કવિ શ્રી ઉમાશંકર જોશી ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )
માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં, શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, આંગણા ઓકળી-લીંપેલા
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયા કરે….
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયા કરે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બધ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા કવાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી, પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીંધા કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો,
ધરતીની દ્યુતિ – અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો,
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.