા:
ન કરે નારાયણ ને કો’ક મ્યુઝિયમમાં આગ ફાટી નીકળે તો
તમે કોને બચાવશો, રેમ્બ્રાંટના ચિત્રને
કે એક ડોશીને જેની જિંદગીમાં આમ પણ ઝાઝાં વર્ષ
હવે બાકી નથી? સખત ખુરશીઓ પર બેચેન થતાં અમે,
કળાકૃતિ કે ઘડપણ બંને માટે તદ્દન બેફિકર,
એક વરસ જિંદગીનો વિકલ્પ પસંદ કરતાં, તો બીજા વરસે કળાનો
અને કાયમ અધકચરા મને. ક્યારેક
એ ડોશી મારા દાદીમાનો ચહેરો ઉછીનો લઈ લેતી
એનું કાયમનું રસોડું પડતું મૂકીને
કોઈક ઠંડાગાર, અર્ધ-કાલ્પનિક મ્યુઝિયમમાં ભટકવા માટે.
એક વર્ષે, હોંશિયારીમાં ને હોંશિયારીમાં, મેં જવાબ આપેલો:
આપણે એ ડોશીને જાતે જ આ નિર્ણય લેવાનું કહીએ તો કેવું?
અમારા શિક્ષકે મારા રિપોર્ટકાર્ડમાં લખેલું કે, લિન્ડા ભાગી રહી છે
જવાબદારીના બોજાઓથી.
આ પાનખરમાં હું એક સાચુકલા મ્યુઝિયમમાં ઊભી છું
એક સાચુકલા રેમ્બ્રાંટ સામે, ડોશી,
અથવા લગભગ ડોશી જેવી જ, હું પોતે. એ ચિત્રમાંની
જમીનના કથ્થઈ રંગો પાનખર કરતાં તો ઠીક,
શિયાળા કરતાંય વધારે ગાઢા છે,
છતાંય ધરતીનું તેજ તો આબાદ છલકે છે
એ કેન્વાસમાંથી. હવે મને સમજાય છે કે એ ડોશી
અને ચિત્ર અને ઋતુ બધાં લગભગ એકસમાન જ છે
અને કશુંય નાના બાળકોથી બચાવી શકાય એમ છે જ નહીં.

– લિન્ડા પાસ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)

कालाय तस्मै नमः।

એક જમાનો હતો, જ્યારે પૃથ્વી પર કોઈ સમાજવ્યવસ્થા નહોતી. મનુષ્યને જેમ અને જ્યાં રખડવું હોય એમ અને ત્યાં રખડતો. ભૂખ લાગે ત્યારે ખાતો અને સૂવાનું મન થાય ત્યારે સૂઈ જતો. જેની સાથે, જે જગ્યાએ અને જે સમયે શરીરસંબંધ બાંધવાનું મન થતું, બાંધતો. પણ પછી એને ખેતીના ‘ખ’માં સમજ પડવા માંડી. એટલે જાનવરો પાળતા શીખ્યો. ઘર બાંધતા શીખ્યો અને ઘરની સાથોસાથ જ ઊભી થઈ કુટુંબવ્યવસ્થા-સમાજવ્યવસ્થા અને વાડાવ્યવસ્થા. સમાજની રચનાની સૌથી મોટી સાઇડ-ઇફેક્ટ એટલે નૈતિક મૂલ્યોની સ્થાપના. ઘર, વાડા અને સમાજની અંદર સ્વયંભૂ પૂરાયેલા માણસની કાયાની ભીતર તો મૂળે જાનવર જ હતું. એટલે જેમ-જેમ નૈતિકતા અને નિયમો વધતાં ગયાં, તેમ-તેમ અનૈતિકતા આવશ્યક મટીને અનિવાર્ય બનતી ગઈ. અનૈતિકતા એ નૈતિકતાનો જ પડછાયો છે, અને પંડ કદી પડછાયા વિના હોય નહીં. નૈતિકતા શીખવી શકાતી નથી. માણસને જો કોઈ એકમાત્ર વ્યક્તિ નૈતિકતા શીખવી શકે એમ હોય તો તે સમય છે. સમયથી મોટો કોઈ શિક્ષક નથી. લિન્ડાની પ્રસ્તુત રચના સમયના સાર્વભૌમત્વની અડખેપડખે નૈતિકતાની મહત્વહીનતાની વાત કરે છે.

લિન્ડા પાસ્ટન. ૨૭-૦૫-૧૯૩૨ના રોજ બ્રોન્ક્સ, ન્યૂયૉર્ક ખાતે જેક ઓલેનિક અને બેસ સ્વાર્ટ્ઝના યહૂદી પરિવારમાં જન્મ. મોટાભાગનું જીવન પોટોમેક, મેરીલેન્ડમાં વિતાવ્યું. ૧૯૫૩માં લગ્ન. ૧૯૫૪માં અંગ્રેજીમાં બી.એ. અને ૫૭માં અંગ્રેજીમાં જ એમ.એ. કોલેજમાં હતાં ત્યારે સિલ્વિયા પ્લાથ જેવા કવયિત્રીને હરાવીને પુરસ્કાર જીત્યાં હતાં પણ ખુદને ‘પચાસના દાયકાનું ઉત્પાદન’ અને ‘પરફેક્ટ્લી પોલિશ્ડ ફ્લૉર સિન્ડ્રોમ’નો શિકાર ગણાવતા લિન્ડાએ પરિવારની જાળવણી બાબતમાં પોતાને ‘પરફેક્ટ’ સાબિત કરવાના ધખારામાં કલમને અલવિદા કહી દીધી. અધકચરા દિલે તેઓ કવિતા લખવા માંગતા નહોતાં. દસેક વર્ષ બાદ કવિપત્નીના કાવ્યનિષ્ક્રીયતા બાબતના અસંતોષથી થાકેલા પતિના આગ્રહથી ફરી કલમ ઉપાડી તે આજ દિનપર્યંત અટક્યા વિના ચાલી રહી છે. ૧૯૯૧થી ૯૫ સુધી મેરીલેન્ડના રાજકવિ. પંદરેક પુસ્તકો. ઢગલાબંધ ઈનામ-અકરામ. એક લાખ ડોલરનો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ. ત્રણ સંતાન. એક, રચેલ નવલકથાકાર; બીજો, પીટર રસોઈયો-હોટેલિઅર; ત્રીજો, સ્ટિફન કિડનીરોગનો નિષ્ણાત. હાલ ૮૭ વર્ષની વયે તેઓ પતિ ઇરા પાસ્ટન સાથે મેરીલેન્ડમાં જ રહે છે.

કવિ. નિબંધકાર. લાઘવ એમની કવિતાઓનું પ્રમુખ અંગ છે. તેઓ કહે છે, ‘મારી સહજ પ્રકૃતિ છે લાઘવ. મને લાંબા વૃતાન્ત કાવ્યો લખવાની ઇચ્છા છે. મારે નવલકથા પણ લખવી છે. પણ ગમે ત્યારે હું કંઈ પણ લાંબુ લખવાનું શરૂ કરું; જે કંઈ પણ બહારનું છે, જે કંઈ પણ બિનજરૂરી છે, એ દૂર કરતી રહું છું, અને અંતે હું એક નાનકડા ઊર્મિકાવ્ય પર આવી અટકું છું.’ કવિતા લખ્યા બાદ, એમના પોતાના કહેવા મુજબ, તેઓ ‘ઓછામાં ઓછી સો વાર’ મઠારે છે, જ્યાં સુધી સંપૂર્ણ પ્રતીતિ નહીં થાય કે કવિતા વાંચતી વખતે પોતાની ઉપર જે અસર થાય છે, એ જ એમના વાચક પર પણ થશે. એમની ભાષાની પ્રવાહિતા, શબ્દોની કરકસર, કલ્પનોની તાજગી અને સંવેદનની સચ્ચાઈ ભાવકને સ્પર્શ્યા વિના રહેતાં નથી. પરિવાર, દામ્પત્ય, માતૃત્વ, માનવસંબંધ, સુખદુઃખ, મૃત્યુ વગેરે જિંદગીના રોજબરોજનાં પાસાંઓ એમની કલમનો સ્પર્શ પામી કવિતામાં પરિણમે છે. રોજિંદા જીવનની સપાટી તળે ધબકતી ચિંતાઓ એમના મુખ્ય રસનો વિષય છે. આત્મકથનાત્મકતા લિન્ડાની રચનાઓનું અગત્યનું અંગ છે. જીવન અને સંબંધોની ક્ષણભંગુરતા એમને સતત કગાર પર લટકતાં રાખતાં હોવાનું તેઓ માને છે. એમની કવિતાઓ એમના પોતાના અનુભવોમાંથી જન્મી હોવાનું અનુભવાયા વિના રહેતું નથી. હડસન રિવ્યૂ એમને ‘સો નાની-નાની ખુશીઓ, ઉજવણીઓ, પ્રતિક્રિયાઓ, સંતોષ અને સુખના કવિ’ તરીકે ઓળખાવે છે. એમિલી ડિકિન્સનની જેમ લિન્ડાની કવિતાઓ પણ ઘરબહારની દુનિયામાં ફરવા જવાને બદલે ઘરેલુ બાબતોની આસપાસ જ ફરતી જોવા મળે છે. નાંખી દેવા જેવી લાગતી ક્ષુલ્લક બાબતોમાંથી બંને કવયિત્રીઓની કવિતા જન્મે છે.

‘નીતિશાસ્ત્ર’ શીર્ષક વાંચતા જ રચના બે ઘડી બાજુએ મૂકી દેવાનું મન થાય. સાચી વાત છે. નીતુશાસ્ત્રના ભાષણની તમા કોને હોય? વિદ્યાર્થી વર્ગમાં, ને માણસ જીવનમાં નવું શીખવા ભાગ્યે જ આતુર છે. દરેક જણ પોતાને બધું આવડતું હોવાનો અથવા બધી સમજ પડતી હોવાનો સર્વગુણસંપન્નતાનો અંચળો ઓઢીને ફરતા જોવા મળે છે. અધૂરામાં પુરું ગૂગલદેવતાએ દાટ વાળ્યો છે. બે મિનિટના ગૂગલથી માણસ પોતાને સર્વજ્ઞ સમજવા માંડે છે. પાંચ-દસ મિનિટના ગૂગલજ્ઞાનના આધારે દર્દી ડોક્ટરના દસ વર્ષના મેડિકલ કોલેજના અભ્યાસને પડકારે છે. ટૂંકમાં, આપણે એવા સમાજની કગાર પર આવી લટક્યાં છીએ, જ્યાં નૈતિકતાનું દોરડું માત્ર સોશ્યલ મિડીયાઝ પર સૂફિયાણી વાતો ફૉરવર્ડ કરવા ખાતર જ હાથે ઝાલવામાં આવે છે. કગાર પર ક્યાં સુધી ટકાશે અને કઈ ઘડીએ પતન થશે એની કોઈને ખબર નથી પણ ‘સૃષ્ટિનો અંત આવે તોય કોઈ વાંધો નહીં આવે’ના મિથ્યાભિમાનના સહારે સહુ છે.

‘નીતિશાસ્ત્ર’ શીર્ષક જ કંટાળાજનક છે. પણ આ લિન્ડાની કવિતા છે. એ સ્વાનુભવોમાંથી ઘડાઈને આવતી હોવાથી આપણને વધુ આત્મીય લાગે છે. લિન્ડાની કવિતાઓ બહુ સહજભાવે અડોઅડ બેસીને આપણા ખભે હાથ મૂકીને સંવાદ કરે છે. આ કવિતા સમયના બે અલગ-અલગ બિંદુઓને ભેગાં કરતી હોવા છતાં કવિએ એને પરિચ્છેદમાં વિભાજીત કરવાના બદલે સળંગ રાખી છે. અપૂર્ણાન્વય (enjambment)નો સહારો પણ ખૂબ લીધો છે. પરિણામે આખી રચના એકઘટ્ટતાની અનુભૂતિ સાથે એકી કોળિયે ગળે ઉતારવાની ફરજ પડે છે. પચ્ચીસ પંક્તિઓના આઠેક વાક્યોમાં ચાર તો પંક્તિની અધવચ્ચે પૂરાં થાય છે. આખી રચનામાં લિન્ડાએ આયમ્બિક પેન્ટામીટર છંદ જાળવ્યો છે પણ ૨૧મી પંક્તિમાં દસની જગ્યાએ અગિયાર અને આખરી પંક્તિમાં નવ શબ્દાંશ (syllables) વાપરી કાવ્યાંતે લયમાં વધઘટ કરી એકીશ્વાસે વહી જતા અહેસાસને લગરિક આરોહ-અવરોહ આપ્યો છે. સંવેદનાના રસ્તે સડેડાટ દોડી જતા વાહન માટે ક્યાંક સ્પીડબ્રેકર પણ આવશ્યક છે, નહિંતર ચાલકને ઝોકું આવી જઈ શકે!

ઘણા વર્ષો પહેલાં પોતે કોલેજમાં હતાં એ સમયની વાત લિન્ડા કરે છે. નીતિશાસ્ત્રના વર્ગમાં શિક્ષક વિદ્યાર્થીઓને દરેક પાનખરમાં એક સવાલ પૂછતાં. અમેરિકામાં ઑગસ્ટનો અંત અને સપ્ટેમ્બરનો પ્રારંભ એ પાનખરની ઋતુ ગણાય છે અને કોલેજોનું નવું શૈક્ષણિક વર્ષ પણ આ જ સમયગાળામાં શરૂ થાય છે. મતલબ, કોલેજનું વર્ષ નવું-નવું શરૂ થયું હોય ત્યારે શિક્ષક દર વરસે પૂછતાં કે માની લો કે તમે કોઈક સંગ્રહાલયમાં ગયા છો અને ત્યાં આગ લાગે છે. તો તમે રેમ્બ્રાંતના અમૂલ્ય ગણાતા ચિત્રને બચાવશો કે જીવનના આરે આવી ઊભેલી કોઈક વૃદ્ધાને? વેકેશન ભોગવીને કોલેજ આવેલા વિદ્યાર્થીઓને આદતના અભાવે વર્ગખંડની ખુરશીઓ હજી સખત અનુભવાય છે એટલે એના પર બેસીને તેઓ બેચેન છે. એક વરસે તેઓ વૃદ્ધાની જિંદગીને બચાવવાનો વિકલ્પ પસંદ કરતાં તો બીજા વરસે ચિત્રને, પણ આમાનો કોઈ જ જવાબ દિલમાંથી આવતો નહોતો. શિક્ષક માથે હોય એટલે જવાબ તો આપવો પડે ને! ક્યારેક લિન્ડાને લાગતું કે એ વૃદ્ધા એના દાદી જ છે, જે રસોઈઘર પડતું મૂકીને મ્યુઝિયમમાં ટહેલવાં આવ્યાં છે. એક વર્ષે હિંમતપૂર્વક દોઢડહાપણ કરીને લિન્ડા જવાબ આપે છે કે આગ લાગે તો બચાવની પ્રાથમિકતા એ વૃદ્ધાને જ નક્કી કરવા દઈએ તો? વૃદ્ધ સ્ત્રીમાં દાદીનો ચહેરો જોયા બાદનો આ જવાબ નીતિશાસ્ત્ર પર અંગત સંબંધો અને લાગણીઓની હાવી થતી અસર ગણી શકાય? ખેર, એ અલગ અભ્યાસનો વિષય છે. પણ શિક્ષકના નીતિશાસ્ત્રનું અણિશુદ્ધ પાલન કરતાં શિક્ષકે તો તરત જ લિન્ડાને જાહેરમાં ઝાટકી: ‘તું તારી જવાબદારીઓના બોજાઓથી ભાગી રહી છે.’

વિદ્યાર્થીઓએ પોતે નીતિશાસ્ત્રનો વિષય પસંદ કર્યો છે એટલે નૈતિકતા શું છે અને વિપરિત સંજોગો દરમિયાન એ કઈ રીતે પ્રગટ થવી જોઈએ એ બાબત શિક્ષક શીખવે એ સ્વાભાવિક છે. પણ જે રીતે દર વરસે વિદ્યાર્થીઓ એકના એક સવાલના જવાબ બદલતા રહે છે અને જે રીતે શિક્ષકે પણ દર વરસે સવાલ દોહરાવવો પડે છે એના પરથી સમજાય છે કે શિક્ષક નૈતિકતા શીખવવામાં અને વિદ્યાર્થીઓ પણ એના પાઠ ભણવામાં નિષ્ફળ નીવડ્યાં છે. હકીકતમાં નૈતિકતા શીખવવાનો વિષય છે જ નહીં. સમાજનું સર્જન કરતી વખતે આચાર-વ્યવહારમાં સુસંગતતા રહે એ ખાતર નૈતિક મૂલ્યોનું સર્જન કરાયું પણ મનુષ્યની મૂળ પ્રકૃતિ આદિમ છે, પાશવી છે. એના પર નૈતિકતા લાદી જરૂર શકાય, અંદરથી ઊગાડી નહીં શકાય. કોઈ પણ મનુષ્યને એવી જગ્યાએ મૂકવામાં આવે જ્યાં એના પર નજર રાખનાર કોઈ હોય જ નહીં, એ શું કરે છે એ જોનારું પણ કોઈ જ ન હોય અને એ જે કરે છે એનો એણે કદી પણ કોઈને પણ જવાબ સુદ્ધાં આપવાનો ન હોય, તો એ મનુષ્ય શું કરે અને શું ન કરે એ અચંબાજનક સંશોધનનો વિષય બની રહે. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્લાઇઝ’ લઘુનવલકથામાં નવથી લઈને ૧૩-૧૪ વર્ષનાં કેટલાંક ટાબરિયાં કોઈક વસ્તીહીન ટાપુ પર પહોંચી જાય છે અને પછી આ નિર્દોષ ગણાતાં ભૂલકાંઓ વચ્ચે જે રીતે અસ્તિત્વનો ખૂનખાર જંગ શરૂ થાય છે, એ કથા વરસોથી વાચકોના લોહી થીજાવતી આવી છે.

કવિતાનો બીજો ભાગ અહીંથી શરૂ થાય છે. હકીકતમાં કવિતાનો આરંભ અહીંથી જ થયો છે. વૃદ્ધ લિન્ડા એક સંગ્રહાલયમાં રેમ્બ્રાંતના ચિત્ર સમક્ષ ઊભી છે. રેમ્બ્રાંતનું આ ચિત્ર જોઈને એને વરસો પૂર્વેના એના નીતિશાસ્ત્રના વર્ગ, સવાલ-જવાબ અચાનક યાદ આવ્યા અને કવિતા પ્રારંભાય છે. કવિતામાં અગાઉ ‘અધકચરા મને’ (half-hearted) અને ‘અર્ધ કાલ્પનિક’ (half imagined), એમ બે વાર અડધાની વાત દોહરાવાઈ હતી. એની મુખામુખ લિન્ડા હવે બે વાર ‘સાચુકલા’ (real) શબ્દ દોહરાવે છે. આ પુનરાવર્તન કલ્પનાની સન્મુખ વાસ્તવિકતાની બેવડી ધાર કાઢવામાં સાંગોપાંગ સફળ રહે છે. વાસ્તવિકને એ વધુ વાસ્તવિક બનાવે છે.

રેમ્બ્રાંત વાન રિન એટલે સત્તરમી સદીમાં હાલના નેધરલેન્ડ્સમાં થઈ ગયેલ, અમર કળાકાર. દુનિયાના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કળાકારોમાંનો એક. ગાઢો તપખીરી-કથ્થઈ રંગ એના મોટાભાગના ચિત્રોમાં ઊડીને આંખે વળગે છે. વૉશિંગ્ટન ડીસીના પરગણાંની નિવાસિની હોવાના નાતે આ સંગ્રહાલય ‘નેશનલ ગેલેરી ફોર આર્ટ’ હોઈ શકે, જ્યાં રેમ્બ્રાંતે દોરેલ આત્મચિત્રો (સેલ્ફ-પૉર્ટ્રેટ્સ)માંનું એક ઉપલબ્ધ છે. આ ચિત્રમાંની ગાઢી કથ્થઈ રંગચ્છાયાઓ વૃદ્ધ અથવા લગભગ વૃદ્ધ લિન્ડાને ધરતીના રંગ જેવી લાગે છે, પણ આ રંગો પાનખર અને પાનખર પછી બરફ લઈને આવતા શિયાળા કરતાંય વધુ ગાઢા છે. એ કહે છે કે પૃથ્વીના સૌથી તેજસ્વી ઘટકો કેન્વાસ મારફતે જ સળગે છે. અહીં, પાનખર અને શિયાળાનો ગાઢા રંગ સાથેનો ઉલ્લેખ વૃદ્ધત્વ તથા મૃત્યુની અર્થચ્છાયાઓ ઉપસાવે છે. રેમ્બ્રાંતના ચિત્રમાં રહેલો મૃત્યુનો રંગ લિન્ડા પારખે છે. મૃત્યુ પછી મરનારે ધરતીમાં જ મળી જવાનું છે. ધરતીનો આ રંગ જ કેન્વાસમાં ઊતર્યો છે અને કેન્વાસનો રંગ પણ આખરે ધરતીમાં જ ભળી જનાર છે.

આજે લિન્ડાને સમજાયું છે કે નીતિશાસ્ત્ર વર્ગખંડમાં નહીં, માત્ર જીવનખંડમાં જ શીખી શકાય છે. અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી. ‘આકસ્મિક પરિસ્થિતિમાં શું કરવું’નો પાઠ હજારવાર ભણ્યાં હોઈએ તોય પરિસ્થિતિ સામે આવી ઊભી રહે ત્યારે આપણે શું કરી બેસીશું એનું કોઈ નક્કી ગણિત સંભવ જ નથી. નૈતિકતા શીખવવાથી નથી સમજાતી. જીવન અને સમય જ મનુષ્યને નીતિમત્તાના પાઠ શીખવાડી શકે છે. ટૂંકમાં, નીતિશાસ્ત્રના વર્ગોથી વધુ મહત્ત્વહીન બીજું કદાચ કશું નથી. સમાજના વાડામાં કેદ મનુષ્ય માટે નૈતિકતા એ વાડામાં સુરક્ષિત રહેવા માટેની એક આવશ્યકતા છે. આવશ્યકતા ભાગ્યે જ અનિવાર્યતામાં પરિણમતી હોય છે. દરેક માણસ પોતાની ઠોકરમાંથી જ શીખતો હોય છે. દરેકનો નીતિશાસ્ત્રનો ગુરુ એનો પોતાનો સમય જ હોય છે, બીજું કોઈ નહીં.

નીતિશાસ્ત્રના વર્ગમાં ગાળેલ વર્ષો દરમિયાન અને એ બાદના, વૃદ્ધ થઈ જવાયું ત્યાં લગીની જિંદગીના અધધધ સમયગાળામાં જે વાત સમજાઈ નહોતી, એ આજે અચાનક લિન્ડાને સમજાઈ છે. શિક્ષકના સવાલનો સાચુકલો જવાબ એને સાચુકલા સંગ્રહાલયમાં સાચુકલા રેમ્બ્રાંત સામે આવીને ઊભા રહ્યા બાદ છેક આજે જડ્યો છે. એને સમજ પડે છે કે પેલી સ્ત્રી અને ચિત્ર અને ઋતુ એ બધાં લગભગ એક જ હતાં અને એ બધાં જ કોઈના પણ દ્વારા બચાવી શકાવાની શક્યતાથી ખૂબ પરે છે. માણસ ગમે એટલું જીવે, એનો અંત આવનાર જ છે. ચિત્ર ગમે એટલું ઉત્તમ કેમ ન હોય, સમયનું જડબું એને સો-હજાર-પાંચ હજાર વર્ષે પણ ગળી જ જવાનું છે અને ઋતુ તો આમેય કદી સ્થાયીભાવ લઈને આવતી જ નથી. ગમે એટલા તેજસ્વી તત્વોએ પણ સમયના કેન્વાસમાં થઈને સળગીને ખાખ જ થવાનું છે. કન્નડમાં ‘એલ્લારા કાલુ યેલિઠડે કાલા’ કહે છે, જેનો અર્થ થાય છે, ‘જરૂર પડશે ત્યારે સમય દરેકને ભોંય બતાવી દેશે.’ લિન્ડાની કવિતા પણ આવી જ વાત કરે છે. અહીં ‘जातस्य हि ध्रुवोमृत्युः’નો ગીતાપાઠ આપણા કાને સંભળાય છે. કાવ્યાંતે સમયનો શંખનાદ કાને પડે છે: ‘હે કાળા માથાના મનુષ્યો! થાય એ કરી લો. શું તમે, શું તમારી કળાઓ, શું તમારી દુનિયા- હું તમામને ધૂળ ચાટતાં કરી દઈશ.’ અને જે ઘડીએ આપણને આ વાત સમજાઈ જાય એ ઘડી નીતિશાસ્ત્રમાં PhD પ્રાપ્ત કર્યાની ઘડી છે. कालाय तस्मै नमः। હે સમય! તને અમારા નમસ્કાર છે.

ગ્લૉબલ કવિતા : ૧૩૭ : છેલ્લું દર્શન – રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

ધમાલ ન કરો, – જરાયે નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

વિયોગમાં સુયોગ શોધતું અ-મર મરણકાવ્ય !

સ્વજનનું મૃત્યુ એટલે હૃદયવિદારકતાની પરાકાષ્ઠા. ને એમાંય દાયકાઓ સુધી ડગલે-પગલે સાથે ચાલનાર, વાતે-વાતે હામી ભરનાર, ને પળે-પળ તમારી કાળજી લેનાર જીવનસાથીની કાયમી વિદાયનું દુઃખ તો વળી વધુ વસમું હોય. અગ્નિના ફેરા લઈને સાત પગલાં સાથે ચાલ્યા બાદ બે જણ ક્યારેક સારસ-બેલડી બની જાય છે, એનો ઉભયમાંથી એકેયને ખ્યાલ પણ રહેતો નથી. સારસ-બેલડી, કેમકે સારસ પક્ષી હંમેશા જોડીમાં જ રહે છે, ને જોડી ખંડિત થાય તો બચનાર પક્ષી પથ્થર પર માથું પછાડી-પછાડીને પ્રાણત્યાગ કરે છે એમ માનવામાં આવે છે. જીવનસાથીની વિદાયની આ ઘડીને ઘણા કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. પ્રસ્તુત રચનામાં કવિ ‘શેષ’ જીવનસંગિનીના મૃત્યુને એમના ચશ્મેથી જે રીતે નિહાળે છે એ દિલચસ્પ છે. જોઈએ.

રામનારાયણ વિશ્વનાથ પાઠક. ૦૮ એપ્રિલ, ૧૮૮૭ના રોજ ધોળકા તાલુકાના ગાણોલ ગામે જન્મ. વતન ભોળાદ. પ્રશ્નોરા નાગર. પિતા શિક્ષક. માતા આદિતબાઈ. પોતે મુંબઈથી તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રમાં બી.એ., અને પછી એલ. એલ.બી. કર્યું. વકીલાતની આવક કરતાં સાહિત્ય વધુ પાવક લાગ્યું એ એક કારણ અને બીજું, ક્ષયરોગની બિમારી. ટૂંકમાં, વકીલાત ત્યજી સાહિત્ય અને શિક્ષણમાં ઝંપલાવ્યું. અમદાવાદ-મુંબઈની અલગ-અલગ કૉલેજોમાં પ્રાધ્યાપક રહ્યા. ૧૯૦૩માં મણિગૌરી સાથે લગ્ન, જે ૧૯૧૮માં અવસાન પામ્યાં. બીજા વરસે એકની એક દીકરી સરલા અને બહેન સવિતાનું નિધન. લગભગ ૨૭ વર્ષ એકલા રહ્યા બાદ ૧૯૪૫માં સામાજીક ઉહાપોહની વિરુદ્ધ જઈ પોતાનાથી લગભગ અડધી (૩૦ વર્ષ) વયનાં પોતાનાં શિષ્યા હીરાબહેન મહેતા સાથે લગ્ન. ૧૯૪૬માં સાહિત્ય પરિષદના પ્રમુખ. જીવન સાદું-સરળ અને નિર્વવાદી. વાતચીતરસિયા. પ્રખર ગાંધીવાદી. સત્યાગ્રહી પણ. જેલવાસ પણ ભોગવ્યો. ૨૧-૦૮-૧૯૫૫ના રોજ મુંબઈ ખાતે ૬૮ વર્ષની વયે ત્રીજીવારના હૃદયરોગના હુમલાથી નિધન.

કવિ. વાર્તાકાર. નિબંધકાર. નાટ્યકાર. અનુવાદક. પિંગળશાસ્ત્રી. પણ સૌથી વધુ ખ્યાતિ તર્કશાસ્ત્રી-વિવેચક તરીકેની. શરૂમાં ‘જાત્રાળુ’, ‘ભૂલારામ’ અને પછીથી ‘શેષ’ના ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ના નામે નવલિકાઓ, અને હળવા નિબંધ ‘સ્વૈરવિહારી’ના નામે. વિવેચન, સંશોધન અને સંપાદન ઈત્યાદિ ફોઈ દીધા નામથી. દ્વિરેફ ઉપનામ માટે એમણે ખુલાસો આપ્યો હતો: ‘દ્વિરેફનો અર્થ પણ મારે કરી આપવો પડશે. એ શબ્દનો રૂઢ અર્થ ભ્રમર થાય છે, પણ પુષ્પોમાંથી મધ ભેગું કરી આપનારો ભમરો હોવાનો હું દાવો કરતો નથી. મને જગતમાં સર્વત્ર મધ દેખાતું નથી, અને મારી ઘણી વાર્તાઓ કડવી પણ હશે. હું રૂઢ અર્થમાં નહીં, યૌગિક અર્થમાં દ્વિરેફ છું. ભ્રમરની પેઠે મારા નામમાં પણ બે રેફ-રકાર છે.’ માત્ર સાક્ષરયુગ-પંડિતયુગના આકાશ કે ગાંધીયુગની ધરતીના સ્થાને એમના સર્જનમાં એ બંને જ્યાં ભેળાં મળે એ ક્ષિતિજનું સૌંદર્ય વધુ ઉજાગર થાય છે. ગાંધીયુગના કાવ્યગુરુ. સાચા શિક્ષક. વિશાળ શિષ્યમંડળ. આજીવન સાહિત્ય-શિક્ષણ સંસ્થાઓ-પ્રવૃત્તિઓમાં રત રહ્યા. ઉ.જો.એ કહ્યું હતું: ‘ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપવામાં ગૂજરાત વિદ્યાપીઠને સફળતા મળી હોય તો તે રામનારાયણ પાઠકને આભારી છે.’ છંદશાસ્ત્રની ગુજરાતી ગીતા સમો ૭૦૦ જેટલાં પાનાંઓમાં વહેંચાયેલ વૈજ્ઞાનિક અભિગમવાળું ‘ઑલ ઇન્ક્લુઝીવ’ અભૂતપૂર્વ ‘બૃહત્ પિંગળ’ એમની કારકિર્દીનું સર્વોત્તમ છોગું. એમના કાવ્યોમાં વિષયવૈવિધ્ય કરતાંય સ્વરૂપ-આકાર-છંદની ઊંડી સમજ, કાવ્યબાની-વિદ્વત્શૈલી અને પ્રયોગોની વિવિધતા વિશેષ ધ્યાનાર્હ છે. સજાગ કવિકર્મ, કાવ્યતત્વ અંગેની ચીવટાઈ, કલાસંયમ, શિષ્ટ-સુઘડ શબ્દાવલિ, પ્રેરણાના સ્થાને પ્રબુદ્ધિની મહત્તાના કારણે એમની કવિતા ‘કાવ્યજ્ઞની કવિતા’ તરીકે ઓળખાય છે. વધુ પડતા આયાસ-કૃત્રિમતા અને તર્કપ્રાધાન્યના કારણે એમની કવિતા ક્યારેક ગદ્યાળુ બની રહે છે. સુરેશ દલાલ એમની કવિતાઓમાં ‘અસાધારણ સંયમ સાથે ઊર્મિનું ચિંતનશીલ નિરૂપણ’ તથા ‘ઊર્મિ અને બુદ્ધિનો ભાગ્યે જ જોવા મળતો વિવેકપુરઃસર સમન્વય’ તરફ ધ્યાન દોરે છે. મહાકાવ્ય સિવાય ગઝલ સહિત, લગભગ બધા કાવ્યપ્રકારોમાં કામ કર્યું. બહુધા પ્રભુ, પ્રકૃતિ અને પ્રણયના કવિ. ટૂંકમાં, ‘શેષ’ ગુજરાતી કવિતાનો ‘વિશેષ’ છે!

કવિતાનું શીર્ષક ‘છેલ્લું દર્શન’ કવિતાના વિષયવસ્તુ ખોલી આપે છે. ફરી મળી કે જોઈ ન શકાય એવી જગ્યાએ કોઈક જઈ રહ્યું છે અને એને જીવનમાં છેલ્લીવાર જોવાની વાત અહીં હશે એ સમજાય છે. કવિએ પોતે જે વાત કરવી છે એ માટે સૉનેટને કાવ્યપ્રકાર તરીકે પસંદ કર્યું છે. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકની પંક્તિવ્યવસ્થા શેઇક્સપિરિઅન સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે પણ કવિએ પ્રાસની પળોજણમાં પડવાથી પોતાને મુક્ત રાખ્યા છે. આ વાત કદાચ જીવનનો પ્રાસ ખોરવાયા હોવાનું પણ ઈંગિત કરતી હોય. જો કે શેષના કાવ્યોનો અભ્યાસ કરતાં સમજાય છે કે કવિને પ્રાસવ્યવસ્થા ઝાઝી માફક આવી નથી. કવિએ પ્રમાણમાં અગેય એવો પૃથ્વી છંદ પ્રયોજ્યો છે એનું કારણ પણ કદાચ જીવનસંગીત મંદ પડી ગયું હોવાનું વિચારી શકાય. કવિપત્નીનું નિધન થયું છે. માત્ર સોળ વર્ષની વયે કવિના લગ્ન થયા હતા. અને પંદર જ વર્ષનો સહવાસ આપીને પત્ની દેવલોકપ્રયાણ કરી ગયાં હતાં. કવિનો પત્ની માટેનો અનુરાગ લગભગ ત્રણ દાયકા કવિએ વિધુરાવસ્થામાં વીતાવ્યા એ પરથી સમજી શકાય છે. સ્વગતોક્તિ સ્વરૂપે લખાયેલ પ્રસ્તુત રચના મૃત્યુના બારેક વર્ષ બાદ ૧૯૩૦માં લખાયેલી હોવા છતાં તાજી જ લખાઈ હોઈ એમ લાગે છે. બાર વરસના વહાણાં વહી ગયાં હોવાં છતાં ઘટના બે ઘડી પહેલાં જ બની ન હોય એવી સંવેદનની અભૂતપૂર્વ તાજપ પણ કવિના પત્નીપ્રેમનું અનુમોદન કરે છે. ચન્દ્રશંકર ભટ્ટ પત્નીના અવસાન શોકમાંથી જન્મેલા આ સૉનેટમાં ‘અંતર્ઘનગૂઢ વ્યથાનું રૂદન કે રોતલપણામાં સરી પડ્યા વિના, પૂર્ણ સંયમથી થયેલું આલેખન નોંધપાત્ર’ હોવાનું જણાવે છે.

કવિતાની શરૂઆત ‘ધમાલ ન કરો’ના આદેશથી થાય છે. ખરે તો ત્રણેય ચતુષ્કની શરૂઆત આ જ ધ્રુવકડીથી થાય છે. જુવાનજોધ પત્નીનું મૃત્યુ થયું હોય ત્યારે ઘરમાં કેવી ધાંધલ-ધમાલ મચી હોય એ તો સહેજે સમજી શકાય. નાયકના ઘરેય એવી જ પરિસ્થિતિ હશે પણ એક-એક કરતાં ત્રણ-ત્રણવાર ‘ધમાલ ન કરો’નો આદેશ એ આપે છે. હા, આદેશ! નાયક સગાંવહાલાંઓને વિનંતી કરે એવો દીન નથી. આવી શોકાતુર સ્થિતિમાં પણ સહુને આદેશ આપી શકે અને આદેશનું યથાર્થ પાલન કરવાથી સગાંઓ ચ્યુત થતાં દેખાય તો રહી-રહીને પોતાનો આદેશ દોહરાવી-ત્રેવડાવી આદેશપાલન કરવા સહુને મજબૂર કરી શકે એ એટલો સ્વસ્થ અને બહાદુર પણ છે. પુનરુક્તિના માધ્યમથી કવિ મૃત્યુનો આ પ્રસંગ આપણે જોયેલ-જાણેલ સહુ પ્રસંગોથી અલગ હોવાનો છે, એની આપણને સફળતાપૂર્વક દૃઢ પ્રતીતિ પણ કરાવે છે. સમર્થ કવિ શબ્દો પાસે કેવું ધાર્યું કામ કઢાવી શકે એનો આ સચોટ દાખલો ગણાય. જો કે કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે નાયક સગાંઓ કે સગાંઓએ મચાવેલી ધમાલથી બહુ દૂર જઈને ઊભો છે. આ આદેશ એ અન્ય કોઈને નહીં, પોતાની જાતને જ દઈ-દોહરાવી રહ્યો છે.

નાયક ધમાલ ન કરવાનો આદેશ આપતાં આંખોને સહેજ પણ ભીનાં ન થવાનું કહે છે. બીજી જ પંક્તિમાં આંસુઓને થોડીવાર થંભવાને અનુરોધ પણ કરવામાં આવે છે, એ પરથી સમજી શકાય છે કે પ્રિયજનના મૃત્યુથી પાછળ રહી જનારને તકલીફ તો છે જ. આંખમાં આંસુઓ તો છે જ પણ એને અંદર જ ધરબી રાખવાનાં છે. બહાર આવવા દેવાનાં નથી. કેમ? કેમ કે મૃતદેહને તો થોડી જ વારમાં અગ્નિભેગો કરી દેવામાં આવશે. જે ઘડી-બે ઘડી વચ્ચે મળી છે, એ દરમિયાન આંખમાં જો આંસુઓ ધસી આવે તો દૃષ્ટિ ધૂંધળી થઈ જાય અને જનારને છેલ્લીવાર ધરાઈને જોવાની તક પણ ભસ્મીભૂત થઈ જાય. આંસુઓને અટકવાનો અને આંખોને લગરિક પણ ભીનાં ન થવાનો અદેશ દઈ નાયક અટકતો નથી. એ એમને વળી કૃતાર્થ પણ થવા કહે છે. કવિ અહીં ‘જોઈ લો’ કે ‘નિહાળી લો’ના સ્થાને ‘કૃતાર્થ થઈ લો’ પ્રયોજે છે. મતલબ આ અંતિમ દર્શન એ કોઈ રોજિંદી વાત નથી, આ દર્શન કરવામાં આવે તો જ આંખો જે કામ માટે સર્જાઈ છે, એનું પ્રયોજન સિદ્ધ થશે, તો જ આંખોનો જન્મારો સફળ થયો ગણાશે. આ દુનિયા જેના વડે હસતી અને મંગળ વર્તાતી હતી, એ સૌંદર્ય હવે નિષ્પ્રાણ થયું છે. પણ હજી ઘડી-પળ આંખોને એનું આકંઠ પાન કરી મોક્ષસુખ પામવાની તક છે. વળી, આંખોએ આ તક જતી કરવાની નથી એવો નાયકનો આદેશ પણ છે.

નાયક ફરી ધમાલ ન કરવાનો આદેશ કરે છે. આ વખતે આદેશ મૃતદેહને યોગ્ય શણગારવા માટે છે. મૃત્યુ આમ તો અમંગલ ગણાય છે, પણ નાયક માંગલ્યચિહ્નોથી એને શણગારવા હુકમ કરે છે. એ મૃતદેહને વિદાય આપતી વખતે એને અગરુ, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, ફૂલો, તથા શ્રીફળો ધરવા કહે છે. કવિ વિયોગને સ્થાને સુયોગ શબ્દ પ્રયોજે છે, એ નોંધ્યા વિના આગળ વધીએ તો કવિતા મરી જાય. આ આખરી દર્શન એમના માટે અણમોલ, સુંદર અને સુહાગી માંગલ્યનો પ્રસંગ છે, નહીં કે દુર્ભાગી અમાંગલ્યનો. મૃતક પત્નીને દુલ્હનની જેમ શણગારવાના કવિનો આગ્રહ તરત જ રાવજી પટેલની અમર રચના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ની યાદ અપાવે છે, જેમાં શોકગીતને લોકગીત અને મરણને પરણના વાઘાં પહેરાવીને કવિએ કરુણતાની એવી ધાર કાઢી છે, જે આજે પણ સહૃદય ગુજરાતી ભાવકોની આંખ ભીની કર્યા વિના રહેતી નથી.

ત્રીજી અને આખરી વાર ધમાલ ન કરવાનું ફરમાન કરતો નાયક મૃતકના સ્મરણ તરીકે કશુંય સાચવવાની ના કહે છે. ઉમરની પીંછી તો શરીર પર અનવરત ફરતી જ રહેવાની, એટલે સમય સાથે શારીરિક સૌંદર્ય તો ક્રમશઃ ઓઝપાતું જ રહેવાનું. પણ પ્રેમના કાચમાંથી જોઈએ ત્યારે કશું અસુંદર લાગતું નથી. લૈલા જેવી બદસૂરત યુવતી પણ મજનૂને મન સ્વર્ગની અપ્સરાથીય વધીને હતી. દામ્પત્યના વર્ષોના વહાણાં વહી ચૂક્યાં હોવા છતાં નાયકને પત્નીનું સૌંદર્ય અંત સુધી ઢળતું નહીં, વિકસતું જ રહ્યું છે. હવે એ સૌંદર્ય પરથી કોઈક વસ્તુ સાચવવાના નામે ઊઠાવી લેવામાં આવે તો એની અખંડિતતાનો ભંગ થાય. બહુધા મરણ સ્મરણ બનીને રહી જતું હોય છે. કલાપી પણ ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું’ કહી ગયા, પણ અહીં તો કવિને સ્મરણ સામેય વિરોધ છે. હૃદયમાં ભાર્યાનું જે સ્થાન બન્યું છે, એ અવર કોઈ સ્વજન તો ઠીક, એના પોતાનાં સંસ્મરણો પણ પૂરી શકવાનાં નથી. કેવી અભૂતપૂર્વ વાત! મૃત્યુ તરફ જોવાની ‘શેષ’ની દૃષ્ટિ વિશેષ જ હતી. ‘જ્યારે આ આયખું ખૂટે’ કવિતાની કેટલીક કડીઓ જોવા જેવી છે:

જેવી રીત માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લીએ,
નવા અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દીએ;
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કોમાં નવજીવન ભરજે,
મારો કોને લોપ ન નડશો,
મારો કોઈ શોક ન કરશો;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.

અન્ય એક કવિતામાં કવિ કહે છે: ‘હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,/ ધસી મૃત્યુમુખે હસવાનું જ દે.’ ટૂંકમાં, કવિ સમજે છે કે ‘ઈસ જગમેં જન સબ હૈ યાત્રિક,/ કિસકા કૌન મ્હેમાન?/માર્ગ કાજ સંગત, નહિ સંગત-/કાજ માર્ગ: નિર્વાણ!’ જીવન સાથે અવિનાભાવે જોડાયેલ મૃત્યુને સંતની દૃષ્ટિથી જેણે આજીવન જોયું-સ્વીકાર્યું હોય એ માણસ જ આવી વાતો કરી શકે.

કવિતા અહીં સુધી જીવનસંગિનીના મૃત્યુ અને એ પ્રસંગે જીવનસાથીના અવિચલ અભિગમ અને ઉદાત્ત પ્રેમસંબંધ વિશે પ્રકાશ નાંખે છે. સૉનેટને જે અભિપ્રેત છે એ ચોટ કાવ્યાંતે આવે છે, જે કવિતાને ખરો અર્થ પૂરો પાડે છે. કાવ્યાંતે કવિ સહજીવનના પ્રારંભબિંદુ અને અંત્યબિંદુને ભેગાં કરી દામ્પત્યનું વર્તુળ પૂરું કરે છે. અગ્નિની સાક્ષીએ મંગળફેરા ફરીને બે જણ સાયુજ્ય પામ્યાં હતાં. આજે જીવન ફરીથી અગ્નિ સુધી આવ્યું છે. ચિતા સળગશે અને પત્નીનો પાર્થિવ દેહ અગ્નિમાં ભળી જશે. અગ્નિ મિલન અને જુદાઈ બંને પળોનો સાક્ષી છે. આ અગ્નિ સમીપ ‘લગ્ન!!’ કરતી વેળાએ કવિએ નિર્ધર્યું હતું કે, ‘અગ્નિ આ જે આંહી કીધો પ્રદીપ્ત,/તે ના લાજા હોમવાને કરેલો-/હોમાશે ત્યાં હૈયું ને હીર મારાં!’ લગ્નને એમણે ‘કોડીલી કન્યકાના આયુ-લાંબા-મૃત્યુદીક્ષાની મહેફિલ’ ગણાવી છે. અગ્નિ સમીપે જ બંને દ્વૈત મટી અદ્વૈત થયાં હતાં અને આજે એ જ અગ્નિ પત્નીને લઈ જશે, ને પાછળ નાયક એકલો રહી જશે, પણ હવે દ્વૈતત્વ સંભવ નથી. અગ્નિએ જ શાશ્વત અદ્વૈતપણું આપ્યું છે. એટલે નાયક અગ્નિ સાથે જ વાર્તાલાપ કરતાં પૂછે છે, હે અગ્નિ! તારી સમીપે જ અમે બે મળ્યાં અને જુદા પણ થઈએ છીએ; તો તું જ કહે, આ સુંદરી વધુ ભવ્ય અને મંગળ નથી? જીવન-મરણ બંનેને સમાનભાવે નીરખવાની આવી સાધુદૃષ્ટિ હરિશ્ચન્દ્ર ભટ્ટના અમર કાવ્ય ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’માં પણ જોવા મળે છે, જેમાં ભરયુવાનીમાં નિધન પામેલી બહેન માટે કવિ ‘શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો’ કહીને અગ્નિને જીવનશૃંગારની પરિપૂર્ણતા તરીકે નિર્દેષે છે.

ચન્દ્રશંકર ભટ્ટના શબ્દોમાં આ કવિતામાં: ‘સંયોગના માંગલ્યનો તેમ જ માંગલ્યના વિયોગનો સાક્ષી અગ્નિ છે. તેથી જ કવિ પહેલા પ્રસંગ જેટલો જ ભવ્ય- મંગલ, વિયોગના પ્રસંગને ગણે છે.’ ચૌદ પંક્તિની રચનામાં પાઠકસાહેબ એક વાર પણ મૃત્યુ શબ્દ પ્રયોજતા નથી, બલકે ત્રણવાર ‘મંગલ’ શબ્દ વાપરે છે. એ જ રીતે ‘વિયોગ’ નહીં, તેઓ ‘સુયોગ’ શબ્દ પસંદ કરે છે. મૃત્યુ બે જણના મિલાપને વિલાપમાં ન પલોટી દે એ વિષયમાં કવિ કૃતનિશ્ચયી છે. સરળ-સહજ હૃદયબાનીમાં લખાયેલ આ કવિતા વાંચતા જ સમજાય એવી છે. પણ એ સમજવા-સમજાવવા કરતાં વધુ અનુભવવાની કવિતા છે. દિલથી લખાઈ હોવાથી આ કવિતા દિલને તરત જ સ્પર્શે છે. ટૂંકમાં, સાચી સંવેદના, ઊંડી કલાસૂઝ, બૌદ્ધિક સંયમ, સભાન કવિકર્મ અને માંગલ્યોચિત શબ્દવિન્યાસના કારણે પ્રસ્તુત સૉનેટ ગુજરાતી ભાષાના ઉત્તમ સૉનેટોમાં મોખરાનું સ્થાન પામ્યું છે.

ગ્લોબલ કવિતા : ૧૩૬ : કેમકે કોઈ મદદ શક્ય જ નથી – માઇકલ ડ્રાઇટન

Since There’s No Help

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

– Michael Drayton

કેમકે કોઈ મદદ શક્ય જ નથી

કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.

મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.

પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.

જ્યારે એના નામનું નાહી જ નાખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

જ્યારે બધી જ આશાઓ મરી પરવારે…

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

– બસોએક વર્ષ પહેલાં મિર્ઝા ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? અઢીએક હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ પણ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે. પણ બુદ્ધ કવિ નહોતા, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ હતા. કવિને નિવારણમાં રસ નથી, સંતને એમાં જ છે. બુદ્ધ કહે છે કે જો અપેક્ષા દુઃખનું કારણ છે તો એ કારણનું નિવારણ પણ છે, જે વળી શક્ય પણ છે. પ્રસ્તુત કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું માઇકલ ડ્રેઇટનનું આ કાવ્ય બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પાડે છે.

માઇકલ ડ્રેઇટન. ઇંગ્લેન્ડમાં હાર્ટ્સહિલ (વૉરવીકશાયર) ખાતે ઈ.સ. ૧૫૬૩માં જન્મ. પ્રારંભિક જીવન વિશે વિશેષ જાણકારી નથી. એમની કવિતાઓ વિ. પરથી ઘણુંખરું અનુમાનિત કરવામાં આવ્યું છે. કવિ તરીકે કિસ્મત ચમકાવવા એ ૧૫૯૧ની આસપાસ લંડન સ્થાયી થયા. ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. લોકોના ઘરે નોકર તરીકે જીવ્યા પણ પછી મહારાણી એલિઝાબેથ પ્રથમના દરબારમાં મોભાનું સ્થાન પણ શોભાવ્યું. એલિઝાબેથ પછી જેમ્સ પહેલાના દરબારમાં પ્રામાણિક અને આખાબોલા કવિએ અવગણનાનો સામનો કરવો પડ્યો. સર હેન્રી ગુડ્યર (કે ગુડરે)ના ઘરે તેઓ મોટા થયા હોવાનું મનાય છે અને એમની જ છોકરી એનના પ્રેમમાં હતા. એનને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો પણ એન જ નહીં, કોઈપણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. સ્વભાવે મમતાળુ અને મિત્રવર્ગ બહોળો. તત્કાલીન પ્રસિદ્ધ સાહિત્યકારો બેન જોન્સન અને શેક્સપિઅર પણ એમના મિત્ર. પણ જીવનમાં પૈસાના સ્થાને પ્રતિષ્ઠા અને દોસ્તી જ કમાઈ શક્યા. દારૂણ ગરીબીમાં જ ૨૩-૧૨-૧૬૩૧ના રોજ નિધન.

અગ્રણી એલિઝાબેથન/જેકોબિઅન કવિ. નાટ્યકાર. વિપુલ માત્રામાં સાહિત્યસર્જન. તેઓ કવિને જનતાના પ્રવક્તા ગણતા અને સારું સાહિત્યસર્જન કવિની ફરજ ગણતા. કાળજીપૂર્વકનું સંનિષ્ઠ કવિકર્મ અને પુરુષાર્થ એમની મોટાભાગની કૃતિઓમાં નજરે ચડે છે. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ, એ અંગ્રેજી ‘ઓડ’ના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિય કરનાર હતા. હોરેસની શૈલી એમણે પહેલવહેલીવાર અંગ્રેજીમાં ઉતારી આણી. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા. એકાધિક ભાગોમાં વહેંચાયેલી દીર્ઘ કવિતાઓ એમની વિશેષતા રહી, જેમાં એમની આત્મકથાના અંશો ઉપરાંત સમસ્ત ઇંગ્લેન્ડનું, એની પુરાકથાઓ અને ઇતિહાસ સહિતનું સર્વાંગી દર્શન થાય છે. પોલિ-ઓલ્બિયન તો ૧૫,૦૦૦ પંક્તિઓનું મહત્ત્વાકાંક્ષી મહાકાવ્ય છે. એમણે લખ્યું છે: ‘મારાં ગીત મારા મનની સાફ છબી છે.’

‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ એ ‘આઇડિયા’ના કથિત નામે એનને જ સંબોધીને લખેલ સૉનેટ-સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલી. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. પ્રાસવ્યવસ્થા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રકારની અને ચુસ્ત. પણ યુગ્મકમાં ક-ક પ્રકારની અને સુસ્ત (over-recover), અંગ્રેજીમાં જેને eye-rhyme કહે છે. છંદ અંગ્રેજી કવિતાઓમાં સામાન્ય રીતે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર. પણ તેરમી પંક્તિમાં દસના બદલે બાર અને આખરી (ચૌદમી) પંક્તિમાં અગિયાર શબ્દાંશ (સિલેબલ્સ) વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે પણ પ્રાસવ્યવસ્થા મૂળ અંગ્રેજી મુજબ જ ચતુષ્કોમાં ચુસ્ત અને યુગ્મકમાં સુસ્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત મૂળ કવિતાને અનુસરીને તેરમી પંક્તિમાં બે અને ચૌદમી પંક્તિમાં એક ગુરુ બાકીની પંક્તિઓ કરતાં વધુ વાપરવામાં આવ્યા છે.

કવિતાનું શીર્ષક એ જ એનો પ્રારંભ છે. ‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ વાંચતા એટલું સમજી શકાય છે કે જે કોઈ મદદ કરવાની હતી, એ બધી અગાઉ કરી દેવામાં આવી હશે. ‘કેમકે’નો પ્રયોગ પણ શક્ય હતાં એ બધાં જ કારણો નાણી જોવાયાં છે એ વાત દૃઢીભૂત કરે છે. ‘ચુંબન કરી થઈએ અલગ’ વાંચતા જ ભીતર હચમચાટ અનુભવાય છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ થઈ ચૂકી હોવા છતાં હવે આ સંબંધ એ જગ્યાએ આવી પહોંચ્યો છે, જ્યાંથી પુનર્જોડાણ શક્ય જ નથી. ‘આપણે અહીંથી હવે થઈએ અલગ, આપણી પાસે હવે કંઈ પણ નથી’ જેવી આ ક્ષણ છે. સંબંધ હવે ટકી શકે એમ નથી એમ નાયકે સ્વીકારી લીધું છે. સામા પક્ષે નાયિકાએ પણ આ ફેંસલો સ્વીકારી લીધો હોવાનું અનુભવાય છે. કવિતા ભલે નાયકની સ્વગતોક્તિ હોય, પણ સામા પક્ષ તરફથી નાયકની વાત કોઈ કાપતું હોય એવું દેખાતું નથી. મતલબ જે કોઈ નિર્ણય છે, એ બંને પક્ષે સમજીને જ લીધો છે. ‘કોઈ મદદ હવે શક્ય જ નથી’ની જે વાત છે, એ મદદ બંને પક્ષ પોતપોતાની ક્ષમતાનુસાર મહત્તમ કરી ચૂક્યા પછીની ક્ષણની આ કવિતા છે. પણ સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. આ કાવ્ય પ્રેમની નિષ્ફળતાની અસમંજસની ચરમસીમાએ ઊભું છે. કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે! છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. નાયક કહે છે, ના, હવે બસ, બહુ થયું. હવે તું મને સહેજ પણ વધુ પામી શકનાર નથી. જે પામવા-અનુભવવાનું હતું, એ બધું હવે સમાપ્ત થઈ ચૂક્યું છે. સંબંધમાં સહનશક્તિની પરાકાષ્ઠા આવી ચૂકી છે. નન્નો પરખાવીને નાયક પોતાનો ઈરાદો બુલંદ કરે છે અને વળી, પોતે ખુશ છે, હા, દિલના આખરીમાં આખરી ઊંડાણ લગ ખુશ છે, એમ ખુશ હોવાની વાતની પુનરુક્તિ કરીને નિર્ણય પર મતુ મારે છે. અને સંબંધના કોફીન પર આખરી ખીલો ઠોકતા એ કહે છે, કે પોતે પોતાની જાતને આમ સિફતથી, સફાઈથી પૂરેપૂરી છોડાવી શક્યો છે એ વાતની પોતાને ખુશી પણ છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? પાશ્ચત્ય સંસ્કૃતિની વાત અલગ છે, પણ આપણે ત્યાં તો સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધને વરસોનો નહીં, જન્મોજનમનો ગણવામાં આવે છે. એ વાત અલગ છે કે અનંતકાલીન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકે છે. પાશ્ચાત્ય દેશોમાં પણ છૂટાછેડાની માત્રા ભલે વધુ હોય, સંબંધોને ટકાવવાની મથામણ અને થાકી ન જવાય ત્યાં સુધી વેંઢાર્યે રાખવાની કસરત તો આપણા જેવી જ છે. એ વિના આવી કવિતા શક્ય બને ખરી? કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે. ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી. મરી ગયેલા સંબંધની લાશ ખભે વેંઢારીને આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ આજીવન એકની એક સફરના આંટા માર્યે રાખીએ છીએ. બહુ ઓછા હશે જે આ નાયકની જેમ મરેલા સંબંધની લાશ ખભેથી ઉતારી એને દફનાવવાની હિંમત કરતા હશે.

છૂટાં પડતાં પહેલાં ચુંબન કરી લીધું, આલિંગી પણ લીધું. આત્મીય ઔપચારિકતાઓ ખતમ થઈ. પોતે ખુશ છે એનો પુનરોચ્ચાર કરી નિશ્ચિત થવા માટે ખાતરી પણ આપી દીધી. હવે? હવે વારો સામાજીક ઔપચારિકતાનો. હસ્તધૂનન કરી લઈએ છેલવેલ્લીવાર. સાથે રહેવાના અને એકમેકને ખુશ રાખવા માટે જે કોઈ સોગંદ સાથે મળીને લીધા હતા, એ તમામને રદકરાર આપી દઈએ. ન કરે નારાયણ, ને ક્યાંક મળવાનું બને, એકબીજાની સામે આવી ઊભા રહીએ તો બેમાંથી એકેયના ચહેરા પરથી એવું પ્રકટ થવું ન જોઈએ કે બેમાંથી એકેયના દિલમાં એ જૂના પ્રેમનો એકાદ અંશ પણ ભૂલેચૂકેય હજી બચી ગયો છે. બેમાંથી એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે. ‘મેરી પ્યારી બિન્દુ’ ફિલ્મના એક ગીતમાં આવી જ વાત બહુ સહજતાથી કહેવામાં આવી છે: ‘रास्ते में जो मिलो, तो दूर से ही तुम मुस्काना; लेकिन मुस्कान हो ऐसी, कि जिसमें इकरार नहीं|’ વર્ષોના સંબંધનો આ તે કેવો અંત? એક કવિતામાં ડ્રેઇટન આવી જ લાગણી આલેખે છે: ‘મને કહો કે દુનિયાની શરૂઆત થઈ તે ઘડીથી આજ લગ/આવા અદભુત ઉદયનો આવો કલુષિત અસ્ત કદી થયો હોય તો.’

આઇસીસીયુમાં જવાનું થયું હોય એવા લોકો આ ચિત્રથી પરિચિત જ હોવાના. હાર્ટએટેકના કારણે બ્લડપ્રેસર ઘટી જાય. બ્લડપ્રેસર ઘટે એટલે કિડની કામ કરતી બંધ થાય. કિડની નબળી પડે એટલે લિવર ખોટકાય અને શરીરમાંથી બગાડ નીકળતો બંધ થાય એટલે ફેફસાં જવાબ દઈ દે, વેન્ટિલેટરની જરૂર પડે અને મગજ પણ આ અવયવોને સાથ આપવામાં પાછી પાની કરતું નથી, એ પણ અસ્તાચળે પ્રયાણ આદરે છે. બરાબર, આવું જ ચિત્ર કવિ સજીવારોપણ અલંકાર વડે રજૂ કરે છે. પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે. એની નાડ ધીમી પડી રહી છે. પાસે જ જે આવેશથી બંને એકમેકમાં ઓગળી જઈ એક થઈ જતાં હતાં, એ આવેશ વાચાહીન થઈ પડ્યો છે. પ્રેમની મૃત્યુશૈયાની બાજુમાંજ શ્રદ્ધા પણ હાર સ્વીકારી ઘૂંટણિયા ટેકવી બેઠી છે. જીવનમાં જે કંઈ નિર્દોષતા હતી, એ પણ ધીમે ધીમે એની આંખ બીડી રહી છે. ટૂંકમાં, પ્રેમ એની સાથે જે-જે મિત્રોને લઈને આ બેના જીવનમાં આવ્યો હતો એ તમામ મિત્રોને લઈને મરણ પામવાની તૈયારીમાં છે. પ્રેમ વિના કશું જ ટકી શકતું નથી. પ્રેમ સંબંધના શરીરનું હૃદય છે. એ બધી જ લાગણીઓને ટકાવી રાખે છે. ડ્રેઇટને જ એક કવિતામાં લખ્યું છે:

મારું હૃદય એરણ છે જ્યાં મારા વિચારો ધબકે છે,
મારા શબ્દો હથોડા છે, મારી ઇચ્છાઓને આકારતા,
મારી છાતી ભઠ્ઠી છે, બધી જ ગરમીઓને સમાવતી,
પ્રેમ ઈંધણ છે જે આગ સળગતી રાખે છે.

આખી કવિતા ઘેરા રંગની છે. વિષાદ શબ્દે-શબ્દે છલકાય છે. પણ એ છતાંય કવિ પંક્તિએ-પંક્તિએ કાળાભમ્મર વાદળની કોરેથી પ્રગટવા આતુર સોનેરી પ્રકાશ ચિતરવો ચૂક્યા નથી. છૂટા પડવું છે પણ લડી-ઝઘડીને નહીં, ચુંબન-હસ્તધૂનન કરીને. છૂટા પડવું છે પણ પોતે દુઃખી નથી એની ખાતરી એક-એક કરતાં બે વાર પોતે ખુશ છે, એમ કહીને આપવી પડે છે. કેમ વારુ? જો બધું ખતમ જ થઈ ચૂક્યું છે અને હવે કોઈ મદદ શક્ય જ નથી, તો સામાને પોતાની ખુશીની ખાતરી આપવાની દરકાર કેમ? સૌ શપથ રદ કરવાનાં, કેમકે એ રદ ન કર્યાં હોય તો બેઉના દિલે બોજ વર્તાયે રાખે અને આકસ્મિક ક્યાંક મળી જવાય તો બેમાંથી એકેના ચહેરા પરથી પ્રેમનો અંશમાત્ર પણ છતો ન થઈ જાય એની કાળજી રાખવાની ચીમકી. મતલબ, પ્રેમ ભલે મરવા પડ્યો હોવાનું એલાન કરવામાં આવે, દિલના ઊંડા ખૂણે એ છે જ એની પ્રતીતિ ઉભયપક્ષે છે જ. અને આખરી બે પંક્તિઓ તો આ સૉનેટના આભ આખાને સોનેરી ઉજાસથી અભરે ભરી દે છે. કવિની આ જ માનસિકતા અન્યત્ર પણ પ્રગટી છે: ‘જ્યારે હું પહેલીવાર સમાપ્ત થયો, ત્યારે મેં પહેલી શરૂઆત કરી,/જ્યાં મેં મહત્તમ ગુમાવ્યું, ત્યાં જ મેં મહત્તમ ચાહ્યું.’ અને કવિ સામા પાત્ર પાસે પણ આ જ રીતે નકારમાં હકારની અપેક્ષા સેવનાર છે: ‘હું હવે તને સાબિત કરી દઉં છું, કે તારો પ્રેમ અને નફરત આ જ છે,/તું નફરતમાં પ્રેમ કરે છે, અને નફરત થકી મને તને પ્રેમ કરાવડાવે છે.’

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. બંને જણે પ્રેમના નામનું નાહી નાખ્યું છે એમ કહેતાંમાં તો નાયક વિહ્વળ બની જાય છે. છોડી દઈએ, તોડી દઈએ કરવું અલગ વાત છે અને વાસ્તવિક્તાના દોરાહા પર આવી ઊભવાની ખાતરીનો સામનો કરવો અલગ વાત છે. મરણપથારીએ પડેલ પ્રેમ, વાચાહીન પડેલો આવેગ, લુપ્તગત શ્રદ્ધા, અને હાથતાળી દઈ ગયેલી નિર્દોષતા- આ બધું જ અચાનક જ વેન્ટિલેટરનો સાથ મળી ગયો હોય એમ આંખ ખોલે છે. કાવ્યારંભે અડીખમ નાયક કાવ્યાંતે આકસ્મિક ઘૂંટણિયા ટેકવી બેસે છે. એ નાયિકાને કહે છે, કે બધું બરાબર પણ જો તું ધારે તો આ પ્રેમને હજીયે મોતના મુખેથી ઉગારીને પરત જીવન તરફ લાવી શકે છે. તું જો એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો પુનરપિ આ પ્રેમ જીવિત થઈ ઊઠે… એક કવિતામાં ડ્રેઇટન કહે છે: ‘મારી માલકિન મારી બિમારી પર કાર્યરત છે,/દર કલાકે મને સાજો કરીને અને મારી નાખીને,/ફક્ત તેના સૌંદર્યની સર્વોપરી શક્તિ બતાવવા માટે.’

ना ना करते प्यार કરવાની અનોખી અદાએ આ સૉનેટને અમરત્વ બક્ષ્યું છે. ઇનકારના હૃદયમાં ભંડારાયેલ ઇકરારની શોધ અને સ્વીકાર આ કાવ્યનો પ્રાણ છે. સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કવિ અહીં આ સમજણનો જ સહારો લે છે. હતોત્સાહી હતાશ નાયક આશા માટે નાયિકા તરફ નજર કરે છે. આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. પણ પ્રયત્ન કરો તો ફરી એ બેઠો અવશ્ય થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….

ગ્લૉબલ કવિતા : ૧૩૫ : તે રમ્ય રાત્રે – સુન્દરમ્

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
તે રમ્ય રાત્રે,
રમણીય ગાત્રે !

– સુન્દરમ્

સ્થિતિભાવ અને ગતિભાવની વચ્ચેથી પ્રકટતો રતિભાવ…

શરીરની ભાષામાં જેનો અનુવાદ નહીં થાય એવો કોઈ પ્રણય ખરો? ‘પ્લેટોનિક લવ’ના ગમે એટલા ફીફાં કેમ ન ખાંડીએ, પરંતુ ભાગ્યે જ કોઈ પ્રેમી મળી આવશે જેને માત્ર પ્રેમ અને પ્રેમની વિભાવનામાં જ રસ હોય, શરીરમાં નહીં. આત્મીય પ્રેમના ગાણાં ગાનાર પણ ભીતર તો જાતીય પ્રેમનાં સપનાં જ જોતો હોય છે. એવા વિરલા ભાગ્યે જ મળશે જેને દૈહિકના બદલે માત્ર ઐહિક પ્રેમ જ ખપતો હોય. અનાદિકાળથી પ્રેમના ગીતો ગવાતાં આવ્યાં છે, જેમાં સૌંદર્યશૃંગાર અને શરીરસુખની આરત કેન્દ્રસ્થ રહ્યાં છે. આત્મીય પ્રેમનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલી વાર થાય તે ઘડીએ જે વિમાસણ અનુભવાય છે, એ વિમાસણ અને ઉકેલ –બંનેને આલેખતી અદભુત કવિતા સુન્દરમ્ ની કલમે આજે માણીએ…

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. માતા ઊજમબેન. પિતા પુરુષોત્તમદાસ કેશવદાસ. ૨૨-૦૩-૧૯૦૮ના રોજ ભરુચમાં આમોદ તાલુકાના મિયામાતર ગામમાં જન્મ. ત્રણેય જગ્યાએ શિક્ષણનો લાભ. ૧૦ વર્ષની વયે પિતાનું અવસાન. લુહારીકામના પૈતૃક વ્યવસાયમાં જોતરાવું ગમતું. ૧૧ વર્ષની વયે મંગળાગૌરી સાથે બાળલગ્ન. ૧૯૨૯માં ‘ભાષાવિશારદ.’ ૧૯૨૬માં ‘એકાંશ દે’ એ પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય. ૨૫ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો.’ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૦માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. બે વાર જેલવાસ. ૧૯૩૪ થી ૪૫ સુધી જ્યોતિસંઘમાં શિક્ષક. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડી. લિટ્.ની માનદ ઉપાધિ. અસંખ્ય ચંદ્રકો, પારિતોષિકો અને માન-અકરામ. ૧૯૮૫માં રાષ્ટ્રપતિ ઝૈલસિંહના હાથે પદ્મભૂષણ. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’નો મંત્ર આત્મસાત કરનાર સુન્દરમ્ પાતળી કાઠી, ગૌર વર્ણ, સદૈવ સ્મિતસભર બહુધા મૌન મુખમુદ્રા, તપસ્વીની આભા, ઋજુ વાણી, સ્વભાવે બાળક જેવા સરળ તથા નર્યા પારદર્શક વ્યક્તિત્વના સ્વામી હતા. બહુ ઓછા માણસને આવી અંદર હોય એ જ બહાર પણ હોવાની સહજતા હાંસિલ હોય છે. ચિત્રકામ, દિલરૂબાવાદન અને ફોટોગ્રાફીમાં પણ નિપુણ. ૧૩-૦૧-૧૯૯૧ના રોજ દેહોત્સર્ગ.

કવિ, વાર્તાકાર, વિવેચક, અનુવાદક. ધોધમાર સર્જકતા. વિપુલ સાહિત્યસર્જન. ‘ત્રિશૂલ’, ‘મરીચિ’, ‘વિશ્વકર્મા’, ‘સુન્દરમ્’ – એક નામ અને ચાર ઉપનામ પણ આજે ‘સુન્દરમ્’ કવિના નામનેય અતિક્રમી ગયું છે. કવિએ કહ્યું હતું: ‘’સુન્દરમ્’ શબ્દ મને ગાંધીજીની આત્મકથામાંથી મળી આવેલો. એમાં બાલાસુન્દરમ્ નામનો એક તમિલ મજૂર ગાંધીજી પાસે આવે છે. મેં ‘બાલા’ શબ્દ દૂર કરીને બાકીનો ભાગ રાખ્યો. આમ તો આ શબ્દ સત્યમ્ શિવમ્ સુન્દરમ્ ની મહાત્રિપુટીમાંનો એક છે, પણ તે મારી પાસે તો એક દરિદ્રતમ વ્યક્તિ પાસેથી આવ્યો.’ સ્વાતંત્ર્ય યજ્ઞમાં અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. કલ્પનશીલ રંગદર્શી માનસ અને તીવ્રતમ ભાવોદ્રેકથી ભાવક તત્ક્ષણ ભીંજાઈ જાય. ઉમાશંકર કહેતા કે ‘સુન્દરમ્ થતાં થાય તેવા કવિ છે.’ ઉમાશંકરે જ સુરેશ દલાલને જવાબ આપ્યો હતો: ‘સુ ન્દરમ્ ની કવિતામાં પ્રથમ રણકો ઊઠે છે- સચ્ચાઈનો- લોહીમાંથી, મજ્જામાંથી જાણે ઊઠતો ન હોય! બીજું તથ્ય છે: તાકાત. સુન્દરમ્ ના શબ્દો ભૌતિક વિશ્વની ગંજાવરતા અને માનવીયતાની નિઃસીમતાનો ભાવ સહજભાવે, નિરાયાસ ભાવે, ઊઠાવી શકે છે. ત્રીજું તત્ત્વ: સિદ્ધ થયેલી કલા-પ્રભાવિત કરે એવી શબ્દશોધ અંગેની ઉપાસના અને રજૂઆત.’ એક જ સમયગાળામાં સાહિત્યાકાશને ઝળાંહળાં કરનાર ઉમાશંકર અને સુન્દરમ્ ને ગુજરાત ‘સારસ્વત સહોદર’ તરીકે ઓળખે છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. ‘ધ્રુવપદના સાધક’ સુન્દરમ્ પર છેલ્લા સાડા ચાર દાયકાના પોંડિચેરી-નિવાસ અને શ્રી અરવિંદ તથા માતાજીનો પ્રભાવ મહત્તમ રહ્યો. સૂક્ષ્મતમ આધ્યાત્મિક અનુભૂતિના કાવ્યનિર્ઝરના અસ્ખલિત પ્રવાહમાં અભીપ્સાની સાથોસાથ સમર્પણભાવ ઉદાત્ત અને પ્રમુખ. રમણલાલ જોશીને એમનામાં ‘સત્યની શોધ અને કળાની ગંભીર ઉપાસના, એ બંને ચીજો આગળ પડતી’ નજરે ચડી છે. વ્રજભાષાના પ્રયોગોમાં પણ માહિર.

સ્વરૂપની દૃષ્ટિએ મૂલવીએ તો ‘તે રમ્ય રાત્રે’ કવિતાને મુક્ત પદ્ય અથવા ઊર્મિકાવ્ય ગણી શકાય. કવિતા છંદમાં વહી જાય છે પણ પહેલા અને છેલ્લા બંધને બાદ કરતાં પ્રાસનો અભાવ છે અને ગીતનો આકાર પણ નથી, માત્ર ધ્રુવપંક્તિ કાવ્યાંતે પુનરાવર્તિત થાય છે એટલું જ. કવિએ મિશ્ર ઉપજાતિ છંદ પ્રયોજ્યો છે, જે ઇન્દ્રવ્રજા (ગાગાલગાગા લલગા લગાગા) અને ઉપેન્દ્રવ્રજા (લગાલગાગા લલગા લગાગા)નું સંમિશ્રણ છે, જો કે કવિએ ઘણી જગ્યાએ આખરી લગાગાના સ્થાને લગાલગા વાપરીને એક લઘુ ઊમેરી કાવ્યપ્રવાહને એકધારી ગતિ આપવાના બદલે લયનો આંચકો ભાવકને આપવાનું નિર્ધાર્યું છે. કાવ્યગતિ વચ્ચે વચ્ચે ખંડિત કરીને ભાવકને ક્ષણાર્ધ વહી જતો અટકાવનારી છંદ-ચેષ્ટાઓ વિશ્વકવિતાઓમાં અસંખ્ય જોવા મળે છે. આઠ દાયકાઓ પૂર્વે ૧૦-૦૭-૧૯૩૮ના રોજ, ભારત જ્યારે બસો વર્ષની ગુલામીમાંથી છૂટવા ઉન્નતમસ્તક લડી રહ્યું હતું ત્યારના પ્રખર રુઢિચુસ્ત સમાજમાં લખાઈ હોવા છતાં, પ્રણયમાં શરીરસુખની અનિવાર્ય અને અદમ્ય આકાંક્ષા આલેખતું નિતાંત સંભોગશૃંગારભર્યું આ કાવ્ય એટલું તો અદભુત થયું છે કે એને આજની તારીખે પણ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય કહીએ તો એમાં લવલેશ અતિશયોક્તિ નથી.

કવિતાનું જે શીર્ષક છે એ જ કાવ્યારંભ પણ છે. રામપ્રસાદ બક્ષીએ આ શીર્ષક સ-રસ ઊઘાડી આપ્યું હતું: ‘તે રમ્ય રાત્રે -મધુર સ્મરણોને વાગોળી રહેલા માનસનો આ એક જ ઉદગાર- વાચકના માનસમાં કુતૂહલ જગાડે છે. ‘રાત્રે’ એટલે રસરહસ્યમય રાત્રિસમયે; ‘રમ્ય રાત્રે’ એટલે કોઈ ચિરસ્મરણીય હૃદયસંતર્પક પ્રસંગથી ખાસ રમ્ય બની ગયેલી રાત્રે; ‘તે રમ્ય રાત્રે’ એટલે બીજી બધી રાત્રિઓથી જુદી, જુદો જ અપૂર્વ આહલાદ-અનુભવ કરાવી ગયેલી એવી, એ ચોક્કસ રાત્રે; આવી અર્થચર્વણામાં વાચક નિમગ્ન બને છે.’ રમ્ય એટલે માત્ર સુંદર જ નહીં, આંખ અને મન બંનેને તૃપ્ત કરે એવી પણ. અહીં બંને અર્થ સુસંગત છે. રાત રમણીય હતી કેમકે નાયિકા સાથે છે. સ્ત્રી-પુરુષના સાથે હોવાના અર્થમાં રાત્રિનો સંદર્ભ ભળતાં જ અર્થવિસ્ફોટ સર્જાય છે. રાતનું અંધારું શરીરના આકારની સાથે હોવાપણું પણ ઓગાળી દઈ એકાકાર કરી દેતું હોવાથી પુરુષ અને પ્રકૃતિનું જે સાયુજ્ય સર્જાય છે, એ અજવાળાના નસીબમાં ભાગ્યે જ આવે છે. સુંદરનો અહેસાસ અને સુંદરની અપેક્ષા બે ભેગાં થાય ત્યારે સુંદરતાનો સરવાળો નહીં, ગુણાકાર થાય છે. સુન્દરમ્ તો આમેય સૌંદર્યના કવિ છે. એ ‘હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વને; મૂકું કરી સુન્દર ચાહી ચાહી’ ગાનાર આકંઠ સૌંદર્યપ્રેમી છે. એટલે સૌંદર્યની અપેક્ષા સાકારિત થાય છે ત્યારે એમને પ્રેયસી રાત્રિ કરતાંય અધિક રમણીય લાગે છે. ન અંદર, ન બહાર એમ રમણી એની અધિકતર રમણીય દેહયષ્ટિ બારસાખ પર સહેજસાજ એમ ટેકવીને ઊભી હતી, જાણે થડ ઉપર કો’ક વેલી સહેજ ઢળીને ટકી ન હોય. ચાર ટૂંકી-ટૂંકી પંક્તિઓમાં કવિ એક સર્વાંગ ચિત્ર રજૂ કરે છે, જે દોરવા બેસો તો કદાચ કલાકો વીતી જાય!

પ્રેમના નામે વેવલાવેડા કરવાના બદલે કવિ ઝડપભેર નિર્ભીક નિર્દંભ અભિગમ સ્પષ્ટ કરે છે. ક્યાં સ્પર્શવી? ક્યાં ચૂમવી? આલિંગવી? આ કવિતા લખાયાના દાયકાઓ પછી પણ માત્ર સાહિત્યમાં જ નહીં, સાહિત્યથી એક કદમ આગળ ચાલતી હિંદી ફિલ્મોમાંય બે પ્રેમીઓનું મિલન બે ગુલાબ એકમેક સાથે ટકરાવીને પ્રણયના સ્થાને પ્રતીકપ્રદર્શનનો દંભ આપણે ત્યાં પ્રવર્તતો હતો. આ વરવી વાસ્તવિક્તા સમજીએ તો આ કવિતા એના જમાનાથી કેટલી આગળ હતી એનો ખ્યાલ આવે. વળી, અહીં નાયિકા કામકેલિની પહેલ કરે છે, એ અર્થમાં તો કવિતા આજના સમયથી પણ ઘણી આગળ ગણાય… શાશ્વત સૌંદર્યની આરાધ્યાદેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. એના ગાત્રો ગળી જય છે. આવી ઉત્તમ કામ્ય કાયાને કઈ જગ્યાએ અડવી, ક્યાં ચૂમવી ને સાચે આ દેહ પોતાને આલિંગવા માટે જ સર્જાયો છે એ નાયકનું હૈયું માની શકતું નથી. ‘કામ્ય કાયા’ પ્રયોગમાં પ્રસ્તુત કવિતામાં અવારનવાર અધિકતર સંગીત સર્જતી વર્ણસગાઈ તો છે જ પણ એ ઉપરાંત ‘કામ્ય’ શબ્દ ફરીથી સંયોગશૃંગાર બાબતમાં કવિનો નિખાલસ ઈરાદો સ્પષ્ટ કરે છે. કામ્ય એટલે સુંદર તો ખરું જ, જેની કામના હોય એય અને શબ્દમાં છૂપાયેલ ‘કામ’નો અછડતો સંસ્પર્શ પણ ખરો જ સ્તો. નાયિકાના ખરા સોના જેવા અવર્ણનીય સૌંદર્યના પ્રવાહમાં નાયકનું હૈયું જડ થઈ ગયું છે, થીજી ગયું છે. હૈમનો અર્થ સુવર્ણની સાથોસાથ જામવાની ક્રિયા અભિપ્રેત હોવાના કારણે હિમ-બરફ પણ કરી શકાય? નાયિકાના દેદિપ્યમાન પ્રભાવથી અંજાઈને ડઘાઈ ગયેલા નાયકના નિર્ણયો બરફ જેવા ઠંડા-થીજી ગયા છે.

પુરુષોની જિંદગીમાં અવઢવની ક્ષણે જડત્વ ઘણીવાર જોવા મળે છે. લાખ કોશિશો કર્યા બાદ, તેર-તેર વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અનિવાર્ય બની ગયેલા મહાભારતના યુદ્ધની વચ્ચોવચ પહોંચીને ગાત્રો શિથિલ થઈ જાય અને ગાંડીવ હાથમાંથી સરી જાય એવા અર્જુનોની દુનિયામાં કોઈ કમી નથી. તો સામા પક્ષે, દ્રૌપદીને આખા જીવનમાં કોઈ નિર્ણય કે સવાલ કરવામાં હિચકિચાહટ થઈ નહોતી. કારણ કદાચ એ હોય કે પુરુષ મગજથી વિચારે છે અને સ્ત્રી હૃદયથી. પુરુષના આચારની પાછળ અપ્રગટ વિચારો સંતાયેલા હોય છે, જ્યારે સ્ત્રીઓ બહુધા જે વિચારે છે, એ જ આચરતી હોય છે. પુરુષો મોટાભાગે હાથીના દાંત જેવા હોય છે, ચાવવાના જુદા અને બતાવવાના જુદા. કદાચ આ જ કારણે નિર્ણયની ઘડીએ ઘણીવાર પુરુષો અટકી જતા હોય છે, જ્યારે સ્ત્રીઓ સ્ફટિકસ્પષ્ટ માનસના કારણે તાત્ક્ષણિક નિર્ણય લેવામાં ખંચકાટ અનુભવતી નથી. અનિર્ણયનો કેદી અથવા તો સ્ત્રીદાક્ષિણ્યસભર નાયક પગ પાછા વાળવાની તૈયારી કરે છે, સ્ત્રી એના પારોઠના પગલાં વાંચી લેવામાંય નિષ્ફળ જતી નથી. માત્ર પુરુષ જ મિલનની આકાંક્ષાએ અહીં આવ્યો હતો એવું નથી, આ મિલન માટે નાયિકા પણ એટલી જ તૈયાર છે.

નાયકથી વિપરિત, નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ જ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાઈને એ ઊભી છે. એના હાથ કદાચ અત્યાર સુધી સોડિયામાં સમેટાયેલા હતા, એમાં ગતિનો સંચાર થયો. ધનુષકામઠા પેઠે વળાંક લઈને ઊભેલી કાયામાંથી નાયિકાનો હાથ નાયક તરફ લંબાય છે. સાક્ષાત્ કામદેવ ધનુષ પર તીર ચડાવીને શરસંધાન કરતા હોય એવું આ દૃષ્ય છે. કમાન થયેલી કાયાના ધનુષ્યમાંથી કામદેવના તીર જેવો નાયિકાનો હાથ માટીપગા પ્રેમીને વીંધવા જાણે નિશાન સાધી રહ્યો છે. જ્યાં પુરુષ હથિયાર ફેંકી દે છે, ત્યાં સ્ત્રી ‘હાથ ધરે છે.’ નથી રે જવાનું કહીને એ એને અટકાવી દે છે. નાયિકાને પામવાની કામના સાથે આગળ વધેલા પણ થીજી જઈને માત્ર નજરથી જ સૌંદર્યપાન કરતા નાયક અને નાયકને પામવા માટે પહેલ કરતી નાયિકા –એમ સ્થિતિભાવ અને ગતિભાવની વચ્ચે ક્રીડા કરતા રતિભાવને જોઈએ ત્યારે મુણ્ડકોપનિષદનો એક શ્લોક યાદ આવે:

द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥ (મુણ્ડક ૩, ખણ્ડ ૧, શ્લોક ૧)

સુંદર પાંખવાળા બે પક્ષીઓ, ઘનિષ્ઠ મિત્રો, એક જ વૃક્ષ પર રહે છે; એમાંથી એક વૃક્ષના સ્વાદિષ્ટ ફળ ખાય છે, બીજું ખાતું નથી પણ પોતાના મિત્રને જોયે રાખે છે. અહીં પણ કંઈક એવું જ બન્યું છે. નાયક મૂક સાક્ષી બની ગયો છે, જ્યારે નાયિકા પોતે શું કરવું છે એ બાબતમાં ન માત્ર સ્પષ્ટ છે, નિર્ણાયક પણ છે. પુરુષ તો નથી હલી શકતો, નથી ચાલી શકતો. નથી દૂર જઈ શકતો, નથી નજીક. ચુપકીદી દરિયા જેવડી વધી પડી. દરિયાની વચ્ચોવચ કોઈક એકલદોકલ ખડક પાસે છીછરા પાણીમાં કોઈ નાવ ભાંગીને ફસાઈ જાય અને ભાંગેલ નૌકાના અનંત મુસીબતોમાં ફસાઈ ગયેલા મુસાફરને બચાવવા કોઈ નૌકા નજીક સરી આવે એવી અનુભૂતિ નાયકને થાય છે. મૌનના મહેરામણમાં મૂઢતાના એકલવાયા ખડક સાથે અથડાઈને, ખોટકાઈ પડેલી નાવભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિકસ્પષ્ટ સમજણ સાથે. કેવું અદભુત કલ્પન!

કવિ ન્હાનાલાલ રચિત દીર્ઘ પદ્યનાટક ‘જયા-જયન્ત’ના કેટલાક અંશ સાથોસાથ માણવા જેવા છે. અંક બીજો, પ્રવેશ પહેલાના સંવાદમાંથી કેટલાક અંશ આ રચનાના હાર્દને આનુસાંગિક છે.

કવિશેખર: રસમંજરીનો મુગટ શૃંગાર રસ; /ને શૃંગારનો આત્મા કામ.
દેવી: ભુવન ભુવન મદનનાં મહારાજ્ય રે, /ગાવ ! ગાવ ! ગીત મદનરાજનાં, સખિ !
આચાર્ય: ગાઈ છે એમ કામસ્તુતિઃ/તો કામનીંદક તે વેદવિરોધી.
દેવી: મન્મથ તે જ મહાપ્રભુઃ/ઇચ્છા પૂરવી તે જ સદ્ધર્મ.

વર્ષો પહેલાંનું નાનાલાલનું આ નાટક શૃંગાર રસનો અને કામદેવના મહારાજ્યનો જે રીતે મહિમા કરે છે, એ ગુજરાતી કવિતામાં જૂજ જ જોવા મળે છે. કામને મહાપ્રભુ ગણાવાયો છે અને કામનિંદા કરે એને વેદવિરોધી. ઇચ્છાપૂર્તિને સત્-ધર્મ કહ્યો છે. અહીં પણ ઇચ્છાભર્યો હોવા છતાં અણીના ટાંકણે હિંમત ખોઈ બેસતા નાયકને જોઈને ઇચ્છાપૂર્તિ માટે મિલનની આ પળોનું સુકાન નાયિકા ત્વરિત હાથ ધરે છે, કેમકે એ જાણે છે કે આ ક્ષણોમાં એ જ સત્ધર્મ છે.

આગળ શું ઘટના ઘટી હશે એનો ઉત્તર કવિ પ્રશ્નો વડે આપે છે. નાયકને ક્યાં સ્પર્શ કરવો અને કઈ જગ્યાએથી ગ્રહવો એ બાબતમાં નાયિકાના મનમાં લેશમાત્ર પણ ગૂંચ હોવાનું નાયકને નજરે ચડતું નથી. આ ઘડીએ, ત્યારે પછી અર્ધરેખા (ડૅશ) મૂકીને કવિ મુખડાના ઉઘાડની પંક્તિઓ સાથે પુનઃસંધાન સાધે છે. શબ્દો એ જ છે, બલ્કે, પહેલાં કરતાં ઓછા છે, પરંતુ હવે ‘તે રમ્ય રાત્રે’ અને ‘રમણીય ગાત્રે’નો અર્થ સમૂચો બદલાઈ ગયો છે. રતિભાવ હવે સ્થિતિભાવ મટીને ગતિભાવ બની ચૂક્યો છે.

નખશિખ સંયોગશૃંગારની કવિતા છે. કવિએ પણ કોઈ ભાવ ગોપિત રાખવાની ‘કુ’ચેષ્ટા કરી નથી. ને તે છતાંય આ કાવ્ય એકપણ મર્યાદારેખા વળોટતું નથી એ કવિતાની ખરી ઉપલબ્ધિ છે અને કવિની ખરી સમર્થતા છે. ‘તને મેં ઝંખી છે/યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી’ના કવિ જ આવો અદભુત કલાસંયમ દાખવી શકે. બ.ક.ઠાકોર જેવા દુરારાધ્ય દેવ પણ આ કાવ્યના અંતભાગ ઉપર વારી ગયા હતા. ઉમાશંકરે પણ ‘ઉલ્બણ ઊર્મિને કલામાં ઢાળવાની સુન્દરમ્ ની શક્તિ અપ્રતિમ છે’ એમ અકારણ તો નહીં જ કહ્યું હોય ને?

ગ્લૉબલ કવિતા : ૧૩૪ : કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ

How to eat a poem

Don’t be polite.
Bite in.
Pick it up with your fingers and lick the juice that
may run down your chin.
It is ready and ripe now, whenever you are.

You do not need a knife or fork or spoon
or plate or napkin or tablecloth.

For there is no core
or stem
or rind
or pit
or seed
or skin
to throw away.

– Eve Merriam

કવિતા કેવી રીતે ખાવી

વિનમ્ર ન બનશો.
કરડી ખાવ.
ઊંચકી લો એને તમારી આંગળીઓ વડે અને ચાટી લો રસ
જે કદાચ તમારી દાઢી પરથી દડી પડે.
એ હવે તૈયાર છે અને પાકટ છે, જ્યારે પણ તમે હોવ.

તમારે જરૂર નથી પડવાની છરી અથવા કાંટો અથવા ચમચી
અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથની.

કારણ કે ત્યાં કોઈ ગર્ભ નથી
અથવા દાંડી
અથવા છાલ
અથવા ઠળિયો
અથવા બિયાં
અથવા ત્વચા
ફેંકી દેવા માટે.

– ઇવ મેરિઅમ
(અનુ. વિવેક મનહર ટેલર)


કવિતા ‘ખાવા’ની કળા…

કવિતા. શું છે કવિતા? ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? કવિતા કેવી રીતે લખાય? કવિતા વાંચવી કઈ રીતે? –આ બધા પ્રશ્નો કવિતાઓ લખાવી શરૂ થઈ ત્યારથી એકસમાન રીતે કવિઓ અને ભાવકો-બંનેને મૂંઝવતા આવ્યા છે. વિશ્વની તમામ કળાઓમાં કવિતાને શિરમોર ગણવામાં આવી છે. કવિતા કોઈપણ વિશ્વસંસ્કૃતિના સિરનો તાજ છે. કવિતા સમજવી બધાને સહેલ નથી. કવિતામાં રસ પડવો બધાને સુલભ નથી. ને કદાચ એટલે જ, કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. પણ જે લોકો એનો સ્વાદ લઈ શકે છે, એ લોકો માટે કવિતાથી મોટું કોઈ સુખ નથી. કલાપી કહી ગયા હતા:

કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.

ભોગવનાર ન હોય તો કળાનો કોઈ અર્થ સરતો નથી ને યોગ્ય ભોગવનાર મળે તો કળાથી મીઠું બીજું શું હોઈ શકે? કળાની આવી મીઠાશ મનભર કઈ રીતે માણવી એની વાત લઈને ઇવ મેરિઅમની આ કવિતા આપણી વચ્ચે ઉપસ્થિત છે.

ઇવ મેરિઅમ. ૧૯-૦૭-૧૯૧૬ના રોજ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા ખાતે મેક્સ મોસ્કોવિટ્ઝ અને જેની સિગેલના ઘરે જન્મ. મા-બાપ બંને રશિયાથી અમેરિકા આવીને સ્થાયી થયા હતા. પિતા કપડાંની દુકાનોની શૃંખલા ધરાવતા હોવાથી ફેશનનો હાથ ઝાલીને તેઓ મોટાં થયાં. બાળપણથી કવિતાનું સંગીત એ રીતે આકર્ષતું કે એમને લાગતું કવિ બનવું એ બીજું કંઈ નહીં, પણ એમની પોતાની આંતરિક જરૂરિયાત હતી. કવિતાના પ્રાસ કે શબ્દોની રમત કાને પડતી એ એમને એડ્રિનાલિનનું ઇન્જેક્શન કે પ્રાણવાયુ મળવા બરાબર લાગતું. સાત વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી હાઇ સ્કૂલમાં તો પ્રકાશિત કરવી શરૂ કરી દીધી. આર્ટ્સમાં સ્નાતક. શરૂમાં કોપીરાઇટર અને ફેશન સામયિકોના માનદ તંત્રી તરીકે કામ કર્યું. રેડિયૉ માટે પણ લખ્યું. પ્રાધ્યાપિકા તરીકે પણ સેવા બજાવી. મૂળ નામ ‘એવા મોસ્કોવિટ્ઝ’ પણ જ્યારે એમનું પુસ્તક કોઈ છાપતું નહોતું ત્યારે પોતાની યહૂદી અટક અંતરાય બનતી હોવાની એક પ્રોફેસરની સલાહ માનીને ટેબલ પર પડેલી મેરિઅમ-વેબ્સ્ટર ડિક્શનરીમાંથી મેરિઅમ લઈને ઇવ મેરિઅમ નામ અપનાવ્યું. ૩૦ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ. બાળકાવ્યોના તો જાદુગર જાણે. એમના બાળકાવ્યો અમેરિકામાં પેઢી-દર પેઢી ભણાવવામાં આવી રહ્યાં છે. ૬૦થી વધુ પુસ્તકો લખ્યાં. વારાફરતી ચાર લગ્ન કર્યાં: એર્વિન સ્પિટ્ઝર (૧૯૩૯), માર્ટિન માઇકલ (૧૯૪૭), લિઓનાર્ડ લેવિન (૧૯૬૩) અને છેલ્લે વાલ્ડો સૉલ્ટ (૧૯૮૩). પ્રવાસ અને સમુદ્રના આકંઠ ચાહક પણ જીવનના કેન્દ્રસ્થાને ન્યૂયૉર્ક જ રહ્યું. એ કહેતાં કે ‘હું મેનહટ્ટનની અંતિમ જીવંત નિવાસી હોવાની આશા રાખું છું જ્યારે અન્યો સૌ પરાં કે ઉપનગરો માટે છોડી ગયાં હોય.’ ૧૧-૦૪-૧૯૯૨ના રોજ ૭૫ વર્ષની વયે મેનહટ્ટન, ન્યૂયૉર્ક ખાતે યકૃતના કેન્સરના કારણે નિધન. મૃત્યુ નજીક હોવાની ખાતરી થયા બાદ લખાયેલ મૃત્યુ-વિષયક કાવ્યો ‘એમ્બ્રાસિંગ ધ ડાર્ક: ન્યૂ પૉએમ્સ’ નામે મરણોત્તર પ્રકાશિત થયાં.

વિપુલ માત્રામાં ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કર્યું હોવા છતાં અને સફળ નાટ્યકાર હોવા છતાંય ઇવ પ્રમુખતઃ કવયિત્રી જ હતાં. એ કહેતાં: ‘તમે કવિતાઓ લખો છો કેમકે એ તમારી અનિવાર્યતા છે… કેમકે તમે એમને લખ્યા વિના તમારું જીવન નહીં જીવી શકો.’ તેઓ ઉમદા જીવનકથાકાર પણ હતાં. નારીવાદી ચળવળો શરૂ થઈ એના ઘણાં વર્ષો પહેલાંથી ઇવના લખાણો, કટાક્ષોમાંથી એ વિશેનો બુલંદ અવાજ ઊઠવો શરૂ થયો હતો. પુરુષ-સ્ત્રી વચ્ચેની સામાજિક અસમાનતા સામેનો એમનો અભિગમ બહુ મજબૂત અને સટીક હતો. એમનો ક્રમિક રાજકીય દૃષ્ટિકોણ એમની કવિતાઓ અને નાટકોમાં શહેરી જીવન અને સામાજિક ન્યાયના સંદર્ભમાં સતત છતો થતો દેખાય છે. મેરિઅમની કવિતાઓ એક તરફ તમામ ઇન્દ્રિયો માટે ઉદ્દીપક અને સંતર્પકનું કામ કરે છે, તો બીજી તરફ આપણી મેધાને પણ પોષે-તોષે છે. મેરિઅમે પાનાં પર શબ્દોની ગોઠવણ બાબતમાં પણ કામ કર્યું હતું, અને એ રીતે દૃશ્યેન્દ્રિયને પોતાની કવિતામાં પૂરેપૂરી કામમાં લીધી હતી. પારંપારિક તુકબંદી ઉપરાંત રવાનુકરણ (onomatopoeia), અંતર્પ્રાસ, વર્ણસગાઈ, અનુનાદ (assonance), રુપક વગેરે તમામ કાવ્ય પ્રયુક્તિઓનો બહોળો પ્રયોગ એમની ખાસિયત ગણાય છે. કવિતાની ભાષા અને ભાષામાંનો અવાજ એ એમનો પ્રથમ પ્રેમ હતો, તો સામાજિક ન્યાય બીજો પ્રેમ હતો. સમાજની આકરી ટીકા કરતું ‘ઇનર સિટી મધર ગૂઝ’ પુસ્તક અમેરિકામાં સૌથી વધુ પ્રતિબંધિત થયેલ પુસ્તક હતું. આ પુસ્તકમાંની સૌથી ટૂંકી કવિતા આ હતી: ‘એક કુટિલ માણસ હતો,/ અને એ ખૂબ સારી રીતે જીવ્યો.’ આ પુસ્તક પરથી બનાવાયેલ સંગીત-નાટિકાએ બ્રૉડવે પર તહલકો મચાવ્યો હતો. ‘ધ વે વી વર’ ફિલ્મનું ‘કેટી મોરોસ્કી’ નામનું પાત્ર એમના જીવન પર આધારિત હતું.

‘કવિતા કેવી રીતે ખાવી’ નાની અમથી રચના છે. ૧૯૬૪માં બાળકો માટે લખાયેલ એમના ‘ઇટ ડઝન્ટ ઑલ્વેઝ હેવ ટુ રાઇમ’ પુસ્તકમાં આ કવિતા પ્રગટ થઈ હતી. બાળકો માટે લખવામાં આવેલ હોવા છતાં મેરિઅમના મોટાભાગના પુસ્તકો મોટેરાંઓને પણ સમાનભાવે અપીલ કરે છે. મેરિઅમ પોતે પણ આ હકીકતથી માહિતગાર હતાં. કદાચ એ રીતે કે તેઓ જાણતાં હતાં કે માણસ ગમે તેટલો મોટો કેમ ન થાય, એની અંદરનું બાળક કદી અવસાન પામતું નથી. સામાન્યરીતે પ્રાસને કવિતાનું બહુ અગત્યનું અંગ માનતાં મેરિઅમે ૬૦ના દાયકામાં કવિતા વિષયક કવિતાઓની પુસ્તકત્રયી પ્રગટ કરી હતી, જેમાં ઉપરોક્ત પુસ્તક ઉપરાંત ‘ધેર ઇઝ નો રાઇમ ફોર સિલ્વર’ અને ‘કેચ અ લિટલ રાઇમ’નો સમાવેશ થાય છે. સ્વભાવિકપણે પ્રસ્તુત રચના છંદ અને પ્રાસથી પર અછાંદસ કાવ્ય છે, જેને મરિઅમે ૫-૨-૭ પંક્તિઓના ત્રણ ભાગમાં વહેંચી નાંખ્યું છે. પહેલો ભાગ કવિતા કેવી રીતે ‘ખાવી’ એ સમજાવે છે, બીજો ભાગ કયા-કયા ઉપકરણોની જરૂર નથી એ કહે છે અને ત્રીજો ભાગ એ માટેનાં કારણો આપે છે.

હવા, પાણી અને ખોરાક જીવમાત્રની પ્રાથમિક જરૂરિયાત છે. આજે ભલે મનુષ્ય સર્વભક્ષી બન્યો છે પણ લાખો વર્ષ સુધી મનુષ્ય મુખ્યત્વે માંસભક્ષી જ હતો. દસેક હજાર વર્ષ પૂર્વે નૂતન પાષાણયુગમાં માણસ જંગલી ફળો-શાકભાજી અને અનાજ-કઠોળ ખાતો થયો. એ જમાનામાં મનુષ્યની શારીરિક સક્રિયતા એટલી બધી હતી કે એનો ખોરાક પણ આજે આપણી આંખ ચાર થઈ જાય એટલો અધધધ હતો. ખેતીની શોધ સાથે માણસ ઠરીને ઠામ થયો અને સભ્યતાઓ આકાર લેવા માંડી. જ્યારે માણસ ઠરીઠામ નહોતો થયો ત્યારે સ્થળાંતર કરતા પશુઓ સાથે એનું પણ સ્થળાંતર થતું રહેતું અને પ્રકૃતિ અને મનુસઃય વચ્ચેનું સમતુલન તંતોતંત જળવાઈ રહેતું પણ જેવો મનુષ્ય સ્થાયી થયો કે એનો ખોરાક અને ખોરાક માટેના વિકલ્પો-બંને મર્યાદિત બન્યા જેના કારણે આયુષ્ય ઘટતું ગયું, અને કુદરતી પરિબળો પર અવલંબન વધતું ગયું. બાઇબલમાં પણ સાત વર્ષના દુકાળનો ઉલ્લેખ જોવા મળે છે. સમય-સમયે અને સ્થળે-સ્થળે મનુષ્યોની ખાણીપીણીની પદ્ધતિઓમાં ફરક અને ફેરફાર થયેલાં જોવા મળે છે. ધીમેધીમે મનુષ્ય સીધાં બચકાં ભરીને ખાવા બદલે હાથથી નાના ટુકડાઓ કરીને ખાતો થયો. પછી છરી-કાંટા અસ્તિત્વમાં આવ્યા. ખાવાની વાતની આટલી પારાયણ એટલા માટે કે આપણે કવિતા કેવી રીતે ખાવી જોઈએ એ વાત કરવી છે.

શીર્ષક આપણને ચોંકાવે છે. કવિતા વાંચવાની-સાંભળવાની-માણવાની વસ્તુ છે એવું સાંભળી-સાંભળીને આપણાં મનાંકનો દૃઢ થયાં છે. કવિતા હાથમાં લઈએ એ પહેલાં જ મેરિઅમ સવાલ કરે છે: કવિતા કેવી રીતે ખાવી. કવિતા ખાવાની વાત જ આપણી આંખો ચાર કરી દે છે. આપણે તૈયાર થઈ જઈએ છીએ કે નક્કી આજ સુધી કદી જોયું-જાણ્યું નહીં હોય એવી જ કોઈ વસ્તુ સાથે અહીં આપણો પનારો પડશે. આ શીર્ષક વાંચી લીધા પછી કવિતા વાંચવાનું ટાળી શકે એવો હિંમતવાન તો કોઈ વિરલો જ હોવાનો. શીર્ષક વડે કવયિત્રી ભાવકને જડબેસલાક જકડી રાખે એવો હૂક મારી આપવામાં સફળ રહ્યાં છે. આખી કવિતામાં કુલ છ પૂર્ણવિરામ અને એક અલ્પવિરામચિહ્ન વપરાયાં છે, પણ શીર્ષકમાં પ્રશ્ન હોવા છતાં મેરિઅમ પ્રશ્નાર્થચિહ્ન પ્રયોજતાં નથી, એ સૂચક છે. પ્રશ્ન પછી ચિહ્ન મૂકીને એ ભાવકને અટકવા દેવા માંગતાં નથી. પ્રશ્ન પૂરો થાય એ પહેલાં એ ચિહ્ન ગોપિત રાખીને સીધું જવાબ સાથે જ ભાવકનું અનુસંધાન સાધી આપે છે. નાનપણથી આપણને શીખવવામાં આવ્યું છે કે ખાવા બેસીએ ત્યારે ડાહ્યા થઈને બેસવું. નીચે બેસીએ તો પલાંઠી વાળીને અને ટેબલ પર બેસીએ તો ખોળામાં નેપકિન પાથરીને. ખાતાં પહેલાં પ્રાર્થના કરવાની અને કોઈ મહેમાન આવ્યું હોય તો એ ખાવાની શરૂઆત કરે ત્યાં સુધી બાકીનાઓએ રાહ જોવાની. ઉતાવળ તો જરાયે ન કરવાની. નાના કોળિયાં લેવાનાં અને ધીમે ધીમે ચાવી-ચાવીને ખાવાનું. હાથ ન વાપરવા. છરી-કાંટા વાપરવા. સબડકાં ન ભરવા. બચ-બચ કરવું નહીં. આંગળાં ચાટવાં નહીં. સીધું વાસણ મોઢે માંડવું નહીં. અને આ બધા શિષ્ટાચાર પરથી તમારું શિક્ષણ અને સભ્યતા નક્કી કરવામાં આવે છે. જે કામ સજીવમાત્ર કુદરતી સ્વયંસ્ફુરણાથી કરતો આવ્યો હતો, એ શીખવાડવા માટે આજે પૈસા લઈને ચાલતા વર્ગો પણ અમલમાં આવ્યા છે.

પણ મેરિઅમ બધા જ શિષ્ટાચાર નેવે મૂકીને સીધી વાત કરે છે. કવિતા ખાવા માટે એનો પહેલો અને ટૂંકોટચ આદેશ છે કે વિનમ્ર ન બનશો. કરડી ખાવ. આક્રમણ. તૂટી પડો. રાહ ન જોશો. ગળથૂથીથી જે આચારસંહિતા શીખીને આપણે મોટાં થયાં છીએ, કવિતા ‘ખાવા’ સૌથી પહેલાં એનો જ ત્યાગ કરવાનો છે. કવિતાની પાસે જવાની આ પહેલી શરત છે. કોઈપણ જાતના પૂર્વનિર્મિત માપદંડ લઈને જો તમે કવિતાની પાસે જવાની કોશિશ કરશો તો કાવ્યતત્ત્વ કદી હાથ નહીં આવે. કવિત્ એ છટકણો પદાર્થ છે. પ્રારબ્ધની જેમ જ એ ‘રહે છે દૂર માંગે તો, ન માંગ્યે દોડતું આવે’ છે. (બાલાશંકર કંથારીયા) કવિતાની પાસે જવું હોય તો સૌથી પહેલાં તમારે કોરો કાગળ બનવું અનિવાર્ય છે. લીટા પડેલા કાગળ પર લખી નહીં શકાય. આકાર વગરની માટીનો લોંદો લઈને ચાકડે મૂકશો તો જ એમાંથી વાસણ બની શકશે. કેટલી મોટી વાત છે! પણ કવયિત્રી કેવી બાળસુલભતાથી સમજાવી શક્યાં છે!

કોઈ પણ સાધનસામગ્રીની રાહ જોયા વિના કવિતાને સીધી આંગળીઓથી જ ઊંચકી લેવાની છે અને કરડી જ ખાવાની છે. સ્વાદ પામવો હોય તો એમાં સીધા દાંત જ બેસાડવા પડશે, ને આમ કરતાં જે રસ કદાચ તમારી હડપચી પરથી દડીને નીચે ઊતરે છે, એને પણ જતો નથી કરવાનો, તરત જ ચાટી લેવાનો છે. અહીં ‘કદાચ’ શબ્દ પણ ધ્યાન માંગી લે છે. પૂર્ણ જંગલિયત સાથે જ્યારે તમે કવિતાના ફળને કરડી ખાવ છો ત્યારે રસ ભાગ્યે જ છટકી શકશે. એ સંપૂર્ણતઃ તમારા મોંમાં આવશે. પણ ન કરે નારાયણ ને રસ છટકે અને દાઢીથી નીચે ઊતરે તો લગરિક શરમાયા-ખંચકાયા વિના એને પણ ચાટી જ લેવાનો છે. એક બુંદ પણ છટકવા દેવાનું નથી. કવિતા ‘ખાવી’ હોય તો આ સૂચનાનું પાલન કર્યા વિના છૂટકો નથી. માર્ક સ્ટ્રાન્ડ નામના કવિ ‘ઇટિંગ પોએટ્રી’માં લખે છે: ‘શાહી મારા મોઢાના ખૂણાઓથી દડે છે./મારા જેવી ખુશી બીજે ક્યાંય નથી./હું કવિતા ખાઈ રહ્યો છું.’

બીજા તમામ ફળ પાકે અને ખાવા માટે તૈયાર થાય એ માટે તમારે રાહ જોવાની હોય છે પણ કવિતાનું આ ફળ એવું છે, જે તમે જે ઘડીએ તૈયાર અને પરિપક્વ હો એ ઘડીએ જ એ પણ તૈયાર અને પાકી ગયેલું હશે. કવિતાનું આ ફળ તમારી તૈયારી મુજબ પાકે છે. છરી અથવા કાંટા અથવા ચમચી અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથ – તમારે કશાની જરૂર પડવાની નથી. તમારી અને કવિતાની વચ્ચે કોઈપણ સાધન આણવાની જરૂર નથી. કવિતા સાધ્ય છે ને તમે પોતે જ સાધન છો. કોઈપણ બાહ્ય ઉપકરણ કવિતાનો સ્વાદ માણવા માટે ઉપકારક નહીં નીવડે. એકમાત્ર સાધન જો કોઈ હોય તો તે તમે, અને માત્ર તમે જ છો. કવિતા ખાવા માટેના તમામ ઉપકરણો – શબ્દાર્થ, વિવેચન, આસ્વાદ બધું જ અર્થહીન છે. આર્કિબાલ્ડ મેકલેઇશે કહ્યું હતું કે ‘કવિતાનો અર્થ જરૂરી નથી, પણ (કવિતા) હોવી જોઈએ.’ ઇલિયટે પણ કહ્યું હતું કે ‘વિશુદ્ધ કવિતા સમજાય એ પહેલાં જ પ્રત્યાયન કરી શકે છે.’ આમ, કવિતા મૂળે અનુભૂતિનો પદાર્થ છે. અર્થ ન પણ સમજાય તો પણ કવિતા ભાવકના મનમાં સ્પંદન સર્જી શકે છે. આ સ્પંદનો જ કવિતાનો મૂળ અર્થ અને હેતુ હોઈ શકે.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય

ઘણા ચિત્રો આપણે કલાકો મથીએ પણ સમજી શકાતા નથી. આપણને એ વાહિયાત લાગે છે. પણ આ ચિત્રો જોતી વખતે આપણી ભીતર જે વિચારવમળ જન્મે છે, જે અરાજકતા અનુભવાય છે એ જ એનો સાચો અર્થ છે. કોઈ જ્ઞાની માણસ આવે અને ચિત્ર કે કવિતાના મહીન પહલૂઓ તરફ આપણું ધ્યાન દોરે ત્યારે આપણી અનુભૂતિનો ગુણાકાર થાય છે. એ વિશેષ મજા છે પણ નાસમજીમાં અનુભવેલ રોમાંચ પણ એટલો જ સાચો છે. મેરિઅમના એક સંગ્રહનું નામ જ ‘આઉટ લાઉડ’ છે. આ બે શબ્દોમાં જ મેરિઅમની કવિતાની આખી ફિલસૂફી છતી થાય છે. કવિતા મનમાં વાંચવાની વસ્તુ છે જ નહીં. મોટેથી વાંચો. ફરી-ફરીને વાંચો. મોટેથી વાંચ્યા વિના અને એ રીતે સાંભળ્યા વિના કવિતાના પ્રેમમાં પડવું શક્ય જ નથી એમ તેઓ માનતાં. કવિતાનું સંગીત આત્માને સ્પર્શવું શરૂ થાય એ પછી જ સાચી કવિતા સમજાવી શરૂ થાય છે. મેરિઅમ કહેતાં: ‘કંઈ પણ કરો, પણ કવિતા વાંચવાના કારણો શોધી કાઢો. એને ખાવ, એને પીઓ, એનો આસ્વાદ લો, અને એને વહેંચો.’

કવિતા ખાવા માટે કોઈ પણ ઉપકરણની જરૂર નથી કારણ કે આ એવું ફળ છે જેમાં કાપીને કાઢવો પડે એવો સફરજન જેવો કોઈ ગર્ભ નથી, લીચી કે બેરી જેવી કોઈ દાંડી નથી, કેળાં, સંતરાં કે અનેનાસ જેવી કોઈ છાલ નથી, ચીકુ, બોર કે જાંબુ જેવા કોઈ ઠળિયાં નથી, સફરજન કે તડબૂચ જેવાં કોઈ બિયાં નથી, અને સંતરા-મોસંબીની જેમ બહારની છાલ કાઢ્યા પછી ચીરીઓ ઉપરની કોઈ ત્વચા નથી, જેને તમારે કાઢી ફેંકવાનું હોય. આ એવું ફળ છે, જેનો કોઈ જ ભાગ તમારે જતો કરવાનો છે જ નહીં. આખેઆખા ફળનો આકંઠ આસ્વાદ લેવાનો છે. તમારી અને આ ફળની વચ્ચે બીજું કશુંય આવવું ન જોઈએ. તમારે બસ, તૂટી પડવાનું છે.

બાળકો માટે લખાયેલી આ કવિતા સહુને સમાન અંશે સ્પર્શે છે. જમવા માટેના તમામ શિષ્ટાચારને સંપૂર્ણતયા તિલાંજલી આપીને જ કવિતાની વાનગી હાથમાં લેવાની છે. કવિતાનો દેખીતો સૂર રમૂજનો છે, હળવાશનો છે પણ વાત મુદ્દાની છે, પાયાની છે. કવયિત્રીનો હેતુ પૂર્ણપણે ગંભીર છે. ચાવીરૂપ સંદેશો એ ભરપૂર આવેશ અને ઊર્જા સાથે આપણા સુધી પહોંચાડે છે: કવિતા કંઈ વિનમ્ર, વિશુદ્ધ અને પૂર્ણપણે સભ્ય વસ્તુ નથી. એ પૂરી અવ્યવસ્થિત છે, માનવીય છે અને દરેક માટે મોકળો અભિગમ ધરાવે છે. એ ડાઇનિંગ ટેબલ પર બેસીને છરી-કાંટા લઈને ખાવાની વસ્તુ નથી, એના પર તો જંગલીની જેમ તૂટી જ પડવાનું હોય અને ખબરદાર જો, એક અંશ પણ વેડફ્યો છે તો…

અને કવિતા ‘ખાતાં’ શીખી લીધા પછી ચાલો, એમની જ એક કવિતા ‘’ધ એસ્કેઇપ’ એમણે જે રીતે સલાહ આપી છે, એ રીતે જ ખાઈએ:

અચાનક સબવેમાં
ન્યુઝસ્ટેન્ડ પરથી છાપું ખરીદવાનો સમય રહ્યો નહોતો,
અને પસાર થતી ટ્રેનો પરની બધી જાહેરાતો
(ઇનોના જોડકણાં વાળી સુદ્ધાં) વાંચી લીધા બાદ,
હું મારા અમર આત્મા સાથે રૂબરૂ થઈ ગયો,
અને મારે ઉતરવાનું બીજા ત્રણ સ્ટેશનો પછી આવવાનું હોવાથી
હું ચિંતામાં પડ્યો,
જ્યાં સુધી મેં એક છોકરાને અલગ-અલગ ટ્રેનોમાં ફરીને
કબજિયાત અને ઈલાજ પરના ફરફરિયાં વહેંચતો નહીં જોયો:
એમના પર બંને બાજુઓ પર છાપકામ હતું, અને નીચે ઝીણી પ્રિન્ટ પણ,
મતલબ હવે હકીકતમાં ચિંતા કરવા જેવું કંઈ જ નહોતું, કંઈ જ નહીં.

ગ્લૉબલ કવિતા: ૧૩૩ : અંત એ કલિચક્રનો? – ઉમાશંકર જોશી

યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,
સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;
અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,
હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને
લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં
યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા
પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.
અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.

જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ
સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;
દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે
નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-
ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને
હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા
ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.
હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?

– ઉમાશંકર જોશી.

મોહન વિરુદ્ધ મોહનદાસ – એક અભૂતપૂર્વ સામ્ય

કાલ અને આજ. પુરાણ અને ઇતિહાસ. કથ્ય અને તથ્ય. આ બે અંતિમોની વચ્ચે સમયનો મસમોટો અંતરાલ ખાઈની જેમ પથરાયેલો છે. આ બે એવા છેડા છે, જે ક્યાંય કદીય ભેગા થઈ જ ન શકે. પણ કવિતાથી મોટો કોઈ જાદુ નથી. કવિતા અશક્યને શક્ય બનાવવાની કળા છે. કવિતા દિવસ અને રાતને એકસાથે તાદૃશ કરાવી શકે છે. કવિતા તમારી એક હથેળીમાં સૂરજ અને બીજીમાં ચાંદ મૂકવાની ક્ષમતાનું બીજું નામ છે. આગળ વધીને કહીએ તો કવિતા, તમારી એક જ હથેળીમાં ચાંદ-સૂરજને એકમેકની અડોઅડ પણ ગોઠવી આપી શકે છે. સમયની ભલભલી ખાઈ કવિના એક શબ્દથી જ ભરાઈ જતી હોય છે. સમયના બે અંતિમો વચ્ચે અશક્યવત્ સેતુ બાંધવાનું કામ માત્ર કવિતા જ કરી શકે. સમયના બે અલગ-અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધીને કવિ ઉમાશંકર આપણી સમક્ષ રજૂ કરે છે.

ઉમાશંકર જોશી. ૨૧-૦૭-૧૯૧૧ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બામણા ગામમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા જેઠાલાલ કમળજી જોશી. માતા ‘ગાણાંનું ઝાડ’ ગણાતાં નર્મદા ઉર્ફે નવલબા. સાત ભાઈ-બે બહેનોમાંના એક. ૧૯૧૬માં યજ્ઞોપવિત સંસ્કાર. લગ્ન ૨૫-૦૫-૧૯૩૭ના રોજ જ્યોત્સ્નાબેન સાથે. બે પુત્રીઓ-નંદિની અને સ્વાતિ. શાળા શિક્ષણ બામણા, ઈડર અને અમદાવાદની શાળાઓમાં. પન્નાલાલ પટેલ એક સમયના સહાધ્યાયી. ૧૭ વર્ષની વયે પ્રથમ કાવ્ય. ૧૯ની વયે પ્રથમ સંગ્રહ -ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ.’ ૧૯૩૦થી ૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં સક્રિય. બે વાર જેલવાસ. ૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી. મુંબઈમાં એમ.એ.. સાથોસાથ શિક્ષણકાર્યમાં. ૧૯૩૯થી અમદાવાદમાં સ્થાયી. ગુજરાત વિદ્યાસભા (૧૯૩૯ થી ૧૯૪૬) અને પછી ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૪થી) માં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટી અને બાદમાં કલકત્તાની વિશ્વભારતી(૧૯૭૯ થી ૧૯૮૧)ના કુલપતિ. દિલ્હી સાહિત્ય અકાદમી(૧૯૭૮)ના પ્રમુખ. વિવિધ યુનિવર્સિટીઓ તરફથી માનાર્હ ડી.લિટ્.ની પદવીથી વિભૂષિત. નાનાવિધ પુરસ્કારો અને સન્માનોથી અભિષિક્ત. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ‘સંસ્કૃતિ’ સામયિક તથા ‘ગંગોત્રી’ ટ્રસ્ટના સ્થાપક. પુષ્કળ વિદેશપ્રવાસો. દેશવિદેશમાં સાહિત્યકારની રુએ અસંખ્ય સેમિનારોમાં વ્યાખ્યાનો. ૧૯-૧૨-૧૯૮૮ના રોજ મુંબઈ ખાતે ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં ફેફસાંના કેન્સરના કારણે નિધન.

કવિતા, નાટક, પદ્યનાટક, નવલિકા, નવલકથા, નિબંધ, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, સંપાદન, વિવેચન, સંશોધન, અનુવાદ- સાહિત્યના જે આયામને એમની અધિકારી લેખિનીનો પારસ અડ્યો એ સોનું થઈ ગયો. પણ કવિ ઉમાશંકર બધામાં શ્રેષ્ઠ. કવિતાના બધા પ્રકાર એમણે સપૂરતી સમજણ અને સજાગતાથી ખેડ્યા. ગાંધીયુગ અને અનુગાંધીયુગ, પરંપરા અને આધુનિક્તા, વ્યક્તિ અને સમષ્ટિ – એમની કલમ બધાયને સમાનભાવે અડી. સાડા પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રા એમની સંનિષ્ઠતા અને સમર્પિતતાની આરસી છે. ‘વાસુકિ’ અને ‘શ્રવણ’ ઉપનામ. ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની નોંધ સગર્વ લીધી હોત. સુરેશ દલાલે કહ્યું છે: ‘ઉમાશંકર ગુજરાતી છે એ કેવળ અકસ્માત છે. સ્વભાવે તેઓ વિશ્વનાગરિક છે.’ તેઓ સાચા અર્થમાં વિશ્વમાનવ હતા. એમની કવિતાઓ સચરાચર પ્રકૃતિના તમામ ઘટકની વેદના અને સંવેદનાની સંવાહક છે. મનુષ્ય સ્વભાવનો તળસ્પર્શી અભ્યાસ અને પ્રકૃતિના કણ-કણ માટેનો બિનશરતી પ્રેમ એમના સર્જનનો ખરો આત્મા છે. પ્રથમ સંગ્રહ ‘વિશ્વ શાંતિ’ની પ્રથમ પંક્તિ ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ અને આખરી કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ની આખરી પંક્તિ ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ની વચ્ચે એમણે સતત શબ્દને પોંખ્યો છે અને શબ્દે એમને. સર્જક તરીકે એ સતત વિકાસ પામતા રહ્યા. અનુકરણ અને અનુરણનના બે મસમોટાં જોખમોથી એ સદા બચીને ચાલ્યા, બીજાથી તો ખરું જ, પોતાનાથી પણ. પરિણામે દરેક કવિતામાં નવા ઉમાશંકર મળ્યા. એમની કવિતા એકાંગી નથી. એ સારાંને સ્વીકારે છે, નરસાંને પણ ભેટે છે. ઉમાશંકરના હૃદયકોશમાં રાત એટલે અંધારું નહીં પણ અજવાળાનો પડછમ. એમની કવિતા ઝેર પચાવીને અમૃતનો ઓડકાર ખાય છે. એ કાળાતીત છે. એમના સમયકાળ દરમિયાન એમનો સૂર્ય સદૈવ મધ્યાહ્ને જ તપ્યો હતો. જેમ લતા મંગેશકરની અતિવિરાટ પ્રતિમા તળે ઘણી આશાસ્પદ ગાયિકાઓ દબાઈ ગઈ એમ ઉ.જોની ઓજસ્વી આભાના કારણે ઘણાં કવિદીવડાંઓ યોગ્ય પ્રકાશી શક્યાં ન હોવાનું મનાય છે. જે હોય તે પણ ઉમાશંકર ગુજરાતી કવિતાનું એવરેસ્ટ છે એ વાતમાં મીનમેખ નથી.

સુરેશ દલાલે આ કવિતાને સૉનેટ કહીને ઓળખાવી છે, પણ હકીકતમાં આ કવિતા બે અષ્ટક-યુગ્મથી બનેલ સોળ પંક્તિનું ઊર્મિકાવ્ય છે. ઉમાશંકર કાવ્યસ્વરૂપની બાબતમાં એટલા જાગરુક અને સતર્ક હતા કે એ સોળ પંક્તિ વાપરવાની ભૂલ કરે જ નહીં. વળી, કવિના સૉનેટમાં પ્રાસનો અભાવ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે પ્રસ્તુત રચનામાં કવિએ પ્રાસ તરફ નજર જ નાંખી નથી. કવિતાને ‘કાનની કળા’ કહેતા આ સમર્થ કવિએ સૉનેટમાં ઓછા પ્રયોજાતા અનુષ્ટુપ છંદને અહીં કામમાં લીધો છે. પ્રસ્તુત કવિતામાં કૃષ્ણની વાત છે, અને ગીતાના શ્લોક બહુધા આ છંદમાં છે, એ કારણ આ પાછળ નહીં હોય એમ માનવાનું કોઈ કારણ નથી. કવિતાનું સપ્રશ્નાર્થ શીર્ષક ‘-અંત એ કલિચક્રનો?’ ભાવકને ઘડીભર અટકવા મજબૂર કરે છે. કલિયુગ શબ્દથી આપણે જેટલાં ટેવાયેલાં છીએ, એટલો જ કલિચક્ર શબ્દ અજાણ્યો લાગે છે. પણ ઘડીભર અટકાવી દઈને આ નૂતન શબ્દપ્રયોગ અને પ્રશ્નાર્થ આપણને તુર્ત જ કાવ્યમાં પરોવી દે છે, સફળતાપૂર્વક! કવિએ કવિતાને બે સમાન ભાગમાં વહેંચી દીધી છે. એક ભાગમાં મોહન છે અને બીજામાં મોહનદાસ. બંને ભાગમાં કવિએ આ બે યુગપુરુષો વચ્ચેની સામ્યતાઓ juxtapose કરી છે. અન્યત્ર પણ ગાંધીજીને એમણે ઈશ્વર સમકક્ષ બતાવ્યા છે. ‘જાન્યુઆરી ૩૦’માં ગોળી વાગ્યા બાદ ગાંધીજીના હૃદયમાંથી ટપકતું રક્તનું ટપકું એમને ‘વિશ્વ જેવડું વિશાળ/પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું’ દેખાયું છે. ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને!

અહીં, બંને અષ્ટકમાં બંને મહામાનવો માટે એકસમાન શબ્દો, વિશેષણો, સ્થળો વગેરે પ્રયોજીને કવિ જે હકીકતો આપણને ખબર જ છે, એમાંથી કાવ્ય જન્માવે છે. ખરી કળા જ આ છે ને! કવિતાને તેઓ ‘આત્માની માતૃભાષા’ ગણતા. કહેતા, ‘એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’ આ કવિતા વાંચીએ ત્યારે સહજ સમજાય છે, કે કવિ શબ્દો પાસે નહીં, પણ શબ્દો કવિ પાસે સ્વયં આવ્યા છે. શબ્દો વિશે એમણે જે કહ્યું હતું એ દરેક કવિએ ધ્યાનથી સમજવા જેવું છે: ‘… પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી…. …શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.’ સાચો કવિ કદી શબ્દથી છૂટો પડતો નથી. ઉમાશંકર એનું એક બેનમૂન દૃષ્ટાંત છે. સત્તર-અઢાર વર્ષની વયે લખેલી કવિતાઓ મોટાભાગના કવિઓ માટે માત્ર ‘નેટ-પ્રેક્ટિસ’ હોય છે, પણ ઉમાશંકરે સત્તર વર્ષની વયે પહેલી કવિતા ‘નખીસરોવર ઉપર શરત્ પૂર્ણિમા’ લખી. મંદાક્રાન્તામાં રચેલ આ સૉનેટ ન માત્ર સર્વાંગસંપૂર્ણ કાવ્ય છે, પણ એની આખરી પંક્તિ ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ તો અમર થઈ ગઈ છે. તેઓ બી.એ. (અર્થશાસ્ત્ર) કરતા હતા ત્યારે બી.એ. (ગુજરાતી)માં તેઓનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે હતો. કવિએ પોતે પોતાનો જ સંગ્રહ ભણવાનો આવ્યો એવી માન્યતા ખૂબ પ્રચલિત થઈ હતી, જેને ખુદ કવિના નકારવા છતાં લોકો ત્યજવા તૈયાર નહોતા. એ જ રીતે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ એમની સામે મોરચો લઈ આવ્યા હતા. નાયક સૂત્રોચ્ચાર કરતો હતો: ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ અને આખું મંડળ એકઅવાજે બોલતું હતું: ‘જાગશે !’ એમની જ પંક્તિ એમની જ સામેનું હથિયાર બની હતી. આવી વાતોથી કવિના સાચકલા કૌવતનો સાક્ષાત્કાર થાય છે.

અહીં પ્રથમ અષ્ટકમાં કવિ મોહનની વાત કરે છે. આમાં કશું નવું નથી. ભાગવતમાં આ બધું પી-પીને જ આપણે મોટાં થયાં છીએ. કૃષ્ણ યમુના તટે જન્મ્યા, ત્યાં જ રમ્યા, અસુરોનો વધ કર્યો. ગોકુળમાં અસુરોનો ઉત્પાત બહુ વધી જતાં સહુએ વૃંદાવન સ્થળાંતર કરવું પડ્યું અને મહાભારતના યુદ્ધ બાદ યાદવો દ્વારકા સ્થાયી થયા. આનો ઉલ્લેખ કરતા કવિ કહે છે કે સ્વભૂમિથી દૂર થયેલા સ્વજનોને કૃષ્ણએ પરદેશમાં સ્થાપિત કર્યા. મહાભારતના યુદ્ધમાં પોતે નિઃશસ્ત્ર રહ્યા પણ પાંડવોને વિજયી બનાવી હસ્તિનાપુરમાં ધર્મની સ્થાપના કરી, ધર્મરાજ યુધિષ્ઠીરને લોકકલ્યાણના સૂત્રો અને જવાબદારી સોંપી પોતે પ્રભાસપાટણ જઈ વસ્યા. ત્યાં પારધીનું બાણ ઝીલીને ધર્મનું રક્ષણ કરનાર ધર્મગોપ્તા નરોત્તમ સૌરાષ્ટ્રમાં સિંધુતીરે શમ્યા. કૃષ્ણનો અંત એ દ્વાપરયુગનો અંત અને કલિયુગનો આરંભ હતો. આટલી વાત સાથે કવિ પ્રથમ અષ્ટકનું સમાપન કરે છે.

બીજા અષ્ટકમાં કવિનું ફૉકસ મોહન પરથી મોહનદાસ તરફ ફરે છે. ઉમાશંકર ગાંધીયુગના શિરમોર કવિઓમાંના એક હતા. એમની રચનાઓમાં અને રચનાઓ પર ગાંધીજીનો પ્રભાવ ઘણો બળવત્તર નજરે પડે છે. ગાંધીજીએ બંગાળીમાં ‘આમાર જીબન-ઇ આમાર બાની’ સંદેશો આપ્યો હતો એના પરથી કવિએ ‘મારું જીવન તે મારી વાણી’થી શરૂ થઈ ‘મારું જીવન એ જ સંદેશ’ પર પૂર્ણ થતી અમર કવિતા લખી હતી. ગાંધીવિચારનો પ્રભાવ એમની કવિતામાં પૂરની માફક ઊમટીને વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?’, તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને ‘વિશ્વગુર્જરી’ બનવાનો સંકેત આપતો પ્રશ્ન કરે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’ કવિની મંશા જ એ હતી કે ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી; માથે ધરું ધૂળ વસુન્ધરાની.’

કૃષ્ણ સાથે ગાંધીજીના તાર કવિએ કેવા મેળવ્યા છે એ જોવા જેવું છે. કૃષ્ણનો અંત સૌરાષ્ટ્રમાં સિંધુતીરે થયો. ગાંધીજીનો જન્મ ત્યાં થયો. કૃષ્ણનો જન્મ યમુનાતટે થયો, ગાંધીજીનો અંત ત્યાં થયો. કૃષ્ણે દુષ્ટોનું દમન કર્યું તો ગાંધીજીએ પણ દુષ્ટતા અને દુશ્ચરિતતાઓનું દમન કર્યું. કૃષ્ણ અને ગાંધીજી –બંનેએ સ્વભૂમિથી દૂર થયેલા સ્વજનોને પરદેશમાં સ્થાપિત કર્યા. મિ. ગાંધીએ વતનથી દૂર દક્ષિણ આફ્રિકામાં હડધૂત થતા ભારતીયો માટે લાંબી લડત ચલાવીને ત્યાંની સરકારને નમવાની ફરજ પાડી અને દેશાગત ભારતીયોને એમનું લુપ્ત થયેલું ગૌરવ પાછું અપાવ્યું. જે રીતે શ્રીકૃષ્ણે સ્વયં મહા’ભારત’ના યુદ્ધમાં નિઃશસ્ત્ર રહી લડાઈ પાર પાડી હતી, એ જ રીતે મહાત્મા ગાંધીએ પણ દક્ષિણ આફ્રિકાથી પરત સ્વદેશ આવીને પોતે નિઃશસ્ત્ર રહીને ભારતમાં અંગ્રેજો સામે યુદ્ધ જગાવ્યું. વિશ્વમાં આજદિનપર્યંત કોઈએ ન જોયેલા, ન જાણેલા સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્રના જોરે એમણે વિદેશીઓ સામેની લડત પાર પાડી. શ્રીકૃષ્ણ સુદર્શનધારી હતા, તો મહાત્મા સુ-દર્શનધારી હતા. શબ્દની વચ્ચે એક નાનકડી લઘુરેખા -ડેશ- મૂકીને કવિ સુદર્શન અને સુ-દર્શન વચ્ચે જે અર્થ જન્માવે છે, એ એમના સાબૂત સક્ષમ કવિકર્મની સાહેદી પૂરે છે. ગાંધીજી તો અકિંચન અર્ધનગ્ન ફકીર હતા. શરીરે હાથે વણેલી ખાદીની એક પોતડી, કેડે ઘડિયાળ, નાક પર ચશ્માં, હાથમાં લાકડી અને પગમાં પાવડી એ એમની એકમાત્ર સંપત્તિ હતાં. પણ એમની પાસે સુ-દર્શન હતું. તેઓ ભારતના ધૂંધળા વર્તમાનની આરપાર આઝાદ ભવિષ્યને જોઈ શક્યા હતા. અસ્પૃશ્યોની અવદશા એમના સુ-દર્શન વિના કદી સુધરી શકી ન હોત. ભારતને આઝાદી ન અપાવી હોત અને માત્ર હરિજનોને સવર્ણોની સમકક્ષ સ્થાપવાની લડત જ ચલાવી હોત તો પણ એમને મહામાનવ તરીકે જ યાદ રાખવા પડ્યા હોત. કૃષ્ણનું સુદર્શન મૃત્યુ વર્ષાવનાર હતું, ગાંધીજીનું સુ-દર્શનચક્ર તો સ્મિતની ધનશ્રી વર્ષાવનારું હતું. એમના બાળસહજ સ્મિત અને આત્માની શુદ્ધતાના જોરે તો એમણે ભારતવર્ષની કરોડોની જનમેદનીને વશીભૂત કરી હતી.

કૃષ્ણે હસ્તિનાપુરમાં ધર્મરાજને સ્થાપ્યા હતા, ગાંધીજીએ હસ્તિનાપુર યાને દિલ્હીમાં ખુદ ધર્મને જ સ્થાપ્યો હતો. કૃષ્ણની જેમ જ ગાંધીજીએ પણ યુદ્ધવિજયના ફળો ચાખવાનો મોહ રાખ્યો નહોતો. કૃષ્ણ બધા સ્વજનો અને બધા માન-અકરામોનો ત્યાગ કરીને ગુજરાતમાં દ્વારકા આવી વસ્યા હતા, તો ગાંધીજી પણ આઝાદ ભારતના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપ્રમુખ બની શક્યા હોત પણ એવો કોઈપણ મોહ રાખવાના બદલે, કોઈપણ જાતના માન-મરતબા ભોગવવાના બદલે એમણે રાજકારણનો ત્યાગ કરી દેશમાં પ્રવર્તતી સામાજીક સમસ્યાઓ અને દૂષણો નિવારવા માટે જાત હોમી દીધી હતી. ગાંધીજીના આ કામ નિમિત્તે કવિ ગાંધીજીને ‘ધર્મસંસ્થાપના-મચ્યા’ કહે છે ત્યારે પહેલા અષ્ટકમાં આ શબ્દનો ઉલ્લેખ ન કરાયો હોવા છતાં આપણા કાનોમાં ભાગવત્ ગીતામાં શ્રી કૃષ્ણે આપેલ વચન ગુંજવા માંડે છે:

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ (અધ્યાય ૪, શ્લોક ૮)

બે મહામાનવો વચ્ચેનું સામ્યનિર્દેશન એ કવિનો આ કાવ્ય પાછળનો મૂળ હેતુ છે. કૃષ્ણને તો દુનિયા ભગવાન ગણતી આવી છે અને ગણતી આવવાની છે પણ કવિને ખ્યાલ હતો કે ગાંધીજી પર કીચડ ઉછાળનારાઓની દુનિયામાં કમી પડનાર નથી. ગાંધીજીના અવસાનના અઢી મહિના બાદ ૧૨-૦૪-૧૯૪૮ના રોજ કવિએ આ રચના કરી હતી. ગાંધીજીની હત્યા પોતે એ વાતનો પુરાવો હતો કે આઝાદી મળ્યાને છ મહિનાય નહોતા વીત્યા એવામાં પણ ગાંધીવિચારનો વિરોધ એમનો જીવ સુદ્ધાં લઈ શકે એટલો પ્રબળ હતો. કવિસંવિદમાં આ વાત નોંધાયા વિના નહીં જ રહી હોય. એટલે જ એમણે લખ્યું હશે ને કે, ‘ગાંધીજીના જીવ-ને જીવતાંને/મૂઆ કેડે મારતું જે ક્ષણે ક્ષણે/પડ્યું અમોમાં- સહુમાં કંઈક,/તેને હશે કે કદી મૃત્યુદંડ?’ ગાંધીજીને ખોટેખોટી અંજલિ આપતા નેતાઓ-લોકોને જોઈને ૧૯૬૦માં એમણે લખ્યું હતું: ‘માર્ગમાં કંટક પડ્યા,/સૌને નડ્યા;/બાજુ મૂક્યા ઊંચકી,/તે દી નકી/જન્મ ગાંધી બાપુનો,/સત્યના અમોઘ મોંઘ જાદુનો.’ કદાચ પ્રસ્તુત રચના ગાંધીવિચાર સામે ઊઠી રહેલી આંધીના વિરોધભાવે પણ જન્મી હોય. યુગપુરુષને યુગસ્રષ્ટાની અડખેપડખે મૂકીને બંને વચ્ચેની સમાનતા ઉજાગર કરીને ગાંધીધારાનો વિરોધ કરનારાઓને દીવાબત્તી ધરવાની કવિફરજની સભાનતા આ કવિતાના મૂળમાં હોય તો નવાઈ નહીં. ગાંધીમૂલ્યોના હાસ સાચો ગાંધીયુગીન કવિ ન જ જીરવી શકે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને પણ ગાંધી વિશે સાચું જ કહ્યું હતું: ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આના જેવો કોઈક રક્ત-માંસનો બનેલો, આ પૃથ્વી પર કદીપણ આવ્યો હશે.’

કૃષ્ણનું નિધન પારધીના તીરથી થયું, ગાંધીજીનું ગોડસેની ગોળીથી. જ્યાં કૃષ્ણનો ઉદય થયો ત્યાં જ ગાંધીનો અસ્ત થયો એમ કહી કવિ સમાનતાચક્ર પૂર્ણ કરે છે. આ ઉત્તમોત્તમ અભૂતપૂર્વ સરખામણીમાં શ્રેષ્ઠ કવિકર્મનો સંસ્પર્શ તો શબ્દે-શબ્દે જોવા મળ્યો પણ કવિતા? ‘શબ્દ છે! છે છદ પણ! ક્યાં છે તો કવિતા?’ પણ, આખરી પંક્તિમાં એક લસરકે કવિ કવિતા સિદ્ધ કરી બતાવે છે. કવિ સવાલ ઊભો કરે છે કે જેમ વિશ્વપિતાના અંત સાથે દ્વાપરયુગનો અંત આવી કલિયુગ શરૂ થયો હતો, એ જ રીતે રાષ્ટ્રપિતાના અવસાન સાથે કલિયુગનો અંત આવશે કે નહીં? કલિયુગના સ્થાને કવિ હવે કલિચક્ર શબ્દ વાપરે છે. યુગ તો કોઈ પણ હોય, એનો આરંભ કે અંત હોવાનો જ. પણ ચક્રનો કોઈ અંત ખરો? એ તો બસ, ફર્યે રાખે, ફર્યે રાખે, ફર્યે રાખે… સરખામણીના આશય છતાં કવિમે વિદિત છે કે ભગવાન અને મનુષ્યની સરખામણી અશક્ય છે. ભગવાન જ આરંભ-અંત સર્જી શકે, કાળા માથાનો મનુષ્ય નહીં. માટે જ કલિ‘યુગ’ અને કલિ‘ચક્ર’ –માત્ર અડધા શબ્દફેરથી કવિ સમાનતામાં રહેલી અસમાનતા અને નિબંધમાં રહેલી ઉચ્ચ કવિતા પ્રશસ્ત કરી બતાવે છે.

ગ્લૉબલ કવિતા : ૧૩૨ : માન – મલિસા સ્ટડાર્ડ

Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back

– Melissa Studdard

માન

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર
ખાઈ
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી બાંધી રહી છે
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
તળિયે પછડાતાં પહેલાં
ફૂદાંમાં પરિવર્તિત થાય છે
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે
અટકાવી રાખતા હાથ કરતાં બહેતર છે
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

એક યૌનપીડિતાનું तमसो मा ज्योतिर्गमय…

ઈશ્વર પોતે પુરુષ હતો એટલે સર્જનકાળે કદાચ પક્ષપાત કરવાનું ચૂક્યો નહીં. પુરુષને એણે બળ આપ્યું ને સ્ત્રીને સહનશક્તિ. સ્ત્રીને સૌંદર્ય ને પુરુષને નિતાંત લોલુપતા. પુરુષ મગજજીવી તો સ્ત્રી હૃદયજીવી. સર્જન કરવાની શક્તિ સ્ત્રીને આપી પણ બીજ માટે પુરુષ પર અવલંબિતા રાખી. ટૂંકમાં ઈશ્વરે પુરુષનો હાથ ઉપર રાખ્યો અને બુદ્ધિ-બાવડાંના જોરે પુરુષ અનાદિકાળથી સ્ત્રીઓનું યેનકેન પ્રકારે શોષણ કરતો આવ્યો છે. વાણી-વિચાર-વર્તનથી પુરુષ સ્ત્રીને જેટલું શોષે છે, એના એકાદ ટકા જેટલી જ તક સ્ત્રીને માંડ મળતી હશે. એમાંય પૈસો કે પદ હોય, તો તો સ્ત્રીનું આવી જ બન્યું. અને જેની પાસે પદ-પૈસો નથી, એ તક ઝડપીને શારીરિક નબળાઈનો દુર્લાભ ઊઠાવીને સ્ત્રીને ભોગવવાનો પાશવી આનંદ પ્રાપ્ત કરી લે છે. ‘બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર’ એમ બાલમુકુંદ દવે કહી ગયા, પણ સ્ત્રી હકીકતમાં ઈશ્વરે સર્જેલો સહુથી મોટો ચમત્કાર છે. જ્યાં પુરુષનું વિચારવું ખતમ થઈ જાય છે, સ્ત્રી ત્યાંથી શરૂ કરી શકે છે. જ્યાં પુરુષની સહનશક્તિનું નાકું આવી જાય છે, ત્યાંથી તો સ્ત્રીની શરૂઆત થાય છે. સમય અને સંજોગોની થપાટો સ્ત્રી જેટલી સહજતાથી ખાઈ શકે શકે છે, એ પુરુષ ભાગ્યે જ કરી શકે. સર્જનહારે પણ ધાર્યું નહીં હોય કે પુરુષની શક્તિની સામે સ્ત્રીની સહનશક્તિ વધુ બળવત્તર સિદ્ધ થશે. દેવહૂમા પક્ષીની જેમ રાખમાંથી પુનર્જીવીત થવાની હામ ધરાવતી સ્ત્રીની વાત અમેરિકન કવયિત્રી મલિસા અત્રે લઈ આવ્યાં છે.

મલિસા સ્ટડાર્ડ. ૦૫-૦૮-૧૯૬૯ના રોજ અમેરિકાના અલાબામા રાજ્યના ટસ્કલૂસા ખાતે જોન અને લોરી સ્ટડાર્ડના ઘરે જન્મ. ભૂરી મોટી બોલકી ચમકદાર આંખો, સોનેરી ઘેઘૂર વાળ, આલિંગન આપતું પહોળું સ્મિત, ઊંચી-પાતળી કાઠી અને મૂડ મુજબના વસ્ત્રપરિધાનના કારણે તાત્ક્ષણિક વશીભૂત કરતું ચુંબકીય વ્યક્તિત્વ. બાળપણથી ચર્ચ જવાના બદલે ઘરના પછવાડે બેસીને ઈશ્વર સાથે વાતચીત કરવાની આદત. બૌદ્ધધર્મમાં રસ. એક બુદ્ધ સાધુએ એમને કહ્યું હતું, ‘જ્યારે તમે તમારા મનની અંદર જ હળવા થવાનું શીખી લો છો, ત્યારે તમે કાયમી વેકેશન પામી લો છો, દિવસના ચોવીસે કલાક, અઠવાડિયાના સાતેય દિવસ.’ બબ્બે અનુસ્નાતક ડિગ્રીઓ. પહેલી માટેના અભ્યાસ દરમિયાન કાવ્યલેખનની શરૂઆત. કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, વિવેચન, સંપાદન. ટૉક શૉ યોજે છે. ‘VIDA: વિમેન ઇન લિટરરી આર્ટ્સ’ સંસ્થાના સ્થાપ. આ સંસ્થા ‘વિડા: વૉઇસિસ એન્ડ વ્યૂઝ’ નામે સાહિત્ય-કળાના ક્ષેત્રો સાથે સંકળાયેલ સ્ત્રીઓના રચનાત્મક વિડીયો ઇન્ટર્વ્યૂ વડે સાહિત્ય તેમજ કળાઓમાં સ્ત્રીઓનો અવાજ બુલંદ કરી લિંગભેદ સામે આંગળી ચીંધે છે. ‘વિમેન’સ કૉકસ’ સંસ્થાના પ્રમુખ. કાવ્યસંગ્રહ ‘આઇ એટ ધ કોસમોસ ફોર બ્રેકફાસ્ટ’ ઢગલાબંધ એવૉર્ડસ–પુરસ્કારથી સન્માનિત. સંગ્રહમાંના શીર્ષક-કાવ્ય પર શૉર્ટ ફિલ્મ બની છે, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં અધિકૃત પસંદગીની ફિલ્મ તરીકે રજૂ કરાઈ છે. દીકરી રોઝાલિન્ડ વિલિયમ્સન બે જ વર્ષની હતી ત્યારે છૂટાછેડા થયા. દસ વર્ષ એકલા હાથે દીકરી અને દુનિયાના બેવડા મોરચા સાચવવામાં કવિતા છૂટી ગઈ. તેઓ પોતાને ઊભયલિંગી (બાય-સેક્સ્યુઅલ) કહેવડાવવાના બદલે સર્વલિંગી (પેન-સેક્સ્યુઅલ’ કહે છે), જેને મનુષ્ય માત્રમાં રસ છે. હાલ તેઓ ટેક્સાસ, હ્યુસ્ટન ખાતે દીકરી સાથે રહે છે. અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં સેવા બજાવ્યા બાદ હાલ લોન સ્ટાર કોલેજ-ટોમ્બાલમાં પ્રાધ્યાપિકા. દેશભરમાં નાનાવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઈને અમેરિકાની યુવાપેઢીને કવિતા-કળા તરફ દોરવાનું, કળાને જીવંત રાખવાનું અદભુત કામ કરી રહ્યાં છે.

એમની કવિતાઓમાંથી નારીવાદ તારસ્વરે ઊઠતો સંભળાય છે. ઈશ્વરને પણ સ્ત્રીસ્વરૂપે જુએ છે, પણ આ ઈશ્વર દેવની બાજુમાં બેઠેલી દેવી નથી, એ સ્વયં સર્વશક્તિમાન છે. મલિસા લખે છે: ‘તો ઈશ્વર ત્યાં સૂતાં છે, તેણીના પગ પહોળા ફેલાવીને, તેણીના લાલ મખમલી ચીરામાંથી આ ચિલ્લાતી દુનિયાને જન્મ આપતાં.’ ગ્રીક પુરાકથાના પાત્ર ફિલોમીલા -જેના પર બળાત્કાર કરીને સગા બનેવીએ પોતાનો ગુનો ખુલ્લો ન પડે એ માટે જીભ પણ કાપી નાંખી હતી- ની ઘાયલ જીભ (Philomela’s severed tongue)ને કેન્દ્રમાં રાખી નવો કાવ્યસંગ્રહ તૈયાર કરી રહ્યાં છે, જે સ્ત્રીશોષણના વેદનાસિક્ત આયામો રજૂ કરે છે. મલિસાની કવિતાઓમાં પગના મોજાં જેવી ક્ષુલ્લક વસ્તુ આકાશના તારાઓ સાથે, કપડાં ધોવાની ક્રિયા પ્રાર્થના સાથે તો પેનકેક બ્રહ્માંડ સાથે સંવાદિતતા સાધે છે. જોન ડનની આધિભૌતિક (metaphysical) કવિતાઓની પડખે ટટ્ટાર પીઠે બેસી શકે એવી એમની કવિતાઓ છે. રાજકીય ઉથલપાથલો એમની નજરમાંથી બચી શકતી નથી. ચિત્ર, નૃત્ય જેવી દૃશ્યકળાઓ તથા પુરાકથાઓ-પૌરાણિક પાત્રો પર આધારિત કવિતાઓ (ekphrastic poems) એમની આગવી ઓળખ છે. શબ્દોની મદદથી તેઓ જોયેલા ચિત્ર પરથી એક અલગ જ ચિત્ર બનાવે છે, જે મૂળ ચિત્રથી લગરિક ઊતરતું નથી. એમના માટે લખવું એ પોતે જે અનુભવે અને વિચારે છે એને કઈ રીતે વ્યક્ત કરવું એની રોજિંદી મથામણ છે. લખવું જ એમના માટે જાત-સંભાળ છે.

ઉત્તમ કવિતાઓની વાત થાય એટલે આપણી નજર ભૂતકાળ તરફ જ ડોકું ફેરવે. પણ આજે સર્વકાલીન ઉત્તમ ગણાતી કવિતાઓય ક્યારેક સમસામયિક જ હતી. આજે જેને સાંપ્રત ગણીને ઝાઝું માન આપવાથી આપણે દૂર રહીએ છીએ એ આજની કવિતાઓ શું આવતીકાલની પેઢી માટે સર્વકાલીન શ્રેષ્ઠ નહીં હોઈ શકે? મલિસાની આજની કવિતાઓ કદાચ આવતીકાલની ‘ક્લાસિકલ’ કવિતાઓ છે. પ્રસ્તુત રચના વિશે વાત કરતાં પહેલાં બે’ક સંદર્ભો સમજીએ. કવિતાના અંતે એટલસ (શિરોધર)ની વાત આવે છે. ટાઇટન્સ અને ઓલિમ્પિઅન્સ વચ્ચે દસ વરસ ચાલેલી લડાઈમાં ટાઇટન્સનો પક્ષ લેવા બદલ વિજેતા ઝિઅસે ગ્રીક પુરાકથાઓના કથાનાયક એટલસને પૃથ્વીના છેડા પર જઈને દૈવી સ્વર્ગોને અનંતકાળ સુધી પોતાના ખભા પર ઊઠાવવાની સજા કરી. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. આજે આપણે સહુ એવું જ માનીએ છીએ કે એણે પૃથ્વી ઊપાડી હતી. કાવ્યાંતે કવયિત્રી એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે… (આપણે ત્યાં શેષનાગ પૃથ્વીને પોતાની ફેણ ઉપર ઊપાડે છે એવી પુરાકથા છે.) બીજું, કવિતામાં કેગલ બૉલની વાત આવે છે એ પણ પહેલાં સમજી લઈએ. પેશાબ ખૂબ લાગ્યો હોય પણ વૉશરૂમ જવું શક્ય જ ન હોય એવી પરિસ્થિતિમાં આપણે પેશાબ રોકી રાખવો પડે છે. આ માટે પેઢુના જે સ્નાયુ આપણે વાપરીએ છીએ એ સેક્સની ક્રિયામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સ્નાયુઓ માટેની કસરત અમેરિકાના ગાયનેકોલોજીસ્ટ આર્નોલ્ડ કેગલે શોધી હતી એ પરથી આ સ્નાયુ અને એની કસરત માટે વપરાતા બૉલને કેગલ બૉલ્સ કહેવાય છે. આ બૉલને યોનિમાં નાખી રાખવામાં આવે ત્યાં સુધી આ સ્નાયુઓની કસરત આપોઆપ થતી રહે છે. આવા અનેકવિધ ફાયદાઓ માટે આ બૉલ્સ જાણીતા છે.

આટલી પૃષ્ઠભૂ પછી ‘માન’ કવિતા તરફ વળીએ. શીર્ષક અપેક્ષા જન્માવે છે પણ કવિતા છેલ્લી પંક્તિ સુધી શીર્ષકનું ઔચિત્ય સમજવા દેતી નથી. જો કે અંત સુધી ભાવકને લઈ જવામાં કવયિત્રી મદદગાર થાય છે. એમણે કવિતામાં એકપણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે પ્રશ્નાર્થ-ઉદગારચિહ્ન –કશાનો પ્રયોગ કર્યો નથી. વાત કોઈ પણ આરોહ અવરોહ વિના સડસડાટ અંત સુધી પહોંચે અને કવિતાની સળંગસૂત્રીતા જરાય બટકે નહીં એ સમગ્રતા આપણને સ્પર્શી જાય છે. કાવ્યકલેવરના પ્રાણરૂપ છંદનો પણ મલિસાએ ત્યાગ કર્યો છે. કુછંદની શિકાર યુવતીની જિંદગીમાં કોઈ છંદોલય બચ્યો હોય ખરો? પંક્તિઓની અનિયમિતતા પણ કદાચ નાયિકાના જીવનની વિસંગતિની દ્યોતક છે. કવિતા પોતે અને કવિતામાં દરેક નવું કલ્પન ‘કેમકે’થી આરંભાય છે. આ દરેક કેમકેનો પૂર્વાર્ધ કવયિત્રીએ અધ્યાહાર રાખ્યો છે જેથી કવિતા અને કાવ્યનાયિકાના જીવનનો ખાલીપો પંક્તિએ-પંક્તિએ, કલ્પને-કલ્પને ભાવકને અનુભવાતો-પીડતો જ રહે, અને નાયિકાની વ્યથા-કથામાં એ સહિયારી શકે.

વાત એક યૌનપીડિતાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પહેલી નજરે તો આ વાત અનધિકૃત સેક્સ માટે સમાજ દ્વારા શોષિત થયેલી કોઈક નિર્ભયાની વાત છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. એની અંદર ગુફામાંના શિયાળા માફક કશુંક થીજી ગયું છે. એની જીવન-ઉષ્મા કોઈક છિનવી ગયું છે. જીવન ટાઢું હિમ બની ગયું છે. ઓલવવાની દરકાર કર્યા વિના એની ભીતર કોઈક આગ લગાડી ચાલ્યું ગયું છે. હવે સળગતા-દાઝતા રહેવું એ જ એની નિયતિ છે. બળાત્કારી કદી એ વિચારતો નથી કે એની બે પળની મજા કોઈક માટે જીવનભરની સજા બની રહેનાર છે. જબરદસ્તી કોઈકને ‘ઓવરપાવર’ કરતી વખતે કદાચ પુરુષને સર્વશક્તિમાન હોવાનો અહેસાસ થાય છે. મફતની વસ્તુ ચાખવાનો, ને ઇચ્છા વિરુદ્ધ કોઈકને ઝબ્બે કરવાનો પૌરુષી આસુરી નશો દુનિયાના કોઈપણ નશા કરતાં વધુ અસરદાર હોવો જોઈએ. કદાચ એટલે જ પરાપૂર્વથી પુરુષ સ્ત્રીમાત્રને માત્ર ભોજ્યભાવે જ જોતો આવ્યો છે. પુરુષ તો ચૂંથીને હાથ ખંખેરીને ચાલ્યો જાય છે. સ્ત્રીની અંદર જે આગ સળગે છે, એ આજીવન બુઝાતી નથી. એની બળતરા આખરી શ્વાસ લગીની છે. પોતે ન કરેલા અપરાધનો બોજ એણે જીવનભર વેંઢારવાનો છે. શરીર પર તો એક જ વાર બળાત્કાર થયો છે, પણ સંવેદના તો આજીવન બળાત્કારાતી રહે છે. પુરુષને તો વીર્યસ્ખલન કરવાની ચાનક ચડી હતી. પોતાનો હાથ વાપરીને આ કામ આસાનીથી કરી શકાયું હોત પણ જે પોતાનું છે જ નહીં, એની મરજી વિરુદ્ધ એના પર પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવાની બે ઘડીની મજા જતી કરે, સામા પાત્રને આજીવન થનાર તકલીફો વિશે એ વિચારે તો એ વળી પુરુષ કેવો? સ્ત્રી પર ચડી બેસવું, સ્ત્રીનો એક વસ્તુ ગણીને ઉપભોગ કરવો એ તો એનો જન્મસિદ્ધ અધિકાર છે!

સ્ત્રી માટે તો દરેક રાત હવે એક યુદ્ધ છે. કોઈ નવું આવશે ફરી એના પર બળાત્કાર કરવા. કે ઘર ભાળી ગયેલ જમ પણ મનફાવે ત્યારે બોડી બામણીનું ખેતર ચરવા ફરી-ફરીને આવી શકે છે. આ ભયનું કાયમી અંધારું જ હવે એની કાયમી રાત છે. પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કશું નક્કર છે જ નહીં, કેવળ ધુમ્મસ જ છે. કોઈ હુમલો લઈને ચડી આવે તો પણ પોતા સુધી પહોંચી ન શકે એ માટે એ એક ખાઈ બનાવી રહી છે. આવનાર પુરુષ એના શરીરને તો કદાચ ફરીથી પામી શકશે પણ એના અહેસાસને પહેલીવારમાં જે રીતે ચકનાચૂર કરી ગયો, એ રીતે હવે બીજીવાર નહીં કરી શકે, કેમકે સ્ત્રી રોજ રાતે પોતાની સંવેદના અને પુરુષની પહોંચની વચ્ચે એક ખાઈ બનાવી રહી છે, જાળીબંધ દરવાજાઓ ઊભા કરી રહી છે. હવે બીજીવાર કોઈ આ શરીર પર ચડાઈ કરે તોય એના ભાગે અચેતન શરીર જ આવશે, અંદરની સ્ત્રીને પીડિતા રોજેરોજ વધુને વધુ સુરક્ષિત બનાવી રહી છે. એ હવે કોઈનીય પહોંચબહાર જઈ પહોંચી છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે. પુરુષ તો ઘોડેસવારી કરીને ચાલ્યો ગયો. સ્ત્રી પોતાનું સમતુલન ખોઈ ચૂકી છે. એને પોતાના જીવતરની લગામ હાથમાંથી જતી રહેલી લાગે છે. અને નિરંકુશ અશ્વોને પહાડની ટોચે અટકી જવાનો ખ્યાલ પણ ક્યાંથી રહે? કોઈકના પાપે પતનની ખીણમાં સતત ગબડવાની સજાથી વધુ પરાધીનતા અને નિર્બળતાની લાગણી બીજી કઈ હોઈ શકે? પણ કવિતા અહીં વળાંક લે છે

આ સ્ત્રી છે. એ તાકાત છે. એનું શરીર કદાચ ઘડનારે કમજોર બનાવ્યું હશે પણ એનું ભીતર દુનિયાના કોઈપણ મર્દ કરતાં વધુ બળકટ છે. એના શરીરને જીતવું આસાન છે, પણ એના અહેસાસને જીતવો અશક્ય. એની કાયાને પરાજીત કરવી સરળ હશે પણ એના માનસને તમે એની મરજી વિના અડી પણ નહીં શકો. આ નિર્લગામ અશ્વો શોષણની અંધારી-ઊંડી ખીણમાં તળિયે પટકાઈ તો રહ્યા છે પણ ખતમ થઈ જતા નથી. તળિયે અફડાઈને ચૂરચૂર થઈ જવાના બદલે તેઓ એ પહેલાં જ ફૂદાંમાં પરિવર્તન પામે છે. ફૂદાં વિકાસ પામશે અને રંગબેરંગી પતંગિયાંમાં પરિણમશે. કોઈકે ભલે બેરંગ બનાવવા ધારી હોય, પણ આ જિંદગી ફરી એકવાર અનેકાનેક રંગો જન્માવી મુક્ત ગગનમાં સંચરવાની ફિનિક્સી ક્ષમતા ધરાવે છે. તળિયે પછડાઈને નષ્ટ થવા પૂર્વે જ પોતાની મરજીથી ઊડી શકનાર ફૂદાંમાં થતું આ પરિવર્તન એ નારીની પોતાની જન્મજાત અસીમ આંતર્શક્તિમાંના અખૂટ વિશ્વાસ અને એણે ભોગવેલી તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसो मा ज्योतिर्गमय |

પેલા ઘોડાઓની ખરીઓ એના જીવતરના આકાશ પર મધરાત્રિના લિસોટાઓ છોડી જાય છે. રૂપક ધ્યાન આપવા જેવું છે. આ ઘટના એના જીવનને મધરાત્રિ નથી બનાવી દેતી, પણ જે રીતે ઘોડાની ખરી જમીન પર એમ આ ઘટના એના જીવતરના આકાશ પર મધરાત્રિના કાળા લિસોટા છોડી જાય છે. અર્થાત્, દિવસ હોય કે રાત, એના આકાશમાં આ કાળા લિસોટા કાયમ માટે નજરે ચડનાર છે. કોઈ સૂર્યનો પ્રકાશ આ લિસોટાને ગોપવી શકવા સમર્થ બનનાર નથી. નાનાં બાળકો પાસે સોફ્ટ ટોય્ઝનો એક આખો પરિવાર હોય છે. ટેડી બેર કે રેબિટ જેવા આ પોચાં રમકડાંઓ ભૂલકાંઓના પરમ મિત્ર હોય છે, જેમની સાથે તેઓ પોતાના અંગતતમ રહસ્યો ‘શેર’ કરતાં હોય છે. આ રમકડાં કદી કોઈને ચુગલી કરવા જતાં નથી. આપણે ત્યાં તો બળાત્કારના મોટા ભાગના કિસ્સા લોકડર ને લોકલાજે બહાર જ આવતા નથી. ભૂલ કોઈકે કરી છે, પણ આપણો સમાજ સજા ભોગ બનનારને જ કરતો આવ્યો છે. બળાત્કાર પામેલી સ્ત્રીએ મોઢું છૂપાવીને જીવવું પડે એ આપણી મહાન ભારતીય સંસ્કૃતિની અદભુત મહાનતાનું સુવર્ણપૃષ્ઠ છે! સમાજ આ સ્ત્રીને એ રીતે જુએ છે, જાણે અરેરે! આપણે બાકી રહી ગયા!!! વિદેશોમાં પરિસ્થિતિ આટલી ખરાબ નથી. ત્યાં સ્ત્રીઓ આગળ આવીને વાત કરી શકે છે. પણ એ છતાં હકીકત છે કે પાશ્ચાત્ય દેશોમાંય આજની તારીખે પણ ઘણી બધી સ્ત્રીઓ પોતાના જાતીય શોષણની વાત પોતાના સુધી જ સીમિત રાખીને જીવતી રહે છે. મોટાભાગના અપરાધ છતા થતા જ નથી. #MeToo આંદોલન સ્ત્રીઓ પોતાના પર થયેલા અત્યાચારોની વાત કરવા આગળ આવી એ બતાવે છે એના કરતાં વધુ તો એ વાતની સાબિતી આપે છે કે અત્યાચારો થયા હોવા છતાં કેટલી બધી સ્ત્રીઓ અત્યાર સુધી ચુપચાપ જીવ્યે જતી હતી! નાયિકા પણ પોતાના પર થયેલા અત્યાચારોની વાત પોતાના હાથ અટકાવનાર સમાજને કહેવા કરતાં નાના બાળકની જેમ સ્ટ્ફ્ડ ટોય્ઝને એ કરે છે. મતલબ એ પોતાના ઘા પોતાના પૂરતા સીમિત રાખે છે.

પણ એ મરી પરવારી નથી. દુર્ભાગ્યની ખીણમાં પછડાઈને ખતમ થવાને બદલે એ પાંખ ઊગાડીને ઊડી જવું નિર્ધારે છે. પૌરુષી અત્યાચારોનું આખું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ યોનિમાં નાંખીને કસરત કરતી ન હોય એ સહજતાથી પોતાના વિશ્વને સાચવે છે. જીવી લે છે પોતાનો રસ્તો શોધીને. કોઈને કશું કહ્યા વિના. ચુપચાપ. અધિકૃતતાથી. ચઢિયાતાપણાંથી. પૃથ્વીને પોતાના ખભા પર ઊંચકવા માટે એક પુરુષે-એટલસે- કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો! દુનિયા સદીઓથી એટલસની આ ક્ષમતાને માનભરી નજરે જોતી આવી છે. એટલસ પુરુષપ્રધાન સમાજનો ગૌરવાન્વિત નાયક છે. એના નામ પરથી ટાપુ (એટલાન્ટિસ) –સમુદ્ર (એટલાન્ટિક)ના નામકરણ કરવામાં આવ્યાં છે. પણ નાયિકા એટલસના આ તમામ ‘પુરુષાર્થ’ને વિસ્મિતભાવે જુએ છે. જે સહજતાથી-સરળતાથી એ પોતાની દુનિયાને વેંઢારી રહી છે એની સામે એટલસની આ મહાગાથા સાવ વામણી ભાસે છે. દૃશ્યને વેંઢારવું કદાચ આસાન છે, પણ અદૃશ્યને વેંઢારવું વધુ ક્ષમતા, વધુ સમર્પણ, વધુ પ્રતિબદ્ધતા માંગી લે છે. સ્ત્રી આ દુનિયાને પુરુષ કરતાં વધુ સહજતાથી-સરળતાથી લઈ શકે છે. છેક અહીં આવીને કવિતાનું શીર્ષક આપણને સમજાય છે. કવયિત્રી નાયિકાની પીડા ઊંચકવાની ક્ષમતા સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને, નાયિકાની ક્ષમતાનું મહિમાગાન કરીને, સ્ત્રીને- યૌનપીડિતાને સર્વોચ્ચ ‘માન’ આપે છે.

ગ્લૉબલ કવિતા : ૧૩૧ : સૈરન્ધ્રી – વિનોદ જોશી

સૈરન્ધ્રીની ભીતર રહેલી દ્રૌપદીની ભીતર રહેલી સ્ત્રી સાથે એક મુલાકાત : ૦૨

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’નો આપણે ગતાંકમાં પરિચય મેળવ્યો. હવે આગળ… )

સૈરન્ધ્રી તો નિમિત્ત છે. એ તો દેખીતી વાર્તાનું દેખીતું સ્તર છે. એ બહાને કવિ પરકાયાપ્રવેશ કરીને સ્ત્રીઓના મનોજગતનો તાગ મેળવવા મથે છે અને એ મથામણ આપણા સહુ સુધી પહોંચાડે છે. કૃષ્ણને જો યુગપુરુષ કહીએ તો એમની પરમ સખી દ્રૌપદી યુગસ્ત્રી હતી. એના વિના મહાભારત શક્ય જ નહોતું. જો કે દ્રૌપદી કવિનો હેતુ નથી. એમને તો એના ભાતીગળ જીવનમાંથી એક વરસ જેટલી નાનકડી સ્લાઇસ –સૈરન્ધ્રી- જ આપણને ચખાડવામાં જ રસ છે. એના બહાને એક સ્તર તેઓ નારીગત સંવેદનોથી આપણને અવગત કરાવે છે તો બીજી તરફ આપણી લુપ્ત થઈ ગયેલી ઓળખની પીડા અને એ પરત પામવા માટેની આપણા સહુના આજીવન મહાભારત સાથે એ આપણી ઓળખાણ કરાવે છે. આપણે સહુ અજ્ઞાતવાસમાં જીવીએ છીએ. સહુ પોતપોતાની ઓળખ ગુમાવી બેઠાં છીએ. સૈરન્ધ્રી આપણી જાતના ખોવાઈ જવાના કારણો અને નિવારણોના પૃથક્કરણની મહાગાથા છે. ‘સર્વ રૂપ સંકેલી લઈને, કેમ જીવવું અખંડ થઈને’ આ જ સહુની વિડંબના છે. જ્યારે ‘નિત્ય નિજત્વ અવાંતર જોવું’ પડે છે ત્યારે ‘અંતરિયાળ પડ્યું આ હોવું’ની પીડા અસહ્ય બની રહે છે.

વ્યાસના મહાભારતમાં જે નથી એ આ ‘સૈરન્ધ્રી’માં છે. સ્વયંવર ટાણે આ સ્ત્રી કર્ણના પ્રેમમાં પડી મનોમન એને વરી લે છે. કર્ણનો દેખાવ જ એવો છે. ‘તેજપુંજ છલકાય વદનથી, સૂર્ય ઊતર્યો હો અંબરથી!’ એના ‘વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી’ જોઈ પાંચાલી ‘તત્ક્ષણ મોહિત થઈ’ જાય છે. એને ‘આ જ પુરુષની હતી પ્રતીક્ષા,’ પણ ધૃષ્ટદ્યુમ્ન ‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર’ કહીને સૂતપુત્રને મત્સ્યવેધ કરતાં રોકે છે. ‘પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં, હવે નહીં પામું જીવનમાં’ની અતુલિત તૃષ્ણાથી વ્યાકુળ કૃષ્ણાને સવાલ થાય છે: ‘હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા?’ આ સવાલ શું સર્વકાલીન સર્વ સ્ત્રીઓનો નથી? અર્જુન મત્સ્યવેધ કરી આ ‘વસ્તુ અનુપમ’ને ઘરે લાવે છે અને કુંતી દરવાજા ખોલ્યા વિના જ ‘વહેંચી લો સમભાગ’ કહી દે છે. પાંડવો માટે આ સ્ત્રી એક ‘વસ્તુ’ જ હતી, મનુષ્ય નહીં. જો દ્રૌપદીને પાંડવોએ મનુષ્ય ગણી હોત તો દુર્યોધન કે દુઃશાસન એને સભામધ્યે ખેંચી લાવી શક્યા જ ન હોત અને કીચક એને લૂંટવાની ચેષ્ટા જ ન કરી શક્યો હોત. પાંડવોએ તો દ્રૌપદીનું ‘વસ્તુ જેમ જ કર્યું વિભાજન.’ આ વસ્તુને તો રોજની આ ચિંતા છે કે ‘કોનો વારો? કોણ હશે આજે પતિ મારો?’ એ એના મનમાં સ્પષ્ટ છે કે ‘હું નહિ વસ્તુ કોઈ વિક્રયની, હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની.’ વેદ વ્યાસ જ્યાં અટકી ગયા હતા, વિનોદ જોશી ત્યાંથી આપણને આગળ લઈ જાય છે. કવિતાની આ જ સાચી ઉપલબ્ધિ છે.

દ્રૌપદી પણ પાંચ પાંડવોની પત્ની બનવા છતાં કર્ણ પ્રત્યેના પોતાના ‘સોફ્ટ કૉર્નર’ને અવગણી નથી શકતી. એણે તો ‘હૃદય એકમાં રોકી દીધું, પંડ પાંચમાં વહેંચી દીધું’ છે. ભરસભામાં જ્યારે દ્રૌપદી ‘ત્રસ્ત હરિણ’ શી ફફડતી હતી, ત્યારે ‘અંગારે ભડભડતી આંખો, સૂર્ય લાગતો જાણે ઝાંખો’ લઈને ક્રોધનો માર્યો એકમાત્ર કર્ણ જ ‘નારી પ્રથમ, પછી પાંચલી, નથી પળાતી કેમ પ્રણાલી’ કહીને ‘પુંસક સ્વરથી’ ગર્જના કરે છે. દુર્યોધન જ્યારે ‘નારી માત્ર સદાની ભોગ્યા’ કહી એને વારે છે ત્યારે એ નપુંસકતાથી વસ્ત્રાહરણના સાક્ષી બનવાના બદલે, દુ:શાસનને દૂર ફગાવીને, કર જોડીને સહુની ક્ષમા માંગતો તરત સભા છોડી ગયો હતો. જ્યારે સામા પક્ષે-

કંપિત બેઠા પાંડવ પાંચે,
વીલાં વદન પરસ્પર વાંચે;
સન્નાટો ભરપૂર છવાયો,
ગયો પુરુષ ફેંકી પડછાયો. (૦૬-૦૩:૦૮)

એટલે જ પાંચ પતિઓ સાથે સરખામણી કરાવતો ‘નેત્રથી નખશિખ ચાખ્યો’ કર્ણ એક વરસના આ ગુપ્તવાસમાં ‘હોય સર્વ પણ કોઈ ન પાસે’ની એકલતા ખાળતો સ્મરણલોકમાં ‘કોઈ દૂર પણ ભીતર ભાસે’ જેવો અવારનવાર પધરામણી કર્યે રાખે છે. અજ્ઞાતવાસમાં કીચકની પડછંદ કાયા અને વિશિષ્ટ વ્યક્તિત્વથી પણ આ સ્ત્રી અંજાય છે અને કામોત્તેજના સુદ્ધાં અનુભવે છે. ‘સૈરન્ધ્રી રંગાઈ અનંગે, છાલક વાગી અંગે અંગે.’ ‘એક છતાં એકાધિક રૂપો’ ધરાવતી હોવા છતાં એના બહુવેશી વ્યક્તિત્વમાં રહેલી નારી ‘પ્રગટ થઈ સહસા અણધારી.’ એ જાણે છે કે ‘પુરુષમાત્રની તું અધિકારી; તું સ્ત્રી અનરાધાર અનંતા, સકળ સૃષ્ટિની તું જ નિયંતા’, ને તોય જ્યારે ‘ઝંખે મન પરિતોષ પરાયા’ ત્યારે ‘અળગી લાગે નિજથી કાયા.’ ‘એક તરફ અર્જુન હતો, કીચક બીજી પાસ’ની દુવિધામાં ફસાઈ હોવા છતાં એ પોતાની નારીસહજ આદિમવૃત્તિને વશ વર્તતી નથી એટલું એના પાંચ નિર્માલ્ય પતિઓનું સદભાગ્ય. ‘મનનાં કારણ કોઈ ન જાણે’ એ છતાં સૈરન્ધ્રી ‘મનની માયા મનમાં માણે’ છે. આપણી આ ‘કાયા અક્ષત કૂપ અધૂરો’ છે, અને એને ‘ઝંખે મન કરવાને પૂરો.’ એના સ્વપ્નમાં કર્ણ કીચક સાથે મલ્લયુદ્ધ કરી એના ‘મલિન શ્વાસને ટૂપી’ નાંખે છે અને દ્રૌપદી સાથે અદ્વૈત સાધે છે પણ ‘કેવળ સ્ત્રી નસનસમાં’ વ્હેતી હોવાની આદિમ પળે ‘નિજમાં બેસી નિજને છળતી’ ‘પાંડવપત્ની જાતનો, જોઈ રહી વિનિપાત’ અને ‘રક્તચાપ થીજી ગયો, થયા સ્તબ્ધ સહુ કોષ.’ પળમાં એ કીચકને પરાયો કરી પુનઃ પાંચાલીત્વને સાધે છે. આ સ્ત્રી છે. એનું સ્ખલન પુરુષની જેમ ભાગ્યે જ કાયમી અને વાસ્તવિક હોવાનું.

મધરાતે એના દ્વાર પર ટકોરા પડે છે ત્યારે એને સમજાય છે કે એના મહાન પાંચ પતિઓને તો આ ‘નગર વિરાટે વામન કીધાં’ અને ‘પાંડવકુળની ભૂંસી વ્યાખ્યા.’ ‘પાંડવકુળની આ પટરાણી, જાણે લુપ્ત થયેલી વાણી’ હોય એમ નિરાધારિતાના અહેસાસથી વ્યગ્ર છે. દ્યૂત રમીને વિના વિચાર્યે બધું હારીને સંકટ જીતનાર પાંડવપતિઓ સાથે એ સહમત નથી. પત્નીભાવે એણે પતિઓનો નિર્ણય માથે લીધો અને પટરાણી હોવા છતાં તેર વરસથી એ તકલીફોના જંગલમાં ભટકી રહી છે, પણ સ્ત્રીભાવે એ ‘સ્વયં પરાક્રમ ક્યાંય ન’ કરનારા અને ‘મૃગજળને જળ માની’ લેનાર પતિઓને વણજોતી વિપદા વળગાડી આપનાર તરીકે ક્ષમા આપી શકે એમ નથી. જે પતિઓ પોતાને દાસીરૂપે જુએ છે અને લજ્જાતા પણ નથી એ પતિઓની હાજરીમાં ‘તિમિર વચાળે તેજ ફસાયું’ હોવાની પારાવાર વ્યથા એ અનુભવી રહી છે. ‘મરતાં રહીને છાનું છાનું, અંતે આમ જીવી જવાનું?’નો પ્રશ્ન એના અસ્તિત્વને આરીની જેમ આરપાર વહેરી રહ્યો છે, ‘કાળજે કર્બુર ચીરા’ પાડી રહ્યો છે. દરવાજે અર્જુન હશે કે કીચકની અટકળમાં રાતના કાજલઘેરા અંધકારમાં બિલકુલ એકલી અબળા હોવાના કારણે જે સૈરન્ધ્રી કબૂતર પેઠે ડરની મારી ફફડી રહી હતી, એને છેવટે સમજાય છે કે ‘જટિલ કોયડા ઉકલે જાતે’.

ઓળખ સકળ ઉતરડી નાખી,
કેવળ નિજતા સંગે રાખી;
કોઈ ન સ્વામી, કે નહિ દાસી;
વ્યક્તિરૂપ લીધું અવિનાશી. (૦૫-૦૫:૦૭)

સૈરન્ધ્રી’ વિનોદ જોશીની ગીતા છે. વાર્તાની વચ્ચેના ખાલીપામાં એ જે કહી રહી છે, એ સરવા કાને સાંભળી શકીએ તો નરવા ને ગરવા જીવનની ગેરંટી છે. તમામ ઓળખ ત્યાગીને જે ઘડીએ માણસ પોતાના નિજત્વને સાચા અર્થમાં પામી લે છે ત્યારે એનું વ્યક્તિત્વ અવિનાશી બને છે. પણ કમળપત્ર પરથી પાણી, એમ દુનિયા પાસેથી લીધેલા તમામ લેબલ ખેરવવા અનિવાર્ય છે. સૈરન્ધ્રી જે ઘડી મનથી જ્ઞાત-અજ્ઞાત ઓળખોનો ત્યાગ કરી ‘નિજની સંત્રી’ બને છે એ ઘડીએ એ ‘અધિક સભાન, પૂર્ણ ભયમુક્તા’ બને છે અને દ્વાર ખોલે છે. દાસી તરીકે જે કીચકના વ્યક્તિત્વના જાદુપાશમાં એ કવચિત્ બંધાઈ હતી, સ્ત્રી તરીકે એ કીચકના મર્મસ્થાન પર તીક્ષ્ણ છરીનો એવો ઘા કરે છે કે કીચક નામના ‘પડછાયાનો અંત’ આવે છે, અને એને સમજાય છે:

ભૂંસી દઈ સઘળા સરવાળા,
પ્હેર્યાં અંદરનાં અજવાળાં;
પામી સમજણ સીધીસાદી,
સદા જાત હોય જ સંવાદી. (૦૫-૦૭:૦૩)

સહુને સહુનાં રૂપ અનોખાં,
કરે પરસ્પર લેખાંજોખાં. (૦૫-૦૭:૦૪)

કોઈ ન પહોંચે ગંતવ્યોમાં,
અધવચ અટકે મંતવ્યોમાં. (૦૫-૦૭:૦૫)

બહારની તમામ ગણતરીઓ ભૂંસી દઈને માણસ એની ભીતરના અજવાળાંને જ્યારે ધારણે કરે છે ત્યારે જ એને સમજાય છે કે દરેક માણસ એકાધિક રૂપોનો બોજ લઈને જીવતો જ હોય છે અને આ બધાં રૂપ ‘પરસ્પર લેખાંજોખાં’ કર્યે રાખતાં હોય છે. પણ સીધીસાદી વાત એ છે કે બધા પરસ્પર સંવાદમાં હોય જ છે. સંબંધોની લાશને ખભે વેંઢારીને આપણે સહુ રાજા વિક્રમ જેવી અનર્થ જિંદગી જીવ્યે રાખ્યે છીએ. કોઈને મંઝિલ સુધી પહોંચવામાં રસ નથી, સૌ પોતપોતાના મંતવ્યોમાં જ રત રહે છે.

કીચક પર પ્રહાર કરવાના અપરાધસર સૈરન્ધ્રીને બેડી બાંધી કેદ કરવામાં આવે છે. સૈરન્ધ્રી માટે તો કેદ લુપ્ત ઓળખની હોય કે આ કારાવાસની, ‘ભીંતો બદલાઈ ગઈ, અન્ય કશો નહિ ભેદ’. એ સમજી ગઈ છે કે, ‘સહુને કારાવાસ સદાનો, વ્યર્થ મુક્તિના સર્વ વિધાનો.’ એ જાણી ગઈ છે કે, ‘એક વરસની કેવળ ભ્રાન્તિ, જન્મારે નહિ મળશે શાંતિ.’ પણ પાંડવ તો ‘નિદ્રાગ્રસ્ત હતા હજી, અંદર અપરંપાર.’ એ લોકોને એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, જે કીચકના ડરે અને હત્યાએ દ્રૌપદીની અંદર અજવાસ પાથરી દીધો હતો. એ લોકો ચિંતિત છે, પણ અર્જુન ગઈ સાંજની વાત જાણતો હતો. દ્રૌપદીએ સ્વયં કીચક પર પ્રહાર કેમ કર્યો એ પ્રશ્ન એને સતાવે છે. રાજા મૃત્યુદંડ ફરમાવે છે પણ દ્રૌપદી આવનારા અનિવાર્ય ઘોર વિનાશને જોઈ મલકી રહી હતી:

કીચક માર્યો એક, પણ કીચક હજી અનેક,
ઇચ્છે નહિ નારી, છતાં વિવશ કરે જે છેક. (૦૬-૦૧:દોહો)

ઘડી કઠોર, ઘડી મુલાયમ ચિત્ત આપણા સહુની સમજણ બહારનો પ્રદેશ છે:

સમજાતું નહીં ચિત્ત સલૂણું,
વજ્રકઠોર કુસુમથી કૂણું. (૦૬-૦૨:૦૧)

વિગત-અનાગતની પળોજણમાં ડૂબીને જિંદગી વ્યર્થ વહી જવા દેવાના બદલે જે પળ વહી રહી છે, એને જ પકડી લઈ એમાં જ જીવી લઈએ તો કશું અકળ રહેતું નથી:

સમજી લેવા અર્થ સકળને,
પકડી લેવી વહેતી પળને. (૦૬-૦૨:૦૧)

જે ઘડીએ આપણે સહુ વ્યર્થ વળગણોને ત્યાગીને ઈષ્ટ અને ખરી સમજણને વળગીશું એ ઘડીએ સઘળી ભ્રાન્તિ દૂર થાય છે, ચિત્ત સ્વસ્થ બને છે અને પરમ પ્રશાન્તિ પ્રાપ્ત થાય છે. જિંદગી તો મુઠ્ઠીમાં પરપોટા ભરવાની રમત છે. ‘પલકે પાંપણ જે ક્ષણ ક્ષણમાં, નહિ દેખાય કદી દર્પણમાં.’ આંખ પલકારો મારે એ ઘડી એ દૃષ્ટિ બંધ થવાની ઘડી છે. એટલી ઘડીભર માટે આપણે દર્પણમાં આપણી જાત સાથેનો નાતો ગુમાવી બેસીએ છીએ. પાંપણ ઊંચકાય એ પછી જ આપણે જાત સાથે પુનઃઅનુસંધાન સાધી શકીએ છીએ. સૈરન્ધ્રીના નિમિત્તે કવિ ડુંગળીના પડળની જેમ જિંદગીના એક પછી એક પડ ઉવેખતા જઈ ભીતરના અર્ક સાથે આપણને સતત મુખોમુખ કરતા રહે છે, એ આ કાવ્યની ખરી ઉપલબ્ધિ છે. બેવડી ઓળખનું અંધારું રગદોળીને અજવાળું ગોતી પરમ મોતી પરોવવાનું છે.

પરિઘ પાર ચકરાવો લઈને,
કેન્દ્રબિંદુમાં પહોંચી જઈને;
વર્તુળ પાછું ટાંગી દઈને,
જવું શૂન્યમાં શાશ્વત થઈને. (૦૬-૦૬:૦૭)

સકળ સંસારમાં ફરી-વિહરીને અંતે તો અસ્તિત્વના કેન્દ્રબિંદુને જ તાગવાનું છે અને એ થતાં જ વર્તુળનો પણ છેદ કરી શૂન્યની શાશ્વતી સુધી ગતિ કરવાની છે. મરીઝનો અમર શેર યાદ આવ્યા વિના નહીં રહે: ‘હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું, તેથી અનંત છું.’ દ્રૌપદી પણ ‘બ્હાર જઈને ભીતર આવી’ છે, અને ‘મધ્યબિંદુને મનમાં લાવી’ છે. પ્રતિહારી સૈરન્ધ્રીને લેવા આવે છે ત્યારે એ સુદૃઢ પગલે આગળ ‘નિજની વિજયપતાકા’ ફરકાવતી ચાલે છે. એના મનોમન તો કર્ણ પ્રત્યેની ‘સહજ પ્રેમની ઉત્તમ ગતને’ માણી રહી છે. સભાગૃહમાં લોકોની સાથે પાંડવો પણ બંદીવાન પત્નીનો આ તમાશો મૂંગા મોઢે જોઈ રહ્યા છે. પાંડવો તો હજી પણ દ્યૂતસભાવાળી મનોસ્થિતિમાં જ છે-નિર્માલ્ય, નપુંસક, નિષ્ક્રિય. પત્નીના રક્ષણની ચિંતા થવાના બદલે તેઓને ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો, પુનઃ હવે વનવાસ થવાનો’ એ ચિંતા વધુ છે. પરંતુ ‘નહીં અંધારું, નહીં અજવાળું’ એવા નિરાળા અસ્તિત્વને અનુભવતી દ્રૌપદી તટસ્થભાવે ઊભી છે. એ જાણે છે કે–

કાપે નહિ વાયુને કુહાડો,
પડે ન જળમાં કદી તિરાડો;
નભ ક્યારેય ન ટેકો માગે,
પૃથ્વીને પથ્થર શું વાગે? (૦૭-૦૧:૦૪)

પાંડવોએ દ્રૌપદીને ભોગવી છે, સૈરન્ધ્રીને જોઈ રહ્યા છે પરંતુ:

જાણે પાંડવ સૈરન્ધ્રીને,
જાણે નહીં એમાંની સ્ત્રીને;
જોયા કાંઠા, જોયાં જળને,
કદી ન જોયાં ઊંડા તળને. (૦૭-૦૨:૦૫)

વિરાટ જેવા રાજાને પ્રશ્ન થાય છે કે ‘નારીમાં ધનુધારીનો કેમ થયો ટંકાર?’ એકાકી અબળા છે ને વળી દાસી છે તોય આને ભય કેમ નથી? સુદેષ્ણા પણ સ્ત્રી તરીકે પોતાના ભાઈની હત્યારી હોવા છતાં એને સમભાવે જુએ છે. લોકો કૌતુકવશ છે. અમાત્યમંડળ સૈરન્ધ્રીને મરણચિતા પર ચડાવી તત્કાળ અગ્નિદાહ દેવાનો દંડ કરે છે અને દ્રૌપદીની આંખ સમક્ષ દ્યૂતસભા ફરી સજીવન થાય છે. માણસ પોતાની ઓળખ જતી કરીને સ્વાંગ ધારે છે ત્યારે એ ‘નરવી નિજતા ખોઈ’ બેસે છે. દ્રૌપદીને સામે આવેલ અંતમાં નવો અભ્યુદય દેખાય છે, જ્યાં ઓળખની શિક્ષા દીધા વિના મત્સ્યવેધની પરીક્ષા થશે અને ‘નિજતામાં સહુ પાછાં વળશે.’ સસ્મિત વદને એ ચિતા પર ચડી બેસે છે. મનોમન પુનઃ સ્વયંવર રચે છે, જેમાં કર્ણ કુસુમાયુધ વડે નયનથી જ મત્સ્યવેધ કરી ‘નિજતા સહજ પરસ્પર સોંપી’ને વરમાળા પહેરે છે. ચિતાને આગ લગાડવામાં આવે છે પણ જ્વાળા કાષ્ઠને અડતી નથી. યાજ્ઞસેની દ્રૌપદી તો ‘હતી જન્મથી ભડભડ બળતી, નિજથી છૂટી નિજમાં ભળતી; નિત્ય કોઈને મનથી મળતી, નિજમાં બળવા પાછી વળતી’ હતી.

સૂર્ય પૂર્ણ કળાએ એમ તપી રહ્યો હતો, જાણે ચારે દિશાઓમાં આગ લાગી હોય. સર્વ દશાઓ અનુપમ અને સર્વ દિશાઓ નિકટ લાગે છે. પાંચે પાંડવ વ્યાકુળ ઊભા છે પણ સૃષ્ટિનું આ નર્તન જાણે કે અનંત છે. કાવ્યારંભે જે સાંજ વિવશ હતી અને આકાશ નિરાધાર હતું એ કાવ્યાંતે અનંતતામાં પરિણમે છે. તમામ ઉંબરાઓ ઓળંગીને તેજ નગરભરમાં પ્રસરી રહ્યું છે. દિશાઓ સતત એ રીતે અને એટલો વિસ્તાર પામી રહી છે કે સૂર્ય કદી આથમી જ નહીં શકે. ચિતાએ ચડેલી સૈરન્ધ્રીનું પછી શું થયું એ કહ્યા વિના કવિતા સમાપ્ત થાય છે. આમેય કવિતાનો આ ફાંટો પ્રચલિત મહાભારતથી ક્યારનો અલગ થઈ ગયો છે. કવિ કલાકાર છે, ઇતિહાસકાર નથી. કવિનો ઉદ્દેશ સૈરન્ધ્રી વેશધારી દ્રૌપદીની ભીતરની સ્ત્રીને તાગવાનો છે. એક પુરુષે પાંચેક હજાર વર્ષ પહેલાંની ઘટનાઓને સામેથી જોઈને આલેખી હતી, અને એક બીજો પુરુષ પાંચેક હજાર વર્ષ બાદ એ ઘટનાઓમાંની એકાદની ભીતર જઈને ઘટના કરતાંય પાત્રોના મનોભાવને આલેખવાનો પુરુષાર્થ કરે છે. બંનેમાં જમીન-આસમાનનો તફાવત છે, પણ બંને જ નખશીખ આસ્વાદ્ય છે.