Category Archives: જયશ્રી મર્ચન્ટ

વસંત – જયશ્રી વિનુ મર્ચન્ટ

વસંત ફૂલ હોય છે
ને ફૂલ હોય છે વસંતના ભીના ચહેરાની કુમાશ.
વસંત પાળે છે સપનાં
કોઈ પાંડુની હ્દ્રયવ્યથામાં
વસંત ઉજવે છે ઉત્સવ.
યમુના તટે,
મધરાતે,
પંચમની સૂરસુધામાં
તરબતર થયેલ ગોપીસંગે
છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં.

પછી, એ ચાલી જાય છે સંતાકૂકડી રમવા
હિમાલયના બરફમાં પાછી.

રમતાં રમતાં થાકી જાય છે ત્યારે એ
ચક્રવાક મિથુનને શોધતી,
ગગનચુંબી શૃંગો પરથી
હસ્તી, ખેલતી, દડબડતી,
નીચે ઉતરી આવે છે
પ્રણયીની આંખોના વનમાં
ને પછી, એક દિવસ
આ વનમાં,
અહીંના દ્રૂમોમાં,
સૂરજસંગે
તડકે-છાંયે
રમી રમીને થાકે છે ત્યારે,
ચૂપચાપ, એક દિવસ,
વસંત પાછી ચાલી નીકળે છે…

ને પછી –
સૂકાભઠ વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા લીલા વાંસના ઘર્ષણથી,
ને, પછી… બાકી રહે છે બળતરા,
રાખ અને રાખમાંથી ચિનગારી.

વસંતને આવતાં તો આવડે છે પણ
પાછા જવાની રીત નથી આવડતી.

– જયશ્રી વિનુ મર્ચન્ટ

નલિની માડગાંવકર (૫.૪.૧૯૪૨ – ૬.૯.૨૦૨૨) ~ ખુદના દીવાના તેજે હવે મારે આકાશ જોવું છે (શ્રદ્ધાંજલિ) ~ જયશ્રી વિનુ મરચંટ

નલિનીબેન માડગાંવકર
(૫.૪.૧૯૪૨ – ૬.૯.૨૦૨૨)
નિવૃત્ત પ્રાધ્યાપિકા (SNDT), કવયિત્રી, અનુવાદક, રવીન્દ્ર સંગીત શિક્ષિકા

નલિનીબેન સાથેના સંસ્મરણો
~ જયશ્રી વિનુ મરચંટ

નલિનીબેન માડગાંવકર, મુંબઈના સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં એક એવું નામ, કે જેને એકવાર કોઈ મળે એ એમનાં મેગ્નેટીક વ્યક્તિત્વના દાયરામાં આપમેળે ખેંચાઈને આવ્યા વિના રહે નહીં. એમની સાલસતા પણ એવી કે જે આવે એને દિલથી આવકારે. એમની સાથે કોઈનેય પરાયાપણું પણ ન લાગે. એટલું જ નહીં, એમની વિદ્વતાનો ભાર એમના વ્યક્તિત્વમાં તો જરાયે ન મળે.

એમને મળનારાઓમાંથી કોઈને પણ એમનાં જ્ઞાનની આભામાં આવરી લેવાનો જરાપણ એમને ધખારો નહીં. ઊલટાનું સામેવાળાને તલભરનુંય વાતચીતમાં ઓછાપણું ન લાગે એનું ધ્યાન સામેથી રાખે!

૧૯૭૮માં ‘કિન્નરી’ નામની સંસ્થા આદરણીય તારિણીબેન દેસાઈ એ સમયે ચલાવતાં હતાં. આ સંસ્થાએ ગુજરાતી વાર્તા હરિફાઈ યોજી હતી. ૨૨મી સપ્ટેમ્બર ૧૯૭૮ને દિવસે એનું પરિણામ જાહેર કરવાના હતાં જેનો સમારંભ ભૂલાભાઈ મેમોરિયલ હોલમાં યોજવામાં આવ્યો હતો.

મારી વાર્તાને ત્રીજું ઈનામ મળ્યું હતું. બીજું ઈનામ આદરણીય જયાબેન મહેતાને અને પહેલું ઈનામ આદરણીય નલિનીબેન માડગાંવકરને મળ્યું હતું.

ખીચોખીચ ભરેલા હોલમાં, પહેલાં મેં મારી વાર્તા “સુખની શોધમાં” વાંચી. પછી જયાબેને એમની અને છેલ્લે નલિનીબેનનો પ્રથમ ઈનામ પ્રાપ્ત વાર્તા વાંચવાનો વારો આવ્યો.

ત્યારે તેમણે ઊભાં થઈને વાર્તા વાંચતાં પહેલાં કહ્યું, “ભલે મારી વાર્તાને પહેલું ઈનામ મળ્યું છે પણ નવોદિત લેખિકા જયશ્રી મરચંટની વાર્તા સાચા અર્થમાં પહેલા ઈનામની હકદાર છે. હું મારી વાર્તા વાંચું એ પ્રથમ એમને મારા હાર્દિક અભિનંદન આપું છું. આશા છે તેમની કલમ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં સતત ફાળો આપતી રહેશે.”

એમનાં શબ્દોની સચ્ચાઈ, સ્વભાવની સાલસતા અને નિખાલસ સ્મિત આજે પણ એટલાં જ મારા મનમાં તરોતાજાં મોગરાંના ફૂલો સમાં મહેકી રહ્યાં છે. સાવ નવી લેખિકાની પહેલી વાર્તા અને સાવ અજાણ્યું નામ, કોણ આ રીતે આટાઅટલાં લોકો વચ્ચે બિરદાવે? પણ એ જ તો નલિનીબેન હતાં!

પોતાની સાથે અન્યને પણ ઊંચા ઊઠાવવા માટે હાથ લંબાવવાનું જિગર જોઈએ અને આ જિગર માટે અંતરની સલામતી અને વિશ્વાસની આવશ્યકતા છે. નલિનીબેનના અભ્યાસ અને વિદ્વતાએ એમને સલામતી અને આત્મવિશ્વાસની મિરાત આપી હતી આથી જ તો કોઈ પણ છોછ વિના તેઓ સહજતાથી કહી શક્યાં.

૧૯૭૮, ઓક્ટોબરમાં અમે અમેરિકા આવી ગયાં. દર બે વર્ષે એકવાર તો ભારત જવાનું થતું જ. આદરણીય પન્નાબેન નાયકના ઘરે હ્રદયસ્થ સુરેશભાઈ દલાલ સાથે વ્યક્તિગત રીતે પરિચય થયો.

સુરેશભાઈને મળવા હું જ્યારે પણ એમની એસ.એન.ડી.ટી. ની ઓફિસે જતી ત્યારે અચૂક નલિનીબેન મળતાં. ચારેક વાર કેન્ટીનમાં તો બે-એક વાર અમે ચર્ચગેટ પર “રેશમભવન”માં ચા-કોફી માટે મળ્યાં છીએ.

હું મેડિકલ સાયન્સના વિષયો ભણી હતી અને અમેરિકામાં એ જ ક્ષેત્રમાં કામ કરતી હતી. મારું અન્ય ભારતીય ભાષાના સાહિત્યનું જ્ઞાન તો નહિવત્ પણ તેઓ પાસેથી બંગાળી લેખકોના પુસ્તકો અને મને યાદ આવે છે ત્યાં સુધી ઓરિસ્સાના લેખકોના પુસ્તકો વિષે ઘણું જાણવા મળતું. તેઓ એટલી વિશદતા અને તલ્લીનતાથી બોલતાં હોય ત્યારે મને એમ જ થતું કે આ સમય પૂરો જ ન થાય તો કેવું સારું?

અમેરિકાના વસવાટના પ્રારંભના દસ વર્ષો મારે માટે બહુ તકલીફો ભર્યાં હતાં. તેઓ કાયમ મારી વાત પ્રેમપૂર્વક પૂછતાં, સાંભળતાં અને હંમેશાં આત્મીયતાથી મારો હાથ પકડીને કહેતાં કે “પોતા પર ભરોસો રાખજે. રસ્તા જાતે જ નીકળશે, બસ, અટકી નહીં પડતી. એક દિવસ બધું જ સરખું થઈ જશે.”

કોઈ લાંબુ શરમન કે ઉપદેશ નહીં કે કોઈ સલાહ-સૂચનો નહિ. કોઈ જાતનું જજમેન્ટ નહિ. માત્ર એક માણસાઈથી છલકાતો સ્પર્શ જે કદાચ હજારો શબ્દોથી પણ વધુ અસરકારક હતો.

ધીરેધીરે મારું ભારત જવાનું ઓછું થતું ગયું. એમણે કહ્યું હતું એમ, વિપરીત પરિસ્થિતિઓમાંથી રસ્તાઓ નીકળતાં ગયાં. તો બીજી બાજુ, કામકાજ અને કુટુંબની જવાબદારીઓ વધતાં ભારતનો સંપર્ક છૂટતો ગયો, ઓછો થતો ગયો. નલિનીબેનને યાદ કરીને ક્યારેક પત્ર લખતી તો વેળાસર એમનો જવાબ અવશ્ય આવતો, પછી ભલે હું સમયસર વળતો જવાબ લખું કે ન લખું!

અનેક વર્ષો પછી, એમની સાથે સંપર્ક ફરી સ્થાપિત અનાયસે થયો. ૨૦૧૭, ડિસેમ્બરની ૨૨ તારીખે મારા બે કાવ્યસંગ્રહોનું વિમોચન ઈમેજ પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું હતું. એમાંથી “લીલોછમ ટહુકો” કાવ્યસંગ્રહની પ્રસ્તાવના માટે કવિશ્રી હિતેન આનંદપરાએ જ્યારે નલિનીબેનના નામનો પ્રસ્તાવ મૂક્યો તો મારા આનંદનો પાર ન રહ્યો.

એમની તબિયત ત્યારે પણ બહુ સ્વસ્થ નહોતી છતાં બધાં કાવ્યોનો ઝીણવટથી અભ્યાસ કરીને ખૂબ સરસ “ઓબ્જેક્ટિવ” પ્રસ્તાવના લખી આપી. અને જ્યાં જરૂર હતી ત્યાં ટપારી પણ ખરી.

વિમોચનના દિવસે જ્યારે મને મળ્યાં ત્યારે ખૂબ રાજી થઈને કહ્યું, “તું લખતી રહેજે. લખવાનું છોડતી નહિ. વાર્તાઓ હજી લખે છે કે નહિ? અને હા, અનુવાદો પણ કરજે.”

વિમોચન પ્રસંગે નલિનીબેન, ખલીલ ધનતેજવી, ઉત્પલ ભાયાણી, હિતેન અને મુકેશ

અનુવાદ કરવાની વાત સાંભળીને મને સુરેશભાઈની યાદ આવી ગઈ. સુરેશભાઈ કાયમ કહેતાં કે ગુજરાતી ભાષા અનુવાદના સાહિત્ય પ્રકારને વિકસાવવામાં ખૂબ પછાત અને ગરીબ છે. આટલાં બધાં વર્ષો પછી પણ નલિનીબેનને આ બધું યાદ હતું એ મારે માટે બહુ મોટી વાત હતી.

નલિનીબેન, તમે મારા જેવા કેટલાય નવશિખીયાઓને અને વિદ્યાર્થીઓને ઊભા કરવામાં યોગદાન આપ્યું હશે એ વિષે તમે ક્યારેય ન ક્યાંય લખ્યું, ન બોલ્યાં કે ન કોઈ ક્રેડિટ લીધી. તમારી કોલમ, કવિતા અને સાહિત્યની સેવા આજીવન તમે કરતાં રહ્યાં, એક સાચા કર્મયોગીની જેમ.

૨૦૧૭ ડિસેમ્બર પછી વચ્ચે વચ્ચે આપણે ફોન પર વાતો કરતાં. છેલ્લે ઘણાં સમય પહેલાં વાત થઈ ત્યારે તમે ખૂબ વ્હાલથી કહ્યું હતું કે “લીલોછમ ટહુકો”માં જે કન્યાવિદાયનું કાવ્ય છે તે ખૂબ જ હ્રદયસ્પર્શી છે. એમાંથી સરસ ગીત લખી શકાય.”


નલિનીબેનના હસ્તાક્ષરમાં પ્રસ્તાવવાનું એક પાનું
ત્યારે ક્યાં ખબર હતી કે તમે આમ ચિરવિદાય લઈને કાયમની ‘એક્ઝીટ’ લઈ લેશો?

હું મુંબઈમાં સ્થાયી નથી આથી મારી ધારણાં કદાચ ખોટી પણ હોય છતાં મને એવું લાગે છે કે નલીનીબેને સાહિત્ય માટે ખૂબ કામ કર્યું પણ પોતાની ફૂટપ્રિન્ટ તો બહુ જ આછી રાખી. ગુજરાતી ભાષાનું કંઈક અંશે આ કમભાગ્ય પણ છે કે, આવા “Low Foot Print” વાળા ધરખમ કામ કરી જનારાઓની નોંધ જોઈએ એટલી લેવાતી નથી. પણ આશા રાખીએ કે નલિનીબેનનું સુંદર અને બેનમૂન કામ અને એમની બહુમુખી પ્રતિભા એમને સાહિત્યના આસમાનમાં સપ્તર્ષિ સમ કાયમ ચમકતાં રાખે.

નલિનીબેન, હવે જ્યારે પણ ભારત આવીશ ત્યારે તમારી ખોટ વર્તાશે. ૨૦૧૭ ડિસેમ્બર પછી હું આવી નથી શકી અને હવે આવીશ ત્યારે તમારી કમી હશે, તમે નહીં હો. તમને મારી અશ્રુભરી શ્રદ્ધાંજલિ.

~ જયશ્રી વિનુ મરચંટ (અમેરિકા)

આપ ચોમાસું હૃદયમાં કેવું છલકાવી ગયા – જયશ્રી વિનુ મરચંટ

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”
~ સ્વરકાર અને સ્વર: માધ્વી મહેતા
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-3.)

Apple Music Link:
https://apple.co/3nEAwtn
Spotify Link:
https://spoti.fi/3nCno82
Lyrics:
આપ ચોમાસું હૃદયમાં કેવું છલકાવી ગયા
હું પૂરી ભીંજાઉં એ પ્હેલાં જ તરસાવી ગયા

આંગળી પકડીને લઈ ચાલ્યા પ્રણયની લીલ પર
માંડ ડગ માંડ્યાં હતાં, ત્યાં હાથ સરકાવી ગયા

શુષ્કતા મારું મને સરનામું બહુ પૂછ્યા કરે,
આપું કે ના આપું એ વિચાર અકળાવી ગયા

“ભગ્ન”દિલ કંઈ પણ કહે, તો કોણ સાંભળશે અહીં?
તીરછા એક સ્મિતથી, પાછા એ ભરમાવી ગયા

– જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”

વાત તારી ને મારી છે – જયશ્રી વિનુ મરચંટ

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર – સ્વરઃ હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ

~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946

આ ગઝલના શબ્દો અને સંગીત ભલે પહેલીવાર સાંભળતા હોવ, પણ ખાસ તો મત્લા અને આ સ્વરાંકન જાણીતા અને પોતીકા લાગે છે – જાણે કે આ શબ્દોને જ સાકાર કરતા હોય  – વાત તારી મારી છે! 
વિશ્વ સંગીત દિવસે આપણું આંગણું બ્લોગ તરફથી આ વિશ્વના આંગણે ધરાયેલી ભેટ છે – આપ સૌ ને પણ એ એટલી જ પોતાની લાગશે એ આશા છે. 

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૧.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)

Apple Music Link:
https://apple.co/3xxlwC4
——————–
ગઝલ:
શબ્દની પાલખી મેં એટલે શણગારી છે
છે ગઝલ ને તે છતાં વાત તારી-મારી છે

તું કહે તો વન મહીં ને તું કહે તો મન મહીં
જ્યાં કહે ત્યાં આવવાની આપણી તૈયારી છે

ચંદ્ર થઈ ઊગ્યો છે તું બેઠી છું હું ચાતક બની
એક એવી કલ્પના મેં તારા વિશે ધારી છે

જ્યારે એને ખોલું છું કે તું તરત દેખાય છે
મારા ઘરમાં ખૂબ અંગત એક એવી બારી છે

ભગ્ન દીવો યાદનો પેટાવીને મૂક્યો છે મેં
ત્યાં જ એનું આવવું, ઘટના ઘણી અણધારી છે

કોણ પછી – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

આ મારી ગઝલો છે કે નહીં એની પરખ કરશે કોણ પછી ?
આપણી વચ્ચે સૌ ગુફ્તેગુ તો જાહેર કરશે કોણ પછી ?

મને અળગો રાખીને ન પૂછ્યા કર કે આ જુદાઈ કેમ છે ?
મિલનની મસ્તીની કદર આપણા જેટલી કોણ કરશે કોણ પછી ?

ગમે છે સૌ દર્દ દુઃખ જેટલાં જ મને, એનુંય કારણ છે ,
માવજત દુઃખોની મારા જેવી મારા વિના કરશે કોણ પછી ?

‘ભગ્ન’ જીવનનો ભરોસો પણ રહ્યો નહીં તો શું થઈ ગયું ?
ન હોત જો મોટ તો ખુદાનો ભરોસો કહે, કરશે કોણ પછી ?

– જયશ્રી મર્ચન્ટ

ફીણ વચ્ચે – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

થીજે સૂરજ પણ ઠંડા સમંદરના ફીણ વચ્ચે !
ઓગળે હવા ટીપે ટીપે, બળબળતા મીણ વચ્ચે !

હું પડઘા બનીને, કેવી આપ વેરવિખેર થઈ ગઈ?
બસ, હવે તો વસું છું, એકલી આ ખીણ વચ્ચે!

પથ્થરો ફેંક્યા કર્યા સતત આયના બહાર કાઢવા મને,
ચહેરો તરડાઈને યે રહ્યો અકબંધ, પ્રતિબિંબ વચ્ચે.

તમારું આમ અચાનક આવવું, નકી જ સપનું છે!
મને ખણી દો ચૂંટી, છું કદાચ હજુયે નીંદ વચ્ચે !

‘ભગ્ન’ લાગણીએ કરડાતી ગઈ સાવ છેવટે !
થીજતી ગઈ હું ધીમે ધીમે રહીને આમ હીમ વચ્ચે!

– જયશ્રી મર્ચન્ટ

સાવ અમસ્તાં – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

વરસાદ ન ય આવે, ચાલને સાથે વરસીએ સાવ અમસ્તાં !
મોસમ ભલે બદલે, પણ ન આપણેબસ બદલીએ સાવ અમસ્તાં!

ન સજવું, સજાવવું, મહેંકવું, મહેંકાવવું, ઘર, મંદિર યા બાગમાં,
આપણે તો બસ, ખીલીને કરમાઈએ સાથે, સાવ અમસ્તાં !

ક્યાં કોલ માણવા છે કે ક્યાં વચનો તોડવાં છે, આપણે અહીં ?
બસ મૂકીને હાથમાં હાથ ચાલતા રહીએ, સાવ અમસ્તાં !

આ ઝરણું, કિરણ, ઘટા, તારા, ફૂલ, પહાડો અને આ દરિયો
અહીં આમ જ બસ, નિરર્થક ફરતાં રહીએ, સાવ અમસ્તાં !

‘ભગ્ન’ શ્વાસ બંધ થવા સુધી હસતા રહીએ સાવ અમસ્તાં !
બસ અમસ્તાં અમસ્તાં, હસતાં હસતાં જીવતાં રહી, સાવ અમસ્તાં !
– જયશ્રી મર્ચન્ટ

વાતમાં વાત – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

વાતમાં વાત જેવું કશુંયે બાકી રહ્યું છે જ ક્યાં ?
કહેવા જેવું તું તે હજુ સુધી કહ્યું છે જ ક્યાં ?

મને આંસુઓનાં સાગરમાં ડૂબી જવા દો હવે,
તરણાના આશરા જેવુંયે કશુંક રહ્યું છે જ ક્યાં?

સરી જતો બંધ મુઠઠીમાંથી, રેતીની જેમ સમય,
મુઠ્ઠીમાં બાંધી રાખવા માટે, ભાગ્ય રહ્યું છે જ ક્યાં?

જા, તું અને હું બેઉ હવે તો મુક્ત થઈ ગયા અંતે,
બંધાઈને રહેવા જેવું કોઈ સગપણ રહ્યું છે જ ક્યાં?

‘ભગ્ન’ ગઝલોની ‘વાહ વાહ’ની ગુંજ છે મહેફિલમાં,
સમજીને ગઝલને ચાહનારું કોઈ રહ્યું છે જ ક્યાં?

– જયશ્રી મર્ચન્ટ

ઓસરીએ – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

ચાલ વર્ષો પછી બેસીએ, આજે સાથે ઓસરીએ !
વીતેલાં અબોલાનો ઉત્સવ ઉજવીએ, ઓસરીએ !

માછલી બની દરિયામાં ક્યાં, તરતાં-રમતાં રહેવું છે?
તારી સાથે જળ વિના તરફડવું છે, બેસી ઓસરીએ !

વાવેલાં હરિત વૃક્ષો શું મુળીયાંભેર જ ઊખડી ગયાં !
ખરેલાં પાનનો ખડકલો રહી ગયો હવે ઓસરીએ !

પડુંપડું થતી ઘરની ભીંત કે છતનો શો છે ભરોસો ?
ઘરનો આભાસ તો બાકી રહેશે સદાયે ઓસરીએ !

વન-ઉપવનને શહેરોના અજગર ભલેને ગળી ગયા,
બાકી તોય રહ્યો છે હજુય તુલસી ક્યારો ઓસરીએ !

‘ભગ્ન’ સંબંધોની સીલક છે, વર્ષો જૂના થોડા પત્રો !
વાંચ્યા કરો બેસી હવે, એને, એકાંતની ઓસરીએ !
– જયશ્રી મર્ચન્ટ

હું અને દરિયો – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

આ તું, આ સ્નિગ્ધ ક્ષણોના પહાડ,
ને આ હું અને દરિયો !
આ નયનનું ગગન, આ કાજળનાં વાદળ,
ને આ હું અને દરિયો !

આ તારી હસ્તરેખા, આ માર ખાલી હાથ
ને આ હું અને દરિયો !
આ તારા હાથોની મહેંદી મારું રંગહીન નસીબ
ને આ હું અને દરિયો !

આ તારા કેશ, આ ચમેલીની સુગંધના તરંગ,
ને આ હું અને દરિયો !
આ તારો સ્પર્શ, આ અધરોની ઘટા સઘન
ને આ હું અને દરિયો !

આ તું, આ રેશમી રાત, સરકતું ગગન;
ને આ હું અને દરિયો !
આ વણથંભી સફર ને જન્મોથી પ્રતિક્ષિત તું-
હું અને દરિયો !
– જયશ્રી મર્ચન્ટ